ભીખાનંદી પંથ : ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રચલિત અદ્વૈતવાદી ભક્તિસંપ્રદાય. આઝમગઢ(ઉ.પ્ર.)ના ખાનપુર બોહના ગામના સંત ભીખાનંદે (જ. ઈ. સ. 1714; અ. 1792) આ પંથ પ્રવર્તાવ્યો હતો. બ્રાહ્મણ (ચોબે) પરિવારના ભીખાનંદને નાનપણથી જ સાધુસંતોની સંગત પસંદ હતી. 12મે વર્ષે તેમને સંસારમાં જોડવા માટે તેમનાં લગ્ન લેવાયાં ત્યારે તે ઘર છોડીને દેશાટન માટે નીકળી પડ્યા. કાશી પહોંચી ત્યાં રહી શાસ્ત્રાધ્યયન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મન નહિ માનતાં ફરી વતન તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં અમુઆરા ગામે (જિ. ગાઝીપુર) રાત્રે દેવમંદિરમાં ગવાતું સંત ગુલાલસાહેબનું ધ્રુપદ સાંભળીને એનાથી ભારે પ્રભાવિત થયા અને બાવરી પંથના મહાન સંત ગુલાલસાહેબને મળવા તેઓ ભુરકુંડ (જિ. બલિયા) જવા રવાના થયા. ત્યાં પહોંચી ગુલાલસાહેબ સમક્ષ પોતાની મૂંઝવણો અને જિજ્ઞાસા રજૂ કર્યાં. ગુલાલસાહેબનું સહજ ભજનાનંદી જીવન અને તેમની હૃદયસ્પર્શી વાણીથી સંતુષ્ટ થઈ ભીખાનંદે તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. 12 વર્ષ સુધી તેમણે ગુરુની નિષ્ઠાપૂર્વક સેવા કરી. ભીખાસાહેબ એક તેજસ્વી મહાત્મા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ગુલાલસાહેબનો દેહવિલય થતાં તેઓ તેમના ઉત્તરાધિકારી થયા. તેમણે 31 વર્ષો સુધી નિરંતર સત્સંગ કરી પોતાના દાર્શનિક અને ભક્તિપરક વિચારોનો પ્રચાર કર્યો. તેમના બે મુખ્ય શિષ્યો પૈકીના ગોવિંદસાહેબે ગુરુની આજ્ઞાથી ફૈઝાબાદના અહરૌલા ગામમાં પોતાની ગાદી સ્થાપી, જ્યારે બીજા શિષ્ય ચતુર્ભુજસાહેબે ભુરકુંડીની ગુરુગાદી સંભાળી.
ભીખાસાહેબે રચેલી કૃતિઓમાં ‘રામકુંડલિયા’, ‘રામસહસ્રનામ’, ‘રામશબદ’, ‘રામરાગ’, ‘રામકવિત’ અને ‘ભગતવચ્છાવલી’ જાણીતાં છે. આ બધી રચનાઓમાં ‘રામશબદ’ બૃહદ્ રચના છે, જેમાં ભીખાસાહેબ ઉપરાંત અન્ય સંતોનાં સમાન ભાવવાળાં પદો પણ સંગૃહીત છે. ભીખાસાહેબનાં પદો કવિત, કુંડલિયા અને દોહા (સાખી) વગેરે છંદોમાં મળે છે. પદોની ભાષા ભોજપુરી છે, જેમાં અરબી-ફારસી શબ્દોનો છૂટથી પ્રયોગ પણ મળે છે. ભીખાસાહેબની વાણીમાં આત્મનિવેદનની માત્રા અધિક છે. તેનું ગેયતત્વ પણ આકર્ષક છે. સુવ્યવસ્થિત નિરૂપણ અને બહુધા શાસ્ત્રીય શબ્દાવલી તેમજ પદ્ધતિને અનુસરવાનું તેમનું વલણ સ્પષ્ટ અનુભવાય છે.
ભીખાસાહેબે ઈશ્વરને ‘રામ’ અને ‘હરિ’ના નામે સંબોધન કર્યું છે, છતાં એમની રચનાઓમાં ‘અનહદ નાદ ગગનઘહરાનો’ એ ધ્વનિ ગુંજે છે. એમણે ગુરુ-મહિમા અને ઈશ્વર-નામ-સ્મરણ પર વિશેષ ભાર મૂક્યો છે. સિદ્ધાંત-પક્ષે ભીખાસાહેબ અદ્વૈતવાદી છે અને પદ્ધતિ પરત્વે તેઓ જ્ઞાનમાર્ગ કે યોગસાધનાને બદલે પ્રેમભક્તિને પ્રબોધનારા ભજનાનંદી સંત છે. અદ્વૈત બ્રહ્મની વ્યાપકતા અને પૂર્ણતા, જીવ-બ્રહ્મ અને શિવ-શક્તિનું મિલન, તે માટે નામસ્મરણ અને તેની સ્થિરતા માટે ગુરુ-કૃપાની આવશ્યકતા પર ભીખાનંદી પંથમાં ભાર મૂકવામાં આવે છે. પ્રેમથી પરમાત્માનો જપ કરતા રહેવાથી જ તત્વપદાર્થ પામી શકાય છે, બ્રહ્મ તો વ્યાપક છે, તેના પ્રત્યે ઉત્કટ અને અનન્ય પ્રેમ દાખવવાથી જ કામ, ક્રોધ, મદ, લોભ અને મોહની અર્થાત્ માયાની લહરીઓ ઊઠતી નથી. નિરંતરના નામસ્મરણને લઈને હૃદયમાં પ્રકાશ પ્રગટે છે. અંદરની બધી ગ્રંથિઓ ખૂલે છે, ‘આત્મારામ’ પૂર્ણપણે પ્રગટ થાય છે. ભીતરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જીવનું બ્રહ્મ સાથેનું એ જ મિલન છે. ભીખાપંથમાં આને જ યોગ કહ્યો છે. યોગ (જોગ) એટલે પરમાત્મા સાથેનું જોડાણ. એમાં સુરતિ એટલે કે પરમાત્મપ્રીતિ અને નિરતિ એટલે સંસાર પ્રત્યે વિરાગ, એ બંનેનું મિલન થાય ત્યારે જીવ પોતાના પ્રિય પરમાત્માને જઈ મળે છે. જીવનું બ્રહ્મ સાથેનું આ મિલન એ જ સાચું શિવ-શક્તિનું મિલન છે. ભીખાનંદી-પંથનો જોગી કોઈ સાધક કે સિદ્ધ નથી. એ તો એક ભજનાનંદી ફકીર છે, જે એકનિષ્ઠ આધ્યાત્મિક જીવન જીવતાં જીવતાં, પોતાને સંસારનો વિરોધી માનતો નથી તેમજ તેની ઉપેક્ષા પણ કરતો નથી. તેનામાં ક્ષમા, શીલ, સંતોષ, ચિત્તની સરળતા જેવા નૈતિક ગુણો સમાવિષ્ટ હોય છે અને તેની સાથે એ ‘દરદવંદ પરપીર’ એટલે કે પારકાના દુ:ખે દુ:ખી થનાર પણ હોય છે.
હાલમાં આ પંથ ઉત્તર પ્રદેશના બલિયા અને ગાઝીપુર જિલ્લાઓમાં પ્રચલિત છે. સંપ્રદાયને અલગ રીતે દર્શાવે તેવાં બાહ્ય ચિહ્નો આમાં ધારણ કરાતાં નથી. સાત્વિક, હરિપરાયણ અને ભજનાનંદી જીવન એ જ એની વિશિષ્ટ ઓળખ છે.
પ્રવીણચંદ્ર પરીખ