ભટ્ટ, મૂળશંકર મોહનલાલ

January, 2001

ભટ્ટ, મૂળશંકર મોહનલાલ (જ. 25 જૂન 1907, ભાવનગર; અ. 31 ઑક્ટોબર 1984, ભાવનગર) : ગુજરાતના કેળવણીકાર અને બાલ-કિશોર-સાહિત્યના લેખક. પિતાનું નામ મોહનલાલ શંકરલાલ ભટ્ટ. માતાનું નામ રેવાબહેન. રોજકા(ધંધૂકા)ના વતની. 1929માં હંસાબહેન સાથે લગ્ન. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વતન તથા ‘દક્ષિણામૂર્તિ’ – ભાવનગરમાં લીધેલું. 1920માં વિનીત. 1927માં મુખ્ય વિષય સંગીત અને ગૌણ વિષયો હિન્દી-ગુજરાતી સાથે ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાંથી ‘પ્રથમ’ વર્ગમાં સ્નાતકની ઉપાધિ. તેમણે લલિત-કલા વિશારદનું પ્રમાણપત્ર પણ મેળવ્યું. 1930થી 1939 સુધી દક્ષિણામૂર્તિ સંસ્થામાં અને 1939થી 1945 સુધી તેની ભગિનીસંસ્થા ‘ઘરશાળા’માં શિક્ષક અને ગૃહપતિ તરીકે; 1945થી 1953 દરમિયાન ગ્રામ-દક્ષિણામૂર્તિ આંબલાના અધ્યાપન મંદિરમાં શિક્ષક અને આચાર્ય તરીકે રહ્યા ને 1953થી 1964માં નિવૃત્ત થયા ત્યાં સુધી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ-સણોસરામાં ગૃહપતિ, અધ્યાપક અને આચાર્ય-પદે રહ્યા. નિવૃત્તિ પછી ભાવનગરમાં રહી દક્ષિણામૂર્તિ, લોકશક્તિસંગઠન, ગુજરાત નઈ તાલીમ સંઘ, ગુજરાત આચાર્ય કુળ જેવી વિવિધ સંસ્થાઓના પ્રમુખ તરીકે પ્રવૃત્ત રહ્યા હતા. એમના આ વ્યવસાયે એમની લેખન-પ્રવૃત્તિને પોષણ આપ્યું. આમ ગુજરાતમાં આદર્શ ગૃહપતિની હરોળમાં જેમનું નામ મૂકી શકાય એવા આ મૂળશંકરભાઈએ ગૃહપતિ ને શિક્ષક તરીકે જ આખું જીવન વ્યતીત કર્યું.

માત્ર અઢી વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર મૂળશંકરભાઈના બાળપણમાં માતાની અને શિક્ષણમાં ગાંધીજીની અસર પડી હતી. આ ઉપરાંત નાનાભાઈ ભટ્ટનો પ્રભાવ પણ ખૂબ. રામનારાયણ વિ. પાઠકના સંપર્કે સાહિત્યનાં શુદ્ધ સ્વરૂપોનો આસ્વાદ કરવાની રુચિ ઘડી. તેમની લેખનપ્રવૃત્તિ વિશેષભાવે શિક્ષક અને ગૃહપતિના વ્યવસાયના ભાગ રૂપે-પરિણામ રૂપે ચાલી. તેમની નજર સામે કિશોરો અને સામાન્ય ભણેલ પ્રૌઢો હોઈ ભાષામાં સરળતા, સ્પષ્ટતા ને પ્રવાહિતા જોવા મળે છે. કાલિદાસ, રવીન્દ્રનાથ, શરદબાબુ, પ્રેમાનંદ અને ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી તેમણે ઘણું મેળવ્યું હતું.

તેમની લેખનપ્રવૃત્તિ અનુવાદથી શરૂ થયેલી. જુલે વર્નની કૃતિઓના ‘સાગરસમ્રાટ’ (1933), ‘સાહસિકોની સૃષ્ટિ’ (1934), ‘પાતાળપ્રવેશ’ (1935), ‘80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’ (1939) અને ‘ચંદ્રલોકમાં’ (1940) – એ નામે અનુવાદો તેમણે કર્યા. ‘ખજાનાની શોધમાં’ (1937) જેવી સ્ટિવન્સનની કૃતિનો અનુવાદ પણ તેમણે આપ્યો છે. આ ઉપરાંત તૉલ્સ્તૉયના નાટક ‘પાવર ઑવ્ ડાર્કનેસ’નો ‘અંધારના સીમાડા’ (1964) અને વિક્ટર હ્યુગોની નવલકથા ‘લા મિઝરાબ્લ’નો ‘દુ:ખિયારાં’ (1945, ભાગ 1-2) નામે કરેલો અનુવાદ નોંધપાત્ર છે. આ સિવાય પણ તેમણે આ ક્ષેત્રે ‘તારાઓની સૃષ્ટિ’ (1946), ‘સભ્યતાની કથા’ (1961), ‘આનંદ અને અજવાળાંની વાતો’ (1976) જેવા અન્ય અનુવાદો આપી ઉલ્લેખનીય પ્રદાન કર્યું.

તેમનું બીજું મહત્વનું કાર્ય ચરિત્રલેખનના ક્ષેત્રે છે. ‘મહાન મુસાફરો’ (1938), ‘તાનસેન’ (1946), ‘ગાંધીજી : એક કેળવણીકાર’ (1969), ‘દલપતરામ : સુધારાનો માળી’ (1971) અને ‘નાનાભાઈ’ (અન્ય સાથે, 1983) – એ તેમના ચરિત્રાત્મક ગ્રંથો છે. ‘વાંચતાં આવડી ગયું’ (1957), ‘શિક્ષકની નિષ્ઠા અને ર્દષ્ટિ’ (1971) એ શિક્ષકોને ઉપયોગી તથા ‘બાળકોને વાર્તા કેમ કહીશું ?’ (1956), ‘વાચનપટ’ (1956), ‘ઘરમાં બાળમંદિર’ (1962), ‘બાળકો તોફાન કેમ કરે છે ?’, ‘કેળવણીવિચાર’ (1966) એ શિક્ષકો તથા વાલીઓને બાળઉછેર અને બાળશિક્ષણમાં ઉપયોગી થાય તેવા ગ્રંથો છે.

આ ઉપરાંત તેમની પાસેથી ‘દલપતરામની વાતો’ (1957), ‘દેશદેશની લોકકથાઓ’ (1982) તેમજ હિંદીમાં ‘ગોમાતા કા વરદાન’ (1982), ‘પ્રભુકા પ્રકાશ’ (1983) અને ‘દૈત્ય સે દેવ’ (1983) વગેરે વાર્તાસંગ્રહો મળ્યા છે. લોકમિલાપ દ્વારા પ્રકાશિત ‘આપણો સંસ્કાર-વારસો’ નામના ગ્રંથસંપુટ નિમિત્તે સ્વામી આનંદની કૃતિઓમાંથી કરેલ ‘ધરતીની આરતી’ (1977) તથા ‘ગિજુભાઈના લેખો’ (1975) જેવા સુંદર સંપાદિત ગ્રંથો મળ્યા છે. હિંદી ભાષાની સો વાર્તાઓનું ‘બચ્ચોંકી કહાનિયાં’ (1980) નામક ઉપયોગી સંપાદન પણ મળ્યું છે. ગુજરાતી બાલ-કિશોર સાહિત્યમાં એમનું નામ-સ્થાન-કામ માનભર્યું અને મૂલ્યવાન છે. ‘આફ્રિકાની ભીતર’માં જેવા બીજા ચાર ગ્રંથોનો અનુવાદ નોંધપાત્ર.

શ્રદ્ધા ત્રિવેદી