ભદ્ર : ગુજરાતનાં મંદિરોમાં ગર્ભગૃહની રચના અને તેના ઊર્ધ્વમાન પરત્વે વૈવિધ્ય આણવા અને મંદિરની દીવાલને મજબૂતાઈ આપવા માટે તેના બહારના ભાગમાં ત્રણે બાજુએ, મધ્યમાં કરવામાં આવતી નિર્ગમિત રચના.

આ રચનાથી ગર્ભગૃહના નકશામાં તારાકૃતિ રચાય છે. ઊર્ધ્વદર્શનમાં ગર્ભગૃહની બહારની દીવાલમાં છેક નીચે જંઘા, તેની ઉપર મંડોવર અને મહામંદિરોમાં છેક શિખરના તળિયા(પાયચા)થી ટોચ સુધી ભદ્રની રચના વિસ્તારેલી જોવામાં આવે છે. ભદ્રની લંબાઈના પ્રમાણમાં અન્ય નિર્ગમોની લંબાઈ રખાય છે. સાધારણ રીતે ગર્ભગૃહની દીવાલની બહારની લંબાઈના આઠ ભાગ કરીને મધ્યમાંનો ભદ્ર ચાર ભાગનો રખાય છે તેથી ભદ્રની લંબાઈ મૂળસૂત્ર કરતાં અડધા ભાગની બને છે.

જંઘા અને મંડોવરના ભદ્રની મધ્યમાં કરવામાં આવતા સુશોભનાત્મક ગવાક્ષોને ‘ભદ્રગવાક્ષ’ કહેવામાં આવે છે. શિખરના પાયચા પાસે કરાતા ગવાક્ષને ‘રથિકા’ કહેવામાં આવે છે. તેની ઉપર શિખરના ભદ્ર-નિર્ગમોને ઉર:શૃંગનું સ્વરૂપ અપાય છે. ભદ્રગવાક્ષો અને રથિકાઓમાં મુખ્યત્વે દેવતાઓનાં શિલ્પો મૂકવામાં આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ