ભૃગુસંહિતા

January, 2001

ભૃગુસંહિતા : ભૃગુ ઋષિએ રચેલો મનુષ્યોનાં ભૂત-ભવિષ્ય ભાખતો જ્યોતિષ વિશેનો ગ્રંથ. રચના વર્ષ કે સમય અપ્રાપ્ય છે. મૂળ હસ્તપ્રતો બહુધા અપ્રાપ્ય છે. પ્રથમ તો તેના શીર્ષક પ્રમાણે જોતાં આ ગ્રંથ સંહિતાગ્રંથના વિષયોને નિરૂપતો નથી. તેથી તેને સંહિતાગ્રંથ કહી શકાય નહિ. દક્ષિણ ભારતમાં એકાદ હસ્તપ્રત હોવાની સંભાવના પંડિતો દર્શાવે છે.

પં. ગંગાસાગર ભરોસેએ ગંગાશરણ જ્ઞાનસાગર પ્રેસ-મેરઠ દ્વારા આ ગ્રંથ હસ્તપ્રતની રીતે લીથોમાં છાપ્યો છે. તેના વિવિધ ખંડો – અધ્યાયોની છૂટી પ્રતો મળે છે. આ ગ્રંથ ‘જાતક’, ‘હોરા’, સ્કંધને નિરૂપે છે. ભૃગુ ઋષિ અને તેમના પુત્ર શુક્ર વચ્ચે સંવાદ રૂપે આ ગ્રંથ લખાયો છે. ભવિષ્યકથન સંસ્કૃત ભાષાના શ્લોકોમાં આપ્યું છે.

આ ગ્રંથમાં મનુષ્યના પૂર્વજન્મને આધારરૂપ માની પૂર્વજન્મનાં કર્મોને આધારે તેનું ભવિષ્યકથનનું પૃષ્ઠ કાઢીને રૂબરૂ વાંચવાની પ્રાચીન પરંપરા છે. તેનાં કર્મોના ફળ અનુસાર આ જન્મમાં કેવા પ્રકારનું સુખ કે દુ:ખ પડશે તે વાંચવામાં આવે છે. તેને અનુરૂપ તેમાં જે નિવારણ આપવામાં આવેલ છે તે અત્યંત પ્રાચીન જણાય છે; જેમ કે ગાયોનું દાન કરવું, ફળ અનુસાર સુવર્ણ, રજત વગેરે ધાતુની મૂર્તિઓનું બ્રાહ્મણને દાન કરવું વગેરે.

તેમાં મોટા પ્રમાણમાં તૈયાર કુંડલીઓ આપવામાં આવી છે, તેમાંના ગ્રહોને અનુરૂપ તમારી કુંડલી, અર્થાત્ જાતકે પોતાની કુંડલી જન્મતિથિવારને આધારે શોધીને તે મળે એટલે તે કુંડલીનો ફળાદેશ નિર્દેશ કરેલ પાનાક્રમાંક ઉપર વાંચવાનો હોય છે. ઘણેભાગે કુંડલીઓ મળી જાય છે, પણ ક્યારેક કોઈક કિસ્સામાં નથી પણ મળતી.

સંતાન – ઉપાય ખંડમાં જાતકની ઇષ્ટ ઘડી, પળ, તિથિ અને વારના અંક પ્રમાણે તેનો સરવાળો કરી જે અંક આવે તે ક્રમાંકનું પાનું વાંચવાથી તેમાં લખ્યા પ્રમાણે ફળાદેશ માનવો, તેમજ તેમાં લખ્યા પ્રમાણે નિવારણ કરવું એવું ઉદ્દિષ્ટ હોય છે.

જન્મલગ્ન-નષ્ટ જન્માંગ દીપિકામાં જન્મકુંડલી અંગેની સમજ આપવામાં આવી છે. પ્રથમ ખંડ નિમિત્તશાસ્ત્ર (સંહિતા) – આધારિત છે. ત્યારબાદ બીજો ખંડ જાતક-પ્રકરણ છે; તેમાં રાશિ, ગ્રહોના સ્વભાવ, ષડ્બળ, ર્દષ્ટિસંબંધ, કુંડલીના બાર ભાવ વિશે સમજ, ઘાત-કોષ્ટક, લગ્નરાશિ, પ્રત્યેક સ્થાનના સ્વામીઓ, ગ્રહોની યુતિઓ, યોગો, ફળાદેશ, ભાવગત ફળ, ગોચરફળ, શકુન-અપશકુન, શુભ-અશુભ સ્વપ્નદર્શન વગેરે જણાય છે.

ત્રીજા ખંડમાં સ્ત્રી જાતકનો ફળાદેશ છે. ચોથા ખંડમાં પ્રશ્નવિષય અને ફળાદેશ છે. પાંચમા કુંડલી ખંડમાં અસંખ્ય તૈયાર કુંડલીઓ છે. છઠ્ઠો ખંડ ‘સંતાન-ઉપાય ખંડ’ છે. તેમાં સંતાનવિષયક પ્રશ્નોનું વિગતે નિરૂપણ જોવા મળે છે. સાતમો ખંડ રિષ્ટનિવારણ-ખંડ છે. તેમાં ગ્રહપીડા અને તેના વિવિધ પ્રકારનાં નિવારણો આપવામાં આવ્યાં છે. ફલિત ખંડ નામના આઠમા ખંડમાં વ્યક્તિગત કુંડલીનાં પાનાં કાઢી તે પાના ક્રમાંક ઉપર રહેલું ફળકથન વાંચવામાં આવે છે. નવમા રાજખંડમાં રાજયોગોનું નિરૂપણ છે.

હાલમાં વિવિધ પ્રકારની ‘ભૃગુસંહિતા’ઓ પ્રકાશિત થયેલી જોવા મળે છે. તે બધી મૂળ પ્રતને અનુસરતી નથી. તેમાં સંપાદકોએ ઘણા બધા પ્રક્ષેપો આપેલા હોય છે. હાલમાં ગુજરાતી પ્રકાશકો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી પ્રતો કેટલે અંશે વિશ્વસનીય છે તે શોધવું મુશ્કેલ છે. ‘ભૃગુસંહિતા’ નાડીગ્રંથ છે. તેના જેવા 12 નાડીગ્રંથો દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. એમાં (1) કાક ભુંજંદરનાડી, (2) ધ્રુવનાડી કે સપ્તર્ષિનાડી, (3) સત્યસંહિતા, (4) નંદીનાડી, (5) અગસ્ત્યનાડી, (6) નારદસંહિતા, (7) કૌશિકનાડી, (8) શુક્રનાડી, (9) સૂર્યસંહિતા, (10) ચંદ્રનાડી, (11) અરુણનાડી અને (12) ભીમનાડીનો સમાવેશ થાય છે. એ ગ્રંથો દક્ષિણ ભારતમાં પ્રચલિત છે અને તમિળ, તેલુગુ, મલયાળમ વગેરે ભાષાઓમાં રચાયેલા છે. એમાંના ધ્રુવનાડી ગ્રંથોનો વરાહમિહિરે ઉલ્લેખ કર્યો છે.

બટુક દલીચા