ભરત (રઘુવંશી) : રામાયણનું પ્રસિદ્ધ પાત્ર. ભરત અયોધ્યાના રાજા દશરથ તથા તેમની કનિષ્ઠ રાણી કૈકેયીનો પુત્ર તથા રામનો લઘુ-બંધુ હતો. વિશ્વામિત્રની ઉપસ્થિતિમાં, રામનાં લગ્ન મિથિલાધિપ જનકની પુત્રી સીતા સાથે થયાં, ત્યારે ભરતનાં લગ્ન પણ જનકના ભાઈ કુશધ્વજની પુત્રી માંડવી સાથે થયાં હતાં. ત્યારપછી તુરત જ તે મામા યુધાજિત સાથે કેકય દેશમાં મોસાળે ગયો હતો.
આ દરમિયાન, વૃદ્ધાવસ્થાને કારણે દશરથે રામને રાજ્યના યુવરાજપદે સ્થાપવાનો નિર્ણય કર્યો, પરંતુ અન્યથા સરલ સ્વભાવવાળી છતાં દાસી મંથરાની ચઢવણીથી, કૈકેયીએ, પહેલાં દશરથને પ્રતિજ્ઞાથી બાંધી લઈને, પતિ તરફથી અગાઉ મળેલાં બે વરદાનો પૈકી એકથી રામને ચૌદ વર્ષનો વનવાસ અને બીજાથી ભરતને માટે યુવરાજપદ માગી લીધાં. સીતા અને લક્ષ્મણ સાથે રામ વનમાં ગયા પછી, દુ:ખ-વ્યાકુળ દશરથનું મૃત્યુ થયું. મોસાળથી પાછો બોલાવાયેલો ઋજુ પ્રકૃતિવાળો ધર્મનિષ્ઠ અને રામભક્ત ભરત આ સર્વ સમાચારોથી અત્યંત વ્યથિત થયો; માતાના નિન્દ્ય વ્યવહાર માટે તેની નિર્ભર્ત્સના કરી, રાજ્યગ્રહણ માટેના કુલગુરુ વસિષ્ઠના આદેશનો સવિનય અસ્વીકાર કર્યો અને રામને પાછા બોલાવવા માટે, વસિષ્ઠાદિ ગુરુજનો તથા સૈન્ય સાથે અરણ્યમાં ગયો. અયોધ્યાનાં નગરજનોએ આવા વિરલ આભિજાત્ય માટે ઉદારચરિત ભરતને હાર્દિક અભિનંદનો સહિત સમુચિત પ્રશસ્તિ-અંજલિ આપી. માર્ગમાં ગુહની સૂચના પ્રમાણે ભાગીરથી ઓળંગીને, ભરદ્વાજ-ઋષિના માર્ગદર્શન અનુસાર ચિત્રકૂટ-પર્વતે પહોંચીને રામને મળ્યો, માતાનાં અણછાજતાં વાણી-વર્તન માટે રુદનથી રૂંધાતા ગદગદ-કંઠે ક્ષમા પ્રાર્થી અને રાજ્યનો સ્વાધિકાર સ્વીકારીને અયોધ્યા પાછા આવવા તેણે રામને વિજ્ઞપ્તિ કરી. આગ્રહભરી અનેક વિનંતીઓ છતાં, પિતાની આજ્ઞાના પાલન માટે રામ ર્દઢસંકલ્પ રહ્યા ત્યારે, અસહાય ભરત, રામનાં પ્રતિનિધિ-પ્રતીકો તરીકે તેમની પાદુકાઓ અને વનવાસ-અવધિ સમાપ્ત થતાં અયોધ્યાનું રાજ્યપદ સંભાળી લેવાનું અસંદિગ્ધ વચન – એ બંને રામ પાસેથી મેળવીને પાછો ફર્યો અને અયોધ્યા નગરની બહાર, સરયૂ-તીરે, નંદિગ્રામમાં તેણે આશ્રમજીવન અપનાવ્યું અને સીતા-લક્ષ્મણ સાથે રામ વનમાંથી પાછા આવ્યા ત્યારે, તેણે રામને સાનંદ રાજ્યાધિકાર પાછો સોંપ્યો.
અનેક વર્ષો પછી, અંતે, રામના નિજધામ-ગમન સાથે તે પણ સ્વર્લોકે સંચર્યો.
જયાનંદ દવે