ભરત : રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર. સોમ વંશમાં જન્મેલ આર્યોની પુરુ ટોળીનો રાજકુમાર. કાલિદાસે સંસ્કૃતમાં ‘અભિજ્ઞાન શાકુંતલ’ નામે નાટક લખીને તેને અમર બનાવ્યો છે. દુષ્યંત અયોધ્યાના રાજા સગરનો વંશજ હતો. ભરત દમન કે સર્વદમન તરીકે પણ ઓળખાતો હતો. તેણે ઉત્તર ભારતમાં ગંગા નદીથી સરસ્વતી નદી સુધીના પ્રદેશો જીતી લીધા. આમ રાજ્યવિસ્તાર કરીને તે સમ્રાટ બન્યો હતો. તે એક મહાન વિજેતા હતો. તેણે ગંગા, યમુના તથા સરસ્વતી નદીઓના કિનારે રાજસૂય, અશ્વમેધ આદિ સેંકડો યજ્ઞો કર્યા હતા. કેટલાક વિદ્વાનોના મતે આ ભરતના નામ પરથી ‘ભારતવર્ષ’ નામ આવ્યું છે. ભરતને તેના પુત્રોથી અસંતોષ હોવાથી તેણે તેમને મારી નાંખ્યા. અને મરુતોને પ્રસન્ન કરીને બૃહસ્પતિના ભારદ્વાજને દત્તક લીધો. ભારદ્વાજનો પુત્ર વિતથ ભરતનો ગાદીવારસ બન્યો હતો.

જયકુમાર ર. શુક્લ