ભરથરી (1880) : કવિ વાઘજીભાઈ આશારામ ઓઝા રચિત પાંચ-અંકી પૌરાણિક નાટક. એમણે આ નાટક સૌપ્રથમ શ્રી મોરબી આર્યસુબોધ નાટકમંડળીમાં રચ્યાસાલ 1880માં જ ભજવ્યું હતું. નાટકમાં કવિએ લાગણીસભર ભાષા અને સંવાદોનો ઉપયોગ કર્યો છે. શૃંગાર, હાસ્ય અને કરુણરસથી ભરપૂર આ નાટકનાં કથાવસ્તુ અને હાર્દે એ જમાનાના જનમાનસ પર ખૂબ અસર કરી હતી. જનમનરંજન સાથે નીતિ-વિષયક ઉદબોધન કરવાના ઉચ્ચ આદર્શને કવિએ પૂર્ણપણે ધ્યાનમાં રાખ્યો છે. શ્રી મોરબી આર્યસુબોધ નાટક મંડળીએ 1883માં આ નાટકને સૌપ્રથમ છપાવી પ્રસિદ્ધ કર્યું હતું.

સૂત્રધાર અને નટીના મંગલાચરણ બાદ નાટકના મૂળવસ્તુનો પ્રારંભ થાય છે. માલવનરેશ ભર્તૃહરિને પોતાની રાણી પિંગળા તરફ અનહદ પ્રેમ છે. પિંગળાના પ્રેમમાં ગળાડૂબ રાજા રાજકાજ પોતાના નાના ભાઈ વિક્રમાદિત્યને સોંપે છે. શાન્તિરામ નામે દરિદ્ર બ્રાહ્મણ તપ દ્વારા ઋષિ પાસેથી અમરફળ મેળવી ધનપ્રાપ્તિ માટે રાજાને આપે છે. રાજા અમરફળ પિંગળાને આપે છે. પિંગળા તે ફળ અશ્વપાલને આપે છે, અશ્વપાલ ગણિકા કલાવંતીને અને કલાવંતી પાછું તે ફળ રાજાને આપે છે. આ ઘટનાથી રાજાને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે છે. મત્સ્યેન્દ્રનાથની આજ્ઞાથી ભર્તૃહરિ ભગવાન શંકરની સાધનામાં લાગી જાય છે.

કલંકિત કહેવાતી નાયિકાના પાત્રવાળા આ નાટકની લેખન-શૈલી પર એ જમાનાની મહારાષ્ટ્રીય નાટકમંડળીઓની આખ્યાનશૈલીની અસર છે. એમાં જુદા જુદા અંક જેવું વિધાન નથી. કેવળ સળંગ એક પછી બીજો એમ 27 પ્રવેશો છે. મૂળજીભાઈ આ નાટકમાં ભર્તૃહરિનો પાઠ ખૂબ સુંદર રીતે કરતા. નાટકના છેલ્લા ર્દશ્યમાં ‘ભિક્ષા દે ને મૈયા પિંગળા’ – અને ‘ભેખ રે ઉતારો રાજા ભરથરી’ – એ ગાયનો જ્યારે ગવાતાં ત્યારે પ્રેક્ષકગૃહમાં ડૂસકાંનો અવાજ સંભળાતો. 1883 સુધીમાં આ નાટક સો – સવા સો વાર ભજવાઈ ચૂક્યું હતું. આ નાટક ઘણી કંપનીઓએ અનેક વાર ભજવ્યું છે. આ નાટકની અસરથી મુંબઈમાં ચાર-પાંચ ગૃહસ્થોને વૈરાગ્ય આવતાં તેઓ સાધુ થઈ ગયા હતા એવું કહેવાય છે.

દિનકર ભોજક