ભારતીય ઉદ્યોગગૃહો : ભારતનાં આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર નોંધપાત્ર અસર પાડતા ખાનગી ક્ષેત્રના અગ્રણી ઔદ્યોગિક સંકુલો જૂથો. એક જ કુટુંબની વ્યક્તિઓ દ્વારા સંચાલિત એક કે બે પ્રકારના ઉદ્યોગો સાથે સંકળાયેલી ખાનગી ક્ષેત્રની અતિવિશાળ કંપનીઓ અથવા જુદા જુદા પ્રકારના ઉદ્યોગો સાથે સંકળાયેલી ખાનગી ક્ષેત્રની નાનીમોટી કંપનીઓનાં વેચાણ અને મિલકતો ટોચ ઉપર પહોંચે છે ત્યારે તેમની અસર દેશના અર્થતંત્ર ઉપર વરતાવા માંડે છે અને અર્થકારણ તથા સરકાર દ્વારા આવાં કૌટુંબિક જૂથોની નોંધ લેવામાં આવે છે. ધીમે ધીમે આવી કંપનીઓ સંચાલક કુટુંબના નામથી ઓળખાવા માંડે છે; દા.ત., તાતા, બિરલા, થાપર વગેરે. વળી કોઈ કોઈ વાર તો તેવી કંપનીઓ મુખ્ય કંપનીના નામથી પણ ઓળખાવા માંડે છે; દા.ત., રિલાયન્સ, લાર્સન ઍન્ડ ટૂબ્રો વગેરે. કાળપ્રવાહમાં ચક્રપરિવર્તન થાય છે અને કોઈ કોઈ ઉદ્યોગગૃહની મિલકતો અને તેનું વેચાણ ઘટવા માંડે છે ત્યારે તેમનું નામ વીસરાવા માંડે છે. તેથી ઊલટું કોઈ કોઈ ઉદ્યોગગૃહનાં મિલકતો અને વેચાણ વધવા માંડે છે અને તેમનું નામ ટોચનાં ઉદ્યોગગૃહોમાં લેવાવા માંડે છે. કેટલાંક ઉદ્યોગગૃહોએ ભારતમાં પ્રથમ પંક્તિમાં તેમણે મેળવેલું સ્થાન વીસમી સદીના છેલ્લા દસકામાં ટકાવી રાખ્યું છે; કેટલાંકે ગુમાવી દીધું છે અને કેટલાંક તેમાં નવાં પ્રવેશ પામ્યાં છે તે આ સાથેની સારણી ઉપરથી જાણી શકાશે.

નાણાકીય વર્ષ 1990–91થી 1998–99નાં 9 વર્ષો દરમિયાન ભારતીય ઉદ્યોગગૃહોની આર્થિક પરિસ્થિતિનું આંકડાકીય મૂલ્યાંકન

(રૂપિયાની વિગતો કરોડમાં)

ઉદ્યોગગૃહનું નામ નાણાકીય વર્ષ 1990–91 નાણાકીય વર્ષ 1997–98 નાણાકીય વર્ષ 1998–99
ચોખ્ખી

મિલકતો

અનુસાર

ઉદ્યોગ-

ચોખ્ખી

મિલકતો

(Net

worth)

કુલ

મિલકતો

(Total

assets)

ગૃહનો

ક્રમાંક

ચોખ્ખી

મિલકતો

(Net

(worth)

ચોખ્ખો

વકરો

(Net

sells)

ચોખ્ખો

નફો

(Net

profit)

ચોખ્ખી

મિલકતો

અનુસાર

ઉદ્યોગ-

ઉદ્યોગગૃહ-

સંચાલિત

કંપની-

ઓની

કુલ

મિલકતો

(Net

assets)

ગૃહનો

ક્રમાંક

ચોખ્ખી

મિલકતો

(Net

worth)

સંખ્યા

ચોખ્ખો

વકરો

(Net

sells)

ચોખ્ખો

નફો

(Net

profit)

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
i. એ. વી. બિરલા 22,561 8,484 8,892 1,124 12 26,492 10,087 11,069 975
ii બી. કે. બિરલા 5,388 1,906 3,483 (-)83 9 5,143 1,817 3,447 (-)56
iii સી. કે. બિરલા 2,398 663 2,139 44 7 2,642 556 2,337 (-)90
Iv કે. કે. બિરલા 3,838 1,160 2,586 210 9 4,751 1,259 2,322 165
V એમ. પી. બિરલા 1,308 533 1,251 (-)29 5 1,247 508 1,175 (-)11
Vi એસ. કે. બિરલા 1,746 724 1,045 (-)1 3 2,002 777 1,019 (-)32
બિરલા જૂથ 1 6,974 37,239 13,470 19,396 1,265 2 45 42,277 15,004 21,369 951
તાતા 2 6,621 43,726 15,625 27,331 1,753 1 50 47,446 16,015 26,872 1,432
રિલાયન્સ 3 3,241 28,644 10,867 11,850 1,684 3 4 33,757 11,473 13,045 1,791
i. એચ. એસ. સિંગાણિયા 4,795 1,569 2,281 (-)84 6 4,629 1,357 2,270 (-)162
Ii વિજયપત સિંગાણિયા 2,711 826 1,841 (-)6 6 2,704 846 1,954 39
સિંગાણિયા જૂથ 4 1,829 7,506 2,395 4,122 (-)90 7 12 7,333 2,203 4,224 (-)123
થાપર 5 1,763 5818 1,873 4,177 124 13 6,087 1830 4,160 47
મફતલાલ 6 1,297 અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય
બજાજ 7 1,228 6,645 2,993 4,448 515 6 10 7,796 3,585 4,698 561
મોદી 8 1,192 અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય
લાર્સન ઍન્ડ ટુબ્રો 9 1,130 13,014 3,537 5,724 561 5 5 15,292 3,809 7,325 490
એમ. એ. ચિદંબરમ્ 10 1,030 5,591 1,195 3,545 129 8 6,579 1,272 4,851 123
એસ્સાર અપ્રાપ્ય 14,836 4,725 3,002 97 4 4 17,145 4,153 2,738 (-)456
જિન્દાલ 8,264 2,346 2,810 111 8 5 9,677 2,138 3,026 37
મહીન્દ્ર ઍન્ડ મહીન્દ્ર 4,946 1,682 4,169 313 9 12 5,598 1,892 4,304 286
ઉષા રૅક્ટિફાયર 4,509 1,605 3,329 (-)2 10 8 5,291 1,851 3,499 11

જમશેદજી નસરવાનજી તાતા (1839–1904) તાતા ઉદ્યોગગૃહના આદ્યસ્થાપક હતા. અંગ્રેજ શાસકોના અવરોધો વચ્ચે તેમણે ભારતીય માલિકીની લોખંડ-ઉત્પાદન કરતી કંપની સ્થાપવાનું સ્વપ્ન સેવ્યું હતું, તેથી તેમના અવસાન પછી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તાતા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની લિમિટેડ (TISCO) નામની કંપની અસ્તિત્વમાં આવી અને આજે પણ દેશની વિશાળ કંપનીઓમાં તેની ગણના થાય છે. લોખંડ અને પોલાદના ઉત્પાદન ઉપરાંત તાતા જૂથની તાતા લોકોમોટિવ ઍન્ડ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ (TELCO) ભારવાહકો(મોટરટ્રકો)નું અને ઍસોસિયેટેડ સિમેન્ટ કંપનિઝ લિમિટેડ (ACC) સિમેન્ટનું ઉત્પાદન કરે છે. કંપનીઓની ચોખ્ખી મિલકત અનુસાર નાણાકીય વર્ષ 1998–99માં ભારતીય ઉદ્યોગગૃહોમાં તાતા ઉદ્યોગગૃહ પ્રથમ સ્થાન ધરાવે છે. ઘનશ્યામદાસ બિરલા (1894–1983) ઉદ્યોગગૃહના પિતામહ ગણાય છે. આ ઉદ્યોગગૃહની મિલકતોની કૌટુંબિક વહેંચણી થવાથી આ ઉદ્યોગગૃહનું એ. વી. બિરલા, બી. કે. બિરલા, સી. કે. બિરલા, કે. કે. બિરલા, એમ. પી. બિરલા અને એમ. કે. બિરલા નામનાં 6 જૂથોમાં વિભાજન થયું છે. આ જૂથની કંપનીઓ સુતરાઉ કાપડ, શણ, કૃત્રિમ રેસાઓ, ઍલ્યુમિનિયમ અને સૉફ્ટવેરનું ઉત્પાદન કરે છે. 1990–91માં તેમનું મૂળ સ્થાન પ્રથમ ક્રમાંકે હતું, પરંતુ 1998–99માં તે દ્વિતીય ક્રમાંકે આવ્યું છે. ધીરુભાઈ અંબાણી રિલાયન્સ જૂથના જનક છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સામાન્ય મૂડી વડે ઊભી કરીને વિમલ બ્રાન્ડ નામનું કૃત્રિમ રેસાના કાપડનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તેમના પુત્રો મૂકેશ અંબાણી અને અનિલ અંબાણીના સહયોગથી ઉદ્યોગક્ષેત્રમાં તેમણે હરણફાળ ભરી છે અને સમય જતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશાળકાય કંપની બની છે. રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડની સ્થાપના પછી આ ઉદ્યોગગૃહ પેટ્રોલિયમ સાથે સંકળાયેલાં ઉત્પાદનોમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને ભારતીય ઉદ્યોગગૃહ તરીકે તે ત્રીજા સ્થાને છે. આ ઉદ્યોગગૃહની અકલ્પ્ય પ્રગતિ થયા પછી અંબાણી કુટુંબે જાહેર કર્યું છે કે તેમને નંબર પાછળ દોડવામાં રસ નથી, પરંતુ તેની પ્રગતિ જોતાં સમય જતાં તે પ્રથમ સ્થાને પહોંચી જાય તેવા સંકેતો જણાય છે. બજાજ ઉદ્યોગગૃહે રાહુલ બજાજના સંચાલન હેઠળ વીસમી સદીના સાતમા અને આઠમા દસકાઓમાં સ્કૂટરના ઉત્પાદનક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ‘બજાજ ઑટો’ ‘ચેતક’ નામ હેઠળ કોઈ પણ પ્રકારનું સ્કૂટર બનાવી શકે છે તેવી તેની નામના હતી અને ટોચનાં 10 ઉદ્યોગગૃહોમાં તેનું સ્થાન હતું, પરંતુ નવમા દસકામાં મોટરસાઇકલ બજારમાં તીવ્ર હરીફાઈ શરૂ થવાથી તેની નામનામાં ઓટ આવવા માંડી હતી. આમ છતાં રાહુલ બજાજના પુત્ર રાજીવ બજાજે કે. બી. 100 મોટરસાઇકલ જેવાં આકર્ષક ઉત્પાદન શરૂ કર્યાં અને બજારમાં બજાજનો 30 % ભાગ તથા ટોચનાં 10 ઉદ્યોગગૃહોમાં તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદનની દોડમાં ટોચનાં 10 ઉદ્યોગગૃહોમાં સિંઘાણિયા અને લાર્સન ઍન્ડ ટુબ્રોએ તેમનાં સ્થાન જાળવી રાખ્યાં છે. જ્યારે થાપર, મફતલાલ, મોદી અને એમ. એ. ચિદમ્બરમે પોતાનાં સ્થાન ગુમાવી દીધાં છે. તે સામે એસ્સાર, જિન્દાલ, મહીન્દ્ર ઍન્ડ મહીન્દ્ર અને ઉષા રૅક્ટિફાયરે સ્થાન મેળવ્યાં છે. ટોચનાં ઉદ્યોગગૃહોમાં ધીરુભાઈ અંબાણીના રિલાયન્સ ઉદ્યોગગૃહ સિવાય અન્ય કોઈ ગુજરાતી ઉદ્યોગગૃહનું નામ જોવામાં આવતું નથી. વળી ભારતીય ઉદ્યોગગૃહોની ભવ્યતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં નિહાળવી પણ જરૂરી છે. અમેરિકામાં વેપારધંધાનું સામયિક ‘ફૉર્ચ્યૂન’ દર વર્ષે વિશ્વની સૌથી મોટી 500 પેઢીઓની સૂચિ તૈયાર કરે છે. તેમાં 5 ભારતીય પેઢીઓનો સમાવેશ થયેલો છે, તે મુજબ ભારતીય તેલ નિગમ 63મે, તેલ અને પ્રાકૃતિક વાયુ આયોગ 171મે, ભારતીય પોલાદ પેઢી 250મે, કોલ ઇન્ડિયા 301મે અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ 447મે સ્થાને છે. આ બધી સરકારી પેઢીઓ છે અને આમાંની કોઈ પેઢી ખાનગી ક્ષેત્રનાં ભારતીય ઉદ્યોગગૃહો સાથે સંકળાયેલી નથી.

જયન્તિલાલ પો. જાની

બાળકૃષ્ણ માધવરાવ મૂળે