ભટ્ટ, માર્કંડ

January, 2001

ભટ્ટ, માર્કંડ (જ. 1915, ભાવનગર, ગુજરાત; અ. 5 ફેબ્રુઆરી 2016, વડોદરા) : ગુજરાતના કલાગુરુ અને ચિત્રકાર. ભારતનાં કલા-મહાવિદ્યાલયોમાં આગવું અને મોખરાનું સ્થાન ધરાવનાર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સને વિકસાવવામાં તેમણે પાયાના સ્તરે સિંહફાળો આપેલ છે.

1927થી 1933 દરમિયાન ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ’ નામની સંસ્થામાં સોમાલાલ શાહના હાથ નીચે ચિત્રકલામાં તાલીમની શરૂઆત કરી. ત્યાંથી મૅટ્રિક્યુલેશન મેળવ્યા પછી મુંબઈ જઈ ત્યાંની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સમાં ચાર વરસ ચિત્રકલાનો અભ્યાસ કરી 1937માં ડિપ્લોમા મેળવ્યો. ત્યારપછીનાં ત્રણ વરસના ગાળા દરમિયાન ભાવનગરમાં નવા બંધાયેલ નટરાજ થિયેટરમાં તેમજ દિલ્હી ખાતે હરિજન સેવક સંઘના પ્રાર્થનાભવનમાં ભીંતચિત્રો કર્યાં તથા મુક્ત ધોરણે (free lance) કામ કરતા રહ્યા. પછી 1941માં મુંબઈમાં સ્ટુડિયો શરૂ કરી ચાર વરસ સુધી વિજ્ઞાપન તથા સુશોભન ક્ષેત્રે કામ કર્યું. એમાં ચેન ન મળતાં 1945થી 1948 દરમિયાન અમેરિકા રહી ફિલાડેલ્ફિયાની વિવિધ સંસ્થાઓમાં ત્રણ વર્ષ પાશ્ચાત્ય કલા, આધુનિક કલા, કલાવિવેચન, કલાશિક્ષણ, મુદ્રણક્ષમ કલા (graphic arts) તથા વિજ્ઞાનકલાના ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કર્યો. ભારત પાછા ફરતી વખતે અમેરિકામાં તેમજ યુરોપમાં પ્રવાસ કરી ત્યાંનાં કલાસંગ્રહાલયોમાં વિવિધ કલાપ્રણાલીઓનો તલસ્પર્શી અભ્યાસ પણ કર્યો.

1949માં શ્રીમતી હંસાબહેન મહેતાની રાહબરી નીચે નવી શરૂ થઈ રહેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સનો આરંભ કરવાની જવાબદારી પ્રા. માર્કંડ ભટ્ટને સોંપાઈ. ભારતમાં ત્યારે યુનિવર્સિટીકક્ષાએ કોઈ પણ સ્થળે લલિત કલાઓને મુખ્ય વિષય તરીકે શીખવવામાં આવતી ન હતી. ચિત્રકલા, મૂર્તિકલા, કુંભકલા, વિજ્ઞાપનકલા, મુદ્રણક્ષમ કલા ઉપરાંત કલાઇતિહાસ, કલાવિવેચન અને મ્યુઝિયમવિજ્ઞાન જેવા વિષયો એક સ્થળે, એક છત્ર નીચે, એકસાથે શીખવવાની નવી વ્યવસ્થા વિચારી તે માટે યોગ્ય માળખું તેમજ અભ્યાસક્રમો તૈયાર કર્યા. આ સંસ્થાના નેજા હેઠળ જ કૉલેજ ઑવ્ ઇન્ડિયન મ્યૂઝિક, ડાન્સ ઍન્ડ ડ્રામૅટિક્સ નામની મહાશાળામાં સંગીત, નૃત્ય તથા નાટ્યક્ષેત્રના વિવિધ વિષયો શીખવવાની શરૂઆત થઈ. આ સંસ્થાના આરંભકાળે પ્રાદેશિક સંકુચિત ભાવના તથા દબાણોને વશ થયા સિવાય ભારતના વિવિધ પ્રદેશોમાંથી ઉત્તમ કક્ષાના કલાકારોને શિક્ષકો તરીકે તેમજ શિક્ષણના સ્વરૂપની વિગતો તૈયાર કરવા, ચકાસવા, સુધારાવધારા સૂચવવા સલાહકાર સમિતિના સભ્યો તરીકે તેઓ લાવી શક્યા. કલાકારોને માત્ર હસ્તકૌશલ્યની તાલીમ આપી મુખ્યત્વે કારીગર બનાવતી ત્યારપર્યંતની ભારતીય કલાશાળાઓની પ્રચલિત કલાશિક્ષણની પરંપરામાં ધરમૂળ ફેરફાર કરી કલાકાર લખી-વાંચી-વિચારી શકે તથા અન્ય બુદ્ધિજીવીઓની કક્ષાએ નિજી અભિવ્યક્તિ કરી શકવા સમર્થ બને તેવા પ્રકારની તાલીમ પર ભાર મૂકતી, પ્રા. માર્કંડ ભટ્ટે શરૂ કરેલી. આ કલાશાળાનો અભ્યાસક્રમ ધીરે ધીરે ભારતની ઘણી યુનિવર્સિટીઓ દ્વારા અપનાવવામાં આવ્યો. 1954થી ત્યાં અનુસ્નાતકકક્ષાએ શિક્ષણ આપતા અભ્યાસક્રમો પણ શરૂ કરાયા અને સંશોધન-ક્ષેત્રે પીએચ.ડી.ની ઉપાધિ પણ અપાવા લાગી.

1954માં કૅનેડામાં ટોરૉન્ટોમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તેમણે સેવા આપેલી. ત્યાં પોતાની ચિત્રકૃતિઓનું પ્રદર્શન પણ યોજેલું. 1957માં વડોદરામાં યોજાયેલ ગુજરાત સંશોધન મંડળના ત્રીજા અધિવેશનમાં કલાવિભાગનું અધ્યક્ષપદ તેમણે સંભાળેલું. કલાસર્જનની પ્રક્રિયાઓ સમજાવતો, કલાઓનું રસદર્શન કરાવતો તથા સૌંદર્યશાસ્ત્ર અંગેની પૌરસ્ત્ય તથા પાશ્ચાત્ય વિચારધારાઓની ઝીણવટભરી માહિતી સાથે છણાવટ કરતો દળદાર સચિત્ર ગુજરાતી મૌલિક ગ્રંથ ‘રૂપપ્રદ કલા’ પ્રકાશિત કર્યો.

આ દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ સોશ્યલ સાયન્સની પરવીઝ નામની પારસી પ્રાધ્યાપિકા સાથે લગ્ન કરેલું. 1950થી 1960 સુધી ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સના વડા-ડીન-તરીકે તેમજ પ્રાધ્યાપક તરીકે સેવા આપી માર્કંડ ભટ્ટ કુટુંબ સહિત કાયમ માટે કૅનેડા ચાલ્યા ગયા. 1961થી 1963 સુધી ટોરૉન્ટો અને ન્યૂયૉર્કમાં પોતાનાં ચિત્ર-પ્રદર્શનો કર્યાં.

1964થી 1968 સુધી ઈરાનના તેહરાન નગરમાં વસવાટ કર્યો. આ દરમિયાન તેહરાનના ભારતીય એલચીમથકમાં તેમણે ચિત્રપ્રદર્શન કર્યું. 1969થી ફરી ટોરૉન્ટો ખાતે વસવાટ કરવો શરૂ કર્યો. 1960થી વાચન, નિરીક્ષણ, ચિંતન અને ચિત્રસર્જન–એ જ માર્કંડ ભટ્ટનો વ્યવસાય બન્યાં છે. ચિત્રકલા તથા શિલ્પકળાના પ્રાચીન તેમજ અર્વાચીન પ્રવાહો, પુરાતત્વવિદ્યા, પૌરાણિક સાહિત્ય (mythology) તથા વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં તથા તેમાંથી નિષ્કર્ષરૂપ ચિત્રોના સર્જનમાં તેઓ રત છે.

જ્યોતિ ભટ્ટ