ભીલવાડા : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 1´થી 25° 58´ ઉ. અ. અને 74° 1´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 10,455 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અજમેર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ ટોંક અને બુંદી જિલ્લા, અગ્નિ અને દક્ષિણ તરફ ચિત્તોડગઢ જિલ્લો તથા નૈર્ઋત્ય, પશ્ચિમ અને વાયવ્ય તરફ ઉદેપુર જિલ્લાની સરહદો આવેલી છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લાનો આકાર લંબચોરસ છે. પશ્ચિમ સીમા પૂર્વ સીમા કરતાં વધુ પહોળી છે. જિલ્લાના ઉત્તર અને નૈર્ઋત્ય ભાગો, વચ્ચે છૂટીછવાઈ કેટલીક ટેકરીઓ સહિત, લગભગ ખુલ્લા મેદાની ભૂપૃષ્ઠવાળા છે; જ્યારે દક્ષિણ અને ઈશાન ભાગો ઊંચી-નીચી ભૂમિ સહિત ટેકરીઓવાળા છે. પૂર્વભાગ ઉચ્ચપ્રદેશીય છે, ઉચ્ચપ્રદેશનો પૂર્વ ભાગ ટેકરીઓના જૂથવાળો છે. ઈશાન તરફ આવેલી હારમાળા ઝાઝપુર (જહાજપુર) સુધી વિસ્તરેલી છે. જિલ્લાનાં ઘણાં સ્થળોને વીંધીને અરવલ્લી હારમાળા ચાલી જાય છે, તેની ટેકરીઓ અગ્નિકોણમાં માંડલગઢ તાલુકામાં લાક્ષણિક બની રહે છે. બિજોલિયા-માંડલગઢ વિસ્તાર તેના ઉચ્ચપ્રદેશીય સ્થાનને કારણે ‘ઉપરમાળ’ નામથી જાણીતો છે.
રાજસ્થાનનો આ જિલ્લો ખનિજોથી ખૂબ જ સમૃદ્ધ છે. અહીં મળતાં મહત્વનાં ખનિજોમાં અબરખ પ્રથમ ક્રમે આવે છે, તે રાજ્યના કુલ અબરખ જથ્થાનો 70 % ભાગ મેળવી આપે છે. તેની નિકાસ માટે ભીલવાડા નગર ખાતે ઘણું મોટું અબરખનું બજાર વિકસેલું છે અને રાજ્યને તથા ભારતને ઘણી ઊપજ મેળવી આપે છે. વધુ મહત્વ
ધરાવતાં અન્ય ખનિજોમાં ઇમારતી પથ્થરો, લોહઅયસ્ક, સોપસ્ટોન, ગાર્નેટ, ઍસ્બેસ્ટૉસ અને તાંબા-સીસા-જસતનાં અયસ્ક તથા ઓછું મહત્વ ધરાવતાં ખનિજોમાં ફેલ્સ્પાર, ક્વાર્ટ્ઝ, બેરાઇટ, ચિનાઈ માટી, બેરીલ, ડૉલોમાઇટ અને કાયનાઇટનો સમાવેશ થાય છે.
જિલ્લાના કુલ ભૂપૃષ્ઠનો લગભગ 5 % ભાગ સૂકાં અયનવૃત્તીય જંગલોવાળો છે. પૂર્વ અને અગ્નિભાગોમાં પ્રમાણમાં વધુ વરસાદ પડે છે. મોટાભાગનાં જંગલો માંડલગઢ અને ઝાઝપુરા તાલુકાઓમાં આવેલાં છે, જ્યાં જુદા જુદા પ્રકારનાં વૃક્ષો નજરે પડે છે.
બનાસ આ જિલ્લાની મુખ્ય નદી છે. બેરચ, કોઠારી અને ખારી શાખાનદીઓ તેને મળે છે. નાની નદીઓમાં માનસી, મેનાલી, ચંદ્રભાગા અને નકડી ઉલ્લેખનીય છે.
ખેતી-પશુપાલન : જિલ્લાના આશરે 69 % લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. અહીં ખરીફ (મુખ્ય), રવી અને જૈદ એ ત્રણે પ્રકારના પાક લેવાય છે. રાજ્યના ખેતીવાડી ખાતા તરફથી ખાદ્યાન્ન અને શાકભાજીના વાવેતરને પ્રોત્સાહન અપાય છે. અહીં લેવાતા મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, શેરડી, જવ, જુવાર, ચણા, મગફળી, તેલીબિયાં તથા અન્ય રોકડિયા પાકોનો સમાવેશ થાય છે. ખેડૂતો ખેતી ઉપરાંત ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ખચ્ચર, ગધેડાં, ઊંટ અને ડુક્કર પાળે છે. અહીં દૂધના ઉત્પાદનથી શ્વેત ક્રાંતિ આવી છે.
ઉદ્યોગો : આ જિલ્લો રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવે છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં શ્રી મેવાડ ટેક્સ્ટાઇલ્સ લિ., રાજસ્થાન સ્પિનિંગ ઍન્ડ વીવિંગ મિલ્સ. લિ., રાજસ્થાન કો. ઑ. સ્પિનિંગ મિલ્સ લિ., રાજસ્થાન વનસ્પતિ પ્રૉડક્ટસ પ્રા. લિ., ભીલવાડા સિન્થેટિક્સ લિ., મૉર્ડન થ્રેડ (ઇન્ડિયા) લિ., તથા મુનાક ગાલ્વા શિટ્સ લિ., વગેરેનો સમાવેશ થાય છે. આ જિલ્લામાંથી અબરખ, સોપસ્ટોન, હોઝિયરી અને કાપડની નિકાસ થાય છે; જ્યારે અનાજ, દવાઓ, અને અન્ય ઉપભોક્તા ચીજવસ્તુઓની આયાત થાય છે. ભીલવાડા અને ગુલાબપુરા એ બે અહીંનાં મુખ્ય વેપારી મથકો છે, તે ઉપરાંત તાલુકા મથકો પણ વેપારી સુવિધા ધરાવે છે. વેપારી ચીજવસ્તુઓ માટે જુદાં જુદાં સ્થળોએ મંડીઓ વિકસાવવામાં આવેલી છે.
પરિવહન : આ જિલ્લામાંથી કોઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થતો નથી, પરંતુ બે રાજ્ય ધોરી માર્ગો જિલ્લાનાં અગત્યનાં શહેરોને જોડે છે. અહીં કુલ 1408 કિમી.ના માર્ગો આવેલા છે, જિલ્લાનાં મુખ્ય સ્થળો બસ સેવાની સુવિધાથી જોડાયેલાં છે. પશ્ચિમ રેલવિભાગનો માર્ગ આ જિલ્લામાં થઈને જાય છે. અજમેર-ખંડવા મીટરગેજ રેલમાર્ગ પણ અહીંથી પસાર થાય છે. રેલમાર્ગની કુલ લંબાઈ 81 કિમી.ની છે અને તેના પર 11 રેલમથકો આવેલાં છે.
શાહપુરા : આ જિલ્લાનું શાહપુરા નગર ભીલવાડાથી બીજા ક્રમે આવે છે. અગાઉના વખતમાં તે સિસોદિયા વંશના રાજપૂતોની રાજધાનીનું સ્થળ હતું. આજે તે તાલુકા-મથક હોવા ઉપરાંત ઉપવિભાગનું તેમજ પંચાયત-સમિતિનું મથક પણ છે. તે ભીલવાડાથી 58 કિમી. અંતરે આવેલું છે અને જિલ્લાનાં મુખ્ય નગરો સાથે જોડાયેલું છે. અહીંની બારહત (barhet) કોમ સ્વાતંત્ર્યચળવળમાં ભાગ લીધા બદલ જાણીતી બનેલી છે. શાહપુરા નગર ‘રામ સનેહી’ અનુયાયીઓનું મહત્વનું ધાર્મિક સ્થાન ગણાય છે, તેમનું રામદ્વાર મંદિર અહીં આવેલું છે. દેશના તેમજ મ્યાનમારના ઘણા ભક્તો અહીં દર્શનાર્થે આવે છે.
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ 1887માં અહીં આવેલા અને નવ માસ માટે રોકાયેલા. આ નગર ‘પબુજી-કી-ફાડ’ નામની પબુજીનાં કાર્યોની ચિત્રાવલી દર્શાવતી પછેડી (ફાડ) માટે ખૂબ પ્રસિદ્ધ બનેલું છે. આવી પછેડીઓ આજે પણ તૈયાર થાય છે તે દેશમાં તો ખપે જ છે, પરદેશ ખાતે પણ તેની નિકાસ થાય છે.
માંડલગઢ : તાલુકો અને તાલુકામથક તેમજ પંચાયત સમિતિનું મથક. તે ભીલવાડાથી 54 કિમી. અંતરે અગ્નિકોણમાં આવેલું છે. મધ્યકાલીન સમય દરમિયાન તે ઘણી ભયંકર લડાઈઓનું ક્ષેત્ર રહેલું. અહીંનો કિલ્લો જોવાલાયક છે. નગરથી વાયવ્ય તરફ આવેલો ટેકરીને ફરતો આ કિલ્લો એક કિમી. જેટલી લંબાઈનો છે, તેની દીવાલો નીચી છે પણ બુરજોવાળી છે. સોલંકી રાજપૂતોએ તે બંધાવેલો હોવાનું કહેવાય છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં રૂપસિંહ, મોરધ્વજ અને મહેતાજીના મહેલો તથા જબેશ્વર અને શિવમંદિરનો સમાવેશ થાય છે.
જહાઝપુર (ઝાઝપુર) : જિલ્લાના ઈશાન ભાગમાં આવેલું નાનું નગર (વસ્તી : 15000 જેટલી). કહેવાય છે કે અર્જુનના પ્રપૌત્ર જનમેજયે અહીં કેટલાક યજ્ઞો કરેલા, તેથી તે યજ્ઞપુર કહેવાતું હતું. તે આજે અપભ્રંશ થઈને જહાજપુર બનેલું છે. આ નગરની દક્ષિણે જોડિયા દીવાલવાળો મોટો અને મજબૂત કિલ્લો આવેલો છે. મેવાડના રક્ષણાર્થે રાણા કુંભાએ તે બંધાવેલો હોવાનું કહેવાય છે. ‘બરાહ દેવડા’ નામથી ઓળખાતો ભગવાન શિવને સમર્પિત મંદિરોનો સમૂહ અહીં આવેલો છે. કિલ્લાની અંદર તરફ આવેલાં મંદિરો પૈકીનું સર્વેશ્વરનું મંદિર ઘણું જૂનું છે. નગર અને કિલ્લાની વચ્ચે અકબરના સમયમાં બંધાયેલી ગેબીપીરની એક મસ્જિદ આવેલી છે, ગેબી પીર નામના સંત તેમાં રહેતા હતા.
બનેરા : તાલુકો અને તાલુકામથક. તેમજ પંચાયત-સમિતિનું મથક. તે ભીલવાડાથી આશરે 25 કિમી. અંતરે ભીલવાડા-દેવલી માર્ગ પર આવેલું છે. તથા ભીલવાડા અને અજમેર સાથે માર્ગથી જોડાયેલું છે. અગાઉ તે મેવાડ રાજ્યનો એક ભાગ હતું. 1567માં અકબરે તે જીતી લીધેલું. અજમેર સૂબામાં આવેલા ચિત્તોડના 26 મહાલો પૈકીના એક તરીકે આઇને-અકબરીમાં પણ તેનો ઉલ્લેખ છે. કોટથી આરક્ષિત આ નગરની પશ્ચિમે 578 મીટરની એક ટેકરી આવેલી છે. કોટની અંદર તરફ નાનો કિલ્લો છે તેમજ બનેરાના મરહૂમ જાગીરદારોનાં સ્થાનકો છે.
બિજોલિયા : ભીલવાડા શહેરથી અગ્નિ દિશામાં બુંદી જિલ્લાની સરહદ નજીક ઉપરમાળ ઉચ્ચપ્રદેશ પર વસેલું જૂનું ગામ. તેનું પ્રાચીન નામ ‘વિંધ્યાવલી’ હતું. મેવાડ રાજ્યના જાગીરદારોનું તે મુખ્ય મથક રહેલું. ગામને ઉત્તર અને દક્ષિણ તરફ બે દરવાજા છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં ત્રણ શિવમંદિરો, પાર્શ્વનાથનાં પાંચ જૈનમંદિરો, મંદાકિની વાવડી નામની એક વાવ, મહેલોનાં ખંડિયેર તથા બે શિલાલેખો છે. વીસમી સદીના બીજા અને ત્રીજા દશકાઓ દરમિયાન જાગીરદારો અને અમલદારો સામે લોકોએ ચળવળ ઉપાડેલી તે અહીંની ઐતિહાસિક ઘટના ગણાય છે. બિજોલિયાથી 5 કિમી.અંતરે આવેલા માંડલગઢ તાલુકાના તિલસાવન ગામમાં ચાર શિવમંદિરો આવેલાં છે. અહીં મઠ, જળાશય અને તોરણના ભગ્નાવશેષો જોવા મળે છે.
બાગોડ : માંડલગઢ તાલુકાનું નાનું ગામ. ઐતિહાસિક મહત્વ ધરાવતું આ ગામ માંડલ નગરથી આશરે 30 કિમી. અંતરે આવેલું છે. અહીં કરવામાં આવેલાં પુરાતત્વીય ઉત્ખનનોમાંથી પાષાણયુગી સંસ્કૃતિના 4થી 5 હજાર વર્ષ જૂના અવશેષો મળી આવેલા છે.
કાનેર-કી-પૂતળી : ખારીપુર ગામ નજીક કાનેર ખાતે ગીચ જંગલમાં શિવમંદિર આવેલું છે, તેમાં શિવ-પાર્વતીની બે મૂર્તિઓ છે.
અન્ય જોવાલાયક સ્થળો : માંડલ નગરથી આશરે 4 કિમી. અંતરે મેજા ગામ નજીક કોઠારી નદી પર મેજા બંધ આવેલો છે. અહીંનું જળાશય પ્રવાસીઓ માટેનું રમણીય સ્થળ ગણાય છે. તેમાં નૌકાવિહારની સુવિધા છે. સિંચાઈ ખાતા તરફથી અહીં ડાકબંગલો પણ છે. અજમેર-ભીલવાડા માર્ગ પર માનસી નદી પર સરેરી બંધ પણ જોવાલાયક સ્થળ છે. જિલ્લામાં જુદે જુદે સ્થળે વારતહેવારે મેળા પણ ભરાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 15,93,128 જેટલી છે, તે પૈકી 8,19,159 પુરુષો અને 7,73,969 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીની સંખ્યા અનુક્રમે 12,81,984 અને 3,11,144 જેટલું છે. 1991ની વસ્તી ગણતરી મુજબ, અહીં હિન્દુઓ 14,78,164; મુસ્લિમ : 84,253; ખ્રિસ્તી 897; શીખ : 934; બૌદ્ધ : 47; જૈન : 28,596; અન્ય ધર્મી 5 તથા અનિર્ણીત ધર્મવાળા 232 જેટલા છે. આ જિલ્લામાં 1249 જેટલી શિક્ષણસંસ્થાઓ છે, તે પૈકી 7 કૉલેજો (4 ભીલવાડામાં) 93 માધ્યમિક સહિતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 229 માધ્યમિક શાળાઓ, 918 પ્રાથમિક શાળાઓ તથા 2 વ્યાવસાયિક સંસ્થાઓ છે. ગુલાબપુરા ખાતે 1980–81 દરમિયાન ઔદ્યોગિક તાલીમી સંસ્થા શરૂ કરવામાં આવેલી છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 4,11,615 જેટલી છે. તે પૈકી 3,07,507 પુરુષો અને 1,04,108 સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 2,54,263 અને 1,57,352 જેટલું છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં ત્રણ હૉસ્પિટલો તથા 10 ચિકિત્સાલયો છે. ગ્રામીણ વિસ્તાર ખાતે પણ બે હૉસ્પિટલ અને 34 ચિકિત્સાલયોની વ્યવસ્થા છે. આ ઉપરાંત અહીં 12 જાહેર સ્વાસ્થ્યકેન્દ્રો/પ્રસૂતિગૃહો અને બાલકલ્યાણકેન્દ્રો છે. સરકાર હસ્તક બે અને ખાનગી ત્રણ કુટુંબનિયોજન-કેન્દ્રો કાર્યરત છે. ભીલવાડા, શાહપુરા અને જહાજપુરા ખાતે ઍક્સ-રેની સુવિધા ઊભી કરવામાં આવી છે, વળી બિજોલિયા, જહાજપુરા અને હરડા ખાતે પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો પણ આવેલાં છે.
વહીવટી સરળતા માટે જિલ્લાને 11 તાલુકાઓમાં, 11 વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 1620 ગામડાં (55 વસ્તી-વિહીન) આવેલાં છે. ભીલવાડા એક લાખથી વધુ વસ્તીવાળું શહેર છે.
ઇતિહાસ : ભીલવાડા જિલ્લાના બિજોલિયામાં ગુપ્ત યુગનો ઈસવી સનની ચોથી-પાંચમી સદીનો શિલાલેખ આવેલો છે. આ જિલ્લામાં નવમીથી બારમી સદી સુધીનાં મંદિરો આવેલાં છે. તેમાં શિવમંદિરો તથા પાર્શ્વનાથનાં જૈન દેરાસરોનો સમાવેશ થાય છે. ભીલવાડા જિલ્લો જૂના મેવાડ અને તે પછી ઉદયપુર રાજ્યનો પ્રદેશ હતો. મેવાડના ગુહિલોત કે ગોહિલપુત્રો પાછળથી સિસોદિયા રજપૂત નામે ઓળખાયા. આ વંશનો સ્થાપક બપ્પ રાવળ માનવામાં આવે છે. તેરમી સદીના પથમાર્ધમાં જૈત્રસિંહના શાસન દરમિયાન મેવાડના ગોહિલોએ રાજકીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. બિજોલિયા, તિલસવન, કાનેર અને માંડલગઢમાં આવેલાં મધ્યયુગનાં મંદિરો કલા અને સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. ઈ.સ. 1303માં અલાઉદ્દીન ખલ્જીએ આ પ્રદેશ જીતી લીધો. સોળમી સદીના ત્રીજા દાયકામાં દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદીએ મેવાડના રાણા સંગ્રામસિંહને હરાવ્યો હતો. મુઘલ શાસન દરમિયાન અને ત્યારબાદ ભીલવાડા જિલ્લો મેવાડ રાજ્યમાં આવેલો હતો. ઈ.સ. 1818માં તે બ્રિટિશ સરકારનું રક્ષિત રાજ્ય બન્યું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ 1948માં રાજસ્થાન સંઘમાં આ રાજ્યનું વિલીનીકરણ થયા પછી ભીલવાડા અલગ જિલ્લો બન્યો.
ભીલવાડા (શહેર) : જિલ્લાનું વહીવટી વડું મથક. તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 25° 21´ ઉ. અ. અને 74° 38´ પૂ. રે. તે અજમેર-ખંડવા રેલમાર્ગ પર આવેલું છે. એક દંતકથા મુજબ, આ સ્થળ અગિયારમી સદીના મધ્યકાળ વખતે કોઈ એક ભીલ દ્વારા વસાવવામાં આવેલું હોવાનું કહેવાય છે, પરંતુ ઉપલબ્ધ ઐતિહાસિક નોંધ તો તેની તવારીખને આજથી 350 વર્ષ સુધી જ લઈ જાય છે. આ શહેરમાં આવેલી મેવાડ ટેક્સ્ટાઇલ્સ લિ. નામની સ્પિનિંગ-વીવિંગ મિલ તેની સારી ગુણવત્તાવાળી હોઝિયરી પેદાશો માટે ખૂબ જાણીતી બનેલી છે. અહીંથી નજીકમાં આવેલું ‘પુર’ ગામ જે 1961 સુધી અલગ હતું તે હવે મુખ્ય શહેરમાં ભળી ગયું છે. કહેવાય છે કે પોરવાડ મહાજનોની અટક આ ગામના નામ પરથી ઊતરી આવેલી છે. વળી તે તેની ‘આધારશિલા’ માટે પ્રસિદ્ધ છે. આ ગામમાં ગનપાઉડરનું ઉત્પાદન થાય છે. વળી નજીકમાંથી ગાર્નેટનાં ખનિજો મળી આવે છે. રાજસ્થાનના અબરખનું મુખ્ય બજાર ભીલવાડા ખાતે આવેલું છે. વસ્તી : 1,83,791 (1991).
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ