ભવિસયત્તકહા (ભવિષ્યદત્તકથા) (દસમી સદી) : અપભ્રંશ ભાષાનું મહાકાવ્ય. કર્તા ધનપાલ કે ધર્કટવણિક દિગંબર જૈન ધનપાલ, ‘પાઇયલચ્છી’ના લેખકથી જુદા. પ્રથમ કડવકના ચોથા શ્લોકમાં તેઓ પોતાને સરસ્વતીનું મહાવરદાન પામેલા કહે છે. આમાં હરિભદ્રસૂરિની ‘સમરાઇચ્ચકહા’ને નમૂના તરીકે સ્વીકારી લાગે છે અને કથાનકમાં મહેશ્વરસૂરિના પ્રાકૃત ‘પંચમીમાહાત્મ્ય’માંની છેલ્લી ભવિષ્યદત્તની કથાનો આધાર લેવાયો જણાય છે. આની ભાષા હેમચન્દ્રાચાર્યની અપભ્રંશથી વધારે પ્રાચીન છે અને પ્રારંભિક કડવકોની રચનાસમયે સ્વયંભૂનું ‘પઉમચરિઉ’ ર્દષ્ટિમાં હતું. આથી આનો રચનાસમય સ્વયંભૂ પછીનો અને હેમચન્દ્રના પહેલાંનો, દસમી સદીનો મનાય છે.
પ્રથમ જર્મનીમાં 1918માં ડૉ. યાકોબી દ્વારા પ્રકાશિત. પછીથી 1923માં વડોદરાની ગાયકવાડ ઓરિયેન્ટલ સીરિઝના 20મા ગ્રંથ રૂપે સી. ડી. દલાલ અને પી. ડી. ગુણે દ્વારા સંશોધિત થઈ, પ્રસ્તાવના, ટિપ્પણ તથા વિશિષ્ટ શબ્દાર્થ સાથે પ્રસિદ્ધ થઈ.
આ કથાનો હેતુ પાંચ વર્ષના શ્રુતપંચમીવ્રતનું માહાત્મ્ય ગાવાનો છે. મહાકાવ્યનું કથાનક આ પ્રમાણે છે : ગજપુરના વણિક ધનપાલનો પુત્ર હતો ભવિષ્યદત્ત. સરૂપા સાથે બીજાં લગ્ન કરી ધનપાલે પ્રથમ પત્ની કમલશ્રી અને તેના પુત્રની ઉપેક્ષા કરી. વેપાર માટે વહાણમાં નીકળેલા સાવકા ભાઈ બન્ધુદત્ત સાથે ભવિષ્યદત્ત પણ જોડાયો, પણ વચ્ચે મૈનાકદ્વીપના જંગલમાં તેને એકલો છોડી દગાબાજ બન્ધુદત્ત રસાલા સાથે ચાલી નીકળ્યો. ત્યાં ઉજ્જડ સમૃદ્ધ નગરમાં ચન્દ્રપ્રભજિનની પૂજા કરતાં દિવ્યસુન્દરીને જોઈ. નગરનો નાશ કરનાર અસુરે જ તેમનાં લગ્ન કરી આપ્યાં. પાછો બન્ધુદત્ત ભેટતાં તેની સાથે બંને ઘેર જવા નીકળ્યાં. વળી દર્શનાર્થે ગયેલા ભવિષ્યદત્તને છોડી તે છટકી ગયો. ઘેર જઈ પેલીની સાથે લગ્નની તૈયારી કરી; પરંતુ યક્ષની મદદથી સમયસર પહોંચી જઈ ભવિષ્યદત્તે રાજાને ફરિયાદ કરી અને બન્ધુદત્તને શિક્ષા થઈ.
રાજકન્યા સુમિત્રા માટે પોદનપુરનરેશ સાથેના યુદ્ધમાં વિજય થતાં ભવિષ્યદત્તને સુમિત્રા સાથે પરણાવી યુવરાજ બનાવ્યો.
વિમલબુદ્ધિમુનિ પાસેથી પૂર્વજન્મકથા સાંભળી, વિરક્ત થઈ, તપ કરી, ઉચ્ચ પુનર્જન્મ મેળવી અંતે ભવિષ્યદત્ત નિર્વાણ પામ્યો. કમલશ્રીએ પુત્રકલ્યાણ અર્થે શ્રુતપંચમીવ્રત કરેલું તેથી તે પાછો મળેલો.
કથાનકની ગૂંથણી સામાન્ય છે. યથાર્થ અને આદર્શનું સમુચિત સંમિશ્રણ છે. શૃંગાર-વીર-શાન્ત રસની અહીં નિષ્પત્તિ થાય છે. અપભ્રંશ ભાષાના જ્ઞાનની ર્દષ્ટિએ આ મહત્વનો ગ્રંથ છે. ‘ય’ શ્રુતિ તથા ‘વ’ શ્રુતિ વધારે આવે છે. લોકોક્તિઓ, સુભાષિતો અને અલંકારો પ્રવાહી અને પ્રાસાદિક ભાષાને બલવત્તર બનાવે છે. માત્રામેળ છંદોનો પ્રયોગ અધિક કરાયો છે. ખ્યાતવૃત્ત-નાયકની રૂઢિને તોડીને કવિએ અહીં અપભ્રંશમાં લૌકિક નાયકની પરંપરાનો સૂત્રપાત કર્યો છે.
જયન્ત પ્રે. ઠાકર