ભાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅનાબિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa Linn. (સં. विजया; બં., ગુ., મ., હિં. ભાંગ, ચરસ, ગાંજા; ફા. ફિન્નાવિષ, વરકુલ ખયાલ, શવનવંગ; અં. ઇંડિયન હેમ્પ) છે. તે પશ્ચિમ હિમાલયમાં ‘વન્ય’ તરીકે થાય છે અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ‘પલાયન’ (escape) જાતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં થાય છે. હિમાચલ પ્રદેશમાં, હિમાલયની ઉષ્ણ ખીણોમાં અને કાશ્મીરથી આસામ સુધી મેદાનોમાં તે થાય છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસામાં તેને ઉગાડવામાં આવે છે. રાજસ્થાન, તમિળનાડુ, બિહાર અને કેરળમાં પણ તે વન્ય રીતે થાય છે.

ભાંગ(cannabis sativa)નો છોડ

તે તીવ્ર વાસવાળી 1 મી.થી 5 મી. સુધીની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનું પ્રકાંડ નાજુક અને ખાંચોવાળું હોય છે. પર્ણો 7 સેમી.થી 20 સેમી. લાંબાં, 3થી 11પર્ણી પંજાકાર સંયુક્ત અને સદંડી હોય છે. તેની પર્ણિકાઓ અદંડી, સાંકડીભાલાકાર અને દંતુર (serrate) હોય છે. તેની ઉપરની સપાટી ખરબચડી (scalorid) અને નીચેની અલ્પ પ્રમાણમાં રોમિલ હોય છે. નર પુષ્પો ટૂંકા સઘન પરિમિત (cyme) પુષ્પવિન્યાસ સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. આ પરિમિત પુષ્પસમૂહો જોડાઈને અગ્રસ્થ અલ્પપર્ણી (lax foliate) લઘુપુષ્પગુચ્છ (panicle) બનાવે છે. માદા પુષ્પો આછા લીલા રંગનાં અને એકાકી (solitary) હોય છે; જે નાનાં ત્વચીય નિપત્રો(bracts)ની કક્ષમાંથી ઉત્પન્ન થાય છે. ચર્મફળ (achene) પ્રકારનું ફળ લીસું, ચળકતું અને 4 મિમી.થી 5 મિમી. લાંબું હોય છે.

C. sativaમાં વિપુલ પ્રમાણમાં ભિન્નતાઓ હોય છે. (2n = 20) મુખ્ય બે પ્રકારની ઉપજાતિઓ(subspecies)માં તે વર્ગીકૃત કરવામાં આવે છે : (1) C. sativa sativa Linn. અને, (2) C. sativa indica (Lam.) Small & Cronq. સૅટિવા ઉપજાતિ ઉત્તર ગોળાર્ધમાં 30° ઉત્તર અક્ષાંશથી ઉપરના પ્રદેશોમાં વિતરણ ધરાવે છે. તેનામાં માદક (intoxicant) દ્રવ્યની ઉત્પાદનક્ષમતા મર્યાદિત હોય છે; પરંતુ રેસા અને તેલ વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. તે ઉત્તર અમેરિકા, યુરોપ અને ઉત્તર એશિયામાં સામાન્ય છે. તેની આંતરગાંઠો (internodes) પોલી હોય છે. તેનું પ્રકાંડ અલ્પશાખિત હોય છે. તેની વાનસ્પતિક વૃદ્ધિનો સમયગાળો ટૂંકો હોય છે અને તે એકગૃહી (monoecious) હોય છે. તેની બે જાતો છે (1) var. sativa અને (2) var. spontanea. ઉપજાતિ ઇંડિકામાં માદક દ્રવ્યની ઉત્પાદનક્ષમતા પુષ્કળ પ્રમાણમાં હોય છે અને 30° ઉત્તર અક્ષાંશથી દક્ષિણમાં તે સામાન્ય રીતે થાય છે. તેની વાનસ્પતિક વૃદ્ધિનો સમયગાળો લાંબો હોય છે. તેની બે જાતો થાય છે : (1) var. indica (Lam.) Wehmer, જે ટૂંકી આંતરગાંઠો, નક્કર અને બહુશાખિત પ્રકાંડ ધરાવે છે. તે દક્ષિણ એશિયામાં થાય છે અને માદક દ્રવ્યના ઉત્પાદન માટે ઉગાડવામાં આવે છે; (2) var. kafirstanica (Vavilov) Small & Cronq., જે હિમાચલ પ્રદેશથી શરૂ થઈ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, દક્ષિણ એશિયા અને આફ્રિકામાં થાય છે. તે મેક્સિકો તથા મધ્ય અને દક્ષિણ અમેરિકામાં પણ કેટલાક પ્રમાણમાં થાય છે.

ભાંગનું વાવેતર માદક રાળ (resin), રેસા અને બીજ માટે થાય છે; પરંતુ રેસા અને બીજ માટે વાવવામાં આવેલી ભાંગનો ઉપયોગ માદક રાળના નિષ્કર્ષણ માટે થતો નથી. રેસા અને બીજના પાકના વાવેતર માટે ટેકરીઓવાળા પ્રદેશો; જ્યારે માદક દ્રવ્યના પાક માટે શુષ્ક પ્રદેશો વધારે યોગ્ય ગણાય છે.

કૅનાબિસ ઔષધો ભારતમાં ઘણા જૂના સમયથી વાપરવામાં આવે છે. તે ભાંગ, ગાંજા અને ચરસ તરીકે ઓળખાવાય છે અને પુષ્પો, પર્ણો અને તેમનામાંથી પ્રાપ્ત કરેલ રાળ દ્રવ્યમાંથી મેળવવામાં આવે છે.

ભાંગ સૂકાં, દળેલાં પરિપક્વ પર્ણો અને નર કે માદા વનસ્પતિઓના પુષ્પીય પ્રરોહની બનેલી હોય છે અને ત્રણેય ઔષધ-સ્વરૂપોમાં સૌથી વધુ મંદ ગણાય છે. તે અમાદક (non-narcotic) હોવાથી આબકારી જકાત ખાતાના નિયંત્રણ હેઠળ નથી; છતાં પર્ણો અને પુષ્પોના એકત્રીકરણ અને સંગ્રહ માટે પંજાબ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં સરકારી પરવાનાની આવશ્યકતા રહે છે. ગુજરાતમાં આ છોડના ઉછેર પર પ્રતિબંધ છે.

સુખાભાસી (euphoric) ઘટકની ઉત્પત્તિ વનસ્પતિમાં પુષ્પ-નિર્માણના તબક્કામાં જ માત્ર થાય છે અને નીચેનાં પર્ણોના પતનની શરૂઆતમાં અને અગ્રભાગે પુષ્પો પીળાં બને ત્યારે તેના પ્રમાણમાં ક્રમશ: ઘટાડો થાય છે. સારી ભાંગ બનાવવા માટે પુષ્પનિર્માણની શરૂઆતમાં તંદુરસ્ત પર્ણો અને પુષ્પો એકત્રિત કરવામાં આવે છે. મેદાનોમાં થતી ભાંગનું મે-જૂનમાં અને પહાડી પ્રદેશોમાં થતી ભાંગનું જૂન-જુલાઈમાં એકત્રીકરણ કરવામાં આવે છે. તેને એકાંતર સૂર્યપ્રકાશ અને ઝાકળમાં રાખવામાં આવે છે. અલગ કરેલાં પુષ્પો અને પર્ણોને જાડા ચૂર્ણરૂપે દળી માટીના વાસણમાં સંગૃહીત કરવામાં આવે છે. તેને ખાંડ અને કાળી પીપર સાથે એક ઓરસિયા ઉપર ઘસવામાં આવે છે અને એક ગુલ્લો (bolus) કે ગોળીઓ બનાવાય છે અથવા તેને પાણી સાથે ભેળવીને કપડા દ્વારા ગાળી કઢાય છે ત્યારબાદ તેને પીણા તરીકે લેવાય છે. મુખ્યત્વે ઉત્તર ભારતના હિંદુઓ તેને શિવરાત્રી જેવા તહેવારોએ કે અન્ય દિવસોએ ઉત્તેજક પીણા તરીકે વાપરે છે. ભાંગમાં ખાંડ, લોટ, દૂધ અને માખણ ભેળવીને બનાવાતી વાનગી (confection)ને મજું (majun) કહે છે. તેની સુગંધ વ્યક્તિને ગમે તેવી હોય છે અને તે મીઠા સ્વાદની હોય છે. તેની નાની ચોકલેટ આકારની ગોળીઓ પણ બનાવાય છે. ક્યારેક મજુંની સાથે ધતુરો પણ મેળવાય છે.

ગાંજો C. sativaના માદા પુષ્પવિન્યાસ કે ફળની શાખાના અગ્રમાંથી બનાવવામાં આવે છે. તેમની ફરતે રાળયુક્ત સ્રાવ ચઢાવવામાં આવે છે. તે કટાયેલા લીલા રંગનો અને વિશિષ્ટ ગંધવાળો હોય છે અને તમાકુ સાથે ભેળવીને ચીલમમાં નાંખીને ધૂમ્રપાન માટે પણ વપરાય છે. તેના ધૂમ્રપાન પછી વ્યક્તિ આળસ અનુભવે છે અને તેનું શરીર તેને ભારે ભારે લાગે છે. તે મોજ અનુભવે છે પરંતુ તે તેનું રોજિંદું કાર્ય કરી શકે છે. આ જૂથના અમેરિકન છોડ (Cannabis americana, મારીહુઆના)નાં પાન અને ફૂલોવાળાં ટોપચાંને સિગરેટમાં ભેળવીને ધૂમ્રપાનના ઉપયોગમાં લેવાય છે. આ પ્રકારના નશાનું યુરોપ, અમેરિકા અને વિશ્વના અન્ય દેશોના તરુણોમાં પ્રમાણ વધેલું છે. તેનું વાવેતર ભારતમાં મધ્યપ્રદેશ અને ઓરિસામાં આબકારી જકાતખાતાના નિયંત્રણ હેઠળ થાય છે. ચરસ અથવા હશીશ માદા વનસ્પતિનાં પર્ણો અને પુષ્પવિન્યાસમાંથી પ્રાપ્ત કરેલું રાળયુક્ત દ્રવ્ય છે. ભારતમાં કૃષ્ટ (cultivated) છોડમાંથી પૂરતા પ્રમાણમાં રાળ પદાર્થ પ્રાપ્ત કરી શકાતો નથી. તેના છોડ 800 મી.થી 2,400 મી.ની ઊંચાઈના પર્વતો પર થાય છે. તે માટે મધ્ય એશિયામાં ચરસ એકત્રિત કરવામાં આવે છે. તે વિશિષ્ટ વાસ ધરાવે છે અને લીલા રંગનો હોય છે; થોડા સમય પછી તેનો રંગ બદામી-ભૂખરો બને છે, અને તે સખત બને છે અને તળી શકાય છે. એમ કરતાં તે તેની કેટલીક માદક ક્રિયાશીલતા ગુમાવે છે. હશીશ તેલ અથવા પ્રવાહીમય હશીશ જાડી લૂગદી જેવી નીપજ છે અને કાર્બનિક દ્રાવકમાં રાળનું નિષ્કર્ષણ કરતાં પ્રાપ્ત થાય છે. કાર્બનિક દ્રાવકને દૂર કરી અવશેષ(residue)ને વનસ્પતિ તેલમાં ઓગાળવામાં આવે છે. તેમાં ટેટ્રાહાઇડ્રૉકેનાબિનોલ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે ધૂમ્ર્રપાન કરવામાં વપરાય છે.

કૅનાબિસઔષધોનું રાસાયણિક બંધારણ : વનસ્પતિના રાળયુક્ત સ્રાવમાંથી કેટલાંક કૅનાબિનૉઇડનું અલગીકરણ કરવામાં આવ્યું છે. મોટા ભાગનાં કૅનાબિનૉઇડનું તૈલી સ્વરૂપ હોય છે અને તે n-પેન્ટાઇલની પાર્શ્ર્વશૃંખલા ધરાવે છે; જેમાં ટેટ્રાહાઇડ્રૉકેનાબિનોલ (THC), કૅનાબિડિયોલ, કૅનાબિનોલ, (C21H26O2) કૅનાબિક્રોમેન, કૅનાબિસિટ્રેન, કૅનાબિસાઇકલોલ, કૅનાબિગેરોલ, કૅનાબિયેલ્સૉઇન, કૅનાબિટ્રિયોલ,  કૅનાબિનોડિયોલ, કૅનાબિકુમેરોનોન, કૅનાબિગ્લેન્ડોલ અને કૅનાબિટેટ્રોલનો સમાવેશ થાય છે. ભારત, પાકિસ્તાન અને નેપાળમાં બનતાં હશીશ અને ગાંજામાં પ્રોપાઈલ સમધર્મીઓ (homologues) પુષ્કળ જથ્થામાં હોય છે. કૅનાબિસની ભારતીય જાતોમાં Δ9–THC મુખ્ય ઘટક તરીકે હોય છે; જ્યારે રશિયા (પૂર્વેના યુ. એસ. એસ. આર.) અને યુ. એસ.ની જાતોમાં કૅનાબિડિયોલ મુખ્ય ઘટક છે. કૅનાબિનૉઇડ દ્રવ્ય નિપત્રોમાં સૌથી વધુ (11.04 % સુધી) અને બીજમાં સૌથી ઓછું હોય છે. નર અને માદા વનસ્પતિમાં કૅનાબિનૉઇડ દ્રવ્યના પ્રમાણમાં ખાસ તફાવત જોવા મળતો નથી. માદા પુષ્પસમૂહમાં નર પુષ્પસમૂહ કરતાં વધારે પર્ણો હોવાથી તેમાં કૅનાબિનૉઇડ દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે.

કૅનાબિનૉઇડ ઉપરાંત વનસ્પતિમાં નૉનકૅનાબિનૉઇડ ફિનૉલ, જેવા કે, કૅનાબિસ્પાઇરન, આઇસોકૅનાબિસ્પાઇરન, ડીહાઇડ્રોકૅનાબિસ્પાઇરન, β-કૅનાબિસ્પાઇરેનોલ, એસિટિલ કૅનાબિસ્પાઇરોલ, કૅનાબિસ્પાઇરેડિયેનોન, કૅનિથ્રિન, કૅનાબિસ્ટિલ્બેન-I અને -II, કૅનિથ્રિન-I અને II અને 3,5,4-ટ્રાઇહાઇડ્રૉક્સિબિબેન્ઝાઇલનો સમાવેશ થાય છે. અંતિમ સંયોજનનું મિથાઇલ ઈથર ઇસ્ટ્રોજનક સક્રિયતા દર્શાવે છે. વનસ્પતિમાંથી અલગ કરવામાં આવેલાં ફ્લેવૉનૉઇડમાં ફ્લેવોકૅનાબિસાઇડ, ફ્લેવોસૅટિવેસાઇડ, ઓરિયેન્ટિન, વાઇટેક્સિન, સાઇટિસોસાઇડ, લ્યુટિયોલિનનું ગ્લાઇક્યુરોનાઇડ, કૅનાફ્લેવિન ‘એ’ અને ‘બી’ અને ક્વિર્સેટિન બ્યુમિયોલ ‘એ’ (વોમિફોલિયોલ) અને ‘બી’ જોવા મળે છે. પરાગરજમાં એપિજેનિન અને લ્યુટિયોલિન ગ્લાયકોસાઇડ હોય છે.

કૅનાબિસના ધુમાડામાં કૅમ્પેસ્ટેરોલ, સ્ટિગ્મેસ્ટેરોલ અને β-સિટોસ્ટેરોલ હોય છે, જે કૅન્સરજનક હાઇડ્રોકાર્બનના પૂર્વગો છે. તેના સંઘનિત ધૂમ્રમાં ડીમિથાઇલેમાઇન, પાઇપરિડિન, પિરિડિન, 2-મિથાઇલ પિરિડિન, પાયરોલ, 3-(અને/અથવા 4-) મિથાઇલ પિરિડિન અને ડાઇમિથાઇલ પિરિડિન, ફિનૉલ, ક્રેસોલ, ગ્વાએકોલ, કૅટેચોલ, હાઇડ્રોક્વિનોન, પી-હાઇડ્રૉક્સિ-ઍસિટોફિનોન, સ્કોપોલેટિન અને/અથવા ઇસ્ક્યુલેટિન અને કેટલાક ઍસિડ આવેલા હોય છે. તમાકુ અને કૅનાબિસ હાઇડ્રોકાર્બન અને તાપ-અપઘટન (pyrolysis) નીપજો બાબતે ખૂબ સામ્ય ધરાવે છે.

તાજી નર અને માદા વનસ્પતિઓનું જલનિસ્યંદન (hydro-distillation) કરતાં બે આછા પીળા રંગનાં તેલ પ્રાપ્ત થાય છે, જેમની ગંધ, ભૌતિક રાસાયણિક અચળાંકો અને વાયુવર્ણલેખ (gas-chromatogram) સમાન હોય છે.

કૅનાબિસ ઔષધોની મુખ્ય વિષાળુ અસરો મગજ અને ફેફસાં ઉપર થાય છે. આ ઔષધોનું અતિશય સેવન કરવાથી અભિપ્રેરણવિહીનતા (demotivation) સંલક્ષણ(syndrome)નો વિકાસ થાય છે; છતાં ભૌતિક નુકસાનનો કોઈ પુરાવો પ્રાપ્ત થયો નથી. હૃદ્ક્ષિપ્રતા (tachycardia), નેત્રશ્લેષ્મલા ચેપ (conjuctival infection), શરીરનું વધારે ડગમગવું, નાડીના દરમાં વધારો, મૂત્રલતા (diuresis) સિવાય પણ મૂત્રમાં વધારો, રુધિરના દબાણ અને તેની શર્કરામાં વધારો, મોં અને ગળામાં શુષ્કતા અનુભવવી, ઊબકા આવવા, અને કેટલીક વાર અતિસાર થવો  – એ બધાં તેનાં લક્ષણો છે. તેનાથી ચેતન અવસ્થા પરિવર્તન પામતાં સ્વપ્નાવસ્થાનો વિકાસ થાય છે. સુખાભાસ, સંવેદી (sensory) પ્રત્યક્ષ જ્ઞાનાત્મક વિપર્યાસ (perceptual distortion), વ્યક્તિત્વહરણ (depersonalization), વિભ્રમ(hallucination)ની સ્થિતિમાંથી શમન (sedation) અવસ્થાનો વિકાસ વગેરે લક્ષણો ઊંચી માત્રામાં લેવાતાં આ ઔષધો દ્વારા ઉદભવે છે. તેની લઘુતમ ઉત્તેજના દરમિયાન દર્દી અનિયંત્રિતપણે ખડખડાટ હસ્યા જ કરે છે સતત બોલ્યા કરે છે અને મસ્તીમાં રહે છે. મોં દ્વારા તે વધારે માત્રામાં લેવાથી દર્દીની તર્કસંગત વિચારશક્તિમાં ઘટાડો થાય છે અને તે તત્કાલીન (recent) સ્મૃતિ ગુમાવે છે. ખૂબ ભૂખ લાગે છે અને અકારણ હાથપગનું હલનચલન કર્યા કરે છે. સમય અને સ્થળની સભાનતા જતી રહે છે અને ડરામણા ભણકારા વાગે છે. તેને થોડો સનેપાત થાય છે. ક્યારેક વ્યક્તિ ખૂન કરવાની ઇચ્છા પણ અનુભવે છે. હાથપગમાં ખાલી અને ઝણઝણાટી અનુભવે છે અને અશક્તિ અનુભવે છે અને ઘેનજનક તબક્કામાં સરે છે. તે સમયે આંખની કીકીનું છિદ્ર પહોળું થાય છે. વધુ ઝેરી અસર હોય તો વ્યક્તિ બેભાન થઈ જાય છે અને તે તેમાંથી બહાર આવે ત્યારે તે ઊંડી ઊંઘમાં પડે છે. જવલ્લે જ શ્વાસોચ્છવાસની તકલીફ થાય છે ત્યારે વ્યક્તિનું મૃત્યુ નીપજે છે. તેની મૃત્યુકારક માત્રા (fatal dose) જાણમાં નથી. તેને કારણે ભાગ્યે જ મૃત્યુ થાય છે, જે થોડા કલાકોથી દિવસો સુધીમાં સંભવિત બને છે. સારવાર માટે જઠરને સાફ કરાય છે, જુલાબ અપાય છે અને જરૂર પડ્યે અન્ય સહાયકારક ચિકિત્સા કરાય છે. Δ9 – અને Δ8 – THCની મનુષ્ય પર શક્તિશાળી મન:સક્રિય (psychoactive) અસરો હોય છે. તે મેદદ્રાવ્ય હોવાથી મૂત્ર અને મળ દ્વારા તંત્રમાંથી અત્યંત ધીમી ગતિએ નિકાલ પામે છે.

ન્યાયસહાયક તબીબી વિદ્યા અંગેના મુદ્દા : મૃત્યુ પછી શબપરીક્ષણ(postmortem examination)માં કોઈ ખાસ નિદાનસૂચક ચિહ્નો જોવા મળતાં નથી. વિવિધ પ્રતિક્રિયાઓ વડે રાસાયણિક પૃથક્કરણ કરીને શારીરિક પ્રવાહીઓમાં અને પેશાબમાં કૅનાબિસ સેટિવાનાં દ્રવ્યો છે કે નહિ તે દર્શાવી શકાય છે. ભાંગ કે કૅનાબિસ સેટિવાનાં અન્ય દ્રવ્યો જેમાં હોય તેવી શંકાવાળા પદાર્થના નાના કણોને સૂક્ષ્મદર્શક વડે તપાસતાં વાંકા, ટૂંકા, એકકોષીય કેશ અથવા લાંબા અને પાતળા કેશના રૂપમાં તંતુઓ જોઈ શકાય છે. ગાંજાના કેશ લીસા હોય છે, જ્યારે ચરસના કેશ ઉદવર્ધીય (warty) હોય છે. સામાન્ય રીતે ભાંગથી થતી ઝેરી અસર અકસ્માતજન્ય હોય છે. ક્યારેક લૂંટારાઓ ચરસ અને ગાંજા વડે તેમના શિકારને ઘેનમાં નાંખતા હોય છે. તેમનો ખૂન કરવાના હેતુથી થયેલો ઉપયોગ પણ નોંધાયેલો છે, પરંતુ તેવું જવલ્લે જ જોવા મળે છે. ક્યારેક તેના ઉપયોગ પછી ઉદભવતા અતિઉન્માદ(run amok)ની સ્થિતિમાં વ્યક્તિ ખૂન કરી બેસે છે. ત્યારબાદ તે કાં તો આપઘાત કરે છે અથવા પોલીસને આત્મસમર્પણ કરે છે. અતિઉન્માદની સ્થિતિ આવા નશા વગર પણ જોવા મળે છે.

આયુર્વેદ અનુસાર તે પિત્તલ, ગ્રાહક, તીક્ષ્ણ, કડવી, ઉષ્ણ, લઘુ, કર્ષણકારક, અગ્નિદીપક, રુચિકર, માદક, વાણીવર્ધક અને મોહકારક છે અને કફ તેમજ વાયુની નાશક છે. તે લૂખ, ક્ષુધાનાશ, મૂળવ્યાધિ, અતિસાર, શ્વાસ, સંગ્રહણી, કૉલેરા, નિદ્રાનાશ, અગ્નિમાંદ્ય અને નપુંસકતામાં ઔષધ તરીકે ઉપયોગી છે. ઉદરામય પરિપાક અને રતિશક્તિ વધારવા જે ઔષધિઓ તૈયાર કરવામાં આવે છે તેમાં ભાંગ વિશેષ નંખાય છે. ધનુસ્તંભરોગમાં તેનો ધુમાડો પાવાથી ધીરે ધીરે આક્ષેપ ઓછો થતો જાય છે અને રોગીને વધારે દુર્બળતા થતી નથી. વારંવાર ભાંગનો ધુમાડો પીવાથી દર્દ છૂટી જાય છે.

તે પ્રમેહ અને અંડવૃદ્ધિને આરામ આપે છે. દૂધમાં ભાંગ વાટી લેપ કરવાથી હરસ મટે છે. પાણીથી સાફ ધોઈ શેકેલી ભાંગનું ચૂર્ણ મધ સાથે ખાવાથી અતિસાર, સંગ્રહણી અને મંદાગ્નિ દૂર થાય છે. તેનો છોડ વાટી તાજા ઘા ઉપર ચોપડવાથી શીઘ્ર આરામ થાય છે. ભાંગભસ્મ તુલસીના પાનમાં, નાગરવેલમાં, માખણમાં કે મધમાં આપવાથી ઉધરસ, છાતીનો દુખાવો અને અન્ય ઉદરરોગો તેમજ શૂળ શાંત થાય છે અને મળ સાફ આવે છે. ભાંગનો નશો ઉતારવા માટે આંબલીનું પાણી ઉપયોગી છે. દર્દીને ઊલટી થાય તો તેનાથી તેને તુરત રાહત થાય છે.

ગાંજો ઉત્તમ ઔષધ છે. તે ઉત્તેજક, વેદના-સ્થાપક, શાંતિકારક, ક્ષુધાવર્ધક, પિત્તદ્રાવી, મૂત્રજનક, આનંદપ્રદ, શ્લેષ્મઘ્ન, નિદ્રાપ્રદ, રક્તસ્થાપક, સંકોચવિકાસ-પ્રતિબંધક, ગર્ભાશય-સંકોચક, બલ્ય, વાજીકર અને ત્વચાની જ્ઞાનગ્રાહકશક્તિ ઓછી કરવાવાળો છે. તેની માત્રા પુષ્કળ હોય ત્યારે કેફ ચડે છે, ચામડી શૂન્ય થાય છે, જ્ઞાનગ્રાહક-શક્તિ ઘટે છે, પગ શક્તિહીન થાય છે; નેત્રના ડોળા પહોળા બને છે અને નાડી જલદી ચાલે છે. રોગી નિદ્રામાંથી ઊઠે ત્યારે ખૂબ ભૂખ લાગે છે. તેનાથી કબજિયાત થતી નથી. ગાંજાથી ગર્ભાશય ઉત્તેજિત થઈને તેની સંકોચનક્રિયા વધે છે; જોકે અર્ગટની જેમ ગાંજાની ક્રિયા વધારે સમય ટકતી નથી. માઇગ્રેનની રામબાણ દવા તરીકે ગાંજો વપરાય છે.

ભાંગના રેસા તેના પ્રકાંડના અપગલન (retting) દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. તેના રેસા આછા રંગના અને ચમકીલા હોય છે. જોકે વ્યાપારિક ગુણવત્તાવાળા રેસા આછા ભૂખરા, પીળાશપડતા લીલા અથવા ઘેરા બદામી હોય છે. તેની લંબાઈ 2,500 માઇક્રૉનથી 5,500 માઇક્રૉન અને સરેરાશ વ્યાસ લગભગ 22 માઇક્રૉન હોય છે. કાગળ અને કાપડ ઉદ્યોગની ઘણી કોટિમાં સેલ્યુલોસનો માવો બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. તે વધારે લાંબો હોવા છતાં અળસીના રેસા કરતાં ઓછો સ્થિતિસ્થાપક અને વધારે જાડો હોય છે. સારી રીતે વિરંજિત થતો નથી; અને તેનામાં સ્થિતિ-સ્થાપકતાનો અભાવ હોય છે. તેથી તેનો ઉપયોગ દોરડાં બનાવવામાં થાય છે. તે સઢનું કંતાન, રંગેલાં કંતાન અને સૂતળી બનાવવામાં ઉપયોગી છે. તે શણ કરતાં વધારે ટકાઉ અને મજબૂત હોય છે. તેને ઊનના તંતુઓ સાથે મિશ્ર કરી ચાદર, શાલ અને ખલતા બનાવવામાં આવે છે. આ નીપજો અન્ય વસ્ત્ર કરતાં વધારે ગરમ અને સસ્તી હોય છે. રશિયા આ રેસાનું સૌથી વધારે ઉત્પાદન કરે છે.

બીજમાં 30 %થી 35 % જેટલું લીલાશ પડતું પીળું તેલ હોય છે. આ તેલ અળસીના તેલ સાથે ગુણધર્મો અને ઉપયોગ બાબતે સામ્ય ધરાવે છે. તેનો ઉપયોગ ચિત્રકામ, વાર્નિશ અને સાબુ બનાવવામાં થાય છે. તે કીટનાશક અને કીટપ્રતિકર્ષી (insect repellent) ગુણધર્મો ધરાવે છે. બીજનો ખૉળ ઢોરોને ખવડાવવામાં ઉપયોગી છે. પહાડી વિસ્તારોમાં તેને ભૂંજીને ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. મરઘાં-બતકાં માટે પણ તે સારો ખોરાક ગણાય છે.

ઉત્તર બિહારમાં તે ઘઉં સાથે અપતૃણ તરીકે ઊગી નીકળે છે. ફર્નૉક્સૉનનો છંટકાવ તેનો અસરકારક રીતે નાશ કરે છે. ઢોર માટે આ વનસ્પતિ ઝેરી છે.

        શિલીન નં. શુક્લ

ગોવિંદપ્રસાદ કૃષ્ણલાલ દવે

મહેશચંદ્ર અંબાલાલ પટેલ

        સુનીલકુમાર જયંતીલાલ મેકવાન

ગુણવંતસિંહ ચંદ્રસિંહ જાડેજા

                યોગેશ ડબગર

બળદેવભાઈ પટેલ