ભવિષ્યવાદ (futurism) : ઇટાલીનાં કલા, સાહિત્ય અને સંગીતમાં આવાં ગાર્દ દ્વારા ચાલેલી આધુનિક ઝુંબેશ. એનો પુરસ્કર્તા ફિલિપ્પો તોમાઝો મારિનેત્તી છે. એણે પૅરિસથી પ્રસિદ્ધ થતા ‘લ ફિગારો’(22 ફેબ્રુઆરી, 1909)માં અતિશયોક્તિપૂર્ણ પયગંબરી ભયંકરતા સાથે ભવિષ્યવાદી ખરીતો પ્રગટ કર્યો હતો. કહે છે : ‘અમે જાહેર કરીએ છીએ કે જગતની ચમકદમકને અમે નવા સૌંદર્યે સમૃદ્ધ કરીશું – આ સૌંદર્ય ગતિનું હશે. સ્પર્ધામાં ઊતરેલી મોટરકાર, એનો શ્વાસવિસ્ફોટ – કરતા સર્પ જેવા મોટા પાઇપોથી શણગારેલો એનો દેહ, ઘોંઘાટ કરતી મોટરગાડી; અમે યુદ્ધનો મહિમા કરીશું. જગતને તંદુરસ્તી બક્ષનાર યુદ્ધનો, લશ્કરવાદનો, રાષ્ટ્રવાદનો, અરાજકતાવાદીની ઉચ્છેદક કલાનો, વિનાશ વેરતા વિચારોનો, નારીની અવહેલનાનો. તો પછી અગનગોળા જ સારા. બાળી નાખો ગંથ્રાલયો. વહાવો ઘોડાપૂર સંગ્રહાલયમાં. તરતાં કરી દો પ્રસિદ્ધ ચિત્રોને… અમારો પડકાર તો (આકાશના) તારાઓને પણ છે.’ આમ તો આ અવાજ મુસોલિનીનો લાગે, પણ મુસોલિનીનું નામ પણ હવામાં નહોતું ત્યારે નવા ચિત્રકારોનાં ધ્યેયોને આ મારિનેત્તીના ખરીતામાં વાચા મળી છે. એમાં ભવિષ્ય(એ પરથી જ ‘ભવિષ્યવાદ’ નામ મળ્યું છે)નો મહિમા, ભૂતકાળની અવમાનના અને ગતિશીલ વર્તમાનનું ગૌરવ છે. આ પછીના વર્ષે તુરિનમાં ભવિષ્યવાદી ચિત્રકારોએ મારિનેત્તીના વિચારોને પડઘાવતો બીજો ખરીતો બહાર પાડ્યો : ‘શાળાઓ અને સ્ટુડિયોમાં જે સત્ય પામ્યા તે અમારે માટે વર્જ્ય છે. અમારા હાથ મુક્ત અને શુદ્ધ છે. બધું જ નવેસરથી શરૂ. અમે જાહેર કરીએ છીએ કે નિતાન્ત આધુનિક સંવેદનથી શરૂઆત ન થઈ હોય એવું કોઈ આધુનિક ચિત્ર ન  હોઈ શકે.’ આ ખરીતા પર ચિત્રકારો – જાકોમો બાલ્લા, ઉમ્બરેતા બોચોની, કાર્લો ડી કારા, લૂઈજી રસોલો અને જીનો સેવેરિનીએ સહીઓ કરેલી.

એમણે ઘનવાદને ગતિહીન જાહેર કરી ભવિષ્યવાદ દ્વારા પ્ર-બલ રેખાઓનો પુરસ્કાર કર્યો, ગતિનો પુરસ્કાર કર્યો, આવૃત્તિનો પુરસ્કાર કર્યો; જેમાં એક કરતાં અનેક રૂપો એકબીજાં પર ગતિશીલ રીતે આરોપિત હોય. આવૃત્તિશીલ કૅમેરા (stroboscopic camera) દ્વારા લીધેલી બહુરૂપ આકૃતિઓની પેઠે આ ચિત્રકારોના કૅન્વાસો ગતિશીલતાથી ઊભર્યાં. અલબત્ત, એમાં સ્ટીમ-એન્જિન, સિગ્નલ-ટાવર્સ, પુલો, રસ્તા પરની લાઇટો, ભૂગર્ભ માર્ગો, વળાંક લેતા રસ્તાઓ જેવી અનેક ચિત્રગત સામગ્રી દાખલ થઈ. ગતિને, વીજળીક શક્તિને અને નવી સદીની યાંત્રિક ક્રિયાશીલતાને ર્દઢાવતો ભવિષ્યવાદ એના સમયની અભિવ્યક્તિ છે.

વિજ્ઞાનના વિકાસને કારણે ઊભી થયેલી યંત્રસંસ્કૃતિ અને મંત્રસંસ્કૃતિમાંથી ઊભાં થયેલાં મૂલ્યોનો કલાક્ષેત્રે એ પહેલો વિસ્ફોટ હતો. કાર્યક્ષેત્રે પણ એના પ્રભાવ હેઠળ જે પ્રયોગો થયા, એમાં વાક્યવિન્યાસભંગ અને લયભંગને ખાસ આવકાર મળ્યો. મુક્ત શબ્દના નામ પર વિરોધોનો પણ ભંગ કરાયો. મારિનેત્તી અને એની સાથે સંકળાયેલા સેત્તિમેલી, ચાર્લી ગોવોની વગેરે કવિઓએ એ રીતે દાદાવાદીઓ અને પરાવાસ્તવવાદીઓની જેમ પ્રતિકલાવાદી વલણ દર્શાવ્યું.

ભવિષ્યવાદનો પ્રભાવ રશિયન કવિતામાં સ્પષ્ટ દેખાય છે. વ્લાદિમિર માયકૉવ્સ્કીની ભૂગર્ભ પ્રવૃત્તિઓને કારણે એની ત્રણેક વાર ધરપકડ થઈ. જેલમાં ચિત્રકારકવિઓ સાથે રહી એણે પહેલો રશિયન ભવિષ્યવાદી સંચય ‘ધ ટ્રૅપ ફૉર જજિઝ’ (1910) પ્રગટ કર્યો. પહેલા વિશ્વયુદ્ધ વખતની માયકૉવ્સ્કીની, વેસિમિર ખ્લેબિનકોવ વગેરેની રચનાઓને ઘનભવિષ્યવાદ(cubo-futurism)ને અનુસરતી રચનાઓ કહેવામાં આવી. ઘનભવિષ્યવાદી રશિયન કવિતામાં વ્યાકરણના નિયમોના વિરોધ સાથે ઇન્દ્રિયસંવેદ્ય સામગ્રીનો વિનિયોગ થયો. એમાં અર્થતત્વને સ્થાને નાદતત્વને આગળ ધરવામાં આવ્યું. રશિયન કવિતાક્ષેત્રે માયકૉવ્સ્કી આમેય ક્રાંતિનો કવિ છે. એ ક્રાંતિને આવકારે છે અને ઇચ્છે છે કે ભવિષ્યવાદીઓ રાજ્યની નવી બૉલ્શેવિક કલાને ભૂમિકા પૂરી પાડે; પણ પછીથી સામ્યવાદી અધિકારીઓ સાથે સંઘર્ષમાં આવતાં ભવિષ્યવાદને ઓસરતો જોઈ શકાય છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા