ભદ્રાક (ભદ્રાક્ષ, ભદ્રાખ)

January, 2001

ભદ્રાક (ભદ્રાક્ષ, ભદ્રાખ) : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં દરિયાઇ-કિનારા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 21° 03´ ઉ. અ. અને 86° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2,788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાલેશ્વર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, દક્ષિણે કેન્દ્રપાડા અને જાજપુર જિલ્લાઓ, નૈર્ઋત્યમાં જાજપુર જિલ્લો, પશ્ચિમે જાજપુર તેમજ વાયવ્યમાં કેન્દુઝારગઢ (જૂનું કિયોન્જાર) જિલ્લો આવેલા છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો બે સ્પષ્ટ કુદરતી વિભાગોમાં વહેંચાયેલો છે : (1) દરિયાકિનારા પરની ભૂમિપટ્ટી : કિનારા પરના રેતાળ કંઠારપટનો સાંકડો ભૂમિભાગ સ્થાનભેદે 3થી 10 કિમી.ની પહોળાઈમાં વિસ્તરેલો છે. અહીં જુદી જુદી જગાએ 10થી 15 મીટર ઊંચાઈ ધરાવતાં કાંટાળાં ઝાંખરાં સહિતના રેતીના ઢૂવા તેમજ ડુંગરધારો જેવા ટેકરાઓ આવેલા છે; નજીકમાં ખારો પટ પણ છે.  અહીં ધીમા પ્રવાહવાળાં ખારાશવાળાં પાણીનાં મોજાં પસાર થાય છે. આ વિભાગ ખેતી માટે તો અનુકૂળ નથી, પરંતુ મીઠું મેળવવા માટે તે ઉપયોગમાં લેવાય છે. તાજેતરનાં વર્ષોમાં ડાંગરની છૂટીછવાઈ ખેતી શરૂ કરવામાં આવેલી છે. ડુંગરધારો પર થોડાઘણા આવાસો પણ બન્યા છે. દરિયાઈ પટ્ટી પર તેમજ અંદર તરફના નજીકના કેટલાક ભાગોમાં કેસ્યુરિના, નાળિયેરી, તાડ અને સોપારીનાં ઝુંડ પણ ઉગાડવામાં આવ્યાં છે. (2) ત્રિકોણપ્રદેશીય કાંપનું મેદાન : આ પ્રદેશ ફળદ્રૂપ મેદાનોથી બનેલો છે. તે જિલ્લાનો મોટો ભાગ આવરી લે છે. અહીં ડાંગરની ખેતી થાય છે અને આખોય પ્રદેશ વસ્તીવાળો છે. આ મેદાની વિભાગમાં ક્યાંક ક્યાંક ખાડાઓ જોવા મળે છે, કેટલાક ખાડાઓ નદીજન્ય કાંપની પૂરણીથી ભરાયેલા પણ છે.

ભદ્રાક (ભદ્રાક્ષ, ભદ્રાખ) જિલ્લો

જળપરિવાહ : જિલ્લાની દક્ષિણ સરહદ આંકતી વૈતરણી આ પ્રદેશની મુખ્ય નદી છે. સાલંદી, ગેંગતી અને મન્તેલ તેની શાખાનદીઓ છે. આ ચાર નદીઓ તેમજ અસંખ્ય નાનાં નદીનાળાંથી આ જિલ્લાનું ભૂમિતળ છવાયેલું છે. વરસાદની મોસમમાં આ નદીઓમાં પૂર આવે છે, જ્યારે પૂર્વ તરફનો બધો જ ભાગ બંગાળના ઉપસાગરથી ઘેરાયેલો હોય છે.

ખેતી-પશુપાલન : ડાંગર, મગ, અડદ અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ડાંગરના (શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ) ત્રણ પાક અહીં લેવાય છે. જિલ્લામથક ભદ્રક ખાતે 16.72 એકર જેટલા વિશાળ કદનું એક ખેતર વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બાગાયતી ખેતી પણ થાય છે. અહીં ખેતી મુખ્યત્વે તો વરસાદ પર આધારિત છે, પરંતુ ડાંગરના પાકો સિંચાઈથી લેવાય છે. ખેડૂતો ગાયો, ભેંસો અને બકરાં પાળે છે. મરઘાંપાલન અને મત્સ્યપ્રવૃત્તિ પણ થાય છે. પશુસંવર્ધન માટે અહીં પશુ દવાખાનાં તથા કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો વિકસાવવામાં આવ્યાં છે. સમાજવિકાસ ઘટકો દ્વારા ઢોરોને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે. ભદ્રક ખાતે એક મત્સ્યકેન્દ્ર પણ સ્થાપવામાં આવ્યું છે.

ઉદ્યોગો-વેપાર : જૂના સમયથી આ પ્રદેશ વાણિજ્ય અને નિકાસક્ષેત્રે આગળપડતું તેમજ મહત્વનું સ્થાન ધરાવે છે. આ જિલ્લામાં રાજ્ય તરફથી ઝડપી ઔદ્યોગિકીકરણ માટે પગલાં લેવાઈ રહ્યાં છે. તાજેતરમાં અહીં ભદ્રક ખાતે ક્રોમિયમનું એક કારખાનું નાંખવામાં આવ્યું છે. ભારતના ઉત્તર-દક્ષિણ ભાગોને સાંકળી લેતા તેમજ કિનારાને આવરી લેતા મુખ્ય માર્ગો આ જિલ્લામાંથી પસાર થતા હોવાથી આ પ્રદેશનું વેપારી મહત્વ વધ્યું છે. જિલ્લામાં ઉત્પન્ન થતી ચીજોમાં બરફ, લાકડાનું રાચરચીલું, બ્રેડ, સાઇકલ ટાયરો અને ચામડાના સામાનનો સમાવેશ થાય છે. અહીંની નિકાસી વસ્તુઓમાં ડાંગર, ચોખા, શાકભાજી, ચામડું, માછલીઓ અને મગફળીનો, જ્યારે આયાતી વસ્તુઓમાં ખાંડ, ઘઉં, કેરોસીન, કાપડ, દવાઓ, કરિયાણું, પેટ્રોલ અને યંત્રસામગ્રીનો સમાવેશ થાય છે. કિનારા પર આવેલું ચાંદબલી નદીબંદર નિકાસ માટે મહત્વનું સ્થળ બની રહેલું છે.

પરિવહન : જિલ્લામથક ભદ્રક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. ભદ્રક રેલમથક કલકત્તા-ચેન્નાઈ મુખ્ય શહેરથી 5 કિમી. અંતરે આવેલું છે. ચાંદબલીનું નદીબંદર વૈતરણી નદીમુખ પર દરિયાકિનારા નજીક છે. આ બંદરેથી જિલ્લાની મુખ્ય પેદાશ ડાંગરની નિકાસ થાય છે. 50 કિમી. લંબાઈનો ભદ્રક–ચાંદબલી રાજ્ય ધોરી માર્ગ અહીંનો મુખ્ય આંતરિક માર્ગ છે. રાજ્ય-પરિવહન-નિગમની તથા અન્ય ખાનગી બસો જિલ્લાનાં તાલુકામથકો તથા ગામડાંઓને આવરી લે છે. બરીપાડા થઈને જતી ભદ્રક–ટાટાનગરની રોજિંદી નિયત બસસેવા આ જિલ્લાને મળી રહે છે. વર્ષના અમુક ગાળાને બાદ કરતાં ભદ્રક અને જાજપુર જિલ્લા બસમાર્ગોથી જોડાયેલા રહે છે, એ જ રીતે બરીપાડાથી બાલાસોર અને ભદ્રક થઈને કટક જતો માર્ગ પણ બસમાર્ગોથી સંકળાયેલો છે.

પ્રવાસન : જિલ્લામાં આવેલાં અરાદી, ચાંદબલી અને ધામરા પ્રવાસીઓ માટેનાં આકર્ષણનાં મુખ્ય સ્થળો છે. વૈતરણી નદી પર આવેલું સુંદર રમણીય સ્થળ અરાદી ભદ્રકથી 52 કિમી.ના અંતરે આવેલું છે. અહીંની આ વૈતરણી નદી ઓરિસા રાજ્યમાં ગંગાનદીની સમકક્ષ ગણાય છે. આ સ્થળ અખંડલમણિના મંદિર માટે જાણીતું છે. દરરોજ સેંકડો દર્શનાર્થીઓની આ મંદિરમાં અવરજવર રહે છે. ચાંદબલી નદીબંદર તરીકે મધ્ય યુગથી ખ્યાતિ પામેલું છે. તે વૈતરણીના કાંઠે આવેલું હોવાથી દરિયાકિનારા સાથે જોડાયેલું રહે છે, વળી અરાદી અને ધામરા સુધીના ચાંદબલીના જળમાર્ગે નૌકાવિહાર માણી શકાય છે. ધમારા વૈતરણીના મુખ પર આવેલું છે, ત્યાં મોટરલૉન્ચ મારફતે જઈ-આવી શકાય છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહારની મોજ માણવા આવે છે. તે પૈકીના કેટલાક રાત્રિરોકાણ પણ કરે છે. ધામરા ચાંદબલીથી 40 કિમી. અંતરે આવેલું છે. આ ઉપરાંત અહીં જિલ્લાનાં જુદાં જુદાં સ્થળે વાર-તહેવારે મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ પૈકી ભદ્રક અને ચાંદબલીના મેળાઓનું ખૂબ મહત્વ રહે છે.

વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 11,05,834 જેટલી છે. તે પૈકી 5,57,017 પુરુષો અને 5,48,817 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 9,95,993 અને 1,09,841 જેટલું છે. આ જિલ્લાની રચના 1993માં થયેલી હોવાથી ધર્મ મુજબ લોકવિતરણના આંકડા ઉપલબ્ધ નથી. જિલ્લામાં મુખ્યત્વે ઊડિયા ભાષા બોલાય છે, પરંતુ બંગાળી, સાંથાલી અને ઉર્દૂ ભાષાઓનો પણ ઉપયોગ થાય છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 50 % જેટલું છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ 60 % અને 40 % જેટલું છે. જિલ્લામાં આવેલાં ત્રણેય મુખ્ય નગરોમાં બધા તબક્કાઓના શિક્ષણ માટેની સગવડો ઉપલબ્ધ છે. ભદ્રક, ચાંદબલી અને વસુદેવપુર ખાતે કુલ 6 હૉસ્પિટલો, 2 ચિકિત્સાલયો તથા 6 કુટુંબનિયોજન-કેન્દ્રોની તબીબી સેવા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક (ભદ્રક) ઉપવિભાગમાં, પાંચ તાલુકાઓમાં તથા સાત સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 166 ગ્રામપંચાયતો આવેલી છે. ત્રણેય મુખ્ય નગરોની વસ્તી એક લાખથી ઓછી છે.

ઇતિહાસ : બાલેશ્વર (જૂના બાલાસોર) જિલ્લાનું 27–3–1993ના રોજ વિભાજન કરીને ભદ્રકનો નવો જિલ્લો રચવામાં આવેલો છે. આ કારણે તેનો ઇતિહાસ તેના મૂળ જિલ્લા બાલેશ્વર સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા