ભરતેશ્વરબાહુબલિરાસ

January, 2001

ભરતેશ્વરબાહુબલિરાસ : જૈન કવિ શાલિભદ્રસૂરિની ઈ. સ. 1185માં રચાયેલી રાસકૃતિ. તે પ્રાચીન ગૂર્જર ભાષાના પ્રારંભિક તબક્કાની કૃતિ લેખે મહત્વની છે. દુહા, ચોપાઈ, રોળા, સોરઠા વગેરે છંદોની દેશીઓની બનેલી આ રચના 14 ઠવણી(સં. स्थपनिका = સ્થાપના = ખંડ)ની 203 કડીઓમાં વહેંચાયેલી છે. ભિન્ન ભિન્ન ગેય દેશીઓમાં વચ્ચે વસ્તુ છંદ(કડી 16-17, 77-78, 95, 104, 118-19)નો પ્રયોગ પણ કવિએ કર્યો છે. ઋષભદેવના બે પુત્રો ચક્રવર્તીપદેચ્છુ ભરત અને યથા નામગુણ બાહુબલિ વચ્ચે ખેલાયેલું વિખ્યાત યુદ્ધ અને બાહુબલિનાં વૈરાગ્ય, તપ અને કેવળજ્ઞાનપ્રાપ્તિ આ રસાત્મક કથાકાવ્યનો મુખ્ય વિષય છે. કૃતિનો મુખ્ય રસ વીર છે, પરંતુ એની પરાકાષ્ઠા ઉપશમ-શાંતરસમાં આવે છે. ભરતની વિજયયાત્રા, બાહુબલિનો વૈરાગ્ય, ભરતનો દૂત બાહુબલિના નગર ભણી જવા નીકળે છે તે સમયે થતા અમંગળની આગાહી આપતાં ચિહ્નોના દર્શનનું અને બાહુબલિ તથા તેના નગરનું વર્ણન, બાહુબલિ અને ભરતના દૂત વચ્ચેનો સંવાદ, ભરતની સેનાનું શબ્દચિત્ર અને 11મીથી 13મી ઠવણીમાંનું જુગુપ્સાની અનુભૂતિ કરાવતું યુદ્ધવર્ણન આ કૃતિનાં આકર્ષણસ્થાનો છે. અહીં યુદ્ધકથાની રમ્યતાના દર્શનનો  જ આનંદ નથી, પરંતુ યુદ્ધાન્તે થતી તેની વિફળતાની પ્રતીતિનું અને જૈન ધર્માનુસાર દીક્ષાભિમુખ બનવાની મહત્તાનું જે સબળ આલેખન છે તેનોયે આનંદ છે. એ રીતે યુદ્ધની રમ્યતા અંતતોગત્વા માનવીની ઊર્ધ્વ ગતિની રમ્યતામાં પરિણમે છે તે આકર્ષક છે. યુદ્ધનો નહિ, પરંતુ શાંતિનો, બંધુત્વનો, અહિંસા અને પ્રેમનો સંદેશ કવિએ અહીં સ્પર્શક્ષમ રીતે આલેખ્યો છે. આ ઉપરાંત બાર વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં વપરાયેલાં વૈવિધ્યપૂર્ણ આયુધોની નામાવલિ કવિની તે વિષયની ઝીણી જાણકારીનો પરિચય કરાવે છે. બાર વર્ષ દરમિયાન કોનું કયા યોદ્ધા સાથે કેવું અને કેટલો સમય યુદ્ધ ચાલ્યું–ખેલાયું એનો સમયસાપેક્ષ ચિત્રાત્મક અહેવાલ પણ કવિની સર્જનશક્તિનો દ્યોતક છે.

સ્થૂલિભદ્ર-કોશા અને નેમ-રાજુલની જેમ જૈન પરંપરામાં ભરત-બાહુબલિની કથા પ્રચલિત છે. એ કથાને કેન્દ્ર કરતી સંખ્યાબંધ રચનાઓ મધ્યકાળમાં અનેક કવિઓએ રચી છે; જેમ કે, વિનયદેવસૂરિકૃત ‘ભરતચક્રવર્તીરાસ’, ઋષભદાસ અને જિનસાધુસૂરિકૃત ‘ભરતબાહુબલિરાસ’, અજ્ઞાત કવિકૃત ‘ભરતેશ્વર–ચક્રવર્તીફાગ’ વગેરે.

વજ્રસેનસૂરિકૃત ‘ભરતેશ્વરબાહુબલિઘોર’ (રચના ઈ.સ. 1170 સુધીમાં) ભરત-બાહુબલિની કથાને કેન્દ્ર કરતી પહેલી રાસકૃતિ છે. વળી, એની ભાષા ‘ભરતેશ્વરબાહુબલિરાસ’ કરતાં જૂની પણ છે; પરંતુ કાવ્યત્વની ર્દષ્ટિએ ‘ભરતેશ્વરબાહુબલિરાસ’ ઉત્તમ રચના છે.

કીર્તિદા શાહ