ભટ્ટ, માનશંકર નરભેશંકર (જ. 28 ઑગસ્ટ 1908, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 2002, વડોદરા) : માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર, કુશળ વહીવટકર્તા અને સમાજોપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા.
એમના પિતા નરભેશંકર ભાવનગર રાજ્યમાં ફોજદાર હતા. માતા માણેકબહેનનું તેઓ નાના હતા ત્યારે અવસાન થતાં દાદા અંબાશંકરભાઈ પાસે ઊછર્યા. આઠ વર્ષની ઉંમરે ગૃહવ્યવસ્થા અને રસોઈમાં કુશળ એવા માનભાઈએ પાંચ ગુજરાતી અને એક અંગ્રેજી ચોપડી સુધી અભ્યાસ કર્યો. સત્તરમા વર્ષે બંદર પરની ફેરી વર્કશૉપમાં કૉલમૅન એટલે કે કોલસા ભાંગવાની નોકરી જાતે શોધી લીધી. ચીવટ, કાળજી અને મહેનતુ સ્વભાવને કારણે કામદારોના તેઓ લાડીલા નેતા બન્યા. સૌરાષ્ટ્રના ગોદી કામદાર મંડળની સ્થાપના કરીને કામદારોના હક્ક માટે તંત્ર સામે લડત આપવાની સાથોસાથ કામદારને એના કર્તવ્યની બાબતમાં સદૈવ જાગ્રત રાખતા. 1957માં તેમણે ફૉરમૅનની નોકરીમાંથી રાજીનામું આપ્યું. ભાવનગરમાં બાળકો માટે 1932માં બજરંગ વ્યાયામ શાળા અને 1938માં શિશુવિહારની સ્થાપના કરી. ભાવનગર, શિહોર, વલભીપુર, પાલિતાણા વગેરે અનેક સ્થળોએ બાલક્રીડાંગણો સ્થાપ્યાં અને વિકસાવ્યાં. અત્યાર સુધીમાં તેમણે 1008 ક્રીડાંગણો સ્થાપ્યાં છે. રક્તદાન, ચક્ષુદાન અને દેહદાનની પ્રવૃત્તિઓ માટે સદા તત્પર એવા માનભાઈ ભટ્ટે પછાત વર્ગોના પુનરુત્થાનનું કાર્ય પણ કર્યું છે. 27,432 ચોમી. જમીન પર બાળકો માટે બાલદેવ વન સ્થાપ્યું અને વૃક્ષઉછેર, છબછબિયાં ઘર, ભુલભુલામણી અને અનેક રમતો રમાય તેવું ગુજરાતમાં આ પ્રકારનું સર્વપ્રથમ આયોજન કર્યું. તેમણે સમાજસુધારણાલક્ષી, શ્રમયુક્ત સાદા જીવનથી અને અનેકવિધ પ્રવૃત્તિઓથી માનવસેવાનું પાયાનું કાર્ય કર્યું.
પ્રીતિ શાહ