ભાવનગર જિલ્લો : ગુજરાતના અગ્નિભાગમાં સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં આવેલ જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 21° 50´ ઉ. અ. અને 71° 85´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની ઈશાને અમદાવાદ જિલ્લો, વાયવ્યે બોટાદ જિલ્લો, પૂર્વમાં તેમજ દક્ષિણે ખંભાતના અખાતનો જળવિસ્તાર અને પશ્ચિમે અમરેલી જિલ્લો સીમા રૂપે આવેલાં છે. આ જિલ્લાને આશરે 152 કિમી. લાંબો દરિયાકિનારો મળ્યો છે અને 50થી વધુ સુરક્ષા પૉઇન્ટ આવેલાં છે. ઘોઘા, કુડા, કોળિયાક, હાથબ, ગોપનાથ અને મહુવા મુખ્ય નગરો આવેલાં છે.

ભાવનગર જિલ્લાનો નકશો (નકશો સૌજન્ય : અનડા પ્રકાશન પ્રા. લિ.)

ભૂપૃષ્ઠ: આ જિલ્લો ત્રણ પ્રાકૃતિક વિભાગોમાં વહેંચાયેલો છે : (1) ઉત્તર તરફનો ક્ષારીય સમતળ પ્રદેશ : તે ભાલ અને સુરેન્દ્રનગર પાસેના સમકક્ષ વિભાગને મળતો આવે છે. (2) મધ્યમનો પહાડી પ્રદેશ : તે શિહોર અને પાલિતાણા વિભાગોને આવરી લે છે. (3) કિનારા પટ્ટો : તે ભાવનગર, ઘોઘા, તળાજા અને મહુવા વિભાગોને આવરી લે છે. જિલ્લામાં મુખ્ય એક અને છૂટીછવાઈ પર્વતીય હારમાળાઓ આવેલી છે. પાલિતાણા ખાતે આવેલી શેત્રુંજય હારમાળાની ટેકરીઓનું સર્વોચ્ચ શિખર શત્રુંજય છે. આ ઉપરાંત અન્યત્ર – શિહોર અને તળાજા તાલુકાઓમાં તથા  ઘોઘા તાલુકામાં ઓછી ઊંચાઈ ધરાવતી અનેક છૂટીછવાઈ ટેકરીઓ આવેલી છે.

ભાવનગરથી 59 કિમી.ને અંતરે પાલિતાણા નગરમાં થઈને વહેતી શેત્રુંજી નદી છે. અહીં આવેલું ગૌરીશંકર એ કૃત્રિમ સરોવર છે. 1872માં પાણીપુરવઠા માટે ભાવસિંહજી રાજાએ તેનું નિર્માણ કર્યું હતું. તે બોરતળાવ તરીકે પણ ઓળખાય છે. જ્યારે માલેશ્રી નદી આ જિલ્લામાં માળનાથ ડુંગરમાળામાંથી ઉદગમ પામે છે. તેની લંબાઈ ફક્ત 30 કિમી. છે. ગીરના જંગલમાં આવેલ ચાચણની ટેકરીઓમાં શેત્રુંજી નદીનું ઉદગમસ્થાન રહેલું છે. આ સિવાય ટૂંકી નદીઓમાં માલણ, ઘેલો, કેરી, કાળુભાર, રંગોળી નદીઓ આવેલી છે. સૌરાષ્ટ્રના અગ્નિકિનારાના વિસ્તારમાં ભાવનગર એક બારમાસી બંદર છે. કિનારાને ભરતી/તોફાનથી નુકસાન ન થાય તે માટે ‘Break Water Wall’નું નિર્માણ કરાયું છે.

જમીન : જિલ્લામાં મુખ્યત્વે પાંચ પ્રકારની જમીનો જોવા મળે છે. ભાવનગર, શિહોર, સોનગઢ, તળાજા, મહુવા, પાલિતાણા, ઉમરાળા અને ગઢડામાં મધ્યમ પ્રકારની કાળી જમીનો આવેલી છે. મહુવા તાલુકામાં કિનારા તરફ કાંપની રેતાળ જમીનો છે. ગારિયાધાર મહાલમાં માટીવાળી ચૂનેદાર જમીન છે. ભાલ પ્રદેશમાં કાંપમય માટીવાળી જમીન છે. ભાવનગર, શિહોર, સોનગઢ અને પાલિતાણાના અમુક ભાગોમાં આછા રંગની મૂરમ પ્રકારની જમીન આવેલી છે.

ખેતી-સિંચાઈ-પશુપાલન : આ જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં બાજરી, જુવાર, ઘઉં, ડાંગર, ચણા, મગફળી અને કપાસનો સમાવેશ થાય છે. ઘઉં, ડાંગર, ઢોરોના ખોરાકી પાકો તથા કપાસ જે કૂવા અને નહેરોની સિંચાઈથી થાય છે, બાકીના વરસાદ-આધારિત છે. જિલ્લામાં ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં તેમજ મરઘાંનો ઉછેર થાય છે. તેમને માટે પશુચિકિત્સાલયો અને કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રોની સારી સુવિધાઓ છે. જિલ્લામાં 105 જેટલી દૂધ સહકારી મંડળીઓ, ભાવનગરમાં દૂધની ડેરી, શિહોર તાલુકામાં મરઘાં-ઉછેર કેન્દ્ર છે. આ ઉપરાંત ભાવનગર, તળાજા, મહુવા અને ઘોઘા વિભાગોમાં મત્સ્યપ્રવૃત્તિ ચાલે છે.

ઉદ્યોગો-વેપાર : આ જિલ્લો ખનિજ-ઉદ્યોગ-ક્ષેત્રે સમૃદ્ધ છે. અહીં કૅલ્સાઇટ, ડાયએટમધારક મૃદ, બીબાનિર્માણ રેતી અને બેન્ટોનાઇટ જેવાં ખનિજદ્રવ્યોનું પ્રમાણ વિશેષ ઉલ્લેખનીય છે. શ્વેત મૃદ, ખડી, બૉક્સાઇટ અને લાલ ગેરુ અન્ય મુખ્ય ખનિજો છે. આ ઉપરાંત મરડિયો, ચૂનાખડક, મૂરમ, ટ્રૅપ, રેતીખડકો અને મીઠું ગૌણ પેદાશો તરીકે મળે છે.

આ જિલ્લામાં સુતરાઉ કાપડની મિલો સહિતના 125 એકમો, ખાદ્યપેદાશોના 85 એકમો, રસાયણો અને રાસાયણિક પેદાશોના 75 એકમો, યંત્રો અને યંત્ર-સામગ્રીના 60 એકમો, અધાત્વિક ખનિજપેદાશોનાં 55 ઉત્પાદક મથકો, પાયાની ધાતુઓ અને મિશ્રધાતુઓના 29 એકમો તથા પરિવહન સાધનસામગ્રીના 12 એકમો આવેલા છે. આ પૈકી એક્સેલ ઇન્ડસ્ટ્રિઝ લિ., પ્રશાન્ત પ્રોટીન્સ લિ., યૂનિટી સ્ટીલ લિ. જેવા ઉદ્યોગો વિશેષ ઉલ્લેખનીય છે.

કાપડ, કેટલાંક ખાદ્યાન્ન, ખાંડ, લોખંડ, પિત્તળ, તાંબું, ઍલ્યુમિનિયમ, સ્ટેઇનલેસ સ્ટીલ, મરચાં, કટલરી અહીંની મહત્વની આયાતી ચીજો છે, જ્યારે સિંગતેલ, મીઠું, ઑઇલ-એંજિનો, કેટલાંક ખાદ્યાન્ન, લોહપટ્ટીઓ, વાસણો, હીરા અને ઈંટો મુખ્ય નિકાસી ચીજો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં દરિયાકાંઠે ‘અલંગ’ ખાતે જહાજ ભંજન વાડો ઊભો કરાયો છે. આ જહાજવાડો દુનિયામાં સૌથી મોટો ગણાય છે. જે ભાવનગરથી આશરે 50 કિમી. દૂર આવેલો છે. આ જહાજવાડો ભાવનગરના ધાતુઉદ્યોગ માટે લાભદાયી બન્યો છે.

પરિવહન : જિલ્લામાં 310 કિમી. લંબાઈના રેલમાર્ગો તથા 8 જેટલાં રેલમથકો આવેલાં છે. ગારિયાધાર અને વલ્લભીપુરને બાદ કરતાં બધા જ તાલુકાઓ રેલમાર્ગોથી સંકળાયેલા છે. અહીં કુલ 3,100 કિમી. લંબાઈના સડકમાર્ગો છે, તે પૈકી 600 કિમી.ના રાજ્યકક્ષાના માર્ગો છે. અહીંનાં 800 વસ્તીધારક ગામડાંમાંથી 670 જેટલાં ગામડાં રાજ્ય પરિવહનની બસોથી જોડાયેલાં છે. જિલ્લામાં આવેલાં ભાવનગર, મહુવા, ઘોઘા અને તળાજા બંદરો પરથી આયાત-નિકાસની ચીજવસ્તુઓની હેરફેર થાય છે. ભાવનગર ખાતેનું હવાઈ મથક મુંબઈ અને સૂરત સાથે સંકળાયેલું છે.

વસ્તી : ભાવનગર જિલ્લામાંથી 2013ના ઑગસ્ટ માસમાં બોટાદ જિલ્લાનું નિર્માણ કરાતાં આ જિલ્લાનો વિસ્તાર 7,034 ચો.કિમી. છે. જેથી તેની વસ્તી (2025 મુજબ) આશરે 28,80,000 છે. જેમાંથી ગ્રામ્યવસ્તી 17 લાખ અને શહેરી વસ્તી 12 લાખ જેટલી છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 733 મહિલાઓ છે. જ્યારે સાક્ષરતાનું પ્રમાણ આશરે 70.57% છે. અહીં મુખ્ય ભાષાઓ ગુજરાતી 97.87%, હિન્દી 1.02%, સિંધી 0.63% જ્યારે અન્યનું પ્રમાણ 0.68% છે. વસ્તીગીચતા 340 ચો.કિમી. છે. પછાત જાતિ અને આદિવાસીઓનું પ્રમાણ અનુક્રમે 5.24% અને 0.34% છે. આ જિલ્લાને વહીવટી અનુકૂળતાને લક્ષમાં રાખીને કુલ 11 તાલુકામાં (ભાવનગર શહેર, ભાવનગર, ગારિયાધાર, ઘોઘા, જેસર, મહુવા, પાલિતાણા, શિહોર, તળાજા, ઉમરાળા અને વલભીપુર) વિભાજિત કરવામાં આવેલ છે. ગામડાંઓની સંખ્યા 699 જ્યારે ગ્રામપંચાયત 658 છે. 6 શહેરોમાં મ્યુનિસિપાલિટી રચાઈ છે. જ્યારે મ્યુનિસિપાલિટી કૉર્પોરેશન એક છે. કૉલેજો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, હૉસ્પિટલો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, પ્રસૂતિગૃહો વગેરે આવેલાં છે.

પ્રવાસન : ભાવનગર, પાલિતાણા, ગોપનાથ, માંડવગઢ, મહુવા, ખૂંટવાડા, સોનગઢ અને ગઢડા અહીંનાં ઘણાં અગત્યનાં પ્રવાસમથકો છે.

શત્રુંજય જૈન મંદિર, પાલીતાણા

ગોપનાથ : ભગવાન કૃષ્ણે જ્યાં શિવપૂજા કરેલી તે ગુપ્તનાથ મહાદેવનું શિવલિંગનું સ્થળ આજે ગોપનાથ તરીકે ઓળખાય છે. તળાજામાં જન્મેલા નરસિંહ મહેતા યુવાનીમાં ભાભીનાં મહેણાંથી કંટાળીને આ સ્થળે આવેલા અને તપ કરેલું એવી અનુશ્રુતિ છે. અહીં પથ્થરની એક ખાણ છે. અહીંની આબોહવા ખુશનુમા રહે છે. અહીં ગોપનાથ મહાદેવના સ્થળે દર વર્ષે શ્રાવણ વદ ચૌદશ-અમાસના દિવસોએ મોટો મેળો ભરાય છે.

માંડવગઢ : ઐતિહાસિક મહત્વ ધરાવતું આજનું માંડવા પ્રાચીન સમયમાં માંડવગઢ નામથી જાણીતું હતું. સિદ્ધરાજ જયસિંહે અહીં મહાદેવનું મંદિર બંધાવેલું હોવાનું કહેવાય છે.

મહુવા : જિલ્લાના દક્ષિણ ભાગમાં અરબી સમુદ્રને કાંઠે આવેલું આજનું આ બંદર પ્રાચીન સમયમાં મોહેરક નામથી ઓળખાતું હતું. તે ભાવનગરથી આશરે 89 કિમી. અંતરે માલણ નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે. ગુજરાતના સુલતાનો અને મુઘલ શહેનશાહોના સમયમાં તે ઘણું મહત્વનું વેપારી બંદર હતું. અહીં નગર બહાર ભદ્રોડ દરવાજા નજીક એક જૂની મસ્જિદ આવેલી છે. 1444ના અરસાનાં કેટલાંક જૈન મંદિરો છે. કતપુર અને નિકોલ વચ્ચે દરિયાકિનારે ભવાની માતાનું જૂનું મંદિર છે, પરંતુ ઊડતી આવેલી રેતીના ઢગથી તે ઢંકાઈ જવા આવ્યું છે.

ખૂંટવાડા : આ ગામ માલણ નદીના દક્ષિણ કાંઠે આવેલું છે. ખૂંટવાડાથી આશરે 2 કિમી. અંતરે ચિત્રધાર ટેકરીમાં બૌદ્ધ ગુફા આવેલી છે. લોકો તેને અઘોરી બાવાની ગુફા તરીકે ઓળખે છે. આ ગામમાં એક કિલ્લાના ભગ્નાવશેષો જોવા મળે છે. આ કિલ્લામાં પંચબીબીનો એક કૂવો આવેલો છે. અહીં જૈન તથા વૈષ્ણવ મંદિરો પણ છે. સ્વામિનારાયણ-પંથીઓની વસ્તી અહીં વિશેષ છે. અહીંથી આશરે દોઢ કિમી. અંતરે માલણ, રોઝકી અને લીલિયો નદીઓ ભેગી થઈને ત્રિવેણી-સંગમ રચે છે. આ સંગમસ્થાને બીલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં દર વર્ષે શ્રાવણની અમાસે મેળો ભરાય છે.

સોનગઢ : પ્રાચીન સમયે આ સ્થળ સોનપુરી નામે ઓળખાતું હતું. અહીંની આબોહવા અત્યંત સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. અહીં આર્યકુમાર મહાસભા, વડોદરા તરફથી માર્ચ 1929માં સ્થપાયેલું ગુરુકુળ ચાલે છે. પૂજ્યશ્રી કાનજીસ્વામીએ સ્થાપેલો આશ્રમ અને જૈન મુનિએ સ્થાપેલો ચરિત્રવિજયરત્ન આશ્રમ અહીંનાં અન્ય આકર્ષણો છે.

ઇતિહાસ : ઈ.સ.ના પાંચમાથી આઠમા સૈકા દરમિયાન અહીંના વલભીપુર ખાતે મૈત્રક વંશનું શાસન હતું. રાજવીઓ ખૂબ જ સમર્થ હતા, રાજવંશ સમૃદ્ધિ પામેલો; એટલું જ નહિ, વલભીપુર આ વિસ્તારનું જાણીતું વિદ્યાધામ પણ હતું. તે બૌદ્ધ ધર્મનું મથક હોવાથી ચીની મુસાફર હ્યુ-એન-શ્વાંગે આ વિસ્તારની મુલાકાત લીધેલી. આઠમી સદી પછી આ વંશનું પતન થયું. ત્યારબાદ અહીં થયેલા ભૂકંપને કારણે વલભીપુરનો વિનાશ થયો. તે પછીનાં આશરે 500 વર્ષ માટે કોઈ વિશિષ્ટ ઘટનાઓ બનેલી નથી. તેરમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન અહીં ગોહિલ રાજપૂતોનો ઉદય થતો ગયેલો. ગોહિલો રાજપૂતોની એક પ્રસિદ્ધ જાતિ છે. આઝાદી અગાઉ સૌરાષ્ટ્રમાં ભાવનગર, પાલિતાણા, વળા અને લાઠી જેવાં રાજ્યોમાં ગોહિલ જાતિના રાજપૂતો રાજ્ય કરતા હતા. ઈ.સ. 1260માં સેજકજી મારવાડના ખેરગઢમાંથી નીકળીને સૌરાષ્ટ્રમાં આવ્યા. સોરઠના રાજા મહીપાલ દેવે તેમને શાહપુર આસપાસનાં બાર ગામની જાગીર આપી. તેમણે સેજકપુર ગામ (તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) વસાવ્યું. તેમના પછી તેમનો પુત્ર રાણોજી ઈ.સ. 1290માં ગાદીએ બેઠો. તેણે રાણપુર વસાવી તેને પાટનગર બનાવ્યું. તેનો પુત્ર મોખડાજી 1309માં ગાદીએ આવ્યો. તેણે ભીમરાડ, ઉમરાળા, ઘોઘા અને ખોખરા કબજે કર્યાં. દિલ્હીના સુલતાન મુહમ્મદશાહ તુગલુક સામે બહાદુરીથી લડતાં તે 1349માં વીરગતિ પામ્યો. આ વંશમાં ડુંગરજી, જેતોજી, સરતાનજી, વિસોજી વગેરે રાજાઓ થઈ ગયા. ઈ.સ. 1573માં ગુજરાતમાં મુઘલ સમ્રાટ અકબરે સત્તા સ્થાપી ત્યારે શિહોરમાં ગોહિલ વંશનો વિસોજી (1570–1600) રાજ્ય કરતો હતો. આ વંશમાં 1703માં ભાવસિંહજી ગાદીએ આવ્યો. એણે ખંભાતના અખાત પાસે આવેલા વડવા ગામ નજીક 1723માં ભાવનગરની વસાહત સ્થાપી તથા રાજધાની શિહોરથી ભાવનગર બદલી. એણે સૂરતના સિંધી કિલ્લેદાર સાથે ભાવનગરના રક્ષણ માટે કરાર કર્યા, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે વેપારી સંધિ કરી અને રાજ્યની સરહદો વિસ્તારી. 1760માં એનું અવસાન થતાં અખેરાજજી અને તેના પછી વખતસિંહ (1772) ગાદીએ બેઠો. તેણે કાઠીઓને હરાવી ઘણાં ગામો જીતી લીધાં. તેણે મહુવા, ઝાંઝમેર, કોટડા, ગુંદરણા, સાલોલી વગેરે ગામો કબજે કર્યાં. 1807–08માં કર્નલ વૉકરે સૌરાષ્ટ્રના રાજાઓ સાથે કરારો કર્યા. તેમાં ભાવનગરનો પણ સમાવેશ થયો. 1816માં વખતસિંહનું અવસાન થતાં વજેસિંહજી (1816–1852) ગાદીએ બેઠા. તેમને ખુમાણ બહારવટિયાઓનો સામનો કરવો પડ્યો. 1829માં જોગીદાસ ખુમાણ સાથે સમાધાન કરવામાં આવ્યું. 1854માં રૂ 9,000/- આપીને તેમણે જૂનાગઢ સાથેનાં 76 તકરારી ગામો મેળવ્યાં. તેનો યશ ગૌરીશંકર ઓઝાને ફાળે જાય છે. જશવંતસિંહજી (1854–1869)ના અમલ દરમિયાન જે 116 ગામનું મહેસૂલ પેશવાને આપતા હતા, તે ગામો ઉપરની ભાવનગરની હકૂમત ગુજરાતનો મુલક બ્રિટિશ સત્તાને મળ્યા પછી પણ સ્વીકારવામાં આવી. જશવંતસિંહજીનું અવસાન (1869) થતાં 1878 સુધી યુવરાજ તખ્તસિંહજીની સગીરાવસ્થામાં ગૌરીશંકર ઓઝા અને ઈ. એચ. પર્સિવલે વહીવટ સંભાળ્યો. તખ્તસિંહજીના અમલ દરમિયાન વઢવાણ-ભાવનગર રેલવે બાંધવામાં આવી. ગૌરીશંકર ઓઝા નિવૃત્ત થવાથી શામળદાસ મહેતા દીવાન બન્યા. આ દરમિયાન શામળદાસ કૉલેજ સ્થાપવામાં આવી (1884) અને પીપાવાવ (વિક્ટર) બંદર બાંધવામાં આવ્યું. તખ્તસિંહજીનું અવસાન થતાં (1896) એમના પુત્ર ભાવસિંહજી બીજા ગાદીએ બેઠા. એમણે પ્લેગ અને દુકાળમાં (1900) લોકોને સારી રાહત આપી. એમને ‘મહારાજા’નો ખિતાબ મળ્યો (1909). પ્રથમ વિશ્વયુદ્ધમાં એમણે અંગ્રેજોને કરેલી મદદની કદર કરીને એમની સલામી વધારીને 15 તોપની કરવામાં આવી. તેમણે લીધેલાં પ્રજાહિતનાં કાર્યોમાં દારૂબંધી, પડદાના રિવાજની નાબૂદી, સ્ત્રી-કેળવણીને ઉત્તેજન, પ્રજાપ્રતિનિધિ-સભાની રચના, ખેતીની સહકારી સોસાયટીઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહ તખ્તનશીન થયા. તે સગીર વયના હોવાથી દીવાન પ્રભાશંકર પટણી વગેરેની રીજન્સી નિમાઈ હતી. તેમની પુખ્ત વય થતાં 1931માં એમણે સત્તા સંભાળી લીધી. તેમણે પંચાયતધારો ઘડીને ચૂંટણીની પ્રથા શરૂ કરી. ખેતીને ઉત્તેજન આપવા ‘મૉડલ ફાર્મ’ શરૂ કર્યું અને સિંચાઈ માટેનાં તળાવ બંધાવ્યાં. તેમણે ભાવનગરને આધુનિક સગવડો આપી તથા ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. જાન્યુઆરી 1948માં તેમણે જવાબદાર રાજ્યતંત્ર આપ્યું. એ જ વર્ષે ભાવનગર રાજ્યનું વિલીનીકરણ થયું અને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી.

ભાવનગર શહેર : સૌરાષ્ટ્રના દરિયાકિનારાના પૂર્વ કાંઠે આવેલું દરિયાઈ શહેર.

તે 21  72´ ઉ. અ. અને 72  15´ પૂ. રે. પર સ્થિત છે. જે સરેરાશ 24 મીટર ઊંચાઈ ધરાવે છે. જેનો વિસ્તાર આશરે 53.3 ચો.કિમી. છે. મોટે ભાગે તેનો  ઢોળાવ ખંભાતના અખાત તરફનો જોવા મળે છે. કાળુભાર નદી જે ‘કંસારા નાળા’ તરીકે ઓળખાય છે તેના મુખ પાસે આ શહેર આવેલું છે.

આ શહેરની આબોહવા ગરમ અને પ્રમાણમાં સૂકી છે. ઉનાળો માર્ચથી મધ્ય જૂન સુધી અનુભવાય છે. આ સમયગાળામાં ગરમીનો અનુભવ વધુ થાય છે. મે માસનું મહત્તમ તાપમાન 38  સે. અને લઘુતમ તાપમાન 28  સે. રહે છે. તેમ છતાં ક્યારેક 42  સે. સુધી પણ પહોંચી જાય છે. શિયાળો મધ્ય જૂનથી ઑક્ટોબર માસ સુધી અનુભવાય છે. જાન્યુઆરીનું મહત્તમ અને લઘુતમ તાપમાન 23  સે. અને 15  સે. રહે છે. તેમ છતાં દરિયાઈ સામીપ્યને કારણે ઉનાળો અને શિયાળો પ્રમાણમાં સામાન્ય રહે છે. વર્ષાઋતુનો અનુભવ મધ્ય જૂનથી ઑક્ટોબર માસ દરમિયાન થાય છે. આ શહેરમાં સરેરાશ વરસાદ 655 મિમી. જેટલો પડે છે. 1970ના વર્ષમાં 1428 મિમી. જ્યારે 1974ના વર્ષમાં ફક્ત 157 મિમી. જેટલો વરસાદ પડ્યો હતો.

અર્થતંત્ર : ભાવનગરની આસપાસના પ્રદેશમાં થતાં દાડમ, કેરી, બાજરી, ઘઉં, જુવાર, મગફળી અને ડુંગળી અહીંના માર્કેટયાર્ડમાં વેચાવા આવે છે. તે જિલ્લામથક અને ઔદ્યોગિક કેન્દ્ર હોઈને આસપાસના 50 કિમી. વિસ્તારનાં ગામોનું ખરીદ-વેચાણ મથક બની રહેલું છે. અહીં કાપડની ત્રણ મિલો, તેલની મિલો, રોલિંગ મિલો તેમજ, હાડકાં, ખાતર, પ્લાસ્ટિક, ટ્રંક, લોખંડનું ફર્નિચર, ધાતુ અને સ્ટીલ વગેરેનાં કારખાનાં છે. વળી ઇજનેરી ઉદ્યોગનાં તથા હીરા ઘસવાની ઘંટીઓનાં કારખાનાં પણ છે. અલંગ જહાજભંજન યાર્ડને કારણે સસ્તા સ્ટીલનો ભંગાર મળવાથી અહીં સ્ટીલ-ઉદ્યોગનો વિકાસ થયો છે. આ ઉપરાંત રંગો, દવાઓ અને રસાયણોના ઉદ્યોગો પણ અહીં વિકસ્યા છે. ભાવનગરમાં વિઠ્ઠલવાડી ખાતે તેમજ નજીક આવેલા ચિત્રામાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે. આ વસાહતોમાં કુલ 280થી વધુ કારખાનાં આવેલાં છે.

અમદાવાદ, સુરેન્દ્રનગર, મહુવા તથા રાજકોટ જતા રેલમાર્ગો અહીંથી શરૂ થાય છે. તે પશ્ચિમ રેલવેનું રાજ્ય-માર્ગવ્યવહારનું વિભાગીય મુખ્ય મથક છે. 1873માં ભાવનગરથી વઢવાણ સુધી વીરમગામને જોડતા તથા ધોળાથી રાજકોટ ધોરાજીને જોડતા રેલ-માર્ગો નંખાયા હતા. આ શહેર મહુવા, સાવરકુંડલા, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, વીરમગામ, ધ્રાંગધ્રા, જામનગર અને અમદાવાદ સાથે બ્રૉડગેજ રેલમાર્ગથી જોડાયેલું છે. ભાવનગર ખાતે આવેલું વિમાનઘર 1938માં બાંધવામાં આવેલું તે મુંબઈ, અમદાવાદ, સૂરત અને વડોદરા સાથે હવાઈ માર્ગે જોડાયેલું છે. શહેરમાં પાકા રસ્તાઓની સારી સગવડ છે. ભાવનગર બારમાસી બંદર પણ છે. લૉકગેટ દ્વારા પાણીની સપાટી, ઊંડાણ વગેરે જાળવવામાં આવે છે. બંદરથી 10 કિમી. દૂરના લંગરસ્થાને મોટી સ્ટીમરો થોભે છે. અગાઉનું જૂનું બંદર કાંપથી પુરાઈ જતાં રૂપિયા એક કરોડના ખર્ચે કૉંક્રીટની જેટી, વ્હાર્ફ, ગોદામો, રેલવે સાઇડિંગ, વાયરલેસ વગેરેની સગવડો વધારવામાં આવેલી છે. ભાવનગર બંદરેથી ખાતર, ક્રૂડ ઑઇલ, રૂ, અનાજ, સૉયાબીન, રાયડો, લાકડાં, નાળિયેર, કપાસિયાં, ગંધક, કાથી, કોથળા, કોલસો, મોલ્ડિંગ રેતી, રૉક ફૉસ્ફેટ, ખોળ, તેલીબિયાં, મીઠું, ડુંગળી, બેન્ટોનાઇટ, ડૉલોમાઇટ, હાડકાં, સિંગદાણા, લોખંડનો ભંગાર વગેરેની આયાત-નિકાસ થાય છે.

સાહિત્યવારસો અને રાજકીય ઘટના : અહીં જગદીપ વીરાણી સ્થાપિત ‘સપ્તકલા’ (1953), શ્રી બાપોદરા સંચાલિત ‘નાદ’ (1983), ‘ગુલબાઈ દેખૈયા’નું ‘સ્વરકલા’ તથા પાંચ અન્ય સંગીતમંડળો છે. ભાવનગરે આધુનિક યુગમાં સંગીતક્ષેત્રે ઘણા નામી સંગીતકારો તથા ચિત્રકલાક્ષેત્રે ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ ઉપરાંત અનેક ચિત્રકારો આપ્યા છે. અહીં તેમનું ‘આકાર’ નામનું કલામંડળ પણ છે. સાહિત્યક્ષેત્રે કવિ, વિવેચક, સાહિત્યકારો અને હાસ્યલેખકોની દેણગી પણ ભાવનગરની જ છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે કવિઓ, વિવેચકો, વિદ્વાનો તૈયાર કરવામાં પ્રોફેસર રવિશંકર જોષીનો ફાળો ગણનાપાત્ર રહ્યો છે. ભાવનગરની ભાષા શિષ્ટ અને પ્રમાણભૂત છે એવું પ્રમાણપત્ર નર્મદાશંકર, બ. ક. ઠાકોર તેમજ ઉમાશંકર જોશીએ આપેલું. માનશંકર પીતાબંરદાસ મહેતાની આગેવાની હેઠળ ગુજરાતી સાહિત્યનું સંમેલન તથા મહાત્મા ગાંધી(અહીંની શામળદાસ કૉલેજના ભૂ.પૂ. વિદ્યાર્થી)ના પ્રમુખપણા હેઠળ કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું સંમેલન (1925) ભાવનગર ખાતે ભરાયાં હતાં. બળવંતરાય મહેતા, જાદવજી મોદી, જગુભાઈ પરીખ, આત્મારામ ભટ્ટ, અમૃતલાલ ઠક્કર વગેરે રાજકીય આગેવાનો ભાવનગરના હતા. હરિજનોના ઉદ્ધાર માટે પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિનો પ્રારંભ ઠક્કરબાપા તથા બળવંતરાય મહેતાએ કર્યો હતો. ભાવનગર રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવા રાજ્યે ‘કરજ કમિટી’ નીમીને ખેડૂતોને દેવામુક્ત કર્યા હતા. 1941માં ધારાસભા અને 1948માં ભાવનગર રાજ્યે જવાબદાર રાજતંત્રની નવાજેશ કરી હતી. અલગ સૌરાષ્ટ્ર રાજ્યની રચના માટે કૃષ્ણકુમારસિંહજીએ સહકારની ઘોષણા કરી હતી; ચેન્નાઈના રાજ્યપાલ તરીકે માત્ર રૂપિયા એકનું માનદ વેતન લઈને તેમણે અનોખી છાપ ઉપસાવી હતી. સ્વદેશી ચળવળ અને આઝાદીની લડતમાં ભાવનગરના પ્રજાજનોએ 1920–21, 1930–31 અને 1942માં આગળપડતો ભાગ લીધો હતો, તે પૈકી કેટલાક જેલમાં પણ ગયા હતા.

વસ્તી : આ શહેરની વસ્તી 2025 મુજબ આશરે 7,66,887 છે. જ્યારે બૃહદ શહેરની વસ્તી 8,66,000 છે. સરેરાશ સાક્ષરતાનું પ્રમાણ 86% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 931 મહિલાઓ છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને જૈનોનું પ્રમાણ અનુક્રમે 84.58%, 12.21% અને 2.64% છે. મોટે ભાગે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા બોલાય છે. અહીં પ્રાથમિકથી ઉચ્ચશિક્ષણ માટેની શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. આયુર્વેદ મહાવિદ્યાલય, ભાવસિંહજી પોલિટૅકનિક કૉલેજ, ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ, ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ, શામળદાસ આર્ટસ કૉલેજ, શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કૉલેજ, શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર કૉલેજ (S.N.D.T.), મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આવેલી છે. ભવ્ય ઇમારત ધરાવતી સંગ્રહાલય સહિતની બાર્ટન લાઇબ્રેરી, ગાંધીસ્મૃતિ પુસ્તકાલય સહિતનું સંગ્રહસ્થાન પણ આવેલાં છે.

જહાજભંજન વાડો, અલંગ

પરિવહન : ભાવનગર શહેરમાં પરિવહનનાં સાધનોની સુલભતા વધારે છે. તે રાષ્ટ્રીય ધોરી માર્ગ ન. 51 અને રાજ્ય ધોરી માર્ગ નં. 25, 36, 37 અને તાલુકા માર્ગોથી રાજ્યનાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે. બ્રૉડગેજ રેલમાર્ગનું મુખ્ય જંકશન છે. ભાવનગર હવાઈ મથક ગુજરાતનાં મુખ્ય શહેરો સાથે સંકળાયેલ છે. ભાવનગર નવું બંદર 1950માં બંધાયું હતું. 1963માં તેને ‘લૉગેટવાળા બંદર’ તરીકે વિકસાવાયું. આ બંદર પર કૉંક્રીટ જેટી 270 મીટર લાંબી અને 12.8 મીટર પહોળી છે. આ બંદરનો પીઠપ્રદેશ મગફળીની ખેતીનો વિસ્તાર હોવાથી સિંગદાણા અને સિંગખોળની નિકાસ માટે લાભદાયી બન્યો છે. આ બંદર પાસે આવેલા જહાજવાડામાં જહાજો બાંધવામાં આવે છે. આ બંદરેથી વિવિધ ચીજવસ્તુઓની આયાત-નિકાસ થાય છે. આ જહાજ પર યાંત્રિક સાધનોની સુલભતા વધુ છે. અહીં આવેલી દીવાદાંડી બહારનાં જહાજોને બંદર સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપે છે. 2001માં આવેલા ભૂકંપને કારણે આ દીવાદાંડીને મોટું નુકસાન થયું હતું. આ બંદરથી આશરે 50 કિમી. દૂર અલંગ બંદર આવેલું છે. જે એશિયામાં જહાજો ભાંગવાનાં સૌથી મોટાં કેન્દ્રોમાંનું એક છે.

ગિરીશભાઈ પંડ્યા

પોપટભાઈ ગો. કોરાટ

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી