ભટ્ટ, વિશ્વનાથ મગનલાલ (જ. 20 માર્ચ 1898, ઉમરાળા, ભાવનગર; અ. 27 નવેમ્બર 1968, નડિયાદ) : ગાંધીયુગીન સાક્ષરપેઢીના વિવેચક ઉપરાંત ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી 1920માં સંસ્કૃત-અંગ્રેજી સાથે બી.એ. અસહકારના આંદોલનમાં જોડાતાં એમ.એ.નો અભ્યાસ પડતો મૂકેલો. 1923માં ઉમરેઠની રાષ્ટ્રીય શાળામાં ને 1924માં ભરૂચની શાળામાં શિક્ષક. 1927–28 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશના કામમાં સંકળાયેલા. 1939થી ત્રણેક વર્ષ ભારતીય વિદ્યાભવન(મુંબઈ)માં અને પછી અમદાવાદની એલ.ડી.આર્ટ્સ વગેરે કૉલેજોમાં અધ્યાપનકાર્ય કરેલું. 1949થી મૃત્યુપર્યંત તેઓ કેવળ લેખનપ્રવૃત્ત રહેલા.
વિવેચનના સ્વરૂપની અને વિવેચનની મૂલ્યવત્તા અંગેની વિચારણા વિશ્વનાથમાં એકસાથે ચાલતી રહેલી. ‘વિવેચક એ પણ સર્જક છે.’ – એ મતાગ્રહને વ્યક્ત કરતા લેખો અને ઊહાપોહથી એ કંઈક વિવાદવિષય પણ બનેલા, પરંતુ આ ચર્ચાઓની સમાન્તરે જ વિવેચનની અગત્ય, વિવેચકનો કાર્યપ્રદેશ અને એની જવાબદારી વિશે પણ એમણે સતત લખેલું. એમની આ સર્વ વિચારણા એમના ચારે વિવેચન-ગ્રંથો – ‘સાહિત્યસમીક્ષા’ (1937); સંવર્ધિત ત્રીજી આવૃત્તિ 1984), ‘વિવેચનમુકુર’ (1939), ‘નિકષરેખા’ (1945) તથા ‘પૂજા અને પરીક્ષા’(1962)માં વિગતે થયેલી છે.
વિવેચક સૌથી પહેલાં તો સાહિત્યકૃતિના સૌંદર્યદર્શન માટે પ્રવૃત્ત થાય છે ને પછી એની કેળવાયેલી પરિષ્કૃત સૌંદર્યર્દષ્ટિથી – ‘સૌંદર્યભાવના’થી–તે સાહિત્યનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરે છે, એ તેમનું મુખ્ય પ્રતિપાદન હતું. કૃતિના સૌંદર્યનું આકલન વિવેચક ‘તર્કબુદ્ધિથી કે વિદ્વત્તાથી નહિ, પણ પોતાની સહજોપલબ્ધિથી’ કરતો હોવાથી વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ પણ ઊર્મિ હોય છે – એવા પોતાના મતોને ડી.એચ. લૉરેન્સના વિવેચન-ઉદ્ગારોથી તેમજ ‘ધ્વન્યાલોક’માંની વિચારણાથી સમર્થિત કરતા વિશ્વનાથ ગુજરાતીના લાક્ષણિક કૌતુકરાગી વિવેચકોમાંના એક છે. બહુશ્રુતતા અને શાસ્ત્રીયતાનો વિનિયોગ થતો હોવા છતાં એમનો વિવેચ્યકૃતિ સાથેનો પહેલો મુકાબલો ઊર્મિલક્ષી અને સૌંદર્યલક્ષી રહેતો. આસ્વાદનની સાથે સત્યદર્શી કડક આલોચના એમના વિવેચનનું પ્રધાન લક્ષણ હતું.
એમની સિદ્ધાન્તવિચારણા ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’ (‘સાહિત્યસમીક્ષા’), ‘શીલ અને સાહિત્ય’ (‘વિવેચનમુકુર’), ‘વિવેચનની પવિત્રતા’ (‘પૂજા અને પરીક્ષા’) વગેરે લેખોમાં વ્યક્ત થઈ છે. સાહિત્યપ્રવાહો વિશેના એમના વિવેચનલેખો(‘આપણું નિબંધસાહિત્ય’, ‘પંડિત યુગ’, ‘તેત્રીસનું ગ્રંથસ્થ વાઙમય’ વગેરે)માં માહિતીની નિ:શેષ નોંધ અને ક્યાંક તુલનાત્મક ર્દષ્ટિએ વિગતોનું મૂલ્યાંકન હોય છે. કેટલાક સાહિત્યકારો વિશેના સુદીર્ઘ અભ્યાસલેખો તેમની સાહિત્યસેવાનો મહત્વનો અંશ છે. દલપતરામ, નર્મદ, ર. વ. દેસાઈ, મેઘાણી આદિનાં સિદ્ધિ-મર્યાદાઓની એમણે ખૂબ જ વિસ્તારથી, સમગ્રદર્શી સમીક્ષા કરી આપેલી છે. નર્મદ અને એની કૃતિઓ વિશે એમણે સૌથી વધુ લેખો કરેલા.
એમણે કરેલી કૃતિસમીક્ષાઓ સર્વાશ્લેષી સમીક્ષા-લેખોના પ્રકારની હતી. ‘સરસ્વતીચંદ્ર’ વિશેનો એમનો વ્યાખ્યાન-લેખ (પંડિતયુગનું મહાકાવ્ય) એમની રસિકતા અને વિદ્વત્તાનું પ્રમાણ આપતી સમીક્ષા છે. ‘કરણઘેલો’, ‘મુનશીની આત્મકથાઓ’, ‘રાસતરંગિણી’ – એ એમની બીજી મહત્વની સમીક્ષાઓ છે.
સર્વગ્રહિતાની સાથે આવતી દીર્ઘસૂત્રિતાને કારણે એમનાં લખાણો ક્યારેક અવિશદ બનતાં દેખાય, પરંતુ ઝીણવટભરી નિર્ભીક આલોચનાથી એ નોંધપાત્ર રહ્યાં છે.
હડસનના ‘ઇન્ટ્રૉડક્શન ટુ ધ સ્ટડી ઑવ્ લિટરેચર’ને આધારે એમણે ‘સાહિત્યનો સ્વાધ્યાય’ (પૂર્વાર્ધ–1963) તૈયાર કરેલો. એમાં અનુવાદ કે દોહન નથી પણ મૂળ ગ્રંથમાંના વિવેચન-સિદ્ધાંતોનું ગુજરાતીમાં સ્વતંત્ર ગણાય એવી ઢબે નિરૂપણ એમણે કરેલું. આ મહત્વાકાંક્ષી યોજના એમણે ત્રીજા દાયકાના અંતથી માંડીને પચીસેક વરસ ચલાવેલી. ગ્રંથનો પૂર્વાર્ધ એ પછી 15 વર્ષે પ્રગટ થયો.
એમણે લખેલા ચરિત્રગ્રંથ ‘વીર નર્મદ’(1933)નું આયોજન પ્રભાવક અને પ્રસન્નકર હતું. પ્રત્યેક પ્રકરણે નર્મદની વ્યક્તિત્વ-રેખાઓ ઊપસતી જાય છે ને એની પશ્ચાદભૂમાં એના જમાનાનું બહુરંગી ફલક પણ સ્પષ્ટ થતું જાય છે. આ નાનકડી પુસ્તિકામાં નર્મદનાં આજીવન યોદ્ધા તરીકેનાં, ઉત્સાહી-આત્મરાગી-સંનિષ્ઠ સર્જક તરીકેનાં, વિલક્ષણ વિચારક ને સુધારક તરીકેનાં અનેક પરિમાણો ઊપસે છે. તેમની મૂલ્યાંકનર્દષ્ટિનો પણ પરિચય આપતું આ ચરિત્ર સુવાચ્ય અને રસપ્રદ બન્યું છે એ એનો મોટો વિશેષ છે.
ગુજરાતીના ઉત્તમ ગદ્યના નમૂનાઓનું સંપાદન ‘ગદ્યનવનીત’ (1926), ‘નર્મદનું મંદિર : પદ્ય વિભાગ’ (1935) ને ‘ગદ્ય વિભાગ’ (1938), ‘નિબંધમાલા’ (1940) – આ એમનાં મહત્વનાં સંપાદનો છે. ગુજરાત વિદ્યાસભાના નિમંત્રણથી એમણે તૈયાર કરેલા ‘પારિભાષિક શબ્દકોશ’(1930)માં અંગ્રેજી પારિભાષિક સંજ્ઞાઓના વિવિધ ગુજરાતી પર્યાયો આપીને, અનેક વિવેચનગ્રંથોમાંથી સંબંધિત પર્યાયનો વિનિયોગ દર્શાવતાં અવતરણો નોંધીને એને પ્રમાણભૂત બનાવ્યો છે. 1968માં આ ગ્રંથ રઘુવીર ચૌધરીના હાથે સંશોધિત રૂપ પામ્યો છે.
એમના પ્રિય સર્જક તોલ્સ્તોયની વાર્તાઓ અને નવલકથાઓના એમના અનુવાદો – ‘આવું કેમ સૂઝયું ?’ (1928), ‘કથાવલિ 1-2’ (1932–1935), ‘નવો અવતાર 1થી 3’ (1932–34), ‘લગ્નસુખ’ (1936) – સ્પષ્ટ અને સુવાચ્ય છે. દરેક અનુવાદ સાથે એમણે એની સૌંદર્યદર્શી ને અભ્યાસપૂર્ણ સમીક્ષા પણ આપી છે.
રમણ સોની