ભીલ, દિવાળીબહેન

January, 2001

ભીલ, દિવાળીબહેન (જ. 1949, દલખાણિયા, જિ. અમરેલી) : ગુજરાતી લોકસંગીતનાં વિખ્યાત ગાયિકા. આદિવાસી જાતિમાં જન્મ. મૂળ અટક લઢિયા. તેમનું બાળપણ ગીરના જંગલમાં વીત્યું હતું. પિતા પૂંજાભાઈને જૂનાગઢ ખાતે રેલવેમાં નોકરી મળતાં તેમના પરિવારે જૂનાગઢ સ્થળાંતર કર્યું. માતાનું નામ મોંઘીબહેન. તેમની પ્રેરણાથી દિવાળીબહેને નાનપણથી જ ગરબા ગાવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેઓ આજુબાજુનાં ગામોમાં પ્રસંગોપાત્ત, બહેનપણીઓ સાથે ગરબા ગાવા જતાં. આશરે નવ વર્ષની વયે તેમનાં લગ્ન થયાં હતાં; પરંતુ તેમના પિયર અને સાસરિયા વચ્ચે કોઈક કારણસર અણબનાવ થયો, જેથી તેમનાં લગ્ન ફોક કરી દેવામાં આવ્યાં. દરમિયાન લોકગીતો ગાવાનો તેમનો શોખ માતાના પ્રોત્સાહનથી ચાલુ રહ્યો. આશરે વીસ વર્ષનાં હતાં ત્યારે જૂનાગઢના એક ડૉક્ટરના દવાખાનામાં નોકરી મળી, જ્યાં તેઓ દસ વર્ષ રહ્યાં. ત્યારબાદ જૂનાગઢની સાર્વજનિક હૉસ્પિટલમાં તેઓ નર્સોના ક્વાર્ટર્સમાં નોકરી કરવા લાગ્યાં. 1964માં તેમના જીવનમાં એક એવો બનાવ બન્યો કે જેને કારણે તેમના જીવનપ્રવાહમાં એક નવો વળાંક આવ્યો. તે વર્ષે નવરાત્રિ દરમિયાન જૂનાગઢના એક ચોકમાં તેઓ ગરબો ગવડાવતાં હતાં.

જોગાનુજોગ ગુજરાતના લોકગીતોના ખ્યાતનામ ગાયક હેમુ ગઢવી રાજકોટ આકાશવાણીના કેટલાક અધિકારીઓ સાથે તે ચોકમાં હાજર હતા. તેમને દિવાળીબહેનનો રણકતો અવાજ અને ગાવાની મીઠી હલક ખૂબ ગમી ગયાં અને તુરત જ તેમણે દિવાળીબહેનના એક ગરબાનું સ્થળ પર જ રેકૉર્ડિંગ કરી લીધું; એટલું જ નહિ, પરંતુ તેના બીજા જ દિવસે તેમને આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર બીજાં ગીતોના રેકૉર્ડિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. તેમનાં રેકૉર્ડ થયેલાં પ્રથમ ગીતોમાં ‘દાસી તમે દીવડિયા પ્રગટાવો રે, કાગળિયા આવ્યા રાજનાં રે લોલ’ તથા ‘ફૂલ ઊતર્યાં ફૂલવાડીએ રે લોલ’ હતાં. થોડાક સમય પછી તેઓ સૌરાષ્ટ્રના જાણીતા સમાજસેવક રતુભાઈ અદાણી સાથે દિલ્હી ગયાં, જ્યાં આયોજિત લોકસંગીત મહોત્સવમાં તેમણે ગુજરાતનું લોકગીત ‘મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે’ રજૂ કર્યું. તેને તે મહોત્સવમાં પ્રથમ પારિતોષિક એનાયત થયું. ત્યારપછી તો તેમની સ્વયંસિદ્ધ લોકસંગીત ગાવાની ખ્યાતિમાં વધારો થવા લાગ્યો. તેમણે ન તો કોઈ ઔપચારિક શિક્ષણ લીધું છે કે ન કોઈ સંગીતની તાલીમ લીધી છે; તેમ છતાં તેમને સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આયોજિત થતા ડાયરા અને લોકસંગીતના કાર્યક્રમોમાં ગાવા માટેનાં આમંત્રણ મળતાં રહ્યાં છે. આવા જ એક ડાયરામાં ગાવા માટે તેઓ મુંબઈ ગયાં હતાં ત્યારે હિંદી ચલચિત્રજગતના વિખ્યાત સ્વરકાર કલ્યાણજી-આણંદજી બેલડીમાંના એક કલ્યાણજી સાથે તેમની મુલાકાત થઈ. દિવાળીબહેનનાં ગીતો સાંભળીને કલ્યાણજી ખૂબ પ્રભાવિત થયા અને ત્યાં ને ત્યાં જ તેમણે દિવાળીબહેનને રોકડ ઇનામ તો આપ્યું જ, પણ તે ઉપરાંત ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે ગાવા માટે આમંત્રણ પણ આપ્યું. ‘જેસલ તોરલ’ ગુજરાતી ચલચિત્ર પાર્શ્વગાયિકા તરીકેનું દિવાળીબહેનનું પ્રથમ સોપાન. તેમાં તેમણે ગાયેલું ‘પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે’ ઘેર ઘેર લોકજીભે ચઢ્યું. કેન્દ્રીય ચલચિત્રજગતનાં વિખ્યાત પાર્શ્વગાયિકા સ્વરકિન્નરી લતા મંગેશકરે પણ દિવાળીબહેનનાં ગાયિકા તરીકે વખાણ કર્યાં છે.

દિવાળીબહેન ભીલ

લોકસંગીત પીરસવા માટે તેમણે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ વિદેશનો પ્રવાસ પણ ખેડ્યો છે. અમેરિકા અને કૅનેડાનાં આકાશવાણી તથા દૂરદર્શન-કેન્દ્રોએ તેમની મુલાકાત લઈ તેનું પ્રસારણ કર્યું હતું. લંડનની તેમની મુલાકાત દરમિયાન ત્યાંના ગુજરાતી સમાજે તેમનું જાહેર સન્માન કર્યું હતું. 1990માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો. ગુજરાત સરકારે તેમને ‘ગુજરાત ગૌરવ’નો ઍવૉર્ડ એનાયત કર્યો છે.

રાજકોટ દૂરદર્શને 1990માં તેમની સાથેની મુલાકાત ‘વૈશાખી કોયલ’ શીર્ષક હેઠળ તે કેન્દ્રના તત્કાલીન નિર્માતા સ્નેહલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પ્રસારિત કરી હતી, જે પ્રશંસાને પાત્ર ઠરી હતી. દિવાળીબહેને ગાયેલાં ગરબા, ભજનો અને લોકગીતોની કૅસેટો પણ બહાર પાડી છે.

હાલ તેઓ ગોંડલ નજીકના ગોમટા ગામની પ્રાથમિક શાળામાં પોતાની સેવાઓ આપી રહ્યાં છે.

ગુજરાતનાં લોકગીતોને પોતાનો કંઠ આપી ઘેર ઘેર ગુંજતાં કરનારાં અગ્રણી કલાકારોમાં દિવાળીબહેનનું નામ મોખરે છે. તદ્દન સાદાઈથી જીવન ગાળનાર દિવાળીબહેનની રહેણીકરણી અને વ્યવહારમાં ભારતીય નારીની સંસ્કારિતાનાં દર્શન થાય છે. આ વારસો તેમને પોતાની માતા પાસેથી મળ્યાનું તેઓ કહેતાં હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે