ભવિષ્યપુરાણ : એક ભારતીય મહાપુરાણ. વર્તમાન ભવિષ્ય-પુરાણમાં 28,000 જેટલા શ્લોક છે. એનું આ નામ એટલા માટે પડ્યું કે એમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓનું વર્ણન છે. એમાં મુસલમાનો અને અંગ્રેજોનાં આક્રમણોનું વર્ણન મળે છે. વસ્તુત: છેક ઓગણીસમી સદી સુધી આ પુરાણમાં નવી નવી ઘટનાઓનું વર્ણન ઉમેરાતું રહ્યું છે; તેને લઈને આ પુરાણનું સંતુલન શિથિલ થઈ ગયું છે. આ પુરાણમાં પાંચ પર્વો છે : બ્રાહ્મ, વિષ્ણુ, શિવ, સૂર્ય અને પ્રતિસર્ગ. કેટલીક વિસંગતિઓ હોવા છતાં ઐતિહાસિક ર્દષ્ટિએ આ પુરાણ અગત્યનું છે. વસ્તુત: આ પુરાણ સૌર સંપ્રદાયના સંદર્ભમાં કેટલીક મહત્વની ઐતિહાસિક માહિતી આપે છે.

આમાં બ્રાહ્મ પર્વમાં આપેલી સૂર્યોપાસનાનું નિરૂપણ અને પ્રતિસર્ગ પર્વમાં વર્ણવાયેલ ધર્મસંપ્રદાયો અને ભારતના ઇતિહાસની ઉત્તરકાલીન ઘટનાઓ વિશેષ મહત્વ ધરાવે છે.

બ્રાહ્મ પર્વમાં મગ બ્રાહ્મણો શકદ્વીપ(ઈરાન)થી ભારતમાં આવ્યાનું વર્ણન થયું છે. શ્રીકૃષ્ણના પુત્ર સાંબને કુષ્ઠ રોગ થયો હતો. તેની ચિકિત્સા કરવા માટે ગરુડ શકદ્વીપથી મગ બ્રાહ્મણોને અહીં તેડી લાવ્યા. એમણે સૂર્યમંદિરમાં સૂર્યની ઉપાસના કરી કુષ્ઠ રોગ મટાડી દીધો. સૂર્યોપાસનાનું આની સાથે વિશેષ વર્ણન પણ થયું છે.

પ્રતિસર્ગ પર્વના પ્રથમ ત્રણ ખંડોમાં વિવસ્વાન(સૂર્ય)ના પુત્ર મનુ વૈવસ્વતથી આરંભીને કલિયુગ સુધીનો સંક્ષેપમાં અને ત્યારબાદ પાંડવો, કૌરવો અને યાદવોનો વૃત્તાંત, ઈ. સ. 1200 સુધીની કેટલીક મહત્વની ઐતિહાસિક ઘટનાઓ અપાઈ છે. આ પર્વના છેલ્લા ખંડમાં વિક્રમ, તોમર, પરિહારવંશીય રાજાઓ, સૂર્યમાહાત્મ્ય, માધવાચાર્ય, કૃષ્ણ-ચૈતન્ય, આનંદગિરિ, ગોરખનાથ, અઘોર સંપ્રદાય, રામાનુજ, નામદેવ, કબીર, નરસિંહ, નાનક, વિષ્ણુ-જગન્નાથનાં માહાત્મ્ય, તિમિર-લિંગ અર્થાત્ તૈમૂર લંગ અને નાદિરનાં વૃત્તાંતો, કલકત્તાનગરી, અષ્ટકૌશલ્ય (બ્રિટિશ પાર્લમેન્ટ), રાણી વિક્ટાવતી એટલે રાણી વિક્ટોરિયાનો અમલ અને કલ્કિનો વિજય નિરૂપાયેલાં છે.

‘ભવિષ્યપુરાણ’ આમ સૌરધર્મપ્રધાન પુરાણ છે. એમાં આપેલી કૃત્તિકાથી ભરણી અને અશ્વિનીથી રેવતી નક્ષત્રોની દ્વિવિધ ગણના-રચના સમય-નિર્ધારણ માટે વિચારણીય છે. ભવિષ્યપુરાણની રાજવંશાવળીઓ પુરાણોની રાજવંશાવળીઓની તુલના માટે તથા કલિયુગના ઐતિહાસિક રાજવીઓ અંગેનાં તથ્યોની તુલના અને અભ્યાસ માટે ઉપયોગી છે.

આ પુરાણના કર્મકાંડીય અંશો અગ્નિ, પદ્મ, શિવમહાપુરાણ, સ્કંદપુરાણ, શ્રૌત-ગૃહ્યસૂત્રો વગેરે સાથે સામ્ય ધરાવે છે. સૌરધર્મ-પ્રધાન હોવાથી બ્રાહ્મ, સામ્બ, પદ્મપુરાણ, મત્સ્યપુરાણ અને ભવિષ્યોત્તર પુરાણોના સૌરધર્મ સાથે તે તુલનીય છે. અન્ય પુરાણો અને મન્વાદિ સ્મૃતિઓનો શ્રાદ્ધધર્મ પણ આ પુરાણની શ્રાદ્ધ-ચર્ચામાં વિચારણીય છે. ભવિષ્યપુરાણનાં તિથિવ્રતો, તીર્થ-માહાત્મ્યો મત્સ્યાદિ અન્ય પુરાણોનાં તદ્વિષયક નિરૂપણ સાથે સરખાવવા જેવાં છે. મહાભારતનાં શાંતિપર્વ, અનુશાસનપર્વ, આશ્વમેધિક પર્વ, મત્સ્યપુરાણ, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, શુક્રનીતિ વગેરેના રાજધર્મ તેમજ વાસ્તુશિલ્પની ર્દષ્ટિએ દેવમંદિર-વાસ્તુ, મૂર્તિવિધાન વગેરે વિશેનાં નિરૂપણો મહત્વનાં છે.

ભવિષ્યપુરાણની વેદવિષયક ચર્ચા વેદમંત્રોનાં વિધાન અને ઉપબૃંહણ માટે ઉપકારક અને વિચારણીય છે. વેદાંગચર્ચા અને અર્થશાસ્ત્રીય વિષયો–તોલમાપ, અર્થવ્યવહાર, ચીજવસ્તુઓનાં મૂલ્ય વગેરે–ની એમાંથી મળતી માહિતી પણ ઉપયોગી છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા