ભારતીય અંગ્રેજી સાહિત્ય
ઈ. સ. 1757માં પ્લાસીના યુદ્ધ પછી વેપારાર્થે ભારત આવેલી ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળની ભૂમિ પર શાસનનો દોર હાથમાં લેવા માંડ્યો. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા નંખાયા તેની સાથે અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી ભારતીય સાહિત્ય અને સમાજમાં એક પ્રકારની નવચેતના અને રાષ્ટ્રીયતા જાગવા લાગી. તેની અભિવ્યક્તિ માટે નવું માધ્યમ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા પણ પ્રગટી.
અંગ્રેજી શિક્ષણ સાથે પશ્ચિમની વિચારસરણીના મૂળમાં જઈ યુરોપિયન વિદ્વત્તાની ખોજ કરવાની મહેચ્છા ભારતવાસીઓમાં પેદા થઈ. રાજ્યકર્તાઓએ પોતાનાં મૂળ ઊંડાં નાખવા માટે પ્રત્યેક ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાને પ્રાધાન્ય આપ્યું. ભારતીય સંસ્કૃતિનું જીર્ણ લાગતું વૃક્ષ અંગ્રેજી શિક્ષણ તથા સંસ્કૃતિના સંપર્કથી નવપલ્લવિત થવાનાં ચિહ્નો દેખાયાં. અંગ્રેજી ભાષાના વૈભવે, એની અભિવ્યક્તિશક્તિએ તથા તેના સમૃદ્ધ સાહિત્યે ભારતીય આત્માને જાણે કે જગાડ્યો. વખત જતાં જન્મે અને કર્મે ભારતવાસી લેખકોને વિચારો, સંવેદનાઓ તથા જીવનદર્શનને વ્યક્ત કરવા સારુ અંગ્રેજી ભાષાનું માધ્યમ પ્રાપ્ત થયું. પરિણામે અંગ્રેજી ભાષામાં ભારતીય સાહિત્યરચના થવા લાગી.
અંગ્રેજી શિક્ષણના પ્રચારમાં સૌથી પ્રથમ સક્રિય બન્યા હતા રાજા રામમોહન રાય (1772–1833). કલકત્તા નજીક સુરિપુરામાં એમણે કિશોરો માટે અંગ્રેજી શાળા શરૂ કરી. એમનું ‘એ ડિફેન્સ ઑવ્ હિંદુ થીઇઝમ’ અંગ્રેજીમાં રચાયેલા ભારતીય સાહિત્યનું પ્રથમ મૌલિક પ્રકાશન ગણાય છે. એમનાં રાજકીય, શૈક્ષણિક અને સામાજિક વિષયો પરનાં લખાણો ‘ધી ઇંગ્લિશ વકર્સ ઑવ્ રાજા રામમોહન’ના છ ગ્રંથોમાં સંકલિત છે (1945–51). એમનો લેખ ‘લેટર ઑન એજ્યુકેશન’ (1823) તો ભારતીય પુનરુત્થાનકાળ(renaissance)ના ઢંઢેરા જેવો છે. એમની ગદ્યશૈલીમાં પ્રવાહિતા તથા તાર્કિકતા છે. ભારતીય અંગ્રેજી ગદ્યક્ષેત્રે કરેલા પ્રદાનથી એમણે આ પ્રકારના સાહિત્યમાં આગવું સ્થાન મેળવ્યું છે. જીવનના અંતિમ વર્ષમાં એમણે ટૂંકું આત્મકથનાત્મક લખાણ પણ કરેલું.
બંગાળના બીજા ગદ્યલેખક કૃષ્ણમોહન બૅનરજી(1813–85)એ હિંદુ તત્વદર્શનના ક્ષેત્રમાં ખાસ પ્રદાન કર્યું છે. રામગોપાલ ઘોષ (1815–68) સાહિત્યિક, સાંસ્કૃતિક તથા રાજકીય સંગઠનો સાથે સંકળાયેલા હતા. તેઓ ઉત્સાહી પત્રકાર અને જોશીલા વક્તા હતા. 1868માં તેમનાં પ્રવચનો પ્રગટ થયાં હતાં.
બંગાળની ધરતી પરથી મુંબઈ તરફ ર્દષ્ટિપાત કરતાં બાલશાસ્ત્રી જાંભેકર (1812–46) ઉલ્લેખનીય છે. ‘દર્પણ’ સામયિક દ્વારા એમણે મુંબઈ ઇલાકામાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસ માટે પ્રેરણા આપી તેમજ સ્વતંત્ર અને જાહેર ચર્ચા દ્વારા સાંસ્કૃતિક નવચેતનાનું દર્શન કરાવ્યું.
હેનરી લૂઇ વિવિયન ડોરોઝિયોને પ્રથમ ભારતીય અંગ્રેજ કવિ કહી શકાય. તેઓ કલકત્તામાં વ્યાખ્યાતા હતા. સમાજસુધારા માટેનો પ્રબળ આશાવાદ અને રંગદર્શી કવિઓનાં ઉત્સાહ અને કલ્પનાશક્તિ એમનામાં પ્રતિબિંબિત થાય છે. તેમના બે કાવ્યસંગ્રહો ‘પોએમ્સ’ (1827) અને ‘ધ ફકીર ઑવ્ જંજીરા – એ મેટ્રિકલ ટેલ ઍન્ડ અધર પોએમ્સ’(1828)માં અંગ્રેજી રંગદર્શી કવિઓનો પ્રભાવ જણાય છે; દા.ત., ‘ટુ ધ મૂન’ અને ‘ધ ગોલ્ડન વાઝ’ કાવ્યો. ભારત–માતૃભૂમિ પ્રત્યે રાષ્ટ્રીય ભાવાવેશ અને ભારતીય તત્ત્વો એમનાં સૉનેટો અને ભારતીય કથાઓમાં જોવા મળે છે.
આ પછી કાશીપ્રસાદ ઘોષે (1809–73) ‘ધ શાયર ઑર મિન્સ્ટ્રલ ઍન્ડ અધર પોએમ્સ’ (1830) નામે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો. તેમનાં કાવ્યોમાં હિંદુ ઉત્સવોનું વર્ણન આવે છે. શિષ્ટ સાહિત્યગ્રંથોના નૈતિક ધ્વનિ અને રંગદર્શી કવિઓની કલ્પનાનું એમાં મિશ્રણ છે.
બંગાળીમાં યુગપ્રવર્તક તરીકે પ્રખ્યાત માઇકલ મધુસૂદન દત્તે સૉનેટો, ટૂંકાં કાવ્યો અને દીર્ઘ કાવ્યો અંગ્રેજીમાં રચીને કવિ તરીકે કારકિર્દી શરૂ કરેલી : ‘ધ કૅપ્ટિવ લેડી’ (1849) અને ‘ઇન વિઝન્સ ઑવ્ ધ પાસ્ટ’. પ્રથમ કૃતિમાં પૃથ્વીરાજ ચૌહાણની કથા છે અને બીજીમાં ખ્રિસ્તી ધર્મ પર આધારિત પ્રલોભનને વશ થતા માનવીના પતન અને ઉદ્ધારની વાત છે.
1857ના વિપ્લવ પછી નવયુગનો આરંભ થયો. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે ક્રમશ: નવા નવા સુધારા થયા. રાજા રામમોહન રાયે વાવેલાં બીજ ફાલતાં સુધારાના આંદોલનનો પ્રારંભ થયો.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ધીમે ધીમે ભારતીય અસ્મિતા પ્રબળ થવા લાગી. પ્રારંભની હતાશા તથા પરાજયમાંથી એક પ્રકારની આત્મશ્રદ્ધા અને જાગૃતિ પ્રગટવા લાગ્યાં. આ પરિવર્તનની પ્રથમ પ્રતીતિ ‘ધ દત્ત ફૅમિલી એલ્બમ’માં થાય છે. ત્રણ દત્ત બંધુઓની 187 કાવ્યરચનાઓનો એમાં સંગ્રહ છે. એ ત્રણેય બંધુઓ એટલે ગોવિંદચંદ્ર, હરચંદ્ર અને ગિરીશચંદ્ર ઉપરાંત એમના પિતરાઈ રોમેશચંદ્ર. પશ્ચિમના સાહિત્ય, જીવન તથા સંસ્કૃતિની એ સૌના ઉપર સંપૂર્ણ અસર દેખાય છે. અંગ્રેજીમાં રચાયેલી ભારતીય કવિતા પશ્ચિમના સાહિત્યના અનુકરણમાંથી મૌલિકતા પ્રતિ ધીમે ધીમે ગતિ કરતી હતી. તેમાં સૌપ્રથમ ઉલ્લેખનીય છે તોરુ દત્ત(1856–77). ગોવિંદચંદ્ર દત્તનાં એ સૌથી નાનાં પુત્રી સંગીત અને સાહિત્યવાચનનાં શોખીન હતાં. એક વર્ષ ફ્રાન્સમાં અને ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડમાં એમણે વિતાવ્યાં હતાં. એકવીસ વર્ષની વયે તેઓ અવસાન પામ્યાં. તેમના પિતાએ એક સૉનેટમાં એમનું સુંદર રેખાચિત્ર આપ્યું છે. તોરુને એક બાજુ અંગ્રેજી, સંસ્કૃત તથા જીવન પ્રત્યે આકર્ષણ હતું અને બીજી બાજુ સંસ્કૃત સાહિત્યના અભ્યાસને કારણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અગાધ પ્રેમ હતો. ‘ઍન્શિયન્ટ બૅલડ્ઝ ઍન્ડ લેજન્ડ્ઝ ઑવ્ હિંદુઇઝમ’ તોરુ દત્તનો મરણોત્તર પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ છે. એમાં ભારતીય નારીઓ સીતા-સાવિત્રી તથા ધ્રુવ, પ્રહલાદ, સિંધુ, બુટ્ટો વગેરે કિશોરોની કથાઓ છે. તેમની કાવ્યશૈલીમાં અવનવા પ્રકારો દેખાય છે. શ્રવણ(સિંધુ)ની કથામાં વિરોધી ભાવોનું દર્શન થાય છે. લોકકથાને અનુરૂપ ભાષા સાથે છંદ પરનું પ્રભુત્વ અને મૌલિકતાનાં લક્ષણો તેમની કૃતિમાં દેખાય છે. બળ, ઊર્મિનું ઊંડાણ, સંયમ અને ભારતીય જીવનનાં મૂલ્યો એમાં પ્રગટ્યાં છે.
ગુજરાતી કવિ બહેરામજી મહેરવાનજી મલબારી(1853–1912)ના કાવ્યસંગ્રહ ‘ધી ઇંડિયન મ્યૂઝ ઇન ઇંગ્લિશ ગાર્બ’(1876)માં 32 કાવ્યકૃતિઓ છે. તેમાં ભારતીય ધરતીની માટીની ફોરમ આવે છે. એમનો સામાજિક સુધારા માટેનો ઉત્સાહ ‘ધ સ્ટેજિઝ ઑવ્ હિંદુ ફીમેઇલ લાઇફ’ અને ‘નેચર ટ્રાયમ્ફસ ઓવર કાસ્ટ’માં દેખાય છે. ‘ઍન ઓડ ટૂ નાઇટ’ અને ‘લૉસ્ટ લવ’માં રંગદર્શી પ્રકૃતિનું દર્શન થાય છે. ‘એ સ્કેચ’ કાવ્યકૃતિ આત્મકથનાત્મક છે. અંગ્રેજ કવિ પોપનો તેમના પર પ્રભાવ દેખાય છે.
કાવસજી નવરોજજી વેસુવાલાએ 1879માં ‘કૉર્ટિકા ધ મ્યૂઝ’ પ્રસિદ્ધ કર્યું હતું. નાગેશ વિશ્વનાથ પાઈ (1860–1920) કવિ કરતાં ગદ્યકાર તરીકે વધુ ખીલતા લાગે છે. નાગેશ પાઈની ‘ધી એન્જલ ઑવ્ મિસફૉર્ચ્યૂન : એ ફેરી ટેલ’ (1904) દસ વિભાગમાં વહેંચાયેલી 5,000 પંક્તિઓની કૃતિ છે. અવંતિ–ઉજ્જૈનના રાજવી વિક્રમાદિત્યની આ કથામાં શનિગ્રહનો ઉપદ્રવ છે. અંતે રાજવી રાજકુમારી ઇંદિરાના સ્નેહબળે એમાંથી મુક્તિ મેળવે છે. એમાં રંગદર્શી તેમજ વિક્ટોરિયા યુગના કવિઓની અસર છે.
તોરુ દત્તના પિતરાઈ રોમેશચંદ્ર દત્તે (1848–1909) થોડી કાવ્યકૃતિઓ તથા ટૂંકી વાર્તાઓ અંગ્રેજીમાં રચી છે. તેમના પર સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ છે. તેમના સમકાલીન મનમોહન ઘોષ (1869–1924) પર અંગ્રેજી સંસ્કૃતિની પ્રબળ અસર હતી. ‘પ્રીમેવેરા’ (1890) એમની કાવ્યકૃતિઓનો સંગ્રહ છે. ઊર્મિલતા તથા એક પ્રકારનો વિષાદ તેમજ પ્રકૃતિપ્રેમ એમાં સ્પષ્ટ દેખાય છે.
શ્રી અરવિંદ (1872–1950) અંગ્રેજી શિક્ષણ અને વાતાવરણ પામવા છતાં એમના વ્યક્તિત્વમાં ભારતીય સંસ્કૃતિનાં મૂળ ઘણાં ઊંડાં હતાં. શ્રી અરવિંદ ઘોષનો ઉજ્જ્વળ જીવનવિકાસ દેશપ્રેમી, કવિ, યોગી અને તત્વદ્રષ્ટાનો છે. 1893–1906 વડોદરા રાજ્યની સેવામાં, 1906–1910 રાજકીય ક્રાંતિકાર તરીકે ને તે પછી પૉંડિચેરી એમનું કાયમી નિવાસસ્થાન બન્યું અને પૂર્ણયોગ દ્વારા અતિમનસનું ઇહજીવનમાં અવતરણ કરાવવું એમનું મુખ્ય લક્ષ્ય રહ્યું, મુખ્ય પ્રવૃત્તિ આધ્યાત્મિક ખોજ અને સાહિત્યિક મનોવૃત્તિએ એમને કાવ્ય, નાટક, તત્વજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને વિવેચનના વિષયોને સ્પર્શતા લેખન પ્રતિ પ્રેર્યા. નિધન થયું ત્યાં સુધી આ સાધના અવિરત ચાલુ રહી.
સાઠ વર્ષના સર્જનકાળમાં એમણે ઊર્મિકાવ્યો, ચિંતનાત્મક અને કથાત્મક કાવ્યો તથા મહાકાવ્યની રચના કરી. પ્રારંભનાં (1890–1900) ટૂંકાં કાવ્યોમાં રંગદર્શી વલણ છે. સ્નેહ, મૃત્યુ, મુક્તિ, વિષાદ વગેરે તત્વોનો એમાં આવિર્ભાવ છે અને શૈલી એને અનુરૂપ છે. ગ્રીક સાહિત્યની અસર એમાં છે. ‘ઇન્વિટેશન’ અને ‘રેવલેશન’ જેવાં કાવ્યોમાં ગહન તત્વોની શોધ માટે ઝંખના છે. 1902–1930 અને 1930–1950 સુધીનાં ટૂંકાં કાવ્યોમાં ચિંતન સાથે પ્રતીકો ધ્યાન ખેંચે છે.
‘ઉર્વશી’, ‘લવ ઍન્ડ ડેથ’ અને ‘બાજીપ્રભુ’ – આ ત્રણ કથાત્મક કાવ્યો પર અંગ્રેજ મહાકવિ મિલ્ટનનો પ્રભાવ છે. ‘લવ ઍન્ડ ડેથ’માં ભૃગુઋષિના પુત્ર ઋરુ અને તેની પ્રિયતમા પ્રિયંવદાની કથા છે. ‘બાજી પ્રભુ’ શૌર્યગાથા છે. શિષ્ટ સાહિત્યના ઊંડા અધ્યયનને કારણે શ્રીઅરવિંદનાં કાવ્યોમાં છંદના વિવિધ પ્રયોગો જોવા મળે છે.
મૃત્યુ, વિયોગ, સ્નેહ ઇત્યાદિ તત્ત્વોને સ્પર્શતાં આ કાવ્યોનું સર્વોચ્ચ શિખર એમનું મહાકાવ્ય ‘સાવિત્રી’ છે. સત્યવાન અને સાવિત્રીની પ્રચલિત કથાને મૃત્યુ પર પ્રેમના વિજયરૂપે આલેખવામાં આવી છે. આ મહાકાવ્યનું બીજું શીર્ષક છે ‘એ લેજન્ડ ઍન્ડ એ સિમ્બોલ’. એટલે પૌરાણિક કથાને પ્રતીક તરીકે નિરૂપવામાં આવી છે. આ પૃથ્વી પર દિવ્ય જીવનના સ્પર્શની અનુભૂતિનું એમાં દર્શન છે. શ્રીઅરવિંદે પોતે જ આ પ્રતીકને સમજાવ્યું છે. સાવિત્રી એટલે દિવ્ય શબ્દ, સૂર્યપુત્રી અને સર્વોચ્ચ સત્યની દેવી. તે દિવ્ય અંશને પોતાના અંતરમાં ધારણ કરતા સત્યવાનને ઉગારવા માટે અવતરે છે. માનવ-આત્માને મર્ત્ય અવસ્થામાંથી મુક્ત કરવા સાવિત્રીના દિવ્ય આત્માને આ પૃથ્વી પર ઊતરવાની ફરજ પડે છે.
‘સાવિત્રી’ના પ્રથમ ભાગમાં અશ્વપતિની આધ્યાત્મિક ખોજ છે. બીજા ભાગમાં સાવિત્રીના જન્મ અને ઉછેરની કથા છે અને ત્રીજા ભાગમાં સાવિત્રી અને યમદેવ વચ્ચેનો સંવાદ છે. આ મહાકાવ્ય બ્લૅન્ક વર્સમાં લખાયું છે.
રવીન્દ્રનાથ ટાગોર (1861–1941) શ્રીઅરવિંદથી વયમાં મોટા હતા, પણ અંગ્રેજી સાહિત્યક્ષેત્રે એમનું પદાર્પણ મોડું થયું. એમણે કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નવલિકાકાર, ચિત્રકાર, વિચારક, શિક્ષણશાસ્ત્રી, રાષ્ટ્રપ્રેમી તથા વિશ્વપ્રેમી, સંગીતજ્ઞ ઇત્યાદિ અનેક રૂપે કાર્યપ્રદાન કર્યું છે. સાહિત્યના ઇતિહાસમાં અજોડ કહી શકાય એવાં કાવ્યો બંગાળી ભાષામાં લખી એમણે એ કાવ્યોને અંગ્રેજીમાં ઉતાર્યાં અને એમને ‘ગીતાંજલિ’ કાવ્યગ્રંથને માટે 1913માં સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત થયું. સીમિત અને અસીમિત તત્વો વચ્ચેના સંબંધ પર વિચાર કરતાં એમની કલ્પનાશક્તિએ એમની કૃતિઓમાં સૌંદર્ય અને આનંદની અનુભૂતિનો સ્રોત વહાવ્યો છે.
1912માં આકસ્મિકપણે જ અંગ્રેજી ભાષામાં લખતા ભારતીય કવિ તરીકે એમણે શરૂઆત કરી. બંગાળી કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. ‘ગાર્ડનર’ તથા ‘ધ ક્રેસન્ટ મૂન’ 1913માં પ્રગટ થયાં. ‘ગીતાંજલિ’નાં કાવ્યોનો મુખ્ય સૂર ભક્તિનો છે. પરમ તત્વને પામવા માટેની સંવેદનાનું એમાં વર્ણન છે.
‘ધ ચાઇલ્ડ’ સીધેસીધું અંગ્રેજીમાં લખાયેલું દીર્ધ કાવ્ય છે. માતા અને નવજાત શિશુમાં કવિએ માનવજીવનનો મહિમા ગાયો છે. ટાગોરનાં કાવ્યો તત્વત: ઊર્મિકાવ્યો છે. એમાં સચોટતા, સરળતા, સંવેદના તથા આવેગ જોવા મળે છે.
સરોજિની નાયડુ(1879–1949)એ કિશોરાવસ્થાથી જ સાહિત્યિક કારકિર્દી શરૂ કરેલી. સોળમા વર્ષે તેઓ ઇંગ્લૅન્ડ ગયાં અને ત્યાં આર્થર સાયમન્સ અને ઍડમન્ડ ગૉસ જેવા મહાનુભાવોના પ્રોત્સાહનથી પોતાની સર્જકપ્રતિભા વિકસાવી. ‘ધ ગોલ્ડન થ્રેશોલ્ડ’ (1905), ‘ધ બર્ડ ઑવ્ ટાઇમ’ (1912) અને ‘ધ બ્રોકન વિંગ’ (1917) – એ સંગ્રહો પ્રગટ થયા. 1927માં લખેલાં કાવ્યોનો ‘ફેધર ઑવ્ ધ ડૉન’ કાવ્યસંગ્રહ તેમના અવસાન બાદ 1961માં પ્રગટ થયો હતો. ‘સૉંગ્ઝ ઑવ્ સ્પ્રિંગટાઇમ’ તેમનાં ઉત્તમ ઊર્મિકાવ્યોનો સંગ્રહ ગણાય છે.
તેમનાં ઊર્મિસભર કાવ્યોમાં અંગ્રેજી રંગદર્શી તત્વ સાથે ફારસી અને ઉર્દૂ કાવ્ય-પ્રણાલિકાના અંશો જોવા મળે છે. તેમનું ‘ધ ટેમ્પલ’ કાવ્ય સૌથી વધુ નોંધપાત્ર છે. એમાં સ્નેહની પ્રગતિગાથા છે. પોતાના વિષયને તેઓ એક પ્રકારની મોહની તથા વિશિષ્ટ માધુર્ય સાથે રજૂ કરે છે. જીવનને ઈશ્વરી પ્રકાશના ત્રિપાર્શ્વ કાચ તરીકે સ્વીકારે છે. તેમનાં કાવ્યોમાં ગીતતત્વ સવિશેષ છે.
સરોજિની નાયડુના નાના ભાઈ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (1898–1990) રંગદર્શી પ્રકૃતિના કવિ છે. એમનો ‘ફીસ્ટ ઑવ્ યૂથ’ કાવ્યસંગ્રહ 1918માં પ્રગટ થયો. તે પછી ‘મૅજિક ટ્રી’ (1922), ‘પોએમ્સ ઍન્ડ પ્લેઝ’ (1927), ‘સ્પ્રિંગ ઇન વિન્ટર’ (1955) એમની ગણનાપાત્ર કૃતિઓ છે. મૂળે ટૂંકાં ઊર્મિકાવ્યોના આ સફળ સર્જકમાં ગમગીની, સૌંદર્ય માટેની ઝંખના, સ્નેહ, આદર્શવાદ અને અનુકંપાના ભાવોની અભિવ્યક્તિ જોવા મળે છે. સ્વામી વિવેકાનંદ(1863 –1902)નો અંગ્રેજી કાવ્યસંગ્રહ 1947માં પ્રગટ થયો છે. અન્ય કવિઓમાં જિતેન્દ્રમોહન ટાગોર, ટી. રામકૃષ્ણ, નિઝામન જંગ, એ. એમ. મોદી, આનંદ આચાર્ય, રવિ દત્ત, પી. શેષાદ્રિ, અરદેશર ફરામજી ખબરદાર, પીઠાવાલા વગેરેનો ઉલ્લેખ કરવો જોઈએ.
ગદ્યક્ષેત્રે સૌપ્રથમ દાદાભાઈ નવરોજી(1825–1917)નાં નિબંધો પ્રવચનો અને અન્ય લખાણોના બે સંગ્રહો 1887 અને 1916માં પ્રગટ થયા. એમની વિશિષ્ટ કૃતિ છે ‘ભારતની ગરીબી અને બ્રિટિશ સામ્રાજ્ય’. એમના બે તેજસ્વી શિષ્યો – વિશ્વનાથ નારાયણ મંડલિક અને આર. જી. ભાંડારકરે ‘નેટિવ ઓપિનિયન’ (1864–71) સામયિકની સ્થાપના કરી હતી.
ઓગણીસમી સદીના અંતકાળે સુધારક અને વિચારક મહાદેવ ગોવિંદ રાનડેનાં પ્રવચનો અને લેખોનો સંગ્રહ ‘ધ વિઝ્ડમ ઑવ્ ધ મૉડર્ન ઋષિ’ (1942) પ્રસિદ્ધ થયો. રાનડેના સમકાલીન સર ફીરોઝશાહ મહેતા અને દીનશા વાચ્છા હતા. ફીરોઝશાહ મહેતાનાં પ્રવચનો અને લેખોનો સંગ્રહ 1905માં પ્રગટ થયો હતો. એમણે ‘પ્રેમચંદ રાયચંદની જીવનકથા’ (1913) તથા જે. એમ. તાતાનું જીવનચરિત્ર (1914) લખ્યાં છે.
બાળ ગંગાધર ટિળક(1856–1920)ના આગમન સાથે મવાલ રાજકારણનો અંત આવ્યો. એમનાં લખાણો તથા પ્રવચનોનો સંગ્રહ (1922) ‘ટૉઅર્ડ્ઝ ઇન્ડિપેન્ડન્સ’ સચોટ અને સ્પષ્ટ અભિવ્યક્તિનું ર્દષ્ટાંત પૂરું પાડે છે. તેમની વિદ્ધત્તાએ તેમને વેદશાસ્ત્ર અને કર્મયોગ પર લખવા પ્રેર્યા. આ જ સમયે બંગાળમાં કેશવચંદ્ર સેન (1838–1884) બ્રહ્મો સમાજ આંદોલનની નેતાગીરીમાં સક્રિય હતા. ધર્મ તથા ભારતીય દર્શન પરના તેમના વિચારો ગ્રંથસ્થ થયા છે. બંકિમચંદ્ર ચૅટરજી(1838–1894)એ પણ અંગ્રેજીમાં કેટલાક નિબંધો લખ્યા છે. મોતીલાલ ઘોષે (1847–1902) 1868માં ‘અમૃત બઝાર પત્રિકા’ શરૂ કરી હતી અને 1935માં એમનાં ભાષણો તથા લખાણોનો સંગ્રહ પ્રગટ થયો હતો.
રોમેશચંદ્ર દત્તે સમકાલીન સામાજિક પ્રશ્નો અને ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ વગેરે પર લખી ભારતીય જીવન અને વિચારસરણી પર પશ્ચિમના વિચારોની અસરનું વિવરણ કર્યું છે. અંગ્રેજી ભાષાના સમર્થ વક્તા સુરેન્દ્રનાથ બૅનરજી(1848–1925)એ ઇંગ્લૅન્ડમાં આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ 1919માં પ્રગટ થયો હતો. બિપિનચંદ્ર પાલ તથા લાલા લજપતરાયનાં અંગ્રેજી લખાણોમાં રાષ્ટ્રપ્રેમ અને મુક્તિ-આંદોલન વિશેના વિચારો છે. દેશબંધુ ચિત્તરંજન દાસનાં વક્તવ્યો 1918માં ગ્રંથસ્થ થયેલાં છે.
રવીન્દ્રનાથ ટાગોર, અરવિંદ ઘોષ અને સ્વામી વિવેકાનંદે અંગ્રેજી ગદ્યમાં વિપુલ લેખન કરેલું છે. વિવેકાનંદે પૂર્વનો સંદેશ પશ્ચિમને આપ્યો. તેમનાં સમગ્ર લખાણો આઠ ગ્રંથોમાં છે. સર્વ ધર્મના મૂળમાં રહેલી એકતાનું નિરૂપણ કરતાં કરતાં એમણે જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ અને રાજયોગના સિદ્ધાંતો દર્શાવ્યા છે. સ્વદેશની અવનતિનાં કારણો નિર્મૂળ કરી તેને ઉત્થાનપંથે ચડાવવાની તેમની મહેચ્છા હતી.
શ્રીઅરવિંદની ગદ્યકૃતિઓમાં અનેક વિષયો સ્થાન પામ્યા છે, તેમાં પણ ‘ગીતા પરના નિબંધો’ (1928) અને ‘લાઇફ ડિવાઇન’ (1939–1940) ઘણી ખ્યાતિ પામ્યા છે. તેમના સાહિત્યવિવેચન પરના તાત્વિક નિબંધોનો સંગ્રહ પણ પ્રગટ થયેલો છે.
દક્ષિણ ભારતના અગ્રગણ્ય મહારથી શ્રીનિવાસ શાસ્ત્રી(1869–1946)નાં પ્રવચનો તથા લખાણોના સંગ્રહ ઉપરાંત તેમણે લખેલ ફીરોઝશાહ મહેતાનું જીવનચરિત્ર ખાસ ઉલ્લેખપાત્ર છે. તેમાં તેમણે માનવસ્વભાવની સહજવૃત્તિઓ તથા સ્વાભાવિક નબળાઈઓ સ્પષ્ટ વર્ણવી છે.
અંગ્રેજીમાં ભારતીય નાટકો 1831થી રચાવા માંડ્યાં હતાં. કૃષ્ણમોહન બૅનરજીએ નાટ્યાત્મક ર્દશ્યો લખવાની શરૂઆત કરી. 1891થી 1916 સુધીમાં શ્રીઅરવિંદે પાંચ સંપૂર્ણ અને છ અપૂર્ણ પદ્યનાટકો લખ્યાં છે. એમાં ઇલિઝાબેથના યુગનાં અંગ્રેજી નાટકોની છાંટ દેખાય છે. તેમનાં નાટકોમાં સ્થળોની, કાળની તથા સંસ્કૃતિની વિવિધતા છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે ‘અબુ હસન’ (1918) નાટક લખ્યા બાદ ભારતીય સંતો પર પદ્યનાટકો રચ્યાં છે.
નવલકથાક્ષેત્રે સરદાર જોગેન્દરસિંગની ‘નૂરજહાં’ નવલકથા જાણીતી છે. એમણે સામાજિક નવલકથા ‘કમલા’ (1925) લખી છે.
‘રિયાલિટિઝ ઑવ્ ઇન્ડિયન લાઇફ’ નામે શિશિરચંદ્ર દત્તનો વાર્તાસંગ્રહ 1885માં પ્રગટ થયો હતો. ભારતીય ટૂંકી વાર્તામાં પારસી મહિલા કૉર્નેલિયા સોરાબજીનું પ્રદાન છે. એમણે હિંદુ અને પારસી જીવનનું વાસ્તવિક આલેખન કર્યું છે. પછી એસ. એસ. બોઝનું ‘હ્યૂમરસ સ્કેચિઝ’ (1903) પ્રગટ થયું. એસ. બી. બૅનરજીની ‘ઇન્ડિયન ડિટેક્ટિવ સ્ટોરિઝ’ 1911માં બહાર પડી હતી. આ સાથે પ્રભાત મુખરજી, દ્વિજેન્દ્રનાથ નિયોગી, માધવિયા, સુનીતિદેવી વગેરે વાર્તાકારો ઉલ્લેખનીય છે. સારાયે રાષ્ટ્રને આવરી લેતા અસહકારના આંદોલને 1930ની આસપાસ વેગ પકડવા માંડ્યો હતો. સામાજિક ક્ષેત્રે પણ નવજાગૃતિનાં એંધાણ દેખાતાં હતાં.
ઔદ્યોગિક વિકાસ સાથે અવનવા આર્થિક પ્રશ્નો ઊભા થયા હતા. આ પરિવર્તને ભારતીય સાહિત્યને નવો ઓપ આપવા માંડ્યો. ગાંધીજીએ આરંભેલા સ્વાતંત્ર્ય-આંદોલનનાં જુદાં જુદાં પાસાંઓ બ્રિટિશ રાજકર્તાઓની ભાષામાં વ્યક્ત થવા માંડ્યાં. પરિણામે આ સમયમાં ગદ્યનો વિકાસ સહજ તથા સ્વાભાવિક બન્યો. એમાં ગાંધીજીનાં અંગ્રેજી ભાષામાંનાં લખાણો મહત્વનાં છે.
ગાંધીજીનાં લખાણોને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : પ્રથમ લંડનનો સમય (1888–91). એમાં લંડન ડાયરી અને શાકાહારી ભોજન તથા ભારતીય તહેવારો વિશે લખાણો છે.
બીજો 1893થી 1915 સુધીનો દક્ષિણ આફ્રિકાનો સમય. એ વખતનાં લખાણોમાં ગાંધીજીની પત્રકાર તથા લેખક તરીકેની શક્તિનો આવિર્ભાવ છે. એમનું પ્રથમ સામયિક ‘ઇન્ડિયન ઓપિનિયન’ (1903–1914) હતું. ‘હિંદ સ્વરાજ’ 1910માં પ્રગટ થયું. એમાં ભારતની આઝાદીના પ્રશ્ન પર વાચક અને લેખક વચ્ચેનો સંવાદ વીસ પ્રકરણોમાં છે. ગાંધીજીને મન મુક્તિ એટલે માત્ર રાજકીય મુક્તિ જ નહિ, પણ પશ્ચિમની સંસ્કૃતિનાં, યંત્રયુગનાં તમામ બંધનોમાંથી મુક્તિ. કારણ કે ભારતીય સંસ્કૃતિનાં અમીઝરણાંને પશ્ચિમનાં એ બળોએ વિષમય કરી મૂક્યાં છે. આઝાદી માટે સમાજસુધારો અનિવાર્ય છે. મનુષ્ય-મનુષ્ય વચ્ચેની સમાનતા તથા સ્ત્રીપુરુષ વચ્ચે સમાનતાનો આદર્શ કેન્દ્રસ્થાને રહેવો જોઈએ, એમ તેમનું પ્રતિપાદન છે.
ત્રીજો વિભાગ : ગાંધીજીએ 1915થી 1948 સુધીનાં તેત્રીસ વર્ષ ‘યંગ ઇન્ડિયા’ અને ‘હરિજન’ – એ બે પ્રસિદ્ધ પત્રિકાઓ જે ચલાવી.’ તેમાંનાં લખાણોમાં એમની આત્મકથા ‘ધ સ્ટોરી ઑવ્ માય એક્સ્પેરિમેન્ટ્સ વિથ ટ્રુથ’ (1927–28) અંગ્રેજી ભાષાના ભારતીય સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેમનાં લખાણોએ રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક ક્ષેત્રોમાં પ્રચંડ વંટોળ જન્માવ્યો હતો. એમણે પોતે કહ્યું છે કે મેં જે કર્યું છે તે મારી પાછળ રહેશે, નહિ કે મેં જે કહ્યું છે કે લખ્યું છે તે. પોતાની લેખક તરીકે ગણના થાય એવી કોઈ મહેચ્છા એમનામાં હતી જ નહિ. તેમનું લેખન એમના વિચારો અને સિદ્ધાંતો વ્યક્ત કરવા પૂરતું જ છે, છતાં અર્વાચીન ભારતના ઘડતરમાં જેટલું તેમનું સ્થાન મહત્વનું છે તેટલું જ ભારતીય અંગ્રેજી ગદ્યસાહિત્યને ક્ષેત્રે છે.
ગાંધીજીના સમકાલીનોમાં રાજગોપાલાચારી, જવાહરલાલ, સુભાષચંદ્ર બોઝ, વિનાયક દામોદર સાવરકર, એમ. એન. રૉય, આંબેડકર, જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા, અશોક મહેતા વગેરેએ પોતાનાં મંતવ્યો, વિચારો તથા જાહેરજીવનના સિદ્ધાંતો પ્રતિપાદિત કરતાં લખાણો આપ્યાં છે.
ચક્રવર્તી રાજગોપાલાચારી (1879–1972) અગ્રગણ્ય કૉંગ્રેસનેતા હતા. એમની દીર્ઘ અને વિશિષ્ટ કારકિર્દી દરમિયાન એમણે પોતાની સ્વતંત્ર વિચારસરણી નિર્ભયપણે દર્શાવી છે. ‘ચૅટ્સ બિહાઇન્ડ બાર્સ’ (1931), ‘જેલડાયરી’ (1941), ‘મહાભારત’ (1951) અને ‘રામાયણ’ (1957) એમનાં સુપ્રસિદ્ધ પુસ્તકો છે. રાજાજીને અંગ્રેજી ભાષા પર સ્વાભાવિક પ્રેમ હતો. એમની ભાષામાં પ્રવાહિતા જેટલું જ બળ પણ પ્રતીત થાય છે.
જવાહરલાલ નહેરુ(1889–1964)એ અર્વાચીન ભારતના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. એમનો શિક્ષણકાળ ઇંગ્લૅન્ડમાં વીત્યો હતો. તેઓ પ્રખર વક્તા અને સમર્થ લેખક હતા. એમનું પ્રથમ પુસ્તક ‘સોવિયેત રશિયા’ (1928) પ્રગટ થયું. દસ વર્ષની પુત્રી ઇન્દિરાને લખેલા પત્રો ‘લેટર્સ ફ્રૉમ એ ફાધર ટુ હિઝ ડૉટર’ પ્રગટ થયા (1930); 1934માં ‘ગ્લિમ્પસિઝ ઑવ્ વર્લ્ડ હિસ્ટરી’ પ્રગટ થયું. એમાં પણ પુત્રીને પત્રો દ્વારા સંસ્કૃતિના પ્રારંભથી માંડીને 1930 સુધીના સમયનું એમણે દર્શન કરાવ્યું છે. 1936માં એમણે આત્મકથા લખી અને એક સમર્થ લેખક તરીકેની સર્વોચ્ચ સિદ્ધિ પ્રગટ કરી બતાવી. એમાં એમની વૈજ્ઞાનિક ર્દષ્ટિ, સંવેદનશીલ સ્વભાવ, સૌંદર્યષ્ટિ તથા જગતના ઇતિહાસનાં પરિબળો વિશેની સભાનતા ર્દષ્ટિગોચર થાય છે. એમાં એક વ્યક્તિના ચિત્રાલેખન કરતાં એની આસપાસના યુગનું કથાનક વિશેષ ધ્યાન ખેંચે છે. વિશ્વસાહિત્યમાં નહેરુની આત્મકથાનું સ્થાન મહત્નું છે. 1944માં અહમદનગરના કિલ્લાની જેલમાં એમણે ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ લખવા માંડ્યું. 1946માં એ પુસ્તક પ્રગટ થયું. સિંધુ નદીની સંસ્કૃતિથી માંડીને 1940 સુધીની ભારતીય સંસ્કૃતિનું વિહંગાવલોકન એમાં ઊપસી આવે છે. પ્રાચીન સંસ્કૃતિનો વારસો એમને માટે ચિરસ્મરણીય બની જાય છે. આ ઉપરાંત તેમના પત્રોમાંથી ‘એ બન્ચ ઑવ્ લેટર્સ’ (1958) શીર્ષકથી પ્રગટ થયેલ સંગ્રહ વધારે રસપ્રદ છે. નહેરુની શૈલીમાં આદર્શવાદ સાથે તીક્ષ્ણતા અને સચોટતા છે. સૌંદર્યભાવના, સબળ ઊર્મિઓ, મૌલિકતા, વિનોદવૃત્તિ વગેરે ગુણો પણ તેમાં છે. અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વને કારણે ભાષાના એક મહાન ગદ્યલેખક તરીકે તેઓ સ્થાપિત થયા છે.
ગાંધીજી અને ગાંધીવાદ સામે અવાજ ઉઠાવ્યો સુભાષચંદ્ર બોઝે (1897–1945). એમનાં મહત્ત્વનાં લખાણો તથા ઉદબોધનોનો સંગ્રહ 1946માં તથા સમગ્ર લખાણોનો સંગ્રહ 1980માં પ્રગટ થયેલ છે. પાંસઠ પુસ્તકો તથા ચાલીસ પત્રિકાઓ લખનાર માનવેન્દ્રનાથ રૉય (એમ. એન. રૉય) સામ્યવાદના પ્રણેતા અને લેનિનના સાથી હતા. તેમણે સમાજવાદી માનવતાવાદનો પ્રચાર કર્યો. બી. આર. આંબેડકરે રાજકીય, સામાજિક અને ધાર્મિક વિષયો પર વિપુલ પ્રમાણમાં લખ્યું છે. એમનાં લખાણો અને વક્તવ્યો 1979માં ગ્રંથસ્થ થયાં છે.
આચાર્ય નરેન્દ્ર દેવે (1879–1956) સમાજવાદ અને રાષ્ટ્રીય ક્રાંતિ પર લખ્યું છે. જયપ્રકાશ નારાયણે (1902–1979) સમાજવાદ, સર્વોદય અને સંપૂર્ણ ક્રાંતિ વિશે લખ્યું છે. એમની ‘પ્રિઝન ડાયરી’ (1975) ઉચ્ચ પ્રકારના સાહિત્યસ્તરે લખાયેલી છે. રામમનોહર લોહિયા, અશોક મહેતા, અચ્યુત પટવર્ધન અને એસ. એમ. જોશીએ પોતાના રાજકીય સમાજવાદી વિચારો લેખન દ્વારા પ્રગટ કર્યા છે.
બંગાળના જદુનાથ સરકારે (1870–1958) રાજકારણને બાજુ પર રાખીને મુઘલ યુગ અને મરાઠા યુગના ઇતિહાસ વિશે સુંદર અભ્યાસપૂર્ણ ગ્રંથો રચ્યા છે. પ્રથમ પંક્તિના ઇતિહાસલેખકોમાં કે. એમ. પાનીકર, આર. સી. મજૂમદાર વગેરેને ગણાવી શકાય.
ધર્મ અને તત્વજ્ઞાનના ક્ષેત્રે સૌથી વધુ ખ્યાતનામ સર્વપલ્લી રાધાકૃષ્ણન્(1888–1975)નું છે. એમણે વેદાંત, હિંદુ ધર્મ તથા ભારતીય દર્શનશાસ્ત્ર પર વિપુલ પ્રમાણમાં લખ્યું છે. તેમના ‘ઇન્ડિયન ફિલૉસોફી’નાં બે પુસ્તકો 1923–1927માં પ્રગટ થયાં. ભારતીય દર્શનશાસ્ત્રમાં એમની વિદ્વત્તા અજોડ છે. ‘હિંદુ વ્યૂ ઑવ્ લાઇફ’(1926)માં એમણે જીવનપદ્ધતિ તરીકે હિંદુ સંસ્કૃતિ તથા સંસ્કારો કેટલાં અગત્યનાં છે તે સુંદર રીતે દર્શાવ્યું છે. પૂર્વનાં અને પશ્ચિમનાં જીવનદર્શન તથા વિચારસરણીનો તફાવત તેમણે સચોટપણે સમજાવ્યો છે. ‘ઍન આઇડિયાલિસ્ટ વ્યૂ ઑવ્ લાઇફ’માં એમણે પોતાની વ્યક્તિગત શ્રદ્ધાનાં મૂળભૂત તત્વોનું નિરૂપણ કર્યું છે. પશ્ચિમના દેશોમાં ભારતીય દર્શનશાસ્ત્ર માટે સ્નેહ અને આદરભાવ એમણે ઉત્પન્ન કર્યો એ એમની મહાન સિદ્ધિ ગણી શકાય.
ચરિત્રલેખનના ક્ષેત્રમાં એમ. પી. મોદીની ‘ફીરોઝશાહ મહેતા : એ પોલિટિકલ બાયૉગ્રાફી’ ઉલ્લેખનીય છે. આર. પી. મસાણીના પુસ્તક ‘દાદાભાઈ નવરોજી’નો નિર્દેશ પણ થવો ઘટે.
આત્મકથાના ક્ષેત્રે ડી. કે. કર્વેનું પુસ્તક ‘લુકિંગ બૅક’ (1936) અને એન. સી. બૅનરજીના ‘ઍટ ધ ક્રૉસરોડ્ઝ’(1950)નો નિર્દેશ આવશ્યક છે. કેટલાક ક્રાંતિકારીઓએ તથા સંતપુરુષોએ પણ પોતાનાં આત્મવૃત્તાંતો પ્રગટ કર્યાં છે. આ ક્ષેત્રે લેખિકાઓની રચનાઓમાં વિજયાલક્ષ્મી પંડિતની કૃતિ ‘સો આઇ બિકેમ એ મિનિસ્ટર, (1936) અને પ્રિઝન ડેઝ’(1945)નો તથા તેમનાં બહેન કૃષ્ણા હઠીસિંગની ‘વિથ નો રિગ્રેટ્સ’(1944)નો ઉલ્લેખ જરૂરી છે.
અંગ્રેજી સાહિત્યના વિવેચકોમાં અમરનાથ ઝા, નારાયણ મેનન, એમ. ભટ્ટાચાર્ય, બી. રાજન, અભયકુમાર સેન, સુધીન્દ્રનાથ ઘોષ, એ. સી. બોઝ તથા ભવાનીશંકરે સ્મરણીય ફાળો આપ્યો છે. શ્રીનિવાસ આયંગરે અંગ્રેજી ભાષામાં રચાયેલા ભારતીય સાહિત્યની સમીક્ષા લખી છે.
કાવ્યક્ષેત્રે અમલકિરણ શેઠનાનો કાવ્યસંગ્રહ ‘ધ સીક્રેટ સ્પ્લેન્ડર’ (1941), પૂજાલાલનો ‘લોટસ પેટલ્સ’ (1943), નલિનીકાંત ગુપ્તાનો ‘ટુ ધ હાઇટ્સ’ (1944), નીરદ બરનનો ‘સન બ્લૉસમ્સ’ (1947) અને નિશિકાંતનો ‘ડ્રીમ કેડન્સિઝ’ (1947) ગણનાપાત્ર કૃતિઓ છે.
તાત્વિક વિચારોને શુદ્ધ કાવ્યસ્વરૂપે વ્યક્ત કરવાનો પ્રયાસ બ્રજેન્દ્રનાથ સીલે એમની ‘ધ ક્વેસ્ટ ઇટર્નલ’ નામની કૃતિમાં કર્યો છે. જી. કે. ચેટુરે (1898–1936) પાંચ કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ કર્યા છે. તેમણે સૉનેટ પર વધારે પ્રયોગો કર્યા છે. પી. આર. કૈકિનીએ નવ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. આ સાથે કે. એસ. આર. શાસ્ત્રી, એન. એમ. ચૅટરજી, ડી. માધવરાવ, એમ. કૃષ્ણમૂર્તિ વગેરેનાં નામો પણ તેમના પ્રદાન માટે ઉલ્લેખનીય ગણાય.
નાટ્યક્ષેત્રે એ. એસ. આયરે (1899–1963) લગભગ છ નાટ્યકૃતિઓ રચી છે. કન્નડ લેખક કૈલાસમે (1885–1946) પૌરાણિક મહાકાવ્યોનું વસ્તુ લઈને કેટલાંક નાટકો અંગ્રેજીમાં લખ્યાં છે. ભારતી સારાભાઈએ (1912–1986) ‘ધ વેલ ઑવ્ ધ પીપલ’ (1943) અને ‘ટૂ વિમેન’ (1952) નાટકોમાં ગાંધીવાદી વિચારસરણી રજૂ કરી છે. જોસેફ મેથ્યુસ લોબો પ્રભુએ બારેક ભાવોત્તેજક નાટકો લખ્યાં છે.
નવલકથાલેખક તરીકે સૌપ્રથમ કે. એસ. વેંકટરામાની (1891–1957) યાદ આવે છે. એમની કૃતિઓમાં ગાંધીવાદની અસર દેખાય છે. એ. એસ. પી. આયરે ઐતિહાસિક નવલકથા લખી છે. આમાં સૌથી વિશેષ ઉલ્લેખનીય નામો છે : મુલ્કરાજ આનંદ, આર. કે. નારાયણ અને રાજારાવ.
મુલ્કરાજ આનંદે (1905–) નવલકથાલેખનમાં યુરોપની પ્રણાલિકાઓ અને ભારતના અતીતનું દર્શન – આ બંને બાજુ ર્દષ્ટિ સમક્ષ રાખવી પડી છે. એમની પ્રથમ નવલકથા ‘અન્ટચેબલ’(1935)માં નાયક બાખાના જીવનના એક ઘટનાત્મક દિવસનું વર્ણન છે. એકસૂત્રતા ધરાવતી આ એક સફળ નવલકથા છે. ‘કૂલી’(1937)માં લેખક શોષિત અને કચડાયેલા વર્ગ તરફ વળ્યા છે. ‘લીવ્ઝ ઍન્ડ બડ’(1937)માં શહેરી અને ગ્રામજીવનનો વિરોધાભાસ અને જાતિભેદના વિષયો આવરી લેવાયા છે. ‘ધ વિલેજ’ (1939), ‘અક્રૉસ ધ બ્લૅક વૉટર્સ’ (1941) અને ‘ધ સ્વૉર્ડ ઍન્ડ ધ સિકલ’ (1942) પંજાબની ધરતી અને કૃષિજીવનના પ્રશ્નો લઈને આવે છે. ‘ધ બિગ હાર્ટ’(1945)ના નાયક અનંતને રૂઢિબદ્ધ સમાજમાં ઉદારતા અને આધુનિક રીતે જીવવા સારુ મૂલ્ય ચૂકવવું પડે છે. ભારતના સ્વાતંત્ર્ય વિશે પ્રગટ થયેલ ‘સેવન સમર્સ’ (1951) સવિશેષ આત્મકથનાત્મક કૃતિ છે. ‘ધ પ્રાઇવેટ લાઇફ ઑવ્ ઍન ઇન્ડિયન પ્રિન્સ’(1953)માં પણ આત્મકથાનાં લક્ષણો છે. ‘ધી ઓલ્ડ વુમન ઍન્ડ ધ કાઉ’(1960)માં કૃષિપ્રધાન સમાજ એમનું લક્ષ્યબિંદુ છે. ‘મૉર્નિંગ ફેઇસ’ (1970) માટે એમને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું છે. એમાં નાયક કૃષ્ણચંદ્રની બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા અને રાજકીય જાગૃતિના નિરૂપણમાં આત્મકથાના અંશો તરી આવે છે. ‘કન્ફેશન ઑવ્ એ લવર’ નાયકની સ્નેહ-અનુભૂતિ વર્ણવે છે. મુલ્કરાજ આનંદની કલાનું સાચું હાર્દ તથા સામર્થ્ય જીવંત પાત્રાલેખન તથા વાસ્તવિક પરિસ્થિતિના નિરૂપણમાં અને સાદ્યંત અનુભવાતી માનવીય અનુકંપામાં જોવા મળે છે.
આર. કે. નારાયણ (1906–) મુલ્કરાજ આનંદથી સાવ વિરુદ્ધ દિશામાં પ્રયાણ કરતા હોય એવું લાગે. અન્યાય તથા શોષણ સામે આનંદ આક્રોશ કરે છે, ત્યારે નારાયણનો વિનોદ, તેમનાં મૃદુ કટાક્ષ અને સહજ ઊપસી આવતી વાસ્તવિકતા જુદી જ ભાત પાડે છે. દક્ષિણ ભારતના એક કાલ્પનિક ગામ ‘માલગુડી’માં એમની મધ્યમવર્ગના લોકજીવનની કથાઓ ઘડાય છે. પ્રથમ નવલકથા ‘સ્વામી ઍન્ડ ફ્રેન્ડ્ઝ’(1935)માં નાયક સ્વામિનાથનના કિશોરવયના જીવનપ્રસંગો હાસ્ય અને કટાક્ષની સાથે તાજગી દર્શાવે છે. ‘ધ બૅચલર ઑવ્ આર્ટ્સ’(1937)માં પશ્ચિમની વિચારસરણી અને પૂર્વની સમાજ-પ્રણાલિકાઓ વચ્ચેના સંઘર્ષનું નિદર્શન છે. ‘ધ ડાર્કરૂમ’માં એક હિંદુ નારીની મૂક વેદના તથા સંપૂર્ણ શરણાગતિનું ચિત્ર ઊપસે છે. ‘ધી ઇંગ્લિશ ટીચર’ (1946) આઝાદી પહેલાંની નારાયણની છેલ્લી નવલકથા છે. તે પછીની એમની હાસ્યપ્રધાન કૃતિઓ વધુ કલાત્મક છે. ‘ધ ફાયનૅન્શિયલ એક્સપર્ટ’ (1952), ‘ધ ગાઇડ’ (1958) અને ‘ધ મૅનઈટર ઑવ્ માલગુડી’(1962)માં વ્યંગચિત્રો તથા ઉપહાસનું સચોટ નિરૂપણ છે. ‘ધ ગાઇડ’ પરથી હિંદીમાં તેમજ અંગ્રેજીમાં બોલપટ તૈયાર થયાં છે. 1958માં આ કૃતિ માટે તેમને સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળેલો હતો. આ કૃતિમાં ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે કથાનક ઝોલા ખાય છે. ચરિત્રનાયક રાજુના વર્તમાનકાળનાં મૂળ એના ભૂતકાળમાં વેરાયેલાં દેખાય છે.
રાજારાવે (1908) આનંદ અને નારાયણ જેટલું વિપુલ સાહિત્યક્ષેત્ર ખેડ્યું નથી. એમની ચાર નવલકથાઓ પ્રગટ થઈ છે. ‘કંથપુર’ (1938) ગાંધીયુગનો સુંદર સંકેત આપે છે. એનાં સ્વરૂપ અને શૈલી સંપૂર્ણ ભારતીય છે. ‘ધ સર્પન્ટ ઍન્ડ ધ રોપ’(1960)ને 1963માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો. એમાં આત્મકથાના અંશો છે. ‘ધ કૅટ ઍન્ડ શેક્સપિયર’ (1965) અધ્યાત્મશાસ્ત્ર પર વિનોદ સાથે વ્યંગ વ્યક્ત કરે છે. જ્ઞાન કરતાં સ્વાર્પણ મનુષ્યને વધારે મુક્ત કરી શકે છે, એવો ભાવ એમાં છે. ‘ચેસમાસ્ટર્સ’ (1975) નવલકથા અને ‘કૉમરેડ કિલિરોવ’ (1976) લાંબી લઘુકથા છે.
હુમાયૂન કબીરની ‘મૅન ઍન્ડ રિવર્સ’(1945)માં પૂર્વ બંગાળની ધરતી પરનાં પદ્માનદી અને માછીમારોના જીવનનું સુંદર વર્ણન છે. કે. એ. અબ્બાસે ચલચિત્રો માટે ઘણી કથાઓ લખી છે. ‘ટુમૉરો ઇઝ અવર્સ’ (1943) વગેરે કથાઓમાં રાષ્ટ્રીયતા, ઉદ્દામવાદ, અસ્પૃશ્યતા વગેરે અનેક સમસ્યાઓની ચર્ચા છે. ધનગોપાલ મુખરજી(1890–1963)ની નવલકથાઓ – ‘હરી, ધી એલિફન્ટ’ (1922), ‘હરી, ધ જંગલ લૅડ’ (1924) વગેરેમાં જંગલનાં પ્રકૃતિવર્ણનો અને ગ્રામજીવનનાં દર્શન થાય છે. તેમની આત્મકથનાત્મક કૃતિ ‘માય બ્રધર્સ ફેઇસ’ (1926) સવિશેષ સ્મરણપાત્ર છે.
ગાંધીયુગમાં નવલકથાઓની માફક ટૂંકી વાર્તાઓ પણ લખાતી હતી. ટી. એલ. નટેસને ‘શંકરરાવ’ના ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખી છે. ‘ધ ચિલ્ડ્રન ઑવ્ કાવેરી’ (1926) અને ‘ક્રીચર્સ ઑલ’ (1933) તેમના વાર્તાસંગ્રહો છે. તેમાં તામિલનાડુના ગ્રામજીવનનું આલેખન છે. એ. એસ. પી. આયરની ‘ઇન્ડિયન આફટર-ડિનર સ્ટોરિઝ’ (1927), ‘ધ ફિંગર ઑવ્ ડેસ્ટિની ઍન્ડ અધર સ્ટોરિઝ’ (1923) વગેરેમાં દક્ષિણ ભારતનું જીવન અને પૌરાણિક કથાઓ નિરૂપાયાં છે. એસ. કે. ચેટ્ટુરે એમની વાર્તાઓ માટેનું વસ્તુ એમના સરકારી નોકરીને અનુષંગે કરેલા પ્રવાસોમાંથી ભેગું કર્યું છે. ગ્રામજીવનનાં પરંપરાગત વેરઝેર, ખૂન તથા સ્થાનિક દંતકથાઓ પર તેમની વાર્તાઓ આધારિત છે. મંજરી ઈશ્વરનના ‘શિવરાત્રિ’ (1943), ‘રિક્ષાવાલા’ (1946) વગેરે વાર્તાસંગ્રહોમાં અલૌકિક અને ચમત્કારિક તત્વોનો ઉપયોગ થયો છે. મુલ્કરાજ આનંદના સાત વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. એમાં ભારતમાં પ્રવર્તતો પ્રણાલિકાઓ અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ દર્શાવ્યો છે. આર. કે. નારાયણ અને રાજારાવે પણ ટૂંકી વાર્તાના ક્ષેત્રે સારો ફાળો આપ્યો છે. કે. એ. અબ્બાસના ચાર વાર્તાસંગ્રહોની વાર્તાઓ એમનો ઉદ્દામવાદ પ્રદર્શિત કરે છે, શાંતા અને સીતા ચૅટરજી, વેંકટ સ્વામી, શ્યામ શંકર, પદ્મનાભ આયર, એ. વી. રાવ, વેણુગોપાલ વગેરેએ પણ લઘુકથાઓનું સર્જન કર્યું છે.
15મી ઑગસ્ટ 1947ના સ્વાતંત્ર્યદિને ભારતીય જીવનના નવા યુગનો પ્રારંભ થયો, સાથે નવા પડકારો પણ હતા. રાજનૈતિક, સામાજિક, આર્થિક વગેરે ક્ષેત્રે વેગથી પરિવર્તન થવા લાગ્યું હતું, એણે સાહિત્યસર્જનમાં નવી સામગ્રી પૂરી પાડી છે. અરવિંદ ઘોષનું કાવ્યસર્જન ચાલુ જ હતું. એમના શિષ્ય દિલીપકુમાર રૉયે ‘આઇઝ ઑવ્ લાઇટ’ (1948) કાવ્યસંગ્રહ આપ્યો. પૃથ્વીસિંગ નિહારનો ‘ધ વિન્ડ્ઝ ઑવ્ સાયલન્સ’ (1954), પૃથ્વીન્દ્ર મુખરજીનો ‘એ રોઝબડ્ઝ સાગ’ (1959), મધુસૂદન રેડ્ડીનો ‘સૅફાયર્સ ઑવ્ સૉલિટ્યૂડ’ (1960) વગેરે કાવ્યસંગ્રહો પ્રગટ થયા. શ્રીનિવાસ આયંગર તથા વી. કે. ગોકાકની કાવ્યકૃતિઓમાં શ્રીઅરવિંદનો પ્રભાવ દેખાય છે. રંગદર્શી કાવ્યસર્જનમાં અદી કે. શેઠ, બી. ડી. શાસ્ત્રી, બરજોર પેમાસ્ટર વગેરેએ પ્રદાન કર્યું છે.
આધુનિક કવિતાનો યુગ 1958થી આરંભાઈ ચૂક્યો હતો. આધુનિકતાને વેગ આપવા માટે કોલકાતામાં ‘રાઇટર્સ વર્કશૉપ’ સ્થપાઈ. એના સભ્યોએ ભારતીય વિષયો પર અંગ્રેજી ભાષામાં સાહિત્યસર્જન કર્યું છે.
નિસીમ ઇઝીકીલે (1924–) પ્રથમ કાવ્યસંગ્રહ 1952માં ‘એ ટાઇમ ટુ ચેઇન્જ’ પ્રગટ કર્યો. તે પછી તેમના બીજા પાંચેક કાવ્યસંગ્રહો 1976 સુધીમાં પ્રગટ થયા છે. પ્રારંભકાળે એમના પર જર્મન કવિ રિલ્કેનો પ્રભાવ હતો. ટી. એસ. એલિયેટ અને ઑડન પાસે એમણે કાવ્યસર્જનની દીક્ષા લીધી હતી.
ડૉમ મૉરેસ (1938–) જન્મે ભારતીય છે, પણ એમના જીવનનો વિકાસ ઇંગ્લૅન્ડમાં થયો છે, છતાં પણ એમનાં કાવ્યોમાં ભારતીય તત્વ સભર છે. પી. લાલ (1929–) જન્મે પંજાબી છે. ‘પૅરટ્સ ડેથ ઍન્ડ અધર પોએમ્સ’ (1960), ‘ધે સેઇડ’ (1966), ‘યક્ષી ફ્રૉમ દીદારજંગ ઍન્ડ અધર પોએમ્સ’ (1969) વગેરે એમની કાવ્યકૃતિઓ છે. ‘ધ મૅન ઑવ્ ધર્મ ઍૅન્ડ ધ રસ ઑવ્ સાઇલન્સ’(1974)માં એમણે મહાભારતના કથાનકનો પ્રતીકાત્મક ઉપયોગ કર્યો છે.
આદિલ જસાવાલા(1940–)નો પ્રથમ કાવ્યગ્રંથ ‘લૅન્ડ્ઝ એન્ડ’ (1962) પ્રગટ થયા બાદ 1974માં ‘મિસિંગ પર્સન’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. એમાં સર્જનની ભૂમિકા પશ્ચિમની છે. પરદેશમાંથી ભારત પાછા આવ્યા બાદ તેમનું વલણ આત્મખોજ પ્રતિ ઢળ્યું. એ. કે. રામાનુજન્ (1929–) વિદેશવાસી જ છે. એમનો પ્રથમ કાવ્યગ્રંથ ‘ધ સ્ટ્રાઇડર્સ’ (1966) અને બીજો ‘રિલેશન્સ’ (1971) છે. કાવ્યરચનામાં તેઓ પારંગત છે. આર. પાર્થસારથિ (1924–) પ્રાચીન સંસ્કારોના વારસાને અભિવ્યક્ત કરતા કવિ છે. ‘રફ પૅસેજ’ (1977) એમનો કાવ્યગ્રંથ છે.
ગીવ પટેલ(1940–)નો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પોએમ્સ’ (1966) અને બીજો ‘હાઉ ડૂ યૂ વિથસ્ટૅન્ડ બૉડી’(1976)માં પ્રગટ થયા. પટેલના વિરોધાભાસી જેવા કવિ અરવિંદક્રિશ્ન મેહરોત્રા (1947–) છે. ‘ભારતમાતા’ (1966), ‘વુડકટર્સ ઑન પેપર’ (1967) અને ‘નાઇન એન્ક્લોઝર્સ’(1976)માં એમણે પ્રણય અને ધિક્કાર જેવા ભાવનું સચોટ નિરૂપણ કર્યું છે.
અમેરિકન કવિ વૉલ્ટ વ્હિટમૅન અને સરે સાથે સામ્ય ધરાવતા કવિ છે પ્રીતીશ નાન્દી (1947–). ‘ધ પોએટ્રી ઑવ્ પ્રીતીશ નાન્દી’ જેવા બારેક કાવ્યસંગ્રહોમાં એ નગરજીવનની ભયાનકતા તથા હિંસક તત્વોની એમની કલ્પનાસૃષ્ટિ રજૂ કરે છે.
કમલા દાસ(1934–)નાં પ્રણયકાવ્યોમાં તેમનાં સ્ત્રીપાત્રો ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં જે પ્રતિભાવો દર્શાવે છે તે વ્યક્ત કરતાં કરતાં આત્મવિકાસનું વર્ણન કરે છે. ગૌરી દેશપાંડે, મમતા કાલિયા, સુનીતા જૈન, લીલા રે વગેરે અન્ય ત્રીસેક જેટલી કવયિત્રીઓના કાવ્યસંગ્રહો અંગ્રેજીમાં પ્રગટ થયા છે. ‘રાઇટર્સ વર્કશૉપ’ના નેજા નીચે એ સૌએ કામ કર્યું છે. એનાથી સ્વતંત્રપણે કામ કરનારામાં કેશવ મલિક, સત્યદેવ જાગી, દત્તાત્રેય વગેરેને ગણાવી શકાય. આ રીતે આઝાદી પછી અંગ્રેજી ભાષામાં ભારતીય કાવ્યોનું સર્જન વિપુલ પ્રમાણમાં થયું છે. છંદ, લય કે સ્વરૂપ – કોઈનું બંધન એમના સર્જનમાં અવરોધરૂપ રહ્યું નથી.
વીસમી સદીના સાતમા–આઠમા દશકમાં કે. એન. દારૂવાલા (1937–), શિવ કે. કુમાર (1921–), જયંત મહાપાત્ર (1928–), અરુણ કોલ્હટકર (1932–) નોંધપાત્ર કવિઓ છે. દારૂવાલાના ‘અન્ડર ઑરિયન’ (1970), ‘ઍપેરિશન ઇન એપ્રિલ’ (1971), ‘ક્રૉસિંગ ધ રિવર્સ’ (1976) કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. કુમારના ‘આર્ટિક્યુલેટ સાયન્સિસ’ (1970), ‘કૉબવેબ્ઝ ઇન ધ સન’ (1974), ‘સબ્ટર્ફ્યુજિઝ’ (1976) અને ‘વુડપૅકર્સ’ (1979) કાવ્યસંગ્રહો છે. મહાપાત્રના ‘ક્લૉક ધ સ્કાય, ટેન બાય ટેન’ (1971), ‘સ્વયંવર ઍન્ડ અધર પોએમ્સ’ (1971), ‘અ રેઇન ઑવ્ રાઇટ્સ’ (1976), ‘વેઇટિંગ’ (1979), ‘રિલેશનશિપ’ (1980, સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1981), ‘ધ ફૉલ્સ સ્ટાર્ટ’ (1980) કાવ્યસંગ્રહો છે. એમની કવિતામાં ઓરિસા અને સવિશેષ જગન્નાથપુરી પરત્વે તીવ્ર સંવેદનાની અભિવ્યક્તિ છે. કોલ્હટકર અંગ્રેજી અને મરાઠી ઉભય ભાષાઓમાં કાવ્યો રચે છે. એમના ‘જેજુરી’ (1976) દીર્ઘકાવ્યને ‘કૉમનવેલ્થ પોએટ્રી પ્રાઇઝ’ એનાયત થયું છે. જેજુરી પુણે નજીક આવેલું મંદિર છે. ઉપરાંત માણિક વર્મા(1916–)એ ‘ડ્રૅગન ફ્લાઇઝ ડ્રૉ ફ્લેમ’ (1962), ‘પાસ્ટ ઇમ્પરેટિવ’ (1972) અને ‘અલકનંદા’ (1976) પ્રસિદ્ધ કર્યાં છે. ગૌરી દેશપાંડે(1942–)ના ‘બિટવીન બર્થ્સ’ (1968), ‘લૉસ્ટ લવ’ (1970), ‘બિયૉન્ડ ધ સ્લૉટરહાઉસ’ (1972) નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. મમતા કાલિયા(1942–)નાં ‘ટ્રિબ્યૂટ ટુ પાપા’ (1970) અને ‘પોએમ્સ’(1978)માં પ્રેમ, પરિવાર, લગ્ન અને સમાજ પરનાં કાવ્યોમાં એમનાં કટાક્ષ અને મર્મ પ્રગટ થયાં છે. સુનીતિ નામજોશી(1941–)એ ‘પોએમ્સ’ (1967), ‘સાઇક્લોન ઇન પાકિસ્તાન’ (1971) અને ‘ધ જેકાસ ઍન્ડ ધ લેડી’ (1980) કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે; તિલોત્તમા રાજનના ‘મીના ઍલેક્ઝાન્ડર રોશન અલ્કાઝી’, ‘સેવન્ટીન પોએમ્સ’, માર્ગરેટ ચૅટરજીના ‘ધ સૅન્ડલવુડ ટ્રી’, ‘ટૉવર્ડ ધ સન’; મેરી એન. દાસગુપ્તાના ‘ધ પીકૉક સ્માઇલ્સ’, ‘ધ સરકસ ઑવ્ લવ’; લીલા ધર્મરાજના ‘સિલેક્ટેડ પોએમ્સ’, ‘સ્લમ સિલુએટ’; કેતકી કુશારી ડાયસનના ‘સૅપવુડ’, ‘હિબિસ્કસ ઇન ધ નૉર્થ’; લક્ષ્મી કાનનના ‘ધ ગ્લો ઍન્ડ ધ ગ્રે’, ‘ઇમ્પ્રેશન્સ’; અન્ના સુનીતાના ‘ક્રૂસિફિકેશન્સ’, ‘વી આર ધી અનરિકન્સાઇલ્ડ’; ગૌરી પંતના ‘વીવિંગ સીઝન’, ‘સ્ટેરકેસ–17’; લીલા રેના ‘એન્ટ્રન્સ’, ‘ધ ફ્લાવરિંગ હાર્ટ’; લલિતા વેંકટેશ્વરનના ‘ડેક્લેરેશન્સ’, ‘ટ્રી બર્ડ’; ઇંદિરાદેવી ધનરાજગીરના ‘ધ યર્નિંગ ઍન્ડ અધર પોએમ્સ’, ‘પાર્ટિંગ્ઝ ઇન મિમોસા’ અને સુમિત્રા જૈનના ‘મૅન ઑવ્ ડિઝાયર્સ’, ‘બિનીથ ધ ફ્રૉસ્ટ’ કાવ્યસંગ્રહોનો ઉલ્લેખ કરવો ઘટે. ઉપરાંત મેરી એસલકર, ઈરા ડે, તપતી મુખરજી, માલતી રાવ, ભાનુમતી શ્રીનિવાસન અને યૂનિસ ડિસોઝા પણ કાવ્યો રચે છે. અન્ય વર્તમાન કવિઓમાં લૉરેન્સ બેન્ટલમૅન, દેવકુમાર દાસ, બ્રુક્સ ફ્રેડરિક, પૉલ જેકબ્ઝ, રસ્કિન બાડ, રક્ષત પુરી, એસ. સી. સહા, એસ. શાન્તિ, એસ. મોકાશી પુણેકર, કે. ડી. કાર્તક, એમ. કે. કાઉ, સુકાન્ત ચૌધરી, શ્રીનિવાસ રાયપ્રોલ, સુરેશ કોહલી વગેરેનો સમાવેશ થાય છે.
ભારતની આઝાદી પછી નવલકથાસર્જનમાં પણ સારો વેગ આવ્યો છે. ભવાની ભટ્ટાચાર્ય, મનોહર મલગાંવકર, ખુશવંતસિંગ જેવા લેખકોએ નવલકથાની પ્રણાલિકાને નક્કર સ્વરૂપે જાળવી રાખીને તેમાં સામાજિક પરિસ્થિતિનું વાસ્તવિક આલેખન કર્યું છે.
ભવાની ભટ્ટાચાર્યની પ્રથમ નવલકથા ‘સો મૅની હંગર્સ’ (1947) સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ તરત જ પ્રગટ થઈ. એમાં ‘હિંદ છોડો’ના આંદોલનની પાર્શ્વભૂમિકા છે. બીજી નવલકથા ‘મ્યૂઝિક ફૉર મોહિની’(1952)માં પૂર્વ તથા પશ્ચિમની સંસ્કૃતિના મિશ્રણથી સર્જાતી સમસ્યાઓનું વિવરણ છે. ‘હી હૂ રાઇડ્ઝ એ ટાઇગર’ (1952) તેમની એક શ્રેષ્ઠ કૃતિ છે. ‘શૅડો ફ્રૉમ લડાખ’ને 1967નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક અપાયું છે. એમાં ચીની આક્રમણની પાર્શ્વભૂમિકા છે.
મનોહર મલગાંવકર(1913–)ની નવલકથાકાર તરીકેની કારકિર્દીનું પ્રથમ પુષ્પ ‘ડિસ્ટન્ટ ડ્રમ’ (1960) છે. તે કોઈ હેતુ સિદ્ધ કરવા નહિ, પણ આનંદાર્થે લખી છે. ‘કૉમ્બૅટ ઑવ્ શૅડોઝ’(1962)માં શીર્ષક માટે ભગવદગીતાનો આધાર લીધો છે. એમની શ્રેષ્ઠ નવલકથા છે – ‘ધ પ્રિન્સિસ’ (1963). ભારતમાં દેશી રજવાડાંઓનું વિલીનીકરણ થયું તે સમયનું સુંદર અને વાસ્તવિક ચિત્ર તેમાં રજૂ થયું છે. ‘એ બૅન્ડ ઇન ધ ગેન્જિઝ’(1964)માં ભાગલાની ભૂમિકા લેવામાં આવી છે.
ખુશવંતસિંગ(1918–)ની કલાકૃતિઓનાં મૂળ નક્કર ધરતીમાં, વાસ્તવિક જીવનમાં છે. ‘ટ્રેન ટુ પાકિસ્તાન’(1956)માં આ સર્વ તત્વોનાં સચોટ દર્શન થાય છે. ‘આઇ શૅલ નૉટ હિયર ધ નાઇટિંગેલ’(1959)માં સંયુક્ત કુટુંબની કથા વણી લેવાઈ છે.
એસ. મેનન મરાઠે (1906–) પોતાની માભોમ કેરળની ધરતીને કેન્દ્રમાં રાખે છે. એમની ‘વૂન્ડ ઑવ્ સ્પ્રિંગ’ (1960) નવલકથામાં વીસમી સદીના બીજા દાયકામાં પ્રણાલિકાગત માતૃસત્તાક નાયર કુટુંબ જે રીતે છિન્નભિન્ન થઈ જાય છે તેનો તાર્દશ ચિતાર છે. તેમાં ગાંધીપ્રેરિત સત્યાગ્રહના આંદોલનનું વ્યંગાત્મક ચિત્ર છે. બાલચંદ્ર રાજન(1920–)એ સમયની અંગ્રેજી નવલકથાઓમાં વાસ્તવિક અને તરંગદર્શિતા વચ્ચેનાં વિરોધાભાસ અને અથડામણ દર્શાવે છે. તેમની ‘ધ ડાર્ક ડાન્સર’(1959)માં સામાજિક સંઘર્ષ કરતાં મનોવૈજ્ઞાનિક સંઘર્ષ વધુ દેખાય છે. ‘ટૂ લૉંગ ઇન ધ વેસ્ટ’(1961)માં હાસ્યરસનો સારો ઉપયોગ થાય છે.
સુધીન્દ્રનાથ ઘોષ (1899–1965) ભારતીય અસ્મિતાને વ્યક્ત કરવા વાર્તા કહેવાની પ્રાચીન પ્રણાલિકા અપનાવે છે. તેમની નવલકથાઓને જીવનચરિત્રો કે આત્મકથાત્મક રેખાચિત્રો તરીકે નવાજવામાં આવી છે. એમની ચાર નવલકથાઓ છે : ‘ઍન્ડ ગેઝેલ્સ લીપિંગ’ (1949), ‘ક્રૅડલ ઑવ્ ધ ક્લાઉડ્ઝ’ (1951), ‘ધ વર્મિલિયન બોટ’ (1953) અને ‘ધ ફ્લેમ ઑવ્ ધ ફૉરેસ્ટ’ (1955). એમાં સળંગ કથાતંતુ વણાયેલો છે, જેમાંથી કથાકારના માનસના ક્રમશ: વિકાસનું ચિત્ર ઊપસે છે.
ગોવિંદદાસ વિશ્નોદાસ દેસાની(1909–)એ ‘ઑલ અબાઉટ એચ. હેટેર’ (1948) નામની કૃતિમાં નવલકથાક્ષેત્રે એક નવો પ્રયોગ કર્યો છે. તેનાં વસ્તુ અને રચના બંને વિલક્ષણ છે. જીવનનો સાચો અર્થ સમજવા માટે તેનો નાયક આધ્યાત્મિક શોધમાં રચ્યોપચ્યો રહે છે. એમાં શૈલીનો અભિનવ પ્રયોગ છે, થોડો માર્મિક વિનોદ છે, જ્યારે ક્યારેક મુક્ત હાસ્ય પણ પ્રગટી જાય છે. અંગ્રેજીમાં લખાયેલી ભારતીય નવલકથાઓમાં એ અનોખી ભાત પાડે છે.
એમ. અનંતનારાયણે 1961માં ‘ધ સિલ્વર પિલ્ગ્રિમેજ’ પ્રગટ કરી. સોળમી સદીનાં સિલોન અને હિંદુસ્તાનની આ રસપ્રદ કથા છે.
1960થી 1980 સુધીના ગાળામાં અરુણ જોશી (1930–) અને ચમન નહાલ (1927–) જાણીતા થયેલા નવલકથાકારો છે. અરુણ જોશીની નવલકથામાં મૂળભૂત રીતે એનાં પાત્રો જીવનનો હેતુ શો અને આત્માની પૂર્ણતા કેમ પામી શકાય એ વિષયની આજુબાજુ રમ્યા કરે છે. તેઓ અલગપણાનું વસ્તુ લઈને આવે છે. તેમની ‘ધ ફૉરિનર’ (1968) અને ‘ધ સ્ટ્રેંજ કેઇસ ઑવ્ બિલી વિશ્વાસ’ (1971) નવલકથાઓ પ્રગટ થઈ છે. ‘ધી એપ્રેન્ટિસ’(1974)માં મુક્તિ પછી ચોમેર જે ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો હતો એનાથી એના નાયકનો આત્મા સંતપ્ત બની જાય છે.
ચમન નહાલની પ્રથમ નવલકથા ‘માઇ ટ્રૂ ફેઇસિઝ’ (1973) થોડા ભિન્ન સંદર્ભમાં લખાઈ છે. 1975માં બીજી નવલકથા ‘આઝાદી’ પ્રગટ થઈ અને 1977ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે એ પસંદગી પામી. ભારતની આઝાદી ટાણે દેશના જે ભાગલા પડ્યા તેનું કરુણ અને હૃદયવિદારક ચિત્ર તેમણે એમાં દોર્યું છે. ‘ઇનટુ અનધર ડૉન’(1977)માં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના મિશ્રણથી ઊભા થતા પ્રશ્નો ચર્ચાયા છે. ‘ધી ઇંગ્લિશ ક્વીન’(1979)માં સામાજિક સમસ્યાઓ પર કટાક્ષ છે.
સ્ત્રીલેખકોમાં નવલકથાક્ષેત્રે રૂથ પ્રવર જાબવાલા (1927–) એક સમસ્યા પેદા કરે છે. પોલિશ માતાપિતાની આ પુત્રીએ એક ભારતીય સાથે લગ્ન કર્યાં અને ભારતમાં રહી ભારતીય સામાજિક જીવનનાં પાસાં પોતાની કૃતિઓમાં ચર્ચ્યાં છે. એમાં હિંદુ અવિભક્ત કુટુંબની કથા કટાક્ષમય શૈલીમાં રજૂ થાય છે. ‘ટુ હૂમ શી વિલ’(1955)થી ‘હીટ ઍન્ડ ડસ્ટ’ (1975) સુધીમાં પ્રગટ થયેલી તેમની આઠ નવલકથાઓ છે. છેલ્લી નવલકથામાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનું ઘર્ષણ નિરૂપ્યું છે.
બીજી બાજુ આવે છે કમલા માર્કંડેય. બંને સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે અટવાતી મહિલાઓનાં જીવનનાં વિવિધ સ્વરૂપોનું એમણે આલેખન કર્યું છે. ‘સમ ઇનર ફ્યૂરી’ (1955) અને ‘પઝેશન’ (1963)માં ભારતીય અને બ્રિટિશ વચ્ચેના સંબંધોનું વર્ણન છે. ‘એ સાયલન્સ ઑવ્ ડિઝાયર’(1960)માં જીવંત પાત્રાલેખન છે. ‘એ હૅન્ડફુલ ઑવ્ રાઇસ’ (1966) અને ‘ધ કૉફર ડેમ્સ’ (1969) ઉલ્લેખનીય સામાજિક નવલકથાઓ પછી ‘ધ ગોલ્ડન હનીકોમ’(1977)માં ઐતિહાસિક નવલકથાનો પ્રયોગ છે.
વિજયાલક્ષ્મી પંડિતનાં પુત્રી નયનતારા સહગલ (1927–) રાજકીય નવલકથાલેખિકા તરીકે ગણના પામ્યાં છે. તેમની પ્રથમ નવલકથા ‘એ ટાઇમ ટુ બી હૅપી’ (1958) તથા ‘ધિસ ટાઇમ ઑવ્ ધ મૉર્નિંગ’(1968)માં રાજકીય રેખાચિત્રો ઘણાં છે. ‘સ્ટૉર્મ ઇન ચંડીગઢ’ (1969) પંજાબના ભાગલાની વાત છે. ‘ધ ડે ઇન શૅડો’ (1971) સ્વાનુભવ પર આધારિત છે. ‘એ સિચ્યુએશન ઇન ન્યૂ દિલ્હી’માં નહેરુના અવસાન પછીના રાજકીય સમયનું દર્શન છે.
અનિતા દેસાઈ (1937–) સામાજિક અને રાજકીય પરિસ્થિતિના આલેખન કરતાં સવિશેષ રસ માનવચિત્તનું દર્શન કરાવવામાં દાખવે છે. ‘ક્રાય ધ પીકૉક’(1963)માં મૃત્યુ વિશે માનવચિત્તમાં જે ભિન્ન ભિન્ન સંવેદનાઓ જાગે છે તેનું વર્ણન છે. ‘વૉઇસિસ ઇન ધ સિટી’(1965)માં કોલકાતા શહેરની ભૂમિકા સાથે રાજકીય અને સામાજિક સમસ્યાઓની ચર્ચા છે. ‘બાય-બાય બ્લૅક બર્ડ’ (1971), ‘વ્હેર શૅલ વી ગો ધિસ સમર?’(1975)માં ચિત્તના પ્રવાહોનું વર્ણન છે. બીજી આવા પ્રકારની તેમની નવલકથાઓ ‘ફાયર ઑન ધ માઉન્ટન’ (1977) અને ‘ક્લિયર સાઇટ ઑવ્ ડે’ (1980) છે.
અન્ય જાણીતી લેખિકાઓમાં શાન્તા રામારાવ, નરગિસ દલાલ, વિમલા રાયનાની, મનોરમા મોડક, લોથિકા ઘોષ, મૃણાલિની સારાભાઈ વગેરેએ પણ નવલકથાઓ રચી છે. 1970 પછી રાજી નરસિંહન્, ભારતી મુખરજી, વીણા નાગપાલ, ‘ઇનસાઇડ ધ હવેલી’નાં લેખિકા અને 1977ના સાહિત્ય અકાદમી પારિતોષિકનાં વિજેતા રમા મહેતા, ઉમા વાસુદેવ, અનિતા કુમાર, જ્યોતિ જાફા વગેરેનાં નામો ગણનાપાત્ર છે.
દાર્શનિક નવલકથાના લેખક તરીકે દિલીપકુમાર રૉયે ‘ધી અપવર્ડ સ્પાઇરલ’ (1949) દ્વારા ખ્યાતિ મેળવી છે. ‘મૉર ઑવ્ ઍન ઇન્ડિયન’ (1970) પારસી કોમ વિશે બી. કે. કરંજિયાની નવલકથા છે.
આ ઉપરાંત સાંપ્રત નવલકથાકારોમાં ઑબ્રે મેનન, એસ. વી. ક્રિષ્ણસ્વામી, કે. જે. શ્રીધરાણી, વિક્ટર અનંત, પી. એમ. નિત્યાનંદ, કે. બી. વૈદ, વેદ મહેતા, નિર્મળ જેકબ, કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણ (‘સૉરી નો રૂમ’, 1969), દિલીપ હીરો વગેરેની કૃતિઓ પણ ઉલ્લેખનીય છે.
વળી તિમેરી મુરારી, સારથિ બ્રાટા, સરોજ કાવસજી, એ. ભાસ્કરરાવ, એસ. એસ. ધામી, કે. એમ. ત્રિશંકુ, બની રુબેન, રાજ ગીલ, ડી. આર. માણકેકર, નિશિ ખાનોલકર, બી. એસ. ગિદવાણી, રોહિત હાંડા, એચ. એસ. ગીલ, રતન માન, સુધાકર ભાટ, કસ્તૂરી શ્રીનિવાસન, નાગરાજન, વિક્રમ કપૂર, શિવ કે. કુમાર, નરેન્દ્રપાલ સિંહ વગેરે પણ ગણનાપાત્ર નવલકથાકારો છે.
ભવાની ભટ્ટાચાર્ય, ખુશવંતસિંગ, નહાલ, અરુણ જોશી વગેરે નવલકથાકારોએ વાર્તાઓ પણ લખી છે. મનોજ દાસની ટૂંકી વાર્તાઓ ઊડિયા સાહિત્યમાં પારિતોષિકવિજેતા બની છે. રૂથ જાબવાલાના ચાર વાર્તાસંગ્રહો અને અનિતા દેસાઈનો એક વાર્તાસંગ્રહ પ્રગટ થયા છે.
નાટ્યલેખનમાં આ સમય દરમિયાન બહુ પ્રગતિ થઈ દેખાતી નથી. પદ્યનાટકો પર મંજરી ઈશ્વરન્, જી. વી. દેસાની, લખનદેવ અને પ્રીતીશ નાન્દીએ હાથ અજમાવ્યો છે. જી. વી. દેસાનીનો ‘હેલી’ (1950) આવો એક પ્રયોગ છે. એમાં વ્યક્તિગત જીવનની કરુણતાનું આલેખન છે. માનવજીવનની પરિપૂર્ણતાની ખોજનું વસ્તુ લઈને લખાયેલું આ એક રૂપક છે. લખનદેવનું ‘ટાઇગર ક્લૉ’ (1967) બ્લૅન્ક વર્સમાં લખાયું છે. એમનું ‘મર્ડર ઍટ ધ પ્રેઅર મીટિંગ’ નાટક ગાંધીજીની હત્યા વિશે રચાયું છે. કૃષ્ણસ્વામીનું ‘ધ ફ્લ્યૂટ ઑવ્ ક્રિશ્ન’ (1950) કૃષ્ણભક્તિ પર આધારિત છે. ‘ધ ક્લૉથ ઑવ્ ગોલ્ડ’ (1951) સામંતશાહી યુગ પર આધારિત નૃત્યનાટિકા છે. પ્રીતીશ નાન્દીએ ‘રાઇટ્સ ફૉર એ પ્લિબીઅન–સ્ટૅચ્યૂ’(1969)માં મુક્ત છંદનો ઉપયોગ કર્યો છે.
ગદ્યનાટકોની સંખ્યા પ્રમાણમાં વિશેષ છે. આસિફ કરીમભાઈ(1928–)એ 1959ના આરંભથી આજ સુધીમાં ત્રીસેક નાટકો લખ્યાં છે. એમાં વિષયોનું સારું વૈવિધ્ય છે. ‘ધ ટૂરિસ્ટ મક્કા’ એમનું પ્રથમ નાટક છે. પછી રાજકીય ઘટનાઓ લઈને ‘રેસ્ટોરાં’ (1960), ‘ધ કૅપ્ટિવ્ઝ’ (1963), ‘નક્સલાઇટ મૂવમેન્ટ’ (1970), ‘સોનાર બાંગ્લા’ (1972) વગેરે નાટકો તેમણે રજૂ કર્યાં છે. ‘ધ ક્લાર્ક’ (1969), ‘ધ ડમ્બ ડાન્સર’ (1961) વગેરે નાટ્યકૃતિઓમાં મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રતાપ શર્મા(1940–)નું ‘એ ટચ ઑવ્ બ્રાઇટનેસ’ (1968) એક વિવાદાસ્પદ નાટક બની ગયું હતું. ‘ધ પ્રોફેસર હૅઝ એ વૉર ક્રાય’ (1970) એમની બીજી નાટ્યકૃતિ છે. નિસીમ ઇઝીકીલે ત્રણ નાટકો આપ્યાં છે : ‘નલિની’, ‘મૅરેજ પોએમ’ અને ‘સ્લીપ-વૉકર્સ’. એમાં હાસ્યરસ, કરુણરસ અને ફારસનાં તત્વો છે. ગુરુચરણદાસનું ‘લારિન્સ સાહેબ’ (1970) ઓગણીસમી સદીના પરાધીન ભારત વિશેનું ઐતિહાસિક નાટક છે. ગિરીશ કર્નાડ (1938) અદાકાર, દિગ્દર્શક અને નાટ્યકાર છે. એમનાં ‘તુઘલક’ (1972) અને ‘હયવદન’(1975)નો ખાસ ઉલ્લેખ કરવો ઘટે. એમનાં અંગ્રેજીમાં રૂપાંતરિત નાટકો ઉપરાંત ગોકાક, માર્ધેકર, વી. ડી. ત્રિવેદી, રામ શર્મા, રંગપ્પા, દિલીપ હીરો, શિવ કે. કુમાર, ખ્વાજા અહમદ અબ્બાસ તથા પ્રાગજી ડોસાનાં નામો પણ નાટ્યક્ષેત્રે ફાળો આપનારની યાદીમાં ગણાવી શકાય.
આ ઉપરાંત કે. નાગરાજન, સાન્થા રામા રાવ, એમ. વી. રામ શર્મા, હુસેનઅલી ચાગલા, એમ. ડી. મેઘલાણી, પી. એસ. વાસુદેવ વગેરે નાટ્યકારો પણ ઉલ્લેખનીય છે.
સ્વાતંત્ર્યોત્તરકાળના અગ્રગણ્ય ગદ્યલેખકોની નામાવલીમાં નીરદ ચૌધરી(1897–2000)નો સવિશેષ ઉલ્લેખ કરવો જોઈએ. એમની શ્રેષ્ઠ કૃતિ ‘ધી ઑટોબાયૉગ્રાફી ઑવ્ ઍન અનનોન ઇન્ડિયન’ (1951) ગણી શકાય. 1959માં એમણે ‘એ પૅસેજ ટુ ઇંગ્લૅન્ડ’ લખી. ઐતિહાસિક તત્વ સાથે એમાં ચિંતનાત્મક તત્વ પણ સામેલ છે. ‘ધી ઇન્ટેલેક્ટ્યુયલ ઇન ઇન્ડિયા’(1967)માં વિચારોની સચોટતા તથા સ્પષ્ટતા છે. ભારતીય સમાજ અને સંસ્કારોની અસર નીચે સુખી સામાજિક જીવન અને કૌટુંબિક જીવન કેમ જીવી શકાય – એ પ્રશ્ન એમણે ‘ટુ લિવ ઑર નૉટ ટુ લિવ’ (1972) અને ‘કલ્ચર ઇન ધ વૅનિટી બૅગ’(1976)માં ઉપાડ્યો છે. તેમની ‘ધ લાઇફ ઑવ્ ફ્રેડરિક મૅક્સમુલર’ને 1974માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો છે. જીવનચરિત્રલેખનના એમના આ પ્રથમ પ્રયાસમાં એમની શૈલી એમના વ્યક્તિત્વને સુંદર રીતે પ્રદર્શિત કરે છે. એમની વિદ્વત્તા અને એમનું ઉદ્દામવાદી માનસ આમાં પૂરેપૂરું પ્રગટ થાય છે.
આત્મકથાના ક્ષેત્ર વિશે વિચાર કરતાં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનું ‘લાઇફ ઍન્ડ માયસેલ્ફ’ (1948) યાદ આવે છે. ‘આઇ રાઇટ ઍઝ આઇ ફીલ’(1948)માં કે. એ. અબ્બાસે પોતાનું વૃત્તાંત આપ્યું છે. સચ્ચિદાનંદ સિંહાની કૃતિ ‘રિકલેક્શન્સ ઍન્ડ રેમિનિસન્સિસ ઑવ્ એ લૉંગ લાઇફ’ (1950), કે. રામારાવની ‘ધ પેન ઇઝ માય સ્વૉર્ડ’ (1960), પ્રેમ ભાટિયાની ‘ઑલ માઇ યસ્ટર્ડેઝ’, ફ્રૅન્ક મૉરેસની ‘વિટનેસ ટુ ઍન ઇરા’ (1973) આત્મકથા અને સંસ્મરણોના સ્વરૂપની કૃતિઓ છે. રાજકારણ અને જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓની આત્મકથાઓ મોટી સંખ્યામાં છે. ચીમનલાલ સેતલવાડ, મીરઝા ઇસ્માઇલ, એમ. આર. જયકર, એન. જી. રંગા, એ. કે. ગોપાલન, મોરારજી દેસાઈ, એ. એસ. આર. ચારી, સી. ડી. દેશમુખ, વી. વી. ગિરિ, એમ. આર. મસાણી, કે. એમ. પાનિક્કર, એમ. સી. ચાગલા, એમ. હિદાયતુલ્લા, કે. પી. એસ. મેનન વગેરે નામોનો ઉલ્લેખ આત્મકથા-લેખક રાજકારણીઓમાં કરી શકાય.
ગોવાના સ્વાતંત્ર્યસૈનિક તેલૉદ મસ્કરેન્હાસ, હીરેન મુખરજી, સાદત અલીખાન, કે. પી. એસ. મેનન, એમ. આર. એ. બેગ, આપા બી. પંત, એમ. સી. મહાજન, એમ. સી. સેતલવાડ, એમ. સી. ચાગલા, આર. વી. એમ. જી. રામારાવ, એમ. ઓ. મથાઈ, એમ. વિશ્વેશ્વરૈયા, પ્રકાશ ટંડન, એસ. કે. ચેટુર, ઈ. એન. મંગતરાય, આર. પી. નૉરોન્હા, ઓ. પુલ્વા રેડ્ડી, મોહન મુખરજી, કિષ્ણ સોંધી વગેરેએ પણ આત્મકથા લખી છે. ચાગલાની ‘રોઝિઝ ઇન ડિસેમ્બર’ (1973) વિશેષ ભાવે ઉલ્લેખનીય છે.
કપુરથલાનાં મહારાણી સાવિત્રીદેવી નંદા, ગાયત્રીદેવી વગેરે મહિલાઓએ પણ આત્મચરિત્રો લખ્યાં છે. દુર્ગાબાઈ દેશમુખે તો ‘ચિંતામણિ ઍન્ડ આઈ’માં પોતાના વિશિષ્ટ દાંપત્યજીવનનો મોહક પરિચય આપ્યો છે.
આ ઉપરાંત નયનતારા સહગલ, સીતા રત્નામલ, કમલા ડોંગરકેરી, કમલા દાસ, મહારાણી ગાયત્રીદેવી ઑવ્ જયપુર, લેડી ધનવંતી રામારાવ વગેરેએ આત્મચરિત્રો લખ્યાં છે. નીલગિરિના પહાડી પ્રદેશની આદિવાસી લેખિકા સીતાએ લખેલ ‘બિયૉન્ડ ધ જંગલ’(1968)નો ખાસ ઉલ્લેખ કરવો ઘટે.
જીવનકથાક્ષેત્રમાં દિલીપકુમાર રૉયની ‘અમંગ ધ ગ્રેટ’ (1947), ઇકબાલ સિંગની ‘રામમોહન રૉય’ વગેરેની ગણના કરવી પડે. લોકમાન્ય ટિળકનાં જીવનચરિત્રો ઘણા મહાનુભાવોએ લખ્યાં છે. ડી. જી. તેંડુલકરે આઠ પુસ્તકોમાં ‘મહાત્મા – લાઇફ ઑવ્ મોહનદાસ કરમચંદ ગાંધી’(1951–54)માં ગાંધીજીના સમગ્ર જીવનને આવરી લીધું છે. એમાં લેખકનો અથાગ પરિશ્રમ પાર પડ્યો છે. ગાંધીજી વિશે બાસુનું ‘માય ડેઝ વિથ ગાંધી’ (1953), કૃપલાનીનું ‘ગાંધી’ (1970) તેમજ પ્યારેલાલનાં પુસ્તકો ઉલ્લેખનીય છે.
સર્વપલ્લી ગોપાલના પુસ્તક ‘જવાહરલાલ નહેરુ’ને 1976માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. અન્ય ચરિત્રલેખકોમાં દ્વારકાનાથ ટાગોર, પદ્મિની સેનગુપ્તા, રવીન્દ્રનાથ ટાગોર વગેરેનો ઉલ્લેખ કરી શકાય.
આ સ્વરૂપને રામગોપાલ, ડી. વી. તામ્હણકર, એસ. એલ. કરંદીકર, ધનંજય કીર, જી. પી. પ્રધાન, એ. કે. ભાગવત, એન. જી. જોગ, એન. કે. બાસુ, બી. આર. નંદા, હીરેન મુખરજી, વેદ મહેતા, મનોહર માલગાંવકર, ડી. એફ. કરાકા, એમ. ચેલાપતિ રાવ, એસ. એ. આયર, વી. જે. પટેલ, કોદંડ રાવ, ફીરોઝ ચાંદ, આર. આર. દિવાકર, એ. બી. પુરાણી, કે. આર. શ્રીનિવાસ આયંગર (તેમની શ્રીઑરોબિંદો : અ બાયોગ્રાફ્રી ઍન્ડ એ હિસ્ટરી, 1972, 1976 ને 1980ને અકાદમી ઍવૉર્ડ એનાયત થયો છે), ક્રિષ્ણા કૃપાલાની વગેરેએ પણ જીવનચરિત્રો આપીને એ સ્વરૂપને સમૃદ્ધ કર્યું છે.
નિબંધલેખનમાં આર. કે. નારાયણનાં પુસ્તકો ‘નેક્સ્ટ સનંડે’ (1956) અને ‘રિલકટંટ ગુરુ’(1974)માં સૂક્ષ્મ અવલોકન અને હળવી કટાક્ષશૈલીનાં દર્શન થાય છે.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ ભારતભરમાં અનેક વિદ્યાપીઠો અસ્તિત્વમાં આવી, અને એ સાથે સાહિત્યિક વિવેચનનો વિકાસ થવા માંડ્યો, એમાં 1957માં સાહિત્ય એકૅડેમીએ ‘કૉન્ટેમ્પોરરી ઇન્ડિયન લિટરેચર’ નામનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે, એમાં ભિન્ન ભિન્ન ભાષાઓના સાહિત્યની સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત એ જ સંસ્થા તરફથી ‘એન્સાઇક્લોપીડિયા લિટરેચર’, ‘હિસ્ટરી ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ વગેરે ગ્રંથો પ્રસિદ્ધ થયા છે.
અમેરિકન સાહિત્યના અભ્યાસને પરિણામે એ સાહિત્યનું વિવેચન પણ લખાવા માંડ્યું છે અને એનાં વિવિધ સાહિત્યસ્વરૂપોનો અભ્યાસ થવા લાગ્યો છે.
સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત એમ. કે. નાઇકના ‘એ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચર’ (1982) અંગ્રેજીમાં રચાયેલા ભારતીય સાહિત્યનો મૂલ્યનિષ્ઠ અભ્યાસગ્રંથ છે.
જયા જયમલ ઠાકોર
વિ. પ્ર. ત્રિવેદી