ભાવકત્વ : રસની નિષ્પત્તિ બાબતમાં આચાર્ય ભટ્ટનાયકે તેમના લુપ્ત ગ્રંથ ‘હૃદયદર્પણ’માં રજૂ કરેલા ભુક્તિવાદમાં માનેલી ત્રણ શક્તિઓમાંની વચલી શક્તિ. ભટ્ટનાયકના મતે શબ્દની ત્રણ શક્તિઓ છે : (1) અભિધા શક્તિ, (2) ભાવકત્વ શક્તિ અને (3) ભોજકત્વ શક્તિ. શક્તિને શાસ્ત્રીય ભાષામાં ‘વ્યાપાર’ પણ કહે છે તેથી ‘ભાવકત્વ વ્યાપાર’ એમ પણ કહેવામાં આવે છે.

ભટ્ટનાયક ભરતના રસસૂત્ર – ‘विभावानुभाव्यभिचारि- संयोगाद् रसनिष्पति: ।’ માં રહેલા ‘નિષ્પત્તિ’ શબ્દનો ‘ભુક્તિ’ એવો અર્થ કરે છે એથી ભટ્ટનાયકના સિદ્ધાન્તને ‘ભુક્તિવાદ’ એવું નામ આપવામાં આવ્યું છે. એ સિદ્ધાન્ત મુજબ કાવ્ય કે નાટકમાં વિભાવ અને અનુભાવ વગેરેનું વર્ણન કરવામાં આવે છે. કવિના આ વર્ણનના શબ્દો પર અભિધા નામની પહેલી શક્તિની પ્રક્રિયા થાય છે અને વાચક કે પ્રેક્ષકને અભિધેયાર્થ મળે છે, જે કાવ્યમાં વર્ણવાયેલાં નાયક-નાયિકા વિશેનો હોય છે. એ પછી શબ્દની બીજી ભાવકત્વ શક્તિ લાગે છે અને તે વિભાવાદિને સાધારણ બનાવે છે. તેને સાધારણીકરણ કહે છે. એ સાથે ભાવકત્વ શક્તિ બીજું કાર્ય એ કરે છે કે વાચક કે પ્રેક્ષકના મનમાં રહેલા સ્થાયી ભાવને તે ભાવનયોગ્ય બનાવે છે. એટલે તે રસભાવનો વિષય બને છે. એ પછી શબ્દની ત્રીજી ભોજકત્વ અથવા ભોગ શક્તિ ભાવનયોગ્ય બનેલા સ્થાયી ભાવને આનંદમય અને રસના રૂપમાં આસ્વાદને યોગ્ય બનાવે છે. એટલે રસનો ભોગ થાય છે અથવા રસને અનિર્વાચ્ય રૂપ વડે ભોગવવામાં આવે છે. એટલે તે પ્રેક્ષક કે સહૃદયનો વિષય બને છે. આમ, ભાવકત્વ શક્તિથી રસ સાધારણીકરણ વડે ભાવનાવાન અને ભાવનયોગ્ય બને છે એમ ભટ્ટનાયક કહે છે.

અભિધા શબ્દશક્તિનો સ્વીકાર તમામ લોકો કરે છે; પરંતુ બીજા લોકો જેને લક્ષણા શબ્દશક્તિ માને છે તેને ભટ્ટનાયક ભાવકત્વ શક્તિ માને છે. પાછળથી ધ્વનિવાદી આચાર્યો જેને વ્યંજના શબ્દશક્તિ કહે છે તેને ભટ્ટનાયક ભોગ કે ભોજકત્વ શક્તિ કહે છે. સંક્ષેપમાં, ભટ્ટનાયકે ભાવકત્વ અને ભોજકત્વ એવી બે નવી શક્તિઓ રજૂ કરી છે. ભાવકત્વ શક્તિ રસના આસ્વાદ પહેલાં આવતી શક્તિ છે અને તે અભિધાએ આણેલા બે દોષો (1) તાટસ્થ્ય અને (2) આત્મગતત્વને દૂર કરે છે.

ભટ્ટનાયકનો મત મૌલિક અને સૂક્ષ્મ સમજવાળો તથા મનોવૈજ્ઞાનિક આધારવાળો હોવાથી સત્યની નજીક છે. તે નાટ્યને ધ્યાનમાં રાખીને રજૂ થયો છે. અભિનવગુપ્તે ભાવકત્વ શક્તિનું ખંડન કરતાં કહ્યું છે કે તેમાં શબ્દની પાંચ શક્તિઓ માનવાનો નિરર્થક લંબાણનો અર્થાત્ ગૌરવનો દોષ છે. ભાવકત્વ શક્તિનું કામ લક્ષણા કરી શકવા સમર્થ છે; જ્યારે વ્યંજના શક્તિ વડે ભાવકત્વ અને ભોજકત્વ બંને શક્તિઓનું કામ થઈ જાય છે; તેથી આ બંને શક્તિઓ માનવી નિરર્થક છે. આમ છતાં ભટ્ટનાયકના અનુયાયીઓ (1) કેટલાક પ્રેક્ષકો માટે લક્ષણા શબ્દશક્તિ સરળ નથી, (2) અભિધા પર લક્ષણા આધાર રાખે છે, (3) અભિધા માનસિક ક્રિયા સમજાવી નથી શકતી અને (4) લક્ષણા સાધારણીકરણ કરી શકતી નથી, એથી ભટ્ટનાયકની ભાવકત્વ અને ભોજકત્વ શક્તિઓ માનવી જોઈએ  — એમ કહે છે.

પારુલ માંકડ

પ્ર. ઉ. શાસ્ત્રી