ભૃંગસંદેશ

January, 2001

ભૃંગસંદેશ : કાલિદાસના ‘મેઘદૂત’ જેવું પ્રાકૃતમાં રચાયેલું અજ્ઞાતકર્તૃક દૂતકાવ્ય. ‘સાહિત્યદર્પણ’માં ઉલ્લેખ પામેલાં પ્રાકૃત દૂતકાવ્યો ‘હંસસંદેશ’ અને ‘કુવલયાશ્વચરિત’ મળતાં નથી. આની પણ એક જ સાવ અધૂરી મલયાળમ લિપિમાં 17.78 સેમી. x 45.75 સેમી. (7´´ x 1½´)નાં તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રત ત્રિવેન્દ્રમ અર્થાત્ તિરુવનન્તપુરમની ‘ક્યૂરેટર્સ ઑફિસ લાઇબ્રેરી’માં ક્રમાંક 1471 अ ધરાવતી સચવાઈ છે. માત્ર 100 ગ્રંથપ્રમાણની આ હસ્તપ્રતમાં કેવળ પ્રથમ છ ગાથાઓ અને તેની ઉપરની સંસ્કૃત ટીકા છે. કવિ અને ટીકાકારનાં નામ મળતાં નથી. ટીકા સ્વોપજ્ઞ હશે કે કેમ તે નક્કી થઈ શકતું નથી. ટીકામાં ‘મેઘદૂત’, ‘શાકુન્તલ’ તથા ‘કર્પૂરમંજરી’માંથી ઉદ્ધરણો ટાંક્યાં છે અને વરરુચિ તથા ત્રિવિક્રમનાં પ્રાકૃત વ્યાકરણોનાં સૂત્રો પણ ઉતાર્યાં છે. ટીકાકાર કહે છે કે ‘સંદેશકાવ્ય’માં 12 પ્રકરણો હોય છે. તે બારેયને આ કૃતિમાં નિહાળવા તે પ્રયત્ન કરે છે. આથી આ ઠીક લાંબું કાવ્ય હશે એમ સમજાય છે. ‘મેઘદૂત’ની જેમ કદાચ બે વિભાગો પણ હશે. ‘મેઘદૂત’ની જેમ આ કૃતિ મન્દાક્રાન્તા છંદમાં રચાઈ છે. ભાષા સુંદર, સબળ અને અલંકૃત છે.

1948માં પુણેથી પ્રકાશિત એસ.વી. દાંડેકર આદિ વડે સંપાદિત ‘પ્રિ. કરમરકર સ્મૃતિગ્રંથ’ના પૃષ્ઠ 217–221 ઉપર ડૉ. એ. એન. ઉપાધ્યે દ્વારા સંપાદિત આ અપૂર્ણ કાવ્યકૃતિ સંસ્કૃત ટીકાના થોડા ભાગ સાથે આપવામાં આવી છે. તેનો સાર નીચે પ્રમાણે છે :

એક કામિની પ્રિયતમાએ માતા પાર્વતી પાસેથી પ્રિયતમના અવિરહનું વરદાન મેળવ્યું છે. તેથી પોતાને પણ પ્રિયાવિરહ નહિ થાય એમ માનનાર આ પુરુષમાં અહંકાર જાગે છે. આમાંથી વિરહનો ભ્રમ જાગતાં તે દુ:ખી થઈ ઊઠે છે. અહીં કવિ અર્થાન્તરન્યાસ કરે છે :  ‘….. અહંકાર કોને આપત્તિ નથી આણતો ?’ (ગાથા 2).

વિરહભ્રમથી તેને પ્રિયાનું મૃદુ શરીર કિસલય લાગે છે, મુખ કમળ લાગે છે, આંખો ભમરા લાગે છે ! આવી કલ્પના દ્વારા વિરહદશા પામી અતિકામાતુર તે એક કલ્પિત ભ્રમર(ભૃંગ)ને મીઠી વાણીમાં સંદેશો આપવા લાગે છે (4) :

‘હે ભૃંગેશ્વર ! જાતે મારી પાસે આવેલા તમે સુહૃદ હોઈ ઉપચાર કરું તો નકામી શંકા જાગે. હે લોલંબાધીશ્વર ! જે ભૃંગવંશમાં દુર્ગાવતાર થયેલો તેમાં જન્મેલા તમે નન્દનવન અને માનસસરોવરમાં વિહરનાર છતાં મારા ઉપર કૃપા કરવા અહીં વસો છો એમ માનું છું.’ (6)

અહીં ઉપલબ્ધ ભાગ પૂરો થાય છે.

સંસ્કૃત ભાષામાં ‘ભૃંગસંદેશ’ એ નામે હસ્તપ્રતમાં સચવાયેલાં બે-ત્રણ અપ્રકાશિત કાવ્યો મળે છે.

જયન્ત પ્રે. ઠાકર