ભારતીય કાલગણના : સૂર્યચંદ્રના ભ્રમણથી થતા દેખીતા ફેરફારને આધારે સમયની ગણતરી કરવાની ભારતીય પદ્ધતિ.
ભારતમાં સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયને ‘દિવસ’ અને સૂર્યાસ્તથી સૂર્યોદયના સમયને ‘રાત્રિ’ કહે છે. દિવસ અને રાત્રિને સમાવી લેતા સૂર્યોદયથી સૂર્યોદયના સમયને ‘અહોરાત્ર’ કહે છે, એના અંશોમાં પ્રાત:, પૂર્વાહન, મધ્યાહન, સાયં, ઉત્તરાહન, મધ્યરાત્રિ જેવાં માપ પ્રચલિત થયાં. અહોરાત્રની ગણતરી 60 ઘટિકા(ઘડી)ઓમાં થતી. ઘટિકાના 60મા ભાગને ‘પલ’ કહેતા. ગાણિતિક ગણતરીમાં પલના 60મા ભાગને ‘વિપલ’, વિપલના 60મા ભાગને ‘પ્રતિવિપલ’ કહેતા. અહોરાત્રના આઠમા ભાગને ‘યામ’ કે ‘પ્રહર’ કહેતા.
ચંદ્રની કલાની વધઘટ પરથી તિથિની ગણતરી થાય છે. જ્યારે ચંદ્ર પૂરેપૂરો પ્રકાશમાન હોય ત્યારે ‘પૂર્ણિમા’ (પૂનમ) કહેવાય છે ને જ્યારે એના પ્રકાશનો પૂર્ણ લય થાય ત્યારે એને ‘અમાવાસ્યા’ (અમાસ) કહે છે. અમાસ પછીના પખવાડિયામાં ચંદ્રની કલા પ્રતિદિન વધતી રહે છે, જ્યારે પૂનમ પછીના પખવાડિયામાં એ ઘટતી જાય છે. પહેલા પખવાડિયાને ‘શુક્લ પક્ષ’ અને બીજા પખવાડિયાને ‘કૃષ્ણ પક્ષ’ કે ‘બહુલ પક્ષ’ કહે છે. ‘શુક્લ દિવસ’ પરથી શુદિ (સુદ) અને ‘બહુલ દિવસ’ પરથી ‘બદિ’ (વદ) શબ્દ પ્રચલિત થયા. શુક્લ અને કૃષ્ણ પક્ષ મળીને એક ચાંદ્ર ‘માસ’ થાય છે.
પૃથ્વી સૂર્યની આસપાસ લંબવૃત્તમાં ફરે છે. તેના આધારે ગરમીમાં વધઘટ થતી રહે છે. આ વધઘટના આધારે ઋતુચક્ર રચાય છે. શિયાળામાં હેમંત અને શિશિર, ઉનાળામાં વસંત અને ગ્રીષ્મ તથા ચોમાસામાં વર્ષા અને શરદ એમ કુલ છ ઋતુઓ છે. છ ઋતુઓના સમવાયથી એક સૌર વર્ષ બને છે. સૌર વર્ષ લગભગ 365 દિવસનું હોય છે. એના 12 અંશ છે, જેને ‘રાશિ’ કહે છે. ભારતમાં રાશિઓ મોડી પ્રચલિત થઈ. આરંભિક ગાળામાં કાલગણનામાં વધુ મહત્વ નક્ષત્રોનું હતું. ચાંદ્ર માસોનાં નામ નક્ષત્રો પરથી પડેલાં છે. સૂર્ય મકરથી મિથુન રાશિમાં હોય તે વર્ષાર્ધને ‘ઉત્તરાયણ’ અને સૂર્ય કર્કથી ધન રાશિમાં હોય તે વર્ષાર્ધને ‘દક્ષિણાયન’ કહે છે.
ભારતના ઘણા પ્રદેશોમાં ચાંદ્ર વર્ષ પ્રચલિત છે. એ લગભગ 354 દિવસનું હોય છે. ચાંદ્ર વર્ષ સૌર વર્ષ કરતાં લગભગ 11 દિવસ જેટલું ટૂંકું હોઈ, ચાંદ્ર વર્ષ સૌર વર્ષ કરતાં લગભગ 33 મહિને એક મહિના જેટલું પાછળ પડે છે. આથી એમાં લગભગ એટલા ગાળામાં એક ચાંદ્ર માસ ઉમેરીને એનો સૌર વર્ષ સાથે મેળ સાધવામાં આવે છે. આ ઉમેરેલા ચાંદ્ર માસને ‘અધિક માસ’ કહે છે. એનો ધાર્મિક મહિમા મનાય છે. અધિક માસને લીધે ભારતીય વર્ષ હિજરી સનની જેમ તદ્દન ચાંદ્ર કે ઈસવી સનની જેમ માત્ર સૌર નહિ; પણ 12 ચાંદ્ર માસ અને સૌર વર્ષનો મેળ મેળવતું ચાંદ્ર-સૌર વર્ષ બની રહે છે.
આકાશમાં ચારેબાજુ દેખાતા તારાઓનાં વૃત્તનાં 27 ઝૂમખાં, સગવડ માટે સરખા અંતરનાં, ગણવામાં આવે છે. એને ‘નક્ષત્ર’ કહે છે. સૂર્ય અને ચંદ્રનાં અમુક 27 પરિક્રમણોના યોગ(સરવાળા)ને ‘યોગ’ કહે છે. તિથિના અર્ધ ભાગને ‘કરણ’ કહે છે. વ્યવહારમાં તિથિની સાથે વાર પણ આપવામાં આવે છે. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ – એ દૈનિક કાલગણનાનાં પાંચ અંગ છે, આથી એના વાર્ષિક કોષ્ટકને ‘પંચાંગ’ કહે છે.
સામાન્યત: કાલની ગણતરી વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, તિથિ, વાર વગેરેમાં થાય છે; પરંતુ અનેક વર્ષોની ગણતરી યુગ, મન્વન્તર વગેરેમાં થતી.
ભારતના થોડા પ્રદેશોમાં સૌર વર્ષ પ્રચલિત છે; જેમ કે, બંગાળ, તમિલનાડુ અને કેરળમાં. પ્રાચીન કાલમાં કેટલીક વાર બાર્હસ્પત્ય વર્ષ અર્થાત્ બૃહસ્પતિની ગતિ પરથી ગણાતું વર્ષ પ્રચલિત હતું. આ સંવત્સરમાં સંખ્યાંકને બદલે વર્ષનાં જુદાં જુદાં નામ પ્રયોજાય છે, જેમ કે પ્રભવ, વિભવ, શુક્લ, પ્રમોદ વગેરે. બાર્હસ્પત્ય વર્ષ લગભગ 361 દિવસનું હોય છે. એમાં ક્યારેક 12 સંવત્સરોનું ને ઘણી વાર 60 સંવત્સરોનું એક ચક્ર ગણવામાં આવે છે.
અનેક વર્ષોના લાંબા કાલની ગણતરી માટે શરૂઆતમાં તે તે સમયના રાજાના રાજ્યકાલના આરંભને પાયારૂપ ગણવામાં આવતો; જેમ કે, રાજા અશોકના અભિષેકના 8મા વર્ષે; પરંતુ આ પદ્ધતિ દીર્ઘ કાલની ગણતરી માટે અનુકૂળ ન ગણાય. આથી સમય જતાં અમુક મહત્વની ઘટનાના વર્ષને પાયારૂપ ગણી ત્યાંથી સળંગ વર્ષ ગણવાની પદ્ધતિ પ્રચલિત થઈ. એને ‘સંવત’ કહે છે. ભારતમાં વિક્રમ, શક, કોલ્લમ, બંગ ઇત્યાદિ વિવિધ સંવતો અદ્યપર્યંત પ્રચલિત છે, જ્યારે કલચુરિ, ગુપ્ત, સિંહ વગેરે કેટલાક સંવત સમય જતાં લુપ્ત થઈ ગયા છે. વળી હિજરી, જરથોસ્તી અને ઈસવી જેવા વિદેશી સંવત પણ અહીં પ્રચલિત થયા છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી