ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ (1887)

January, 2001

ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ (1887) : ભૂતપૂર્વ ભાવનગર રાજ્યના પ્રાચીન શોધખાતા તરફથી પ્રગટ થયેલો, મહત્વની ઐતિહાસિક સામગ્રીરૂપ શિલાલેખોની નકલો, માહિતી વગેરે આપતો સંદર્ભગ્રંથ.

મહારાજા તખ્તસિંહજી ગોહિલે ગોહિલોનો પ્રમાણભૂત ઇતિહાસ તૈયાર કરાવવા માટે પ્રાચીન શોધખાતાની સ્થાપના કરી હતી. આ ખાતા દ્વારા પૂર્વમાં ઘોઘાથી પશ્ચિમે દ્વારકા સુધી અને દક્ષિણમાં દીવથી લઈને ઉત્તરમાં છેક મારવાડના ખેરગઢ, બાડમેર અને મેવાડના ઉદયપુર સુધીના વિસ્તારમાંથી પ્રાપ્ત થતા ગોહિલોના શિલાલેખો અને સિક્કાઓની તપાસ કરાવવામાં આવી. ઉપલબ્ધ શિલાલેખોની કાગળ પર છાપ લેવામાં આવી અને સિક્કાઓ એકત્રિત કરવામાં આવ્યા. એ પૈકીના ગોહિલોને લગતા શિલાલેખોની નકલોનો સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો. એમાં લેખોનું વિવેચન, પછી તેમની શિલાછાપની મૂળ નકલ, ત્યાર પછી તેમનું નાગરી લિપિમાં અક્ષરાંતર અને છેલ્લે તેમનું ગુજરાતી ભાષામાં પંક્તિવાર ભાષાંતર તેમને લગતી આવશ્યક પાદટીપો સાથે આપવામાં આવ્યાં છે. કર્નલ વૉટસને સંપાદિત કરેલ આ ગ્રંથના નિર્માણમાં ભાવનગરની હાઇસ્કૂલના હેડમાસ્તર અને પ્રસિદ્ધ પુરાવસ્તુવિદ ભગવાનલાલ ઇન્દ્રજીની અનન્ય સહાય પ્રાપ્ત થઈ હતી.

પ્રસ્તુત ગ્રંથમાં અનુક્રમે માંગરોળની સોઢલીવાવનો વિ. સં. 1202(ઈ. સ. 1146)નો, ઉદયપુર પાસેના સારણેશ્વર મંદિરનો વિ. સં. 1010(ઈ. સ. 954)નો, આબુ પર્વત પર અચલેશ્વર મહાદેવ સમીપના મઠનો વિ. સં. 1342- (ઈ. સ. 1286)નો શિલાલેખ; મારવાડમાં રાણકપુરના જિનાલયમાંનો વિ. સં. 1496(ઈ. સ. 1440)નો સ્તંભલેખ, માંગરોળ પાસેના ઘેલાણા ગામના કામનાથ મહાદેવના ઓરશિયા પરનો વલભી સં. 911(ઈ. સ. 1230)નો, મહુવાના લક્ષ્મીનારાયણ મંદિરનો વિ. સં. 1500(ઈ. સ. 1444)નો, મેવાડના કાંકરોલી ગામના રાયસાગર નામે તળાવ પરના વિ. સં. 1732(ઈ.સ. 1676)ના શિલાલેખો અને નાડલાઈ ગામના આદિનાથ જૈનમંદિરનો વિ. સં. 1597(ઈ. સ. 1541)નો સ્તંભલેખ સંપાદિત કરીને આપવામાં આવ્યા છે. બધા લેખોની વિગત પૂરી થયા બાદ એ સર્વની અંગ્રેજી નોંધ અને ભાષાંતર આપ્યાં છે. અંતે કોષ્ટકરૂપે બધા શિલાલેખોનાં મિતિ, વર્ષ, રાજાનાં નામ, દાનની વિગત અને વિષય ઇત્યાદિ આપ્યાં છે.

આ શિલાલેખ-સંગ્રહ તત્કાલીન લિપિ, ભાષા, વ્યાકરણ, છંદ, રાજકીય, સામાજિક, આર્થિક અને ભૌગોલિક વગેરે વિવિધ પાસાંઓના અભ્યાસ માટે ઉપયોગી છે.

વિભૂતી વિ. ભટ્ટ