ભટ્ટ, વસુબહેન

January, 2001

ભટ્ટ, વસુબહેન (જ. 23 માર્ચ 1924, વડોદરા; અ. 13 ડિસેમ્બર 2020, અમદાવાદ) : સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા અને આકાશવાણીમાં મૂલ્યવાન પ્રદાન કરનાર નિષ્ઠાવાન સંસ્કારસેવિકા.

માતા સરસ્વતીબહેન અને પિતા રામપ્રસાદ શાસ્ત્રી. પિતા વડોદરા રાજ્યના પોલિટિકલ સેક્રેટરી હતા. વસુબહેને સ્કૂલ સુધીનું શિક્ષણ વડોદરામાં લીધેલું અને ત્યારબાદ અમદાવાદની એસ.એલ.યુ. કૉલેજમાં બી.એ., બી.એડ.નું શિક્ષણ લીધું. તેમણે અમદાવાદ, વડોદરા અને રાજકોટના આકાશવાણી-કેન્દ્રમાં કાર્યક્રમ-નિયોજક, વહીવટકર્તા અને નિયામક જેવાં વિવિધ પદો પર રહીને રેડિયોના માધ્યમને લોકપ્રિય બનાવ્યું. આકાશવાણી પર પોતાના મૌલિક વિચારો અને આંતરસૂઝથી અનેક નવતર કાર્યક્રમોનું લેખન, દિગ્દર્શન અને પ્રસારણ કર્યું. નવરાત્રિ વખતે ‘હે મા ! ત્વમેવ સર્વમ્’ અને હોળીમાં ‘રંગ દે ચૂનરિયાં’ જેવા એમણે કરેલા કાર્યક્રમોને લોકો આજેય યાદ કરે છે. એમની કલાત્મક સૂઝને કારણે અમદાવાદ અને રાજકોટ કેન્દ્રના સ્ટુડિયો કલા અને સંસ્કૃતિના પ્રતીક સમા બન્યા હતા. બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ ઑર્ગેનાઇઝેશન, બી.બી.સી. તેમ જ વૉઇસ ઑવ્ અમેરિકાએ એમને મુલાકાત માટે નિમંત્રેલાં. એમણે દેશવિદેશમાં ઘણો પ્રવાસ કર્યો છે.

આકાશવાણીમાંથી નિવૃત્ત થતાં ગુજરાત સરકારે એમને સમાજકલ્યાણ સલાહકાર બોર્ડના અધ્યક્ષપદે નિયુક્ત કર્યાં. આ સંસ્થાને ચેતનવંતી કરી અને ગામડાંઓમાં તેનાં કાર્યોથી પ્રજાને પરિચિત કરીને, જનજાગૃતિ લાવીને કાર્યને વેગવંતું બનાવ્યું. પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યના એકેએક ભાગમાં સમાજકલ્યાણનાં કેન્દ્રોને કાર્યાન્વિત કર્યાં. આ સંસ્થામાં વૉલન્ટરી ઍક્શન બ્યૂરોની સ્થાપના કરી, જેની અનેક પાંખો કુટુંબકલ્યાણના નેજા હેઠળ ગુજરાતમાં કાર્ય કરે છે.

‘ઝાકળ પિછોડી’ લઘુ નવલ (1959), ‘પાંદડે પાંદડે મોતી’ (1963), ‘સરસિજ’ (1966), ‘દિવસે તારા રાતે વાદળ’ (1968), ‘માણારાજ’ (1973), ‘ઘડી અષાઢ ને ઘડી ફાગણ’ (1980), ‘બે આંખની શરમ’ (1996)  જેવા નવલિકાસંગ્રહો અને ‘યોગાનુયોગ’ (2002) જેવાં રેખાચિત્રો એમની પાસેથી મળે છે. ‘પાંદડે પાંદડે મોતી’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો 1964નો ભગિની નિવેદિતા પુરસ્કાર અને ‘યોગાનુયોગ’ને 2002નો કાકાસાહેબ કાલેલકર પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ગુજરાત રાજ્ય દ્વારા એમની વાર્તાઓને પુરસ્કાર મળ્યા છે. પોતે જ લખેલું અને ભજવેલું એકપાત્રીય નાટક ‘રતનબાઈ, ઠમકો કરો’ એમની અભિનયસિદ્ધિનું ઉદાહરણ છે.

ગુજરાતની ઉચ્ચ શિક્ષણક્ષેત્રે કાર્ય કરતી અગ્રણી પીઢ સંસ્થા ગુજરાત સ્ત્રી કેળવણી મંડળનાં તેઓ પ્રમુખ છે. પોતાના પ્રથમ નામથી જ ઓળખાતાં અને સંબોધાતાં વસુબહેન નિખાલસ, સ્પષ્ટવક્તા અને સમયપાલનનાં આગ્રહી છે. પરિવાર અને મિત્રોનું આનંદમ્ સાંસ્કૃતિક મંડળ બનાવ્યું. તેનાં તેઓ મંત્રી છે. વર્ષોથી આ મંડળના સભ્યો હોળી–ધુળેટીએ એમનો જન્મદિવસ ઉત્સાહભેર ઊજવે છે.

અનેકવિધ ક્ષેત્રોમાં મહત્વનું પ્રદાન કરનાર વસુબહેનને 1998માં મહિલા ગૌરવ ઍવૉર્ડ, 2002માં ધરતીની મહાન સુપુત્રીનો (‘ધ ગ્રેટ ડૉટર ઑવ્ ધ સૉઇલ’) રાષ્ટ્રીય ઍવૉર્ડ, 2003માં પુષ્પાબહેન મહેતા ઍવૉર્ડ તથા નાટકક્ષેત્રે ઉત્તમ પ્રદાન માટે સાંસ્કૃતિક ઍવૉર્ડ તેમ જ શિક્ષણક્ષેત્રે મહત્વની કામગીરી બજાવવા માટે સિસ્ટર નિવેદિતા ઍવૉર્ડ (રાજકોટ) મળ્યા છે.

પ્રીતિ શાહ