ભવિષ્યનિધિ ધારો, 1952

January, 2001

ભવિષ્યનિધિ ધારો, 1952 : નિવૃત્તિને કારણે નિયમિત આવકનો મુખ્ય સ્રોત બંધ થવાથી કર્મચારી કે કામદાર માટે જે આર્થિક વિમાસણ ઊભી થાય છે તેને પહોંચી વળવાના હેતુથી સામાજિક સુરક્ષાના ભાગ તરીકે કરવામાં આવતી વચગાળાની જોગવાઈને લગતો ધારો.

વેતન મેળવનારાઓએ નિયત ઉંમરે નિવૃત્ત થવાનું હોય છે. નોકરીના સમય દરમિયાન એમને નિર્ધારિત આવક સતત મળતી રહે છે. તેવી નિયમિત આવક નિવૃત્તિ બાદ એમને મળતી નથી. આવક મળવાના સમયગાળા દરમિયાન વેતન મેળવનાર કર્મચારી કે કામદાર બચત કરે અને નિવૃત્તિકાળમાં તેનો ઉપયોગ કરે તો એ સમગ્ર જીવનકાળમાં એકસરખું જીવનધોરણ જાળવી શકે અને સ્વમાનથી જીવી શકે. એક બાજુ કલ્યાણરાજ્યની વિભાવના જોર પકડતી હોય અને બીજી બાજુ કુટુંબો વિભક્ત થતાં હોય ત્યારે નિવૃત્તિકાળમાં વેતન મેળવનારે આર્થિક સ્વાતંત્ર્ય જાળવવું વધારે જરૂરી થઈ પડે છે. વધતા જતા સરેરાશ આયુષ્યના પરિપ્રેક્ષ્યમાં આ જરૂરિયાત વધારે તીવ્ર થતી જાય છે. સ્વાતંત્ર્યપૂર્વે નિવૃત્તિના લાભો પૈકી પેન્શનના લાભ રેલવે અને સરકારી કારખાનાના કર્મચારીઓને અપાતા હતા. વળી ઘણા લાંબા સમય સુધી ભારતમાં ભવિષ્યનિધિની યોજના પણ દાખલ થઈ નહોતી. 1934માં રૉયલ કમિશન ઑન લેબરે કરેલ ભલામણો હેઠળ અંગ્રજ સરકારે આ બાબતમાં વિચારણા કરી હતી, પરંતુ પોતાના કર્મચારીઓ માટે તે વિચારણાનો અમલ કરવાનો સરકારે ઇનકાર કર્યો હતો. સ્વૈચ્છિક ભવિષ્યનિધિ શરૂ કરવા માટે 1925માં સૌથી પહેલી વાર ભારતમાં ખાનગી ક્ષેત્રમાં ભવિષ્યનિધિ ધારાની રચના કરવામાં આવી. તાતા ગૃહ અને ચેન્નઈ(મદ્રાસ)ની બકિંગહામ મિલ જેવા કેટલાક ઔદ્યોગિક એકમોએ આ ધારા હેઠળની ભવિષ્યનિધિ યોજના શરૂ કરી હતી. 1934 પછી અને 1948 સુધી જુદાં જુદાં વર્તુળોમાં ભવિષ્યનિધિ ધારો ઘડવા માટેની ચર્ચા ઊપડી હતી. 1948માં કેન્દ્રીય ધારાસભા સમક્ષ એક ખાનગી સભ્ય તરફથી ભવિષ્યનિધિ ધારો દાખલ કરવા માટેનો ખરડો રજૂ થયો ત્યારે તેના જવાબમાં સરકારે ખાતરી આપી કે તે અંગે પોતે જ ખરડો લાવશે. આ ખાતરીના પાલન અર્થે 15મી નવેમ્બર 1951ના રોજ કેન્દ્ર-સરકારે વટહુકમ દ્વારા ભવિષ્યનિધિ ધારો અમલમાં મૂક્યો. માર્ચ 1952માં સંસદે એને ધારાનું સ્વરૂપ આપતાં સંગઠિત ઉદ્યોગો તેમજ સેવાઓના અને સરકારના કર્મચારીઓ માટે ભવિષ્યનિધિ યોજના અમલમાં મુકાઈ. અસંગઠિત ઉદ્યોગોમાં તેમજ ખેતીવિષયક ક્ષેત્રે આ ધારાનો અમલ કરવાનો નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. ત્યારબાદ આ ધારામાં થોડા ફેરફારો થયા છે.

આ ધારા હેઠળ વેતનદારના વેતનમાંથી ન્યૂનતમ % અને કેટલાક કિસ્સામાં 10 % સુધીની રકમ ફરજિયાત રીતે કાપીને વેતનદારના ખાતામાં જમા લેવામાં આવે છે. વેતનની ગણતરીમાં મૂળ પગાર ઉપરાંત મોંઘવારીભથ્થાની વખતોવખત નક્કી થતી રકમ અને અન્ય ભથ્થાંઓ પૈકી જે ભથ્થાં અને તેની રકમ નક્કી કરવામાં આવે તે બધાંનો સમાવેશ થાય છે. આ ધારા હેઠળ નિમાયેલા સેન્ટ્રલ પ્રૉવિડન્ટ ફંડ કમિશનર વેતનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો તે વખતોવખત નક્કી કરે છે. વેતનદારના ફાળા જેટલી રકમ દર મહિને માલિક દ્વારા ઉમેરવામાં આવે છે અને તે સઘળી રકમ વેતનદારના ખાતામાં જમા થાય છે. માલિકે આપવાની ફાળાની રકમમાં ફેરફાર કરવાની સત્તા પ્રૉવિડંટ ફંડ કમિશનર પાસે છે; પરંતુ તે વેતનદારની ફાળાની રકમ કરતાં વધારે રકમ નક્કી કરી શકતા નથી. આ ભેગા થયેલા ભંડોળ પર વખતોવખત વ્યાજનો દર પ્રૉવિડંટ ફંડ કમિશનર નક્કી કરે તે દરે વેતનદારના ખાતામાં વ્યાજ જમા થાય છે. આ પ્રકારની ભવિષ્યનિધિ યોજના ‘ફાળા સહિતના ભવિષ્યનિધિ’ (Contributory Provident Fund : CPF) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના નિધિ હેઠળના વેતનદારોને પેન્શનનો નિવૃત્તિલાભ આપવામાં આવતો નથી. પેન્શનનો નિવૃત્તિલાભ લેનાર વેતનદારના ભવિષ્યનિધિમાં માત્ર વેતનદારનો જ ફાળો જમા થાય છે. નિવૃત્તિસમયે વ્યાજસહિત તે રકમ વેતનદારને ચૂકવવામાં આવે છે. ભવિષ્યનિધિ ધારામાં આ બંને પ્રકારના ભવિષ્યનિધિની છૂટ આપવામાં આવી છે. આ પ્રકારના ભવિષ્યનિધિ સામાન્ય ભવિષ્યનિધિ(General Provident Fund, GPF)થી ઓળખવામાં આવે છે. ભવિષ્યનિધિ ધારાની કલમ-6 (એ) હેઠળ કેન્દ્ર સરકારે 1971માં ફૅમિલી પેન્શન યોજના દાખલ કરી છે. આ યોજના હેઠળ પેન્શન ફંડની રચના કરવામાં આવી છે. આ ફંડમાં માલિકો, વેતનદારો અને સરકાર વખતોવખત નક્કી કરેલ રકમ ફાળા તરીકે આપે છે. ઉપરાંત, એમાં પણ વખતોવખત નિયત દરે વ્યાજની રકમ ઉમેરવામાં આવે છે. સામાન્ય ભવિષ્યનિધિના વેતનદાર સભ્યોને ફૅમિલી પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે. 1971 પહેલાં જેઓ ફાળા સહિતના ભવિષ્યનિધિના વેતનદાર સભ્યો હતા એમને સામાન્ય ભવિષ્યનિધિમાં જોડાવાનો વિકલ્પ પસંદ કરવાની તક વારંવાર આપવામાં આવી છે. 1971 પછીના નવા વેતનદારો માટે સામાન્ય ભવિષ્યનિધિમાં જોડાવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આમ, નિવૃત્તિ પ્રસંગે એકીસાથે મોટી રકમ વેતનદાર મેળવે તેને બદલે સમગ્ર નિવૃત્તિકાળ દરમિયાન વેતનની જેમ જ નક્કી કરેલી (જે કુલ વેતન કરતાં ઓછી હોય છે) રકમ નિયમિતપણે ચોક્કસ સમયાંતરે મળતી રહે તેવી વ્યવસ્થા થઈ છે.

ભવિષ્યનિધિમાં જમા થયેલી રકમને ભવિષ્યનિધિ ધારા દ્વારા પવિત્ર ભંડોળ ગણીને, એને બધી આસમાની સુલતાની સામે રક્ષણ આપવામાં આવ્યું છે. અપવાદરૂપ પરિસ્થિતિમાં જ સેવાકાળ દરમિયાન વેતનદાર આ ભંડોળમાંથી નક્કી કરેલી મહત્તમ રકમ સુધીનો ઉપાડ કરી શકે છે. એના પર અદાલતી કે અન્ય પ્રકારની જપ્તી લાવી શકાતી નથી. આ ભંડોળને ગીરો મૂકી એના પર વેતનદાર ઉછીનાં નાણાંનો કે અન્ય પ્રકારનો બોજો ઊભો કરી શકતો નથી. રકમ ભલે વેતનદારની હોય, છતાં ધારા હેઠળ એનો વહીવટ સ્વતંત્રપણે ‘સેન્ટ્રલ પ્રૉવિડંટ ફંડ કમિશનર’ના વડપણ હેઠળ કરવાનો હોય છે. આ નિધિમાં ભેગી થતી રકમનું રોકાણ ક્યાં અને કેટલું કરવું તેના નિયમો, ધારા હેઠળ મળેલી સત્તાની રૂએ કમિશનર તૈયાર કરે છે. આ બાબતમાં સત્તાસોંપણી કરતા ધારાએ સ્પષ્ટ આદેશાત્મક જોગવાઈ કરી છે કે સંપૂર્ણ સલામત એવી જામીનગીરીઓમાં નિધિના ભંડોળનું રોકાણ કરવાનું છે. વેતનદારે ફરજિયાત રીતે જણાવવાનું હોય છે કે નિવૃત્તિ પહેલાં જો એનું નિધન થાય તો નિધિમાંની રકમના વારસદાર કોણ બનશે.

વેતનદાર ઉપરાંતના અન્ય સામાન્ય નાગરિકો ભવિષ્યનિધિ જેવા લાભ મેળવી શકે તે માટે જાહેર ભવિષ્યનિધિ (Public Provident Fund : PPF) પણ અમલમાં છે. અલબત્ત, આ નિધિ ભવિષ્યનિધિ ધારા, 1952ના કાર્યક્ષેત્રમાં નહિ, પરંતુ 1968ના જાહેર ભવિષ્યનિધિ ધારા હેઠળ છે.

સૂર્યકાન્ત શાહ