ભવિષ્યવિદ્યા (futurology) : વર્તમાનમાં જે કંઈ બની રહ્યું છે, જે કાંઈ જોવા-જાણવા મળે છે, તેને આધારે ભાવિવલણોનું અર્થઘટન કરતી, વીસમી સદીમાં વિકસેલી વિદ્યાશાખા. ભવિષ્યનું અનુમાન કરવા માટે કોઈ એકલદોકલ વસ્તુ કે ઘટના પર્યાપ્ત નથી. ભાવિના ઊંડાણમાં ઊતરવા માટે વિવિધ સામાજિક અને વૈજ્ઞાનિક પૂર્વધારણાઓ(postulates)નો સહારો લેવો પડે છે. તેમાં અટકળ (conjectiurs), અનુમાન (forecast) અને આગાહી (prediction) વચ્ચેનો ભેદ કેન્દ્રમાં રાખીને અર્થઘટન કરવાનું રહે છે. અટકળબાજીને કોઈ આધાર હોતો નથી. તે કલ્પનાયુક્ત હોય છે. આથી અટકળની સાચા પડવાની સંભાવના ઘણી ઓછી હોય છે. ‘અનુમાન’ અને ‘આગાહી’ લગભગ સમાનાર્થી શબ્દો છે. હવામાન અને મોસમનો વરતારો કરવા માટે ‘પૂર્વાનુમાન’ (forecast) શબ્દનો પ્રયોગ થાય છે અને પૂર્વાનુમાનમાં કંઈક અંશે વૈજ્ઞાનિક આધાર હોય છે. આથી પૂર્વાનુમાન સાચું પડવાની સંભાવના ઠીક ઠીક હોય છે. આગાહી કંઈક અંશે ગણતરી ઉપર આધાર રાખે છે અને ખાસ કરીને જ્યોતિષમાં આ શબ્દનો પ્રયોગ થતો જોવા મળે છે. આગાહી સાચી પડવાની સંભાવના નહિવત્ હોય છે.

વર્તમાનમાં જે માહિતી ઉપલબ્ધ હોય છે, તેમાંથી વૈજ્ઞાનિક ઢબે તંત્રનો પ્રક્ષેપ તૈયાર થાય છે. આ સાથે કમ્પ્યૂટર અનુરૂપણ (simulation) જેવી આધુનિક ટૅકનૉલૉજી ભાવિ આદર્શોને પ્રમાણિત કરે છે. હકીકતે તો વિજ્ઞાન-કલ્પનાવાર્તા (science fiction) એ પ્રયુક્ત ભવિષ્યવિદ્યાનું સ્વરૂપ છે.

અહીં ઇતિહાસના સિદ્ધાંતોનું નિર્માણ કરી ભવિષ્યનું અનુમાન કરવાનો પ્રયાસ થતો હોય છે. ઇતિહાસના આવા સિદ્ધાંતો ફિલસૂફી જેટલા જૂના હોય છે. ભવિષ્યવિદ્યાનો પદ્ધતિસર ઉપયોગ 1950થી શરૂ થયો. તેમાં આંકડાશાસ્ત્રીય વલણો(statistical trends)ને પ્રક્ષેપિત કરીને વાસ્તવિક ભાવિનું પરિર્દશ્ય તૈયાર કરવામાં આવે છે. આ રીતે ભવિષ્યવિદ્યા એ સામાજિક અને વૈજ્ઞાનિક સાહસ ગણાય.

1967માં હર્મન ક્હાન અને ઍન્થની વેઇનરે (Wiener) વર્ષ 2000ની આગાહી કરેલી. તે સમયે તે કેટલાક્ધો આશાસ્પદ તો કેટલાકને અવ્યવહારુ લાગેલી.

1970માં એલ્વિન ટૉફલરે ‘Future Shock’ નામનું આ પ્રકારનું પુસ્તક આપ્યું. તેમાં પ્રદૂષણના અતિરેક અને અતિજનસંખ્યાના ભારણ તળે વસ્તુઓ અને વિચારો કેવાં હશે તેનું આબેહૂબ જીવંત વર્ણન કરવામાં આવ્યું છે અને કેટલુંક સાચું પડ્યું છે.

1980 અને 1990ના દશકાઓ દરમિયાન ભવિષ્યવિદ્યાનાં પરિણામો નિરાશાજનક રહ્યાં છે, તો કેટલીક વખત સાક્ષાત્કાર જેવું પણ બન્યું છે. છેલ્લા બે દશકામાં જનસંખ્યા, સામાજિક વ્યવસ્થા અને પર્યાવરણની પરિસ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં નિરાશાજનક ચિત્ર ઊપસે છે.

1989માં પ્રગટ થયેલ માર્વિન સેટ્રૉન અને ઓવેન ડેવિસના પુસ્તક ‘અમેરિકન રેનેસાં’માં હકારાત્મક વલણો પ્રતીત થાય છે.

કેટલાંક પુસ્તકો ભવિષ્યવિદ્યાને અનુલક્ષીને હકારાત્મક તો કેટલાંક નકારાત્મક ચિત્રો રજૂ કરે છે. ઐતિહાસિક વલણો અને રસમોની જાણકારી જેટલી વધુ ચોક્કસ તેટલાં અનુમાનો આધારભૂત. ઇતિહાસ જાણીને ભવિષ્યનો તાગ મેળવવા પ્રયત્ન કરવામાં આવે છે.

સરળ અનુમાનો જનસંખ્યા અથવા ટૅકનૉલૉજીના ફેરફારોની દિશા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના ઉપરથી ઓછેવત્તે અંશે ભવિષ્યની બાબતોના જવાબો મળી શકે છે. આજ સુધી જે રીતે જનસંખ્યા વધતી જાય છે અને વધુ સુધારેલી ટૅકનૉલૉજી મળતી જાય છે તે રીતે આગામી દશકા (2000) પછી બંનેમાં વધારો થઈ શકે છે.

આર્થિક કામગીરી, નશાયુક્ત પદાર્થોના વપરાશ, ધાર્મિક માન્યતાઓ અથવા સામાજિક વલણોમાં થનાર ફેરફાર પરત્વેનાં અનુમાન ખરેખર જટિલ હોય છે. શોધિત-વર્ધિત પરિરૂપોમાં ઘણીબધી ચલરાશિઓને ધ્યાનમાં લેવી પડે છે, જેને પરિણામે વિવિધ દિશામાં ફેરફારો થતા માલૂમ પડે. પછી તો ફેરફારોની શાખાઓ એટલી વધી જાય છે કે અનુમાનની ખાસ ઉપયોગિતા રહેતી નથી.

વ્યાપક રીતે, ભવિષ્યવિદ્યા તર્કબાજીની કવાયત તરીકે રસપ્રદ છે, પણ તેને ખાસ વૈજ્ઞાનિક પાયો નથી અને ક્યાંયે હોય તો તે અતિ અલ્પ માત્રામાં. અત્યારે તો એવું લાગે છે કે આગાહીઓ ઘણુંખરું નિષ્ફળતાનો આંક વિશેષ દર્શાવે છે.

પ્રહલાદ છ. પટેલ