ભૈરવ–1 : શિવની ઘોર ભાવનાને વ્યક્ત કરતું સ્વરૂપ. મોટે ભાગે નગ્ન પ્રતિમા પ્રાપ્ત થાય છે. પગમાં પાવડીઓ અને સાથીદાર તરીકે કૂતરો અચૂક જોવામાં આવે છે. વિષ્ણુધર્મોત્તરમાં જણાવ્યા મુજબ ભૈરવના ગળામાં મુંડમાલા ધારણ થયેલી હોય છે. અસંખ્ય ભુજા ધરાવતી મૂર્તિઓમાં અનેક અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરેલાં દર્શાવાય છે. ભૈરવના મસ્તક પરની જટામાંથી અગ્નિજ્વાલા નીકળતી દેખાય છે. ગોળ આંખો, મોટું નાક, ખોપરીયુક્ત ખટવાંગ, સર્પ, શ્યામ દેહ ધરાવતી એક પ્રતિમા વારાણસીમાં  ‘કાલભૈરવ’ને નામે પ્રસિદ્ધ છે. યમરાજ(કાળ) પણ એનાથી કાંપતા હોવાનું મનાય છે. ખજુરાહોના ચતુર્ભુજ  મંદિરની બહારની દીવાલ પર અંકિત ભૈરવની ચતુર્ભુજ, જટામુકુટધારી, શ્વાસ સહિત સ્થાનક (ઊભેલી) સ્થિતિમાં દૃષ્ટિગોચર થાય છે. દસમી સદીની આ ભૈરવ પ્રતિમાના હાથોમાં નરમુંડ અને તલવાર સ્પષ્ટપણે નીરખી શકાય છે.

પ્રવીણચંદ્ર પરીખ