ભીમ (1) : મહાભારતનું જાણીતું પાત્ર. ભીમ તે ચંદ્રવંશી રાજા પાંડુની જ્યેષ્ઠ પત્ની કુન્તીના ત્રણમાંનો વચેટ પુત્ર અને પાંચમાંનો દ્વિતીય પાંડવ. વાયુદેવના મંત્રપ્રભાવથી જન્મેલા આ વાયુપુત્રનું શારીરિક બળ અસામાન્ય અને ભયપ્રદ હોવાથી તેને ‘ભીમ’ નામ મળ્યું. અતિપ્રદીપ્ત જઠરાગ્નિને કારણે તેનો આહાર અતિશય હોવાથી તે ‘વૃકોદર’ પણ કહેવાતો. બલરામનો આ શિષ્ય ગદાયુદ્ધમાં નિષ્ણાત હતો. ખરેખર ભયંકર દેહધારી એવા ભીમની કાંતિ તપ્ત સુવર્ણ જેવી ગૌરવર્ણની હતી.

લાક્ષાગૃહ–પ્રસંગ પછીનાં, પાંડવોનાં વનભ્રમણ દરમિયાન ભીમ હિડિંબ–રાક્ષસને હણીને તેની બહેન હિડિંબાને પરણ્યો, જેના પેટે ઘટોત્કચ અવતર્યો. એકચક્રા–નગરીમાં તેણે બકાસુર-વધ કર્યો. યુધિષ્ઠિરના રાજસૂય-યજ્ઞ પૂર્વે તેણે જરાસંધને હણ્યો. પૂર્વદિશામાં દિગ્વિજય કરીને, યજ્ઞ માટે તે અઢળક દ્રવ્ય લઈ આવ્યો.

દ્રૌપદીના વસ્ત્રાહરણ-પ્રસંગે તેણે બે પ્રતિજ્ઞા લીધી – દુર્યોધનના સાથળ ભાંગવાની અને દુ:શાસનની છાતી ચીરીને લોહી પીવાની – જે બંને તેણે ત્યારપછીના કુરુક્ષેત્ર-યુદ્ધમાં સફળતાપૂર્વક સંપન્ન કરી. પાંડવોના, તેરમા વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન, વિરાટરાજ્યમાં તે ‘બલ્લવ’ નામે રસોઇયો બન્યો અને ત્યારે, તેણે જીમૂત વગેરે મલ્લોનો અને સો કીચકભાઈઓનો વધ કર્યો હતો.

સામાન્યત: અતિક્રોધી અને અસહિષ્ણુ એવા ભીમે, વિષ્ટિ માટે હસ્તિનાપુર જતા શ્રીકૃષ્ણને, ભરત-કુળના હિતમાં, પાંડવ-કૌરવ યુદ્ધના નિવારણ માટે આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો, એ હકીકત તેના નિર્વ્યાજ સરળ વ્યક્તિત્વની નિર્દેશક છે.

અંતે અનિવાર્ય બનેલા યુદ્ધમાં તેણે સેનાપતિ દ્રોણને હંફાવ્યા, જયદ્રથ-વધમાં મહત્વનો ભાગ ભજવ્યો અને દુર્યોધન-દુ:શાસન જેવા અગ્રણી મહારથીઓ ઉપરાંત તેણે કુલ ત્રેપન કૌરવોને હણ્યા. દ્રોણવધના અનુસંધાનમાં, શ્રીકૃષ્ણઆદેશ અનુસાર, માલવરાજના ‘અશ્વત્થામા’ નામક હાથીને હણીને ‘અશ્વત્થામા હણાયો છે !’ એવી સંદિગ્ધ જાહેરાત તેણે કરી હતી; પરંતુ દ્રોણે તે માની નહોતી.

યુદ્ધમાં વિજય-પ્રાપ્તિ તથા યુધિષ્ઠિરના રાજ્યાભિષેક પછી યુવરાજ બનેલા ભીમે અશ્વમેધ-યજ્ઞ માટે યુધિષ્ઠિરને સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો અને શ્રીકૃષ્ણના નિજધામગમન પછી, યુધિષ્ઠિર સાથે મહાપ્રસ્થાન કરવા નીકળેલા પાંડવોમાં, દ્રૌપદી અને ત્રણ નાના ભાઈઓ પછી, સૌથી છેલ્લે તે મૃત્યુ પામ્યો.

જયાનંદ દવે