મંડલ પંચ : 1977 બાદ કેન્દ્રમાં સત્તા પર આવેલી જનતા પાર્ટી-(મોરારજી દેસાઈ – વડાપ્રધાન)ની સરકારે ડિસેમ્બર 1978માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો(અન્ય પછાત વર્ગો અથવા અધર બૅકવર્ડ ક્લાસિઝ – OBC)ની સ્થિતિની તપાસ કરવા અને તેમના ઉત્કર્ષ તેમજ કલ્યાણ માટે જરૂરી ઉપાયો સૂચવવા માટે બિન્દેશ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે નીમેલું એક પંચ. મંડલ પંચે પોતાનો હેવાલ 31 ડિસેમ્બર, 1980ના રોજ સુપરત કર્યો, પણ દરમિયાનમાં જનતા પક્ષની સરકારનું પતન થતાં, તે અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નહિ. ત્યારપછી 1980થી 1989 સુધી કૉંગ્રેસ પક્ષ કેન્દ્રમાં સત્તા પર રહ્યો. તેણે એના અમલ વિશે કોઈ વિચાર કે નિર્ણય ન કર્યો.

1989ની સામાન્ય ચૂંટણી વખતે જનતા દળ જેનો મુખ્ય ઘટક પક્ષ હતો, તે રાષ્ટ્રીય મોરચાએ પોતાના ચૂંટણી-ઢંઢેરામાં તેનો પૂરેપૂરો અમલ કરવાનું વચન આપ્યું. 1990ના ઑગસ્ટના પ્રથમ અઠવાડિયામાં તેનો અમલ કરવાનો વી. પી. સિંહના વડાપ્રધાનપદ હેઠળની કેન્દ્રીય કૅબિનેટે નિર્ણય લીધો અને સંસદમાં તેની જાહેરાત કરવામાં આવી. ત્યારપછીના મહિનાઓ દરમિયાન એની સામે દેશનાં ઘણાં રાજ્યોમાં; ખાસ કરીને, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહારમાં, હિંસક આંદોલનો – વિદ્યાર્થી આંદોલનો – થયાં. યુવાન વિદ્યાર્થીઓએ આત્મવિલોપન દ્વારા પોતાનો વિરોધ પ્રગટ કર્યો. આ મુદ્દે વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન દેવીલાલ વચ્ચે ભારે મતભેદો પેદા થયા. સરકાર સંસદમાં વિશ્વાસનો મત જીતી શકી નહિ અને નવેમ્બર, 1990માં તેણે રાજીનામું મૂકવું પડ્યું.

મંડલ પંચે કરેલી મુખ્ય ભલામણો નીચે મુજબ છે :

(1) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો – સમૂહો – જ્ઞાતિઓ માટે કેન્દ્ર અને રાજ્યની નોકરીઓ, જાહેર ક્ષેત્રની નોકરીઓ, શિક્ષણ-સંસ્થાઓ અને સરકારની મદદથી ચાલતી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં 27 ટકા બેઠકો અનામત રાખવી. પંચે તેના હેવાલમાં જણાવ્યું છે કે જેને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કહી શકાય એવી જ્ઞાતિઓની કુલ સંખ્યા 3,743 જેટલી છે અને તેમની કુલ વસ્તી દેશની વસ્તીના આશરે બાવન ટકા જેટલી છે. અનામત બેઠકોની કુલ ટકાવારી પચાસ ટકા કરતાં વધવી ન જોઈએ, એવા સર્વોચ્ચ અદાલતના ચુકાદાને કારણે આ જ્ઞાતિઓના સભ્યોની સંખ્યા બાવન ટકા હોવા છતાં, તેમણે 27 ટકા બેઠકો અનામત રાખવાની ભલામણ કરી છે. અનુસૂચિત જ્ઞાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના સભ્યો માટે વસ્તીના ધોરણે (22.5 ટકા) અનામત બેઠકોની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે.

(2) બઢતીના દરેક સ્તરે 27 ટકા બેઠકો આ જ્ઞાતિઓ–વર્ગો માટે અનામત રાખવી.

(3) પછાત વર્ગો–જ્ઞાતિઓનું જ્યાં કેન્દ્રીકરણ થયું હોય ત્યાં શિક્ષણને લગતી વિશેષ સવલતો ઊભી કરવી, જેથી આ સમૂહોના વિદ્યાર્થીઓને અનુકૂળ શૈક્ષણિક-સાંસ્કૃતિક વાતાવરણનો લાભ મળે.

(4) આ સમૂહોના સભ્યોને ધંધાકીય – રોજગારલક્ષી તાલીમ આપવાનાં પગલાં લેવામાં આવે.

(5) ટૅકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણસંસ્થાઓમાં આ સમૂહોના વિદ્યાર્થીઓ અન્ય વર્ગોના વિદ્યાર્થીઓની સમકક્ષ આવી શકે, તે માટે તેમના સારુ ખાસ તાલીમવર્ગોનો પ્રબંધ કરવામાં આવે.

(6) આ સમૂહોનો ઘણો મોટો ભાગ ગ્રામીણ વિસ્તારોમાં રહેતો હોવાથી અને કારીગરોનો બનેલો હોવાથી તેમના કૌશલ્યવિકાસના વિશેષ કાર્યક્રમો હાથ ધરવામાં આવે.

(7) આ સમૂહોના સભ્યો સ્વરોજગારી અને નાના ઉદ્યોગો શરૂ કરી શકે તે માટે તેમને હળવા વ્યાજની લોન આપવાનાં પગલાં લેવામાં આવે.

(8) વેપાર-ઉદ્યોગ-વાણિજ્યનાં વિવિધ ક્ષેત્રોમાં આ સમૂહોના સભ્યોની ભાગીદારી વધે તે માટે નાણાકીય અને ટૅકનિકલ સંસ્થાઓની એક સમગ્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવે.

(9) ઉત્પાદન-સંબંધોમાં માળખાગત ફેરફારો થાય એ ર્દષ્ટિએ પ્રગતિશીલ ભૂમિસુધાર કાયદાઓ ઘડવામાં આવે અને તેમનો અમલ કરવામાં આવે.

(10) આ સમૂહોના સભ્યોના ઉત્કર્ષ માટે રાજ્ય-સરકારો દ્વારા ઘડવામાં આવેલા કાર્યક્રમોને અમલમાં મૂકવા સારુ, કેન્દ્ર-સરકાર અનુસૂચિત જ્ઞાતિઓ અને જનજાતિઓની જેમ, રાજ્ય-સરકારોને ઉદારતાથી મદદ આપે.

મંડલ પંચની અનામત બેઠકો અને બઢતીમાં અનામત સંબંધી ભલામણોએ ભારે વિવાદ ઊભો કર્યો. એની એ સિવાયની ભલામણો પ્રત્યે ઝાઝું ધ્યાન આપવામાં આવ્યું નહિ.

મંડલ પંચની મુખ્ય ભલામણો(અનામત બેઠકો અને બઢતીમાં અનામત)ને અમલમાં મૂકતા કેન્દ્ર સરકારના ઠરાવ(ઑફિસ મેમોરૅન્ડમ)ને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો. સર્વોચ્ચ અદાલતની નવ ન્યાયમૂર્તિઓની બનેલ બેંચે ‘ઇન્દિરા સોહની વિ. ભારત સરકાર’ કેસમાં તેનો ચુકાદો આપ્યો (16 નવેમ્બર, 1992).

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અથવા સમૂહો માટે કેન્દ્ર સરકારની નોકરીઓમાં 27 ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય બંધારણીય છે; પણ એમાં અદાલતે કેટલીક મહત્વની શરતો મૂકી : (1) આ પછાત વર્ગો અથવા સમૂહોમાં જેઓ ‘સાધનસંપન્ન’ (‘ક્રિમી લૅયર’) છે, તેમને અનામત પ્રથામાંથી બાકાત રાખવામાં આવે. કેન્દ્ર સરકાર ‘સાધનસંપન્ન’ને બાકાત રાખવા માટેનાં જરૂરી ધોરણો ઘડી કાઢે. (2) આ સમય દરમિયાન સરકાર આ વર્ગો અથવા સમૂહો માટે કાયમી પંચની સ્થાપના કરે, જે પછાત વર્ગોમાં સામેલ કરવા સંબંધી અથવા તેમને બાકાત રાખવા સંબંધી માંગણીઓ, ફરિયાદો વગેરેને લગતા મુદ્દાઓનું નિવારણ કરે અને (3) સામાન્ય રીતે, એ પંચની ભલામણો અથવા સલાહનો સ્વીકાર કરવામાં આવે અને જો તેમનો સ્વીકાર ન કરે તો તે માટેનાં ચોક્કસ કારણો દર્શાવે.

સર્વોચ્ચ અદાલતે બીજા એક મહત્વના મુદ્દાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તેમના માટે જ અનામત બેઠકોની જોગવાઈ કરી શકાય, આર્થિક રીતે પછાત હોય એમના માટે નહિ. ગરીબીનો આર્થિક માપદંડ અનામત માટેનો એક- માત્ર માપદંડ બની શકે નહિ. બંધારણમાં પણ સામાજિક-શૈક્ષણિક પછાતો માટે જ જોગવાઈ છે, આર્થિક રીતે પછાત (ગરીબી) માટે નહિ.

ઉપરાંત તેણે સ્પષ્ટ કર્યું કે અનામત બેઠકોની કુલ ટકાવારી પચાસ ટકા કરતાં વધવી જોઈએ નહિ. અગાઉ નહિ ભરાયેલ અનામત બેઠકોને ત્યારપછીનાં વર્ષોમાં ‘નહિ ભરાયેલ બેઠકો તરીકે આગળ ખેંચી શકાય’ (‘કૅરી ફૉરવર્ડ’), પણ એમ કરતાં કુલ અનામત બેઠકોની ટકાવારી પચાસ ટકા કરતાં વધવી જોઈએ નહિ.

વળી, અદાલતે એવી પણ સ્પષ્ટતા કરી કે પછાત વર્ગો કે સમૂહોનું પછાતપણું નક્કી કરવા માટે જ્ઞાતિ (એટલે કે જન્મ) એકમાત્ર ધોરણ હોઈ શકે નહિ. પછાતપણાને પરખી કાઢવા માટે જ્ઞાતિ એ આરંભબિંદુ હોઈ શકે, કારણ કે ભારતમાં જ્ઞાતિ-આધારિત ધંધા-વ્યવસાયની પરંપરાને કારણે ઊભું થતું સામાજિક પછાતપણું એક વાસ્તવિકતા છે. આમ છતાં, જે સમુદાયોમાં જ્ઞાતિપ્રથા નથી, તેમને માટે અનામત બેઠકોની જોગવાઈ કરવા સારુ જ્ઞાતિ સિવાયનાં બીજાં પ્રસ્તુત પરિબળો; જેવાં કે, ધંધો, શિક્ષણ, ગરીબી વગેરેને આધારે તેમના પછાતપણાને પરખી શકાય. આથી, શીખો, ખ્રિસ્તીઓ, મુસ્લિમો વગેરે સમુદાયો પૈકી જે પછાત છે, તેમને અનામતનો લાભ મળી શકે.

બઢતીમાં અનામત સંબંધી મુદ્દા વિશે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતોને નોકરીઓમાં પ્રવેશબિન્દુ(એન્ટ્રી-પૉઇન્ટ)એ અનામતનો લાભ આપી શકાય, પણ બઢતીમાં અનામતનો લાભ આપી શકાય નહિ. તેણે જણાવ્યું કે કેન્દ્ર-સરકાર, રાજ્ય-સરકારો, સરકારી કૉર્પોરેશનો, જ્યાં અનામતપ્રથા છે, ત્યાં બઢતીમાં અનામત પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે.

‘બઢતીમાં અનામત નહિ’ એવા સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં ફેરફાર કરતો 77મો બંધારણીય સુધારો 1995માં સંસદે પસાર કર્યો. એ હેઠળ બંધારણની કલમ 16માં એક નવું ક્લૉઝ (4–એ) દાખલ કરવામાં આવ્યું. રાજ્યની નોકરીઓમાં અનુસૂચિત જ્ઞાતિઓ અને જનજાતિઓનું પૂરતું પ્રતિનિધિત્વ નથી એવું જો સરકારને લાગે, તો તે, તેમની તરફેણમાં બઢતીમાં અનામતની જોગવાઈ કરી શકે એવી સત્તા આ બંધારણીય સુધારા થકી આપવામાં આવી છે.

આ ઐતિહાસિક ચુકાદાના કેટલાક મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચે એવા છે. (1) ‘ઑફિસ મેમોરૅન્ડમ’ દ્વારા અનામત બેઠકો દાખલ કરવાનો મુદ્દો બંધારણીય છે. મતલબ કે, સંસદ કે ધારાગૃહો સમક્ષ ગયા સિવાય કારોબારી તેના ‘ઑફિસ મેમોરૅન્ડમ’ દ્વારા તેનો અમલ કરી શકે છે. તે માટેના જરૂરી કાયદા ઘડવાનું કામ પાછળથી હાથ પર લઈ શકાય. (2) સામાજિક-શૈક્ષણિક પછાતો માટે અનામત બેઠકોની જોગવાઈ બંધારણીય છે, પણ તેમાં ‘સાધનસંપન્નો’ને બાકાત રાખવા જોઈએ, અને (3) માત્ર ગરીબી, એટલે કે, આર્થિક પછાતપણાને કારણે અનામત પ્રથાનો લાભ આપી શકાય નહિ, તેમ કેવળ જ્ઞાતિ પણ સામાજિક-શૈક્ષણિક પછાતપણાનો એકમાત્ર આધાર બની શકે નહિ.

દિનેશ શુક્લ