મંડલા : સ્થાન-સીમા-વિસ્તાર : મધ્યપ્રદેશના જબલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 80° 45´ પૂ. રે.ની આજુબાજુનો 13,269 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં શાહડોલ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ બિલાસપુર અને રાજનંદગાંવ જિલ્લા, દક્ષિણે બાલાઘાટ જિલ્લો, નૈર્ઋત્ય અને પશ્ચિમે સેવની જિલ્લો તથા પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તરમાં જબલપુર જિલ્લો આવેલા છે. તેનાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર અનુક્રમે 133 કિમી. અને 182 કિમી. જેટલાં છે. જિલ્લાનું નામ જિલ્લામથક મંડલા પરથી અપાયેલું છે. મંડલા જિલ્લાના મધ્ય-નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે.

મંડલા જિલ્લો

ભૂપૃષ્ઠજળપરિવાહ : પશ્ચિમ તરફના ભાગોને બાદ કરતાં જિલ્લાનું ભૂપૃષ્ઠ સંપૂર્ણપણે પહાડી છે. ઉત્તર, ઈશાન, પૂર્વ અને અગ્નિ તરફ મૈકલ હારમાળા પથરાયેલી છે, મધ્યમાં મૈકલ અને રાયગઢના ઉચ્ચપ્રદેશો છે. તેમાં નદીખીણો તેમજ ખીણપ્રદેશોમાં સમૃદ્ધ જંગલો આવેલાં છે. નર્મદા અહીંની મુખ્ય નદી છે. નર્મદાની સહાયક નદી ગૌડ આ જિલ્લામાંથી નીકળે છે.

ખેતીપશુપાલન : ડાંગર, ઘઉં અને ચણા અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીં આશરે 5,17,000 હેક્ટર જેટલી જમીન ખેતીલાયક છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પશુઓ છે.

ઉદ્યોગવેપાર : અહીંનાં જંગલોમાંથી લાકડાં અને બીડીનાં પાન મેળવવામાં આવે છે. જિલ્લામાં લાકડાં વહેરવાના અને બીડી બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે. લાકડાં અને જંગલ-પેદાશોની નિકાસ થાય છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લો જબલપુર સાથે નૈનપુર રેલજંક્શન મારફતે જોડાયેલો છે તથા મંડલા-જબલપુર સડકમાર્ગથી જિલ્લાનાં નગરો સંકળાયેલાં છે. જિલ્લામાં આવેલો કિલ્લો એકમાત્ર જોવાલાયક સ્થળ છે. વાર-તહેવારોએ જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ મેળા ભરાય છે તેમજ ઉત્સવો યોજાય છે.

વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 12,91,263 જેટલી છે, તે પૈકી 6,49,444 પુરુષો અને 6,41,819 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 11,92,213 અને 99,050 જેટલું છે. અનુસૂચિત જાતિજનજાતિની સંખ્યા 8,02,986 જેટલી છે. જિલ્લામાં હિન્દી ભાષા બોલાય છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને જૈન લોકોની વસ્તી વિશેષ છે, જ્યારે શીખ, બૌદ્ધ તેમજ ઇતર ધર્મીઓની વસ્તી ઓછી છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 3,85,960 જેટલી છે. તે પૈકી 2,71,425 પુરુષો અને 1,14,535 સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ 3,22,150 અને 63,810 જેટલું છે. નગરો અને ગામડાંઓમાં એક કે બીજા પ્રકારની શિક્ષણ-સુવિધાઓ છે. 1,848 પ્રાથમિક શાળાઓ, 308 માધ્યમિક શાળાઓ, 3 વ્યાવસાયિક સંસ્થાઓ તથા 8 કૉલેજોની વ્યવસ્થા છે. નગરોમાં તેમજ 155 જેટલાં (7.36 %) ગામડાંઓમાં તબીબી સેવાઓ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 તાલુકાઓ અને 16 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચી નાખવામાં આવેલો છે. જિલ્લામાં 5 નગરો અને 2,160 (54 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : પ્રાચીન સમયમાં આ પ્રદેશનો સમ્રાટ અશોકના સામ્રાજ્યમાં સમાવેશ થયો હતો. આ વિસ્તારમાં જબલપુર તરફ રૂપનાથનો અશોકનો શિલાલેખ મળવાથી તેનો ઇતિહાસ ઈ. પૂ.ની ત્રીજી સદીથી શરૂ થતો ગણાય. અલ્લાહાબાદના સ્તંભલેખ પરથી જાણી શકાય છે કે ગુપ્તવંશના મહાન વિજેતા સમુદ્રગુપ્તે ઈ. સ.ની ચોથી સદીમાં આ પ્રદેશ પર વિજય મેળવ્યો હતો. ત્રિપુરી(તેવાર)માં રાજધાની રાખીને ડાહલમંડલના કલચુરી રાજાઓ કોકલ્લદેવ (ઈ. સ. 845), ગાંગેયદેવ, કર્ણ (1040–1072) વગેરે રાજાઓ થઈ ગયા. તેમના સામંતો ગોંદ વંશના નાગદેવ, જદુરાય વગેરે ગઢ-મંડલાના રાજાઓ કહેવાતા. મંડલા જિલ્લાના રામનગરના મોતીમહેલનો લેખ હિરદેશાહનો છે. તેમાંથી ગોંદ રાજાઓની વંશાવળી મળે છે. તેઓમાં પ્રતાપી સંગ્રામશાહે (આશરે ઈ. સ. 1480) ચૌરાગઢમાં કિલ્લો, સંગ્રામ-સાગર (વિશાળ તળાવ), મંદિર વગેરે બાંધકામો કરાવ્યાં હતાં. 1818માં મંડલા જિલ્લાનો પ્રદેશ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડવામાં આવ્યો. 1848માં મંડલાનો અલગ જિલ્લો રચવામાં આવ્યો અને 1867માં હાલના જિલ્લાની રચના કરવામાં આવી.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ