ભદોહી : ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 25´ ઉ. અ. અને 82° 84´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,080 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જૌનપુર, પૂર્વમાં વારાણસી, દક્ષિણમાં મીરઝાપુર અને પશ્ચિમમાં અલ્લાહાબાદ જિલ્લા આવેલા છે.

ભદોહી જિલ્લો (ઉ.પ્ર.)

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ કાંપનાં મેદાનોથી બનેલું છે. મેદાનોનો સામાન્ય ઢોળાવ પૂર્વ અને અગ્નિતરફી છે. જિલ્લાનું સ્થળર્દશ્ય રાજ્યના અન્ય સપાટ વિસ્તારોને સમકક્ષ છે. મીરઝાપુર જિલ્લાને અલગ પાડતી ગંગા નદી આ જિલ્લાની દક્ષિણ સરહદ પર થઈને વહે છે. ગંગાની સહાયક નદી વરુણા આ જિલ્લામાં થઈને પસાર થાય છે.

ખેતી-પશુપાલન : આ જિલ્લાનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે. જિલ્લાની મોટાભાગની વસ્તી ખેતીના વ્યવસાયમાં રોકાયેલી છે. જિલ્લાની કુલ ભૂમિનો આશરે 85 % ભાગ ખેતી હેઠળ છે, તે પૈકીની 50 % જમીનને સિંચાઈનો લાભ મળે છે. ખરીફ અને રવી બંને જાતના પાક અહીં લેવાય છે. ડાંગર અને ઘઉં અહીંના મુખ્ય કૃષિપાકો છે. તે ઉપરાંત શેરડી, શણ, તુવેર અને ચણા પણ થાય છે. ખેડૂતો ખેતી ઉપરાંત આવકવૃદ્ધિ માટે પશુપાલન પણ કરે છે. ગાયો, ભેંસો, બળદ, ઘેટાં-બકરાં અહીંનું મુખ્ય પશુધન છે. જિલ્લામાં પશુ-સંવર્ધન તેમજ ઓલાદ સુધારવા માટે પશુ-દવાખાનાં, ચિકિત્સાલયો તથા કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રોની સેવા ઉપલબ્ધ છે. આ ઉપરાંત મરઘાંપાલન પણ થાય છે.

ઉદ્યોગો-વેપાર : દેશને સારા પ્રમાણમાં હૂંડિયામણ કમાવી આપતો હાથવણાટની જાજમો અને શેતરંજીઓનો વ્યવસાય ભદોહી, ગ્યાનપુર અને ગોપીગંજ ખાતે ચાલે છે. આ ઉદ્યોગે અહીંના લોકોને ખૂબ સમૃદ્ધ બનાવ્યા છે. આ ઉપરાંત અહીંના રેશમ-વણાટઉદ્યોગને પણ દેશમાં સારું બજાર મળી રહે છે. વળી તેની પરદેશ ખાતે પણ નિકાસ થાય છે. જિલ્લાનાં બધાં જ નગરોમાં જાજમો, શેતરંજીઓ અને કામળાની બનાવટનું કામકાજ પુરજોશમાં ચાલે છે. અહીંથી તે બનાવટોની તેમજ ચોખાની નિકાસ તથા ખાદ્યાન્ન, કાપડ, દવાઓ, રંગો અને રસાયણોની આયાત થાય છે.

પરિવહન : જિલ્લામાં રેલમાર્ગો અને સડકમાર્ગોની સગવડ સારા પ્રમાણમાં છે. જિલ્લાનાં નગરો વારાણસી, અલ્લાહાબાદ સાથે સંકળાયેલાં છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2 આ જિલ્લામાં થઈને પસાર થાય છે. જિલ્લાનાં બધાં જ તાલુકા-મથકો, સમાજ-વિકાસ-ઘટક- મથકો તેમજ અન્ય નગરો રસ્તાઓથી સંકળાયેલાં છે. રાજ્ય-પરિવહન નિગમની બસો આ માર્ગો પર નિયમિત રીતે અવરજવર કરતી રહે છે.

જિલ્લામાં વિશેષ મહત્વ ધરાવતાં કોઈ પ્રવાસસ્થળો નથી, પરંતુ વારાણસી નજીકમાં જ આવેલું હોવાથી આ જિલ્લામાં થઈને પસાર થતા રહેતા અસંખ્ય યાત્રાળુઓનો ધસારો બારેમાસ ચાલુ રહે છે. નદીકિનારે આવેલાં મંદિરોમાંથી તેમજ કેસરતિલક કરેલા સંખ્યાબંધ બ્રાહ્મણોથી અહીંની હવામાં મહેક પ્રસરેલી રહે છે. જુદા જુદા મેળા વારતહેવારે અહીં ભરાતા રહે છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 10,77,633 છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 9,38,395 અને 1,39,238 જેટલું છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીંનાં ભદોહી, ઘોસિયાબજાર, ગોપીગંજ, ગ્યાનપુર, ખમારિયા, નઈબજાર અને સૂર્યવન નગરોમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા-શિક્ષણની વ્યવસ્થા છે. આ ઉપરાંત ગ્યાનપુરમાં જાહેર પુસ્તકાલય તથા કૉલેજ-શિક્ષણની સગવડ છે.

ઉપર્યુક્ત સ્થળોમાં હૉસ્પિટલો, ચિકિત્સાલયો અને પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રોની સુવિધા પણ છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને બે તાલુકા (ભદોહી અને ગ્યાનપુર) તથા પાંચ સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીંનાં બધાં જ નગરો એક લાખથી ઓછી વસ્તીવાળાં છે. જિલ્લામાં 7 નગરો, 1,223 (163 વસ્તીવિહીન) ગામડાં તથા 77 ન્યાયપંચાયતો છે.

ઇતિહાસ : 1996માં વારાણસી જિલ્લાનું વિભાજન કરીને, આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. તેનો ઇતિહાસ વારાણસી જિલ્લા સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા