ભેખડ (cliff) : ભૂમિસ્વરૂપનો એક પ્રકાર. પર્વત કે ટેકરીની ઊભી કે સીધી કરાડ જેવી બાજુને ભેખડ કહે છે. આ ભૂમિસ્વરૂપની ઓળખ તેના આકારના લક્ષણ પરથી થતી હોય છે. જો તે સમુદ્રકિનારે હોય તો તે સમુદ્રભેખડ (sea cliff) તરીકે ઓળખાય છે. ‘ભેખડ’, ‘કરાડ’, ‘સમુત્પ્રપાત’ સમાનાર્થી શબ્દો છે; પરંતુ ‘ભેખડ’ શબ્દ વધુ ઉપયોગમાં લેવાય છે. સ્થળવર્ણન–નકશાઓમાં તેનાં સમોચ્ચવૃત્તો જુદી જુદી ઊંચાઈ દર્શાવતાં હોવા છતાં અન્યોન્ય ભળી જતાં એકસ્વરૂપ દેખાતાં હોય છે.

ભેખડની રચના થવા માટેના સંજોગોને આધારે તેના નીચે મુજબના કક્ષા-પ્રકારો પાડી શકાય.

ભેખડની ઊભી દીવાલ પર રેખાંકનો કે સળ પડેલા હોય તો તેના બે પેટાપ્રકારો પડે છે : રેખાંકનો કે સળ ક્ષૈતિજ કે આછા ઢળેલાં હોય તો તે હિમનદી-ઘર્ષણજન્ય ગણાય; પરંતુ તે ઊભા કે વધુ નમનવાળા હોય તો તેને સ્તરભંગ-સમુત્પ્રપાત કે ભૂપાતની કક્ષામાં મુકાય.

ભેખડની દીવાલ રેખાંકન કે સળધારક ન હોય, તેની સપાટી સાંધાઓમાંથી છૂટી પડી હોય અને ખરબચડી હોય, તો સ્તરભંગ-પરખ-લક્ષણ દ્વારા સ્તરભંગ-સમુત્પ્રપાતમાં મુકાય અને તે ન મળે તો તેને સાંધાજન્ય ભેખડ ગણાવી શકાય. સ્તરભંગજન્ય કે સાંધાજન્ય લક્ષણોથી તે રહિત હોય તો તેને ઘસારાજન્ય ભેખડ કહેવાય. સમુદ્રકિનારે રહેલી ટેકરીઓ મોજાંની નિરંતર અથડામણથી ઊભી દીવાલો રચી શકે અથવા ભરતી-ઓટ દરમિયાન અસર હેઠળ આવતા કિનારા પર રહેલા ટેકરીઓના ભાગો ખોતરાતા જઈ ઓછી ઊંચાઈવાળી, પ્રમાણમાં નાની, ઊભી દીવાલોની રચના કરે છે.

ભેખડ

આ ઉપરાંત પર્વતપ્રદેશોમાંથી નીકળતી નદીઓ અનુપ્રસ્થ કોતરો (transverse gorgeses and canyons) બનાવે ત્યારે તેમની ઊભી દીવાલો ભેખડોનું સ્વરૂપ ધરે છે. જ્વાળામુખોની અંદરની દીવાલો પણ ભેખડો જેવી જ ઊભા ઢોળાવવાળી હોય છે. ઊંડાં નદીપાત્રોની બંને બાજુઓ પણ ક્યારેક ભેખડોની રચના કરે છે.

ગિરીશભાઈ પંડ્યા