ભરતેશ્વરવૈભવ

January, 2001

ભરતેશ્વરવૈભવ (સોળમી સદી) : કન્નડ કૃતિ. સોળમી શતાબ્દીના અંતમાં જૈન કવિ રત્નાકરવર્ણીએ રચેલી કાવ્યકૃતિ. 18 સર્ગોમાં  રચાયેલી એ બૃહદ મહાકાય રચના છે. એમાં 2,000 જેટલાં કાવ્યો છે. કાવ્યનું શીર્ષક દર્શાવે છે, તે પ્રમાણે એ પ્રથમ તીર્થંકરના પુત્ર ભરતેશ્વરના જીવન પર આધારિત છે. પૂર્ણ જાહોજલાલી તથા સર્વ પ્રકારની સમૃદ્ધિમાં ઊછર્યા હોવા છતાં, એમને ભૌતિક જીવનની માયા સ્પર્શેલી નહિ અને એમનું વલણ વૈરાગ્ય અને આધ્યાત્મિકતા તરફ હતું. આમ છતાં ભરતેશ્વર ભૌતિકતા તથા આધ્યાત્મિકતાનો સમન્વય સાધે છે અને કહે છે કે ભૌતિક વૈભવના વાતાવરણમાં રહેવા છતાં, એની માયાથી અલિપ્ત રહેવામાં જ સાચી શ્રેયની સાધના છે. સંસારમાં રહેવા છતાં, સંસારનું વળગણ નહિ એ એમનો જીવનસિદ્ધાંત હતો.

ભરતેશ્વર વિશે પ્રચલિત કથાનકમાં ભરત યુદ્ધો કરે છે અને નરસંહાર કરીને પ્રદેશો જીતે છે, તેને બદલે કવિએ યુદ્ધને ટાળ્યું છે. ભાઈની સામે લડવા કરતાં, એ ભાઈને અહિંસાનું મહત્વ અને ભૌતિક સુખની પોકળતા સમજાવવામાં સફળ થાય છે અને ભાઈ બાહુબલિને આધ્યાત્મિક વૈભવનું દર્શન કરાવે છે. આમાં કથાનક પાંખું છે, પણ કવિએ રાજવૈભવનું ચિત્તાકર્ષક, તાર્દશ વર્ણન કર્યું છે. કાવ્યના નાયકનું બાહ્ય વિશ્વ અને આંતરજગતનું ચિત્રણ કવિની પ્રતિભાનો પરિચય કરાવે છે. ભરતના ભિન્ન ભિન્ન પ્રકારના માનવસંબંધો અને રાજ્યશ્રીનું સુપેરે વર્ણન કરાયું છે. ભરતને આદર્શ રાજા તરીકે દર્શાવી, માનવી આધ્યાત્મિકતાનાં સોપાનો એક પછી એક શી રીતે ચઢતો જાય છે, તે દર્શાવ્યું છે.

આ કૃતિમાં ભરતેશ્વરનો ક્રમિક વિકાસ અને ઉત્તરોત્તર ઊર્ધ્વગમન દર્શાવવાનો આશય હોવાથી, ભરતેશ્વરના પૂર્વજીવનની કવિએ કાલ્પનિક વિગતો આપી છે, એમાં જ એમની કવિત્વશક્તિનો વૈભવ ર્દષ્ટિએ પડે છે. એમાંનાં વર્ણનો ચિત્તહારી છે.

આ કૃતિનું કન્નડ સાહિત્યની શ્રેષ્ઠ રચનાઓમાં આગવું સ્થાન છે.

ચન્દ્રકાન્ત મહેતા