મંગળ : સૂર્યમંડળના ગ્રહોમાં બુધ, શુક્ર અને પૃથ્વી પછીનો ગ્રહ. તેની સપાટી પર વિશેષ પ્રમાણમાં આવેલ ફેરિક ઑક્સાઇડ-(Fe2O3)નાં સંયોજનોને કારણે તે રાતા રંગે પ્રકાશતો જણાય છે અને તેના આ રક્તવર્ણને કારણે તેને યુદ્ધદેવતાનું પ્રતીક માનવામાં આવ્યો છે. સૂર્યથી સરેરાશ 23 કરોડ કિલોમિટર અંતરે આવેલ આ ગ્રહ, સૂર્ય ફરતું તેનું કક્ષાભ્રમણ 687 દિવસમાં પૂરું કરે છે અને તેની પોતાની ધરી પર 25 કલાકે એક આંટો ફરે છે. તેની ભ્રમણધરી તેની કક્ષાના સમતલની લંબદિશા સાથે 25° જેવો ખૂણો (પૃથ્વી માટે તે 23.4°નો છે) બનાવે છે. આમ મંગળ ઉપર પણ તેના કક્ષાભ્રમણ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોમાં રાત્રિદિવસ નાનાંમોટાં થતાં રહે છે અને તે કારણે ઋતુચક્ર પણ સર્જાય છે. સૂર્યથી જે અંતરે રહેતાં પૃથ્વીના પ્રકારનું તાપમાન સંભવી શકે તે અંતરમાં શુક્ર, પૃથ્વી તથા મંગળ આવેલાં છે. તેથી મંગળના ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિનો ઉદભવ થયો છે કે કેમ તે બાબતે વૈજ્ઞાનિકોમાં કુતૂહલ છે. મંગળનો ગ્રહ પૃથ્વી કરતાં નાનો (ત્રિજ્યા 3,398 કિમી.) છે અને તેની સરેરાશ ઘનતા (3.9 × 103 કિગ્રા./ઘનમીટર) પૃથ્વીની (5.5 × 163 કિગ્રા/ઘનમીટર) ઘનતાના પ્રમાણમાં ઓછી છે. આમ તેના કેન્દ્રભાગમાં, પૃથ્વીના પ્રમાણમાં નિકલ અને લોખંડ જેવાં ભારે દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવું જોઈએ.

4,00,000 કિમી.ના અંતરેથી લેવાયેલી મંગળની તસવીર

મંગળની કક્ષા નોંધપાત્ર પ્રમાણમાં લંબગોળ છે. સૂર્યથી તેનું મહત્તમ અંતર 25 કરોડ કિલોમિટર અને લઘુતમ અંતર 20.8 કિલોમિટર જેવું રહે છે. આ કારણથી, જ્યારે પૃથ્વી મંગળ અને સૂર્યની વચ્ચે આવે છે [દર 26 માસના ગાળે બનતી આ ઘટનાને પ્રતિયુતિ (opposition) કહેવાય છે.] ત્યારે પૃથ્વી અને મંગળ વચ્ચે રહેતા અંતરમાં સારા એવા પ્રમાણમાં ફેરફાર થતો રહે છે અને સરેરાશ દર 15 વર્ષને ગાળે આ અંતર 5.6 કરોડ કિલોમિટર જેટલું લઘુતમ થાય છે. આ સમયે મંગળ સવિશેષ તેજસ્વી જણાય છે અને પૃથ્વી પરથી અવલોકનો માટે આ સમય શ્રેષ્ઠ ગણાય છે. 1988 પછી આવી સ્થિતિ 2018માં આવશે. ભૂતકાળમાં, 1877માં આ પ્રકારની પરિસ્થિતિ સમયે Schiaparelli નામના એક ઇટાલિયન ખગોળવિજ્ઞાનીએ મંગળનાં જે (નરી આંખનાં) અવલોકનો લીધાં તેમાં તેને રેખાકાર રચનાઓ જણાઈ, જેને તેણે canali તરીકે વર્ણવી. આ પરથી મંગળ ઉપર માનવપ્રકારના બુદ્ધિશાળી જીવ દ્વારા સર્જાયેલ નહેરોની કલ્પના ઉદભવી. આ પ્રકારની કલ્પનાના આધારે એચ. જી. વેલ્સ નામના સાહિત્યકારે તેમની પ્રખ્યાત કૃતિ ‘War of the Worlds’ રચી, જેમાં મંગળના જીવ દ્વારા પૃથ્વી પર આક્રમણની કલ્પના છે. 1938માં જ્યારે આ કૃતિ પર આધારિત રેડિયો-રૂપાંતરનું Orson Welles દ્વારા U. S.માં પ્રસારણ થયું ત્યારે લોકોએ આને સત્ય ઘટના માનીને ભાગદોડ મચાવી મૂકી હતી !

છેક વીસમી સદીની શરૂઆતથી માંડીને 1965 સુધીનાં વર્ષો દરમિયાન મંગળ ઉપર માનવપ્રકારનું ઉત્ક્રાંતિ પામેલ જીવન, નહિ તો કોઈ પ્રકારનું પ્રારંભિક જીવન તો હોવું જોઈએ, એવી માન્યતા પ્રબળ હતી. મંગળ ઉપર સમય સાથે બદલાતા જણાતા કાળાં ધાબાં જેવા વિસ્તારો કોઈ પ્રકારની વનસ્પતિને કારણે સર્જાતાં હશે એમ પણ મનાતું હતું. વળી મંગળ ઉપર ઋતુ અનુસાર, તેના ધ્રુવીય પ્રદેશો ઉપર વિસ્તરતા અને સંકોચાતા સફેદ વિસ્તારો, બરફને કારણે સર્જાતા મનાતા હતા; પરંતુ જ્યારે વર્ણપટીય અભ્યાસમાં મંગળના વાતાવરણમાં પાણીની બાષ્પનું પ્રમાણ નહિવત્ જણાયું ત્યારે આ સફેદ વિસ્તારો થીજેલા કાર્બન ડાયૉક્સાઇડને કારણે સર્જાતા હોવાનું જણાયું.

1965 પછી અવકાશયાનો દ્વારા શરૂ થયેલ અભ્યાસે મંગળ વિશેના આપણા ચિત્રને સંપૂર્ણપણે બદલી કાઢ્યું અને ખાસ તો 1976માં મોકલાયેલાં વાઇકિંગ (Viking) અવકાશયાનોએ મંગળ વિશેના માનવજાતના પ્રત્યક્ષ જ્ઞાનમાં ઘણો મોટો ફાળો આપ્યો. બંને વાઇકિંગ અવકાશયાનોમાં મંગળ ફરતી કક્ષામાં ઘૂમતા Orbiter અને સપાટી પર ઊતરી અભ્યાસ કરતા Lander – એમ બે વિભાગો હતા. Landerમાં સ્વયંસંચાલિત પ્રયોગશાળાઓ હતી.

પ્રયોગશાળાઓ દ્વારા મંગળ ઉપર કોઈ પ્રકારની સૂક્ષ્મ જીવાણુસૃષ્ટિ હયાત છે કે નહિ તે અંગેના પ્રયોગો હાથ ધરાયા, પરંતુ આ પ્રયોગો કંઈક અંશે અનિર્ણાયક રહ્યા એમ કહી શકાય. ત્યારબાદ ગઈ સદીના અંતભાગમાં નાસા(NASA)નાં બે અન્ય અવકાશયાનો મંગળ ઉપર પહોંચ્યાં. તેમાંના પાથફાઇન્ડર (Pathfinder) યાને મંગળ ઉપર તેના વાતાવરણની પરિસ્થિતિ જાણવા માટેનાં સાધન તથા તેના ખડકોના અભ્યાસ માટે સૉજોર્નર (Sojourner) નામની એક નાની ગાડી ઉતાર્યાં. બીજા અવકાશયાને (Mars Global Surveyor) મંગળ ફરતી કક્ષામાં ઘૂમીને તેની સપાટીની વિસ્તૃત તસવીરો ઝડપી.

આ સમગ્ર અભ્યાસમાં મંગળનું વાતાવરણ પૃથ્વીના વાતાવરણ કરતાં સોમા ભાગથી પણ ઓછા દબાણવાળું જણાયું. વાતાવરણના વાયુઓમાં 95 % કાર્બન ડાયૉક્સાઇડ, થોડા પ્રમાણમાં નાઇટ્રોજન અને અલ્પ પ્રમાણમાં આર્ગન, ઑક્સિજન અને પાણીની બાષ્પ જણાય છે. તાપમાન ઋતુ અને સમય અનુસાર 0° સે.થી – 100° સે. જેવા પ્રમાણમાં બદલાતું રહે છે. પવનની ઝડપ સરેરાશ 10 કિમી. પ્રતિસેકન્ડ જેવી જણાય છે; પરંતુ અવારનવાર ધૂળનાં વમળો ઊડતાં પણ જણાય છે. મંગળનો ગ્રહ ઘણી વાર દિવસો સુધી રેતીની આંધીથી છવાઈ જાય છે એ વાત તો અવકાશયાનો દ્વારા અભ્યાસ શરૂ થયો તે પહેલાંથી જ્ઞાત હતી. પવનોની ઝડપ અત્યધિક નહિ હોવા છતાં તેના નિર્બળ ગુરુત્વાકર્ષણને કારણે આવી ઘટનાઓ સર્જાતી હોવાનું મનાય છે.

માનવરહિત વાઈકિંગ–2 પરથી ર્દશ્યમાન મંગળની ભૂમિ

અવકાશયાનોના અભ્યાસે એક આશ્ચર્યજનક વાત તો એ દર્શાવી કે હાલમાં આ ગ્રહનું વાતાવરણ અત્યંત ક્ષીણ અને શુષ્ક હોવા છતાં, તેની સપાટી પર ભૂતકાળમાં પાણીનાં વિસ્તૃત વહેણો હોવાની નિશાનીઓ છે. મંગળના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના વિસ્તારો ઘણા અલગ તરી આવતા જણાયા છે. દક્ષિણ ગોળાર્ધની સપાટી લગભગ ચાર અબજ વર્ષ જેટલી જૂની અને મોટી સંખ્યામાં પ્રપાતકુંડો(craters)થી ભરપૂર છે, જ્યારે ઉત્તર ગોળાર્ધની સપાટી, લાવાના વિસ્તૃત પ્રવાહો દ્વારા નવસર્જિત (બે-ત્રણ અબજ વર્ષ જૂની) જણાય છે. સપાટી પર હાલને તબક્કે નિષ્ક્રિય એવા પાંચેક મોટા અને બીજા ઘણા નાના જ્વાળામુખી પર્વતો જણાય છે; જેમાંનો Mons Olympus, 27 કિલોમિટરની ઊંચાઈ સાથે સૌર મંડળનો ઊંચામાં ઊંચો પર્વત છે ! પૃથ્વી પર ચાલી રહી છે તેવી ભૂખંડ સરકવાની પ્રક્રિયા (plate tectonics) મંગળ પર સર્જાઈ જણાતી નથી અથવા તો સર્જાવા સાથે જ બંધ પડી ગઈ જણાય છે. આ કારણથી જ્વાળામુખી દ્વારા ફેલાયેલા લાવારસનું ઉત્સર્જન-સ્થાન એ જ સ્થળે રહેલું જણાય છે અને તેથી આવા ઊંચા પર્વત સર્જાયાનું મનાય છે. મંગળ ઉપર Valles Mariners નામે ઓળખાયેલ એક ઊંડી અને હજારો કિલોમિટર લંબાઈની ખીણ પણ હોવાનું જણાયું છે. તે ઉપરાંત ઉત્તર ગોળાર્ધમાં બે-ત્રણ અબજ વર્ષ જૂના સમુદ્ર જેવા વિસ્તારોની નિશાનીઓ પણ Mars Global Surveyorની તસવીરોમાં જોવા મળી છે.

મંગળના ઉપગ્રહો : ફોબૉસ અને ડાઇમૉસ : તે બંને ઉપગ્રહો ભય અને ત્રાસના પ્રતીકરૂપ છે. તે ચંદ્ર જેવા નથી, પરંતુ કોઈ નિશ્ચિત આકૃતિ નહિ ધરાવતા નાના ખડકો જેવા છે. ફોબૉસનું કદ લંબાઈમાં 27 કિલોમિટરનું છે અને તે મંગળથી 9,354 કિમી.ના અંતરે 7 કલાક 39 મિનિટના સમયાંતરે તો ડાઇમૉસ મંગળથી 23,490 કિલોમિટરના અંતરે 30 કલાક 18 મિનિટમાં કક્ષાભ્રમણ કરે છે. આમ નજીકનો ફોબૉસ, મંગળના પોતાના ધરી ફરતા ભ્રમણ કરતાં પણ વધુ ઝડપથી મંગળ ફરતો ધૂમે છે. (આ હકીકત પૃથ્વી ફરતા ઘણા કૃત્રિમ ઉપગ્રહોને પણ લાગુ પડે છે; પરંતુ કુદરતી ઉપગ્રહોમાં તો આ અપવાદ-સ્વરૂપ ગણાય.) આ બંને ઉપગ્રહોની સપાટી ઘણી જ ઘેરા રંગની અને ઓછી (લગભગ 6 %) પરાવર્તકતા ધરાવે છે. વળી તેમના દ્રવ્યની ઘનતા પણ 2.0 × 103 કિગ્રા./ઘનમિટર જેટલી નીચી છે. આમ તે ઉપગ્રહોના ખડકો પોલાણવાળા હોઈ શકે. આવા નાના ખડક-સ્વરૂપના ઉપગ્રહો ઉપર પણ પ્રપાતકુંડોનાં નિશાન છે !

જ્યોતીન્દ્ર ન. દેસાઈ