મંગલેશ (રાજ્યકાલ ઈ. સ. 597–611) : દખ્ખણના વાતાપી અથવા બાદામી(બીજાપુર જિલ્લો)ના ચાલુક્ય વંશનો રાજા. તે ‘મંગલરાજા’, ‘મંગલીશ’, ‘મંગલેશ્વર’ તરીકે પણ ઓળખાતો હતો. તે પુલકેશિન પ્રથમ(રાજ્યકાલ ઈ. સ. 535–566)નો પુત્ર અને કીર્તિવર્મન્ પહેલા- (ઈ. સ. 566–597)નો નાનો ભાઈ હતો. કીર્તિવર્મનના અવસાન-સમયે તેનાં સંતાનો સગીર હોવાથી તેણે રાજગાદી સંભાળી. મહાકૂટ સ્તંભલેખમાં જણાવ્યા મુજબ તેણે કલચુરી રાજા બુદ્ધરાજને ઈ. સ. 602માં હરાવ્યો હતો. ઐહોલના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે, કલચુરી રાજા પર તેનો વિજય તથા રેવતીદ્વીપની તેની જીત – એ બંને તેની મહત્વની સિદ્ધિઓ હતી. કોંકણમાં રાજ્ય કરતા અને અઢાર લડાઈઓના વિજેતા ચાલુક્ય વંશના રાજા સ્વામીરાજને તેણે મારી નાખ્યો હતો. ઘણુંખરું આ સ્વામીરાજને કીર્તિવર્મન્ પહેલાએ કોંકણના સૂબા (વાઇસરૉય) તરીકે નીમ્યો હતો અને તે પુલકેશિન બીજાને મંગલેશ વિરુદ્ધ સમર્થન આપતો હતો. મંગલેશ ‘રણવિક્રાંત’, ‘પૃથ્વીવલ્લભ’ જેવાં બિરુદો ધરાવતો હતો. તે પરમ ભાગવત એટલે કે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેણે બાદામીમાં વિષ્ણુ ભગવાનનું ગુફામંદિર બંધાવ્યું હતું.
મંગલેશને તેના રાજ્ય-અમલનાં છેલ્લાં વરસોમાં, તેના મોટા ભાઈ કીર્તિવર્મન્ પહેલાના પુત્ર પુલકેશિન બીજા સાથે આંતરવિગ્રહ થયો અને તેમાં તે માર્યો ગયો. ઐહોલના શિલાલેખમાં જણાવ્યા અનુસાર, મંગલેશ તેના પુત્રને ગાદીવારસ બનાવવા માગતો હોવાથી આંતરવિગ્રહ થયો હતો.
જયકુમાર ર. શુક્લ