ભટ્ટ, વિશ્વમોહન

January, 2001

ભટ્ટ, વિશ્વમોહન (જ. 1951, જયપુર) : વિખ્યાત ગિટારવાદક અને ગ્રૅમી ઍવૉર્ડ વિજેતા સંગીતકાર. સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં જન્મ. પિતા મનમોહન અને માતા ચંદ્રકલા બંનેને શાસ્ત્રીય સંગીતમાં સક્રિય રસ હોવાથી વિશ્વમોહનને બાળપણથી જ સંગીત પ્રત્યે માતા-પિતા પાસેથી પ્રેરણા મળતી રહી. તેઓ માત્ર નવ વર્ષના હતા ત્યારે તેમના પિતાને મળવા એક જર્મન નારી જયપુર આવેલાં જેની પાસે ગિટાર જોઈને વિશ્વમોહનને તેમાં રસ પડ્યો. તેમના મોટા ભાઈ અને કુશળ સિતારવાદક શશીમોહન ભટ્ટ શાસ્ત્રીય સંગીતના અઠંગ અભ્યાસી હતા જેમની પાસેથી વિશ્વમોહને સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. પરંતુ તેમને કંઠ્ય સંગીત કરતાં વાદ્ય સંગીતમાં અને વિશેષ કરીને ગિટારમાં વધુ રસ હતો. તે વર્ષે તેમણે સિતાર અને બેલા(વાયોલિન)ની તાલીમ પણ લીધેલી. આમ તો ગિટાર એ મૂળ પાશ્ચાત્ય વાદ્ય છે જેના પર ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવામાં ઘણી અડચણો હતી. પરંતુ વિશ્વમોહને તેમાં જરૂરી સુધારાવધારા કરી ભારતીય શાસ્ત્રીય સંગીત માટે તેને ઉપયુક્ત બનાવ્યું. ચૌદ તાર ધરાવતા આ વાદ્યને મોહનવીણા તરીકે ખ્યાતિ મળી છે. 1971થી વિશ્વમોહન આ વાદ્ય કુશળતાથી વગાડે છે જેને લીધે વિશ્વભરમાં તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ગિટાર પર તે ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની રાગરાગિણી ઉપરાંત પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત પણ તેટલી જ કુશળતાથી વગાડતાં હોય છે. ભારતનાં જુદાં જુદાં નગરો ઉપરાંત વિશ્વસ્તરનાં ઘણાં સંગીતસંમેલનોમાં તેમણે તેમની કલાનો પરિચય આપ્યો છે અને અપાર લોકપ્રિયતા સંપાદન કરી છે. ભારતીય અને પાશ્ચાત્ય બંનેનું મિશ્રણ ધરાવતા ‘ફ્યૂઝન સંગીત’ની સ્વરરચના કરવામાં અને પાશ્ચાત્ય સંગીતકારો સાથે તેની રજૂઆત કરવામાં તેમણે વિશિષ્ટ કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે. હૉલિવુડનાં કેટલાંક ચલચિત્રોમાં પણ તેમણે પાર્શ્વસંગીત આપ્યું છે.

વિશ્વમોહન ભટ્ટ

1994માં અમેરિકન ગિટારવાદક રી કૂડર સાથેની તેમની ‘અ મિટિંગ બાય ધ રિવર’ સ્વરરચના માટે તેમને બહુપ્રતિષ્ઠિત ગ્રૅમી ઍવૉર્ડ સંયુક્ત રીતે એનાયત થયો હતો. તે પૂર્વે મુંબઈની સૂરસિંગાર સંસદ દ્વારા તેમને ‘સૂરમણિ’નો ઍવૉર્ડ તથા ત્યારપછી ‘ડાગર શરણ સન્માન’ અને મહાકાલ સન્માન એનાયત થયાં છે. વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર તથા તબલાવાદક ઝાકીરહુસેન પછી ગ્રૅમી ઍવૉર્ડ મેળવનાર તેઓ ત્રીજા ભારતીય સંગીતકાર છે. 1991માં અમેરિકાના મેરિલૅન્ડ રાજ્ય દ્વારા તેમને માનદ નાગરિકત્વ એનાયત થયું છે. વિખ્યાત સિતારવાદક મંજુ મહેતા તેમનાં સગાં બહેન તથા પ્રસિદ્ધ તબલાવાદક નંદન મહેતા તેમના બનેવી થાય છે. તેમના બીજા બે ભાઈઓએ પણ ભારતીય શાસ્ત્રીય સંગીતક્ષેત્રે ઉચ્ચ કક્ષાની સિદ્ધિ મેળવી છે. જયપુર નિવાસી વિશ્વમોહન ભટ્ટના ગિટારવાદનના કાર્યક્રમો ગુજરાતમાં અવારનવાર યોજાય છે. મોહનવીણાના આવિષ્કાર બાદ તેમણે આ વાદ્યની સાથે સ્વરમંડળ (Harp) જોડીને એક વધુ વિકસિત વાદ્યનો આવિષ્કાર કર્યો છે જેને વિશ્વવીણા નામ આપવામાં આવ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે