ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1965 : ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલું બીજું ખુલ્લું યુદ્ધ. ભારત પર પાકિસ્તાનના લશ્કરી આક્રમણને કારણે બંને દેશો વચ્ચેની સરહદો સળગી ઊઠી. પ્રારંભે એપ્રિલ, 1965માં પાકિસ્તાને કચ્છના રણના વિસ્તારમાં આક્રમણ કર્યું અને પછી પાકિસ્તાનના લાહોર-સિયાલકોટ અને ભારતના છાંબ-જોરિયન વિસ્તાર સુધી ઑગસ્ટમાં આ સંઘર્ષ વિસ્તર્યો. ભારતીય સૈન્ય લાહોર સુધી પહોંચી ગયું પણ યુદ્ધ અનિર્ણાયક રહ્યું. સોવિયેત સંઘની મધ્યસ્થીને કારણે ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના લશ્કરી શાસક અયૂબખાન વચ્ચે સોવિયેત સંઘના તાશ્કંદ ખાતે સમજૂતી મંત્રણાઓ આરંભાઈ. 11 જાન્યુઆરી, 1966ના રોજ બંને દેશો વચ્ચે કરાર થયા. આ કરાર અનુસાર 5મી ઑગસ્ટ, 1965 પહેલાં સૈન્યો જે સ્થાને હતાં ત્યાં પાછાં ખેંચી લેવા માટે બંને દેશો સંમત થયા. બંને દેશો વચ્ચે એલચી મોકલવાના સંબંધો પુન: સ્થાપિત થયા અને યુદ્ધ-કેદીઓ પાછા સોંપવાની બાબતે સંમતિ સાધવામાં આવી. આવા રાજકીય કરાર છતાં બંને દેશો વચ્ચેનો તણાવ ઘટતાં લાંબો સમય લાગ્યો.

રક્ષા મ. વ્યાસ