ભસ્મશંકુ : શંકુ આકારના જ્વાળામુખી-પર્વતનો પ્રકાર. જ્વાળામુખી પ્રસ્ફુટિત થતાં તેની ભસ્મથી બનેલી શંકુ આકારની ટેકરી. પ્રસ્ફુટન દરમિયાન જ્વાળામુખીની નળીમાંથી વધુ પડતી ભસ્મનું પ્રસ્ફુટન થાય અને આજુબાજુના ભાગમાં ગોળાકારે પથરાય ત્યારે તૈયાર થતી મધ્યમસરની ઊંચાઈવાળી ટેકરીને ભસ્મશંકુ કહે છે. આ પ્રકારના શંકુઓનું દ્રવ્ય-બંધારણ સામાન્ય રીતે ભસ્મકણિકાઓથી બનેલું હોય છે. ભસ્મકણિકાઓ મોટાભાગે સ્કોરિયા જેવા છિદ્રાળુ કણોથી બનેલી હોય છે. આવી ટેકરીઓના બાજુઓના ઢોળાવો આછા હોય છે. તેમના શિખાગ્રભાગ શંકુ આકારના હોય છે. પશ્ચિમ મેક્સિકોમાં આવેલો પેરિક્યુટિન ભસ્મશંકુનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 1943માં ત્યાંના કોઈ ખેડૂતના ખેતરમાં ફાટ પડીને તેની શરૂઆત થયેલી. શરૂઆતના માત્ર છ દિવસમાં જ તેની ઊંચાઈ 150 મીટર જેટલી થઈ ગયેલી. 1952 સુધી આ પ્રસ્ફુટનક્રિયા ચાલુ રહેલી, તે દરમિયાન શંકુ આકારનું આ ભૂમિસ્વરૂપ તેની તળેટીથી 410 મીટરની ઊંચાઈ સુધી પહોંચી ગયેલું. દરિયાની સપાટીથી તો તેની ઊંચાઈ 2,808 મીટર જેટલી છે. કૅલિફૉર્નિયાના ‘લાસેન પીક’ નજીક તેમજ ન્યૂ મેક્સિકોના ઈશાન ભાગમાં પણ આવા ભસ્મશંકુઓ જોવા મળે છે.

જ્વાળામુખી-પ્રસ્ફુટન દરમિયાન જે લાવા મધ્યમસરની સ્નિગ્ધતાના પ્રમાણવાળો હોય તે સ્ટ્રૉમ્બોલિયન પ્રકારના જ્વાળામુખી રચે છે. ઓછાં વિસ્ફોટક પ્રસ્ફુટનો ભસ્મ, શંકુ આકારના ગોલકો તેમજ લેપિલીનો છંટકાવ કરે છે. એક જ પ્રસ્ફુટન દરમિયાન જો માત્ર ભસ્મનો જ છંટકાવ થયા કરે તો ભસ્મશંકુ રચાય છે, પરંતુ શરૂઆતમાં લાવા નીકળે અને પછીથી ભસ્મ નીકળે તો એવી ટેકરીઓના તળભાગ લાવાખડકોના બનેલા હોવાનું માલૂમ પડ્યું છે. પ્રસ્ફુટનોનાં આવર્તન થયા કરે તો લાવા અને ભસ્મનાં વારાફરતી પડ બંધાતાં જાય છે. આવા પ્રકારો મિશ્ર શંકુ (composite cone) તરીકે ઓળખાય છે.

ગિરીશભાઈ પંડ્યા