ભરત : ઋષભદેવના પુત્ર અને જૈન પરંપરામાં ભરત ચક્રવર્તી અને વૈદિક પરંપરામાં જડભરત નામે ઓળખાતા રાજર્ષિ.
જૈન પરંપરા મુજબ યુગલિયાના પ્રાચીન કાળમાં જન્મેલા આ પ્રથમ ચક્રવર્તી જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ સુમંગલા હતું. ઋષભરાજાએ પોતાના મોટા પુત્ર ભરતને બોતેર કળાઓ શીખવી હતી અને યોગ્ય ઉંમર થતાં તેને રાજ્ય સોંપી પોતે દીક્ષા લીધી હતી. જે સમયે ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે જ સમયે ચમક અને શમક નામના બે પુરુષો ભરતરાજા પાસે આવ્યા. ચમકે ભરતરાજાને પ્રણામ કરીને ઋષભદેવને પુરિમતાલમાં શકટાનન ઉદ્યાનમાં કેવળજ્ઞાન થયાના સમાચાર આપ્યા અને ચમકે આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયાના સમાચાર આપ્યા. બંને સમાચાર એક જ સમયે સાંભળી ભરતરાજા દ્વિધામાં પડી ગયા; પણ યોગ્ય વિચારણા કર્યા બાદ, પ્રથમ પ્રભુની પૂજાની તૈયારી માટે તેમણે આજ્ઞા આપી, માતાજીને પણ ગજેન્દ્ર ઉપર આરૂઢ કરાવીને, શકટાનન ઉદ્યાન પહોંચી ગયા. ભરતરાજા પ્રભુની સ્તુતિ કરીને ઇન્દ્રની પાછળ જઈ બેઠા. તે સમયે ઋષભદેવે દેશનાનો આરંભ કર્યો. પ્રભુની વાણી સાંભળી પ્રભુને નમસ્કાર કરી, ભરતના પુત્ર ઋષભસેને ભરતના પાંચ સો પુત્રો અને સાત સો પૌત્રોની સાથે વ્રત ગ્રહણ કર્યું. ભરતે આજ્ઞા આપવાથી ઋષભદેવની પુત્રી બ્રાહ્મીએ પણ વ્રત ગ્રહણ કર્યું. ભરતે પ્રભુની સમીપે શ્રાવકપણું અંગીકાર કર્યું, કેમ કે ભોગાવલી કર્મ ભોગવ્યા સિવાય વ્રત પ્રાપ્ત થતું નથી.
આ પછી ચક્રવર્તી બનવાની મહત્વાકાંક્ષાથી ભરતરાજા હાથી ઉપર આરૂઢ થયા. હાથીઓ, અશ્વો તથા વિશાળ રથો અને સિંહ સમાન પાયદળથી શોભતા ભરત રાજાએ પ્રયાણ કર્યું. સૈન્યની આગળ ચક્રરત્ન ચાલતું હતું. ભરતરાજા બધી દિશાઓમાં વિજય મેળવીને ભય પ્રસરાવતા આગળ વધતા હતા. તેઓ ચોરાશી લાખ હસ્તી, ચોરાશી લાખ અશ્વ, ચોરાશી લાખ રથ અને છન્નુ કોટિ ગામડાંઓ તથા અડતાલીસ હજાર કિલ્લાબંધ શહેરોના અધિપતિ હતા. ભરતરાજાએ તેમના સેનાપતિ સુષેણને ચિંતામાં વ્યગ્ર થયેલો જોઈને, ચિંતાનું કારણ પૂછતાં, સુષેણે જણાવ્યું કે ચક્ર હજી નગરીમાં પ્રવેશ કરતું નથી. વધુમાં સુષેણે છ ખંડ ભરતક્ષેત્રને જીત્યા છતાં, ઋષભસ્વામીના જ પુત્ર અને ભરતના નાના ભાઈ બાહુબલિને જીતવાનો બાકી હોવાનું પણ જણાવ્યું. આથી ભરતરાજા દ્વિધામાં પડી ગયા; કારણ કે એક બાજુ ચક્રવર્તી થવાની મહત્વાકાંક્ષા અને બીજી બાજુ આજ્ઞા ન સ્વીકારતો પોતાનો જ નાનો ભાઈ હતો. છેવટે સુષેણની સલાહથી બાહુબલિ પાસે દૂતને મોકલ્યો, જેણે અયોધ્યા પાછા ફરી ભરતરાજાને જણાવ્યું કે બાહુબલિ યુદ્ધની ઇચ્છા ધરાવે છે. આથી ભરતરાજા સૈન્ય સાથે બહુલી દેશમાં તક્ષશિલા ગયા. લગભગ સાડા બાર વર્ષ યુદ્ધ ચાલ્યું જેમાં અનેક પ્રકારનો નરસંહાર તેમજ અન્ય જીવહિંસા થઈ. આ જાણી દેવતાઓએ બંને પક્ષના સૈનિકોને આ દારુણ અને હિંસાયુક્ત યુદ્ધ નિવારવા જણાવ્યું તથા બંને ભાઈઓને પણ આ માટે સમજાવ્યા. ભરતરાજાએ દેવતાઓનું કહેવું સ્વીકાર્યું. બાહુબલિએ વાર્તાલાપને અંતે દેવતાઓને જણાવ્યું કે ભરતરાજા જો યુદ્ધ નહિ કરે તો તે પણ કદાપિ યુદ્ધ નહિ કરે. જ્યારે બંને માન્યા નહિ ત્યારે, પ્રાણીઓ અને સૈન્યોનો સંહાર ન થાય તે હેતુથી, મધ્યમ માર્ગ બતાવતાં, દેવતાઓએ બંનેને દ્વંદ્વયુદ્ધ કરવા જણાવ્યું.
વાગ્યુદ્ધ તેમજ દંડયુદ્ધમાં ભરતરાજાએ પરાજય વહોર્યા પછી, બાહુબલિ પર ચક્ર ફેંક્યું. જે નિયમાનુસાર બાહુબલિની આસપાસ પ્રદક્ષિણા કરીને પાછું ભરતના હાથ પર બેઠું; કારણ કે એ ચક્ર સગાંઓને સંહારતું નહોતું. ત્યારબાદ, બાહુબલિએ સખત પ્રહારના હેતુથી, પોતાની ભયંકર મુષ્ટિ ઉગામી. ભરતરાજા નજીક આવતાં જ, બાહુબલિ અટક્યા અને ઉગામેલી મુષ્ટિ સ્થિર થઈ. તત્ક્ષણ શુભવિચારે ત્યાં ને ત્યાં પોતાના મસ્તક પરના કેશનો લોચ કરી, કાયોત્સર્ગમાં સ્થિર ર્દષ્ટિ કરી ઊભા રહ્યા. આ જ સમયે ભરતરાજાએ ક્રોધને ત્યજી દઈ, પિતાજીના સાચા માર્ગને અનુસરતા પોતાના નાના ભાઈને પ્રણામ કર્યા. એક વખત, સ્નાનસમયે, ભરત રાજાને ખબર ન પડે તેમ, આંગળીમાંથી વીંટી પડી ગઈ. સ્નાન કર્યા પછી, દર્પણમાં પોતાને નીરખતાં વીંટી પડવાના પ્રસંગે, પોતાનું શરીર આભૂષણો દ્વારા જ શોભે છે; બાકી તો શરીરની અંદર હોય છે વિષ્ટાદિક મળનો સંગ્રહ અને બહાર હોય છે મૂત્રાદિકનો મલિન પ્રવાહ. આવું સ્વત: વિચારતાં, વૈરાગ્યની ભાવનાપૂર્વક, પોતાના શરીર પરનાં બીજાં આભૂષણો ઉતારી નાંખ્યાં અને આ ભાવના ભાવતાં વિચારતાં વિચારતાં, શુક્લધ્યાનને પામેલા ભરતરાજાને ધાતીકર્મના ક્ષયથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ જાણીને ઇન્દ્રરાજાએ ભરતરાજા પાસે આવી તેમને દ્રવ્યલિંગ સ્વીકાર કરવા જણાવ્યું. ભરતે તે જ સમયે દીક્ષાના લક્ષણરૂપી ચાર મુષ્ટિ લોચ કર્યો, અને જ્યાં પંચમુષ્ટિ લોચ કરવા ગયા ત્યાં ઇંદ્રે આ લોચ ન કરવા વિનંતી કરી. આમ ચારમુષ્ટિ લોચ કર્યા પછી, ભરતરાજાએ દેવતાઓએ આપેલાં રજોહરણ વગેરે ઉપકરણો સ્વીકાર્યાં. ઇન્દ્રરાજાએ તેમને વંદન કર્યાં. ઋષભરાજાની જેમ જ ભરતમુનિ ગ્રામ, નગર, અરણ્ય, ગિરિ વગેરે સ્થળે વિહાર કરવા લાગ્યા. સર્વસ્થળે કેવળજ્ઞાની ભરતમુનિએ ધર્મદેશનાથી, ભવાટવીમાં ભમતાં પ્રાણીઓને પ્રતિબોધ પમાડતાં, લક્ષપૂર્વક વિહાર કર્યો. છેલ્લે, અષ્ટાપદ પર્વત ઉપર વિધિસહિત ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. એક માસને અંતે ચંદ્ર શ્રવણ નક્ષત્રનો હતો ત્યારે તેમને અનંત ચતુષ્ટક એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય સિદ્ધ થયાં. તે મહર્ષિ સિદ્ધક્ષેત્રને પ્રાપ્ત થયા. આમ, ચોર્યાશી લાખ પૂર્વ આયુષ્યને ભોગવી, ભરત મોક્ષપદને પામ્યા એવી માન્યતા જૈન ધર્મમાં છે.
વૈદિક પરંપરા પ્રમાણે તેઓ એક મહાન યોગી અને ગુણવાન રાજર્ષિ હતા. અજનાભ વર્ષના રાજા નાભિના પુત્ર ઋષભદેવની જયન્તી નામની પત્નીના સો પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર હતા. તેમની પત્નીનું નામ ‘પંચજની’ હતું અને તેમને પાંચ પુત્રો સુમતિ, રાષ્ટ્રભૃત્, સુદર્શન, આવરણ અને ધૂમકેતુ હતા.
પિતાએ રાજ્યભાર સોંપ્યા પછી ભરતે અનેક વર્ષો સુધી ધર્માનુસાર રાજ્ય કર્યું, મહાન યજ્ઞો કર્યા અને પ્રજાને સુખી કરી. અંતે તપ કરવા માટે તેઓ ગંડકી નદીના કિનારે આવેલા પુલહાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં સૂર્યમંત્રનો જપ કરતાં તપસ્યા કરતા હતા.
એક વાર એક ગર્ભવતી હરિણી જળ પીવાની ઇચ્છાથી ગંડકીના કિનારે આવી, પરંતુ સિંહગર્જના સાંભળતાં તે ભયભીત થઈને નાસવા લાગી અને તેનું ગર્ભસ્થ મૃગશિશુ જળમાં પડી ગયું. ભરતે કરુણાપૂર્ણ હૃદયે તે મૃગશિશુને જળની બહાર કાઢી સ્નેહથી તેનું પાલનપોષણ કર્યું; પરંતુ એમ કરતાં તેઓ હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયા અને દિવસ-રાત તેની ચિંતામાં રહેતાં ભરતને જપ-તપાદિનું વિસ્મરણ થઈ ગયું. મૃત્યુ-સમયે પણ તેમની આસક્તિ એ મૃગબાળમાં રહી ગઈ અને આથી બીજા જન્મમાં તેઓ મૃગ બન્યા.
મૃગયોનિમાં પણ તેમને પૂર્વજન્મનું પૂર્ણજ્ઞાન હતું. આથી પુલહાશ્રમમાં જ શાલવૃક્ષોની પવિત્ર છાયામાં મન પર કાબૂ રાખી મૃગશરીરમાં રહીને પણ તેઓ તપસ્યા કરવા લાગ્યા. અંતસમય નિકટ જણાતાં તેમણે ગંડકી નદીમાં કૂદીને પોતાના મૃગશરીરનો ત્યાગ કર્યો.
એ પછીનો જન્મ તેમણે અંગિરા કુલના સદગુણ બ્રાહ્મણની બીજી પત્નીની કૂખે લીધો. આ જન્મમાં પણ તેમને તેમના પૂર્વજન્મોનું જ્ઞાન હતું. આથી પુન: સંસારની માયાજાળમાં ન લપટી જવાય એ માટે તેમણે પ્રતિજ્ઞા કરી અને પોતે ક્યાંય ફસાય નહિ એ માટે જાણી જોઈને તેઓ મૂંગા, બહેરા કે અંધ હોય તેમ વર્તન કરવા લાગ્યા. તેમના આવા જડવત્ આચરણને કારણે તેઓ ‘જડભરત’ તરીકે ઓળખાવા લાગ્યા.
તેમનાં માતા-પિતાનું મૃત્યુ થયું. ભાઈઓએ તેમનો અભ્યાસ બંધ કરાવી દીધો, પરંતુ અંતરની જ્ઞાનદશા અને બહારની જડવત્ અવસ્થામાં કશો જ ફરક ન પડ્યો. એક વાર ખેતરોની રક્ષા કરતા હતા ત્યારે તેમને રાજદૂતોએ ‘બલિ’ માટે પકડી લીધા, પરંતુ ભદ્રકાલીના મંદિરમાં પ્રવેશતાં જ દેવીએ તેમની આંતરપ્રતિભાને જાણીને સ્વયં તેમનું રક્ષણ કર્યું અને રાજદૂતોનો નાશ કર્યો.
બીજો પ્રસંગ તેમના જ્ઞાનીપણાને જણાવે છે. સિંધુ-સૌવીર દેશના રાજા રહુગણ કપિલાશ્રમમાં બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ સાંભળવા માટે નીકળ્યા હતા. ઇક્ષુમતી નદીના તટ પર આવીને તેમણે સેવકોને પાલખી ઊંચકનારા 4 જણાને પાલખી લાવવા કહ્યું. એમાં જડભરતનો પણ સમાવેશ થતો હતો. બીજા ત્રણ જણ ઝડપથી ચાલતા હતા; પરંતુ જડભરત તેમના પગ તળે કીડીમંકોડા જેવા જીવો ચગદાઈ ન જાય તેનું ધ્યાન રાખતાં ખૂબ ધીમેથી ચાલતા હતા; આથી રાજા ગુસ્સે ભરાયો. રાજાએ કહ્યું : ‘તમે હૃષ્ટપુષ્ટ છો છતાં આટલું ધીમે કેમ ચાલો છો ?’ ભરતે જવાબ આપ્યો : ‘મજબૂતી શરીરની નહિ, આત્માની હોય છે અને મારો આત્મા હજુ એટલો પુષ્ટ થયો નથી.’ આ પ્રત્યુત્તરથી રાજાએ તેમને ‘તત્વજ્ઞાની’ તરીકે ઓળખી લીધા અને પાલખીમાંથી ઊતરી ભરતજી પાસેથી આત્મજ્ઞાન સંબંધી ઉપદેશ ગ્રહણ કરી મુક્તિ પ્રાપ્ત કરી.
ભાગવત અનુસાર ભરતનું ચરિત્ર અત્યંત સમર્થ અને અનુકરણીય હતું.
ઈન્દુભાઈ દોશી
પારુલ માંકડ