ભૈરવી : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતપદ્ધતિનો એક જાણીતો રાગ. ભૈરવી એક રાગિણી છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ભૈરવ રાગની સ્ત્રી તરીકે થયેલો છે. એમ કહેવાય છે કે માતા ભૈરવી ભગવાન શંકરનું ભજન કરે છે માટે ભૈરવીના સ્વરોમાં નિતાંત પ્રેમ અને ભક્તિની અનુભૂતિ થાય છે. ભૈરવીના સ્વરો મગજને, મનને અને હૃદયને આહલાદિત કરે છે. તેનો ગાનસમય દિવસનો પ્રથમ પ્રહર હોવા છતાં કોઈ પણ સમયે ભૈરવી પ્રભાવક બની રહે છે. સામાન્ય રીતે સંગીત-જલસાના અંતમાં ભૈરવી ગાવા-વગાડવાનો રિવાજ છે.

ભૈરવીમાં રે, ગ, ધ, ની સ્વરો કોમળ સ્વરૂપે પ્રયુક્ત થાય છે. તેનો વાદી સ્વર મધ્યમ અને સંવાદી સ્વર ષડ્જ છે. જાતિ સંપૂર્ણ-સંપૂર્ણ છે. આ રાગની ખાસિયત એ છે કે માત્ર વાદી-સંવાદી જ નહિ, પણ ભૈરવીમાં વપરાતા દરેક સ્વરને પોતપોતાનું વ્યક્તિત્વ ખીલવવાનો પૂરેપૂરો અવકાશ રહે છે. રાગમાં ન આવતા સ્વરોનો પણ ભૈરવીમાં કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. એમ કરવાથી રાગસ્વરૂપને હાનિ પહોંચવાને બદલે ઊલટાનું તેનું સૌંદર્ય વધે છે. તેમાં શુદ્ધ રિષભ, શુદ્ધ નિષાદ તથા તીવ્ર મધ્યમનો પણ ખૂબીપૂર્વક પ્રયોગ કરવામાં આવે છે.

ભૈરવીમાં ષડ્જ, ગંધાર, પંચમ, ધૈવત તથા નિષાદ સ્વરોથી આલાપ કે તાનની શરૂઆત થાય છે. ન્યાસ સ્વર પંચમ છે, પણ મધ્યમનું પણ પ્રાધાન્ય રખાય છે. કોઈ પણ પ્રબંધ પ્રકાર ભૈરવીમાં શોભે છે. ઠૂમરી, ભજન તથા ગઝલ તેમાં વધુ પ્રચલિત છે. ટપ્પા, હોરી અને છોટા ખયાલ પણ ગવાય છે. કર્ણાટકી પદ્ધતિનો હનુમત્ તોડી મેલ ભૈરવી જેવા સ્વર ધરાવે છે. ભૈરવીના પ્રકારોમાં સિંધ ભૈરવી, આનંદ ભૈરવી વગેરેનો ઉલ્લેખ કરી શકાય. બિલાસખાંની તોડી ભૈરવીને મળતો રાગ છે. જોકે બિલાસખાંની તોડી ગંભીર પ્રકૃતિનો રાગ છે, જ્યારે ભૈરવી ચંચલ પ્રકૃતિનો રાગ છે. તેથી જ બિલાસખાંનીમાં ખયાલ અને ભૈરવીમાં ઠૂમરી ગવાય છે.

સામાન્ય ચલન :

નીના ઠાકોર