ભટ્ટ, મહેશ (જ. 1949) : હિન્દી ચલચિત્રોના ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક. નામાંકિત ફિલ્મસર્જક નાનાભાઈ ભટ્ટના પુત્ર. અભ્યાસનો આરંભ મુંબઈમાં કર્યો. 1970માં કૉલેજ પડતી મૂકી.

મહેશ ભટ્ટ

પિતાની ફિલ્મ ‘જીવનરેખા’(1974)ની પટકથા લખીને ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. રાજ ખોસલા, એન. ચન્દ્ર અને જે. પી. દત્ત જેવા ફિલ્મસર્જકોના સહાયક તરીકે કામ કર્યું. તેમની ફિલ્મો મનોવૈજ્ઞાનિક હિંસાના ચિત્રણને લીધે વિવાદાસ્પદ રહી. ‘મંઝીલે ઔર ભી હૈ’ ફિલ્મથી સ્વતંત્ર દિગ્દર્શક તરીકે શરૂઆત કરી. લગ્નસંસ્કારની પવિત્રતાની અવમાનનાના ચિત્રણને કારણે આ ફિલ્મ પર સેંસર બૉર્ડે 14 મહિના સુધી પ્રતિબંધ મૂક્યો. ત્યારપછીની બે ફિલ્મો ‘વિશ્વાસઘાત’ અને ‘લહૂ કે દો રંગ’ સફળ થઈ નહિ. ‘સારાંશ’ અને ‘અર્થ’ ફિલ્મોએ તેમને નામના અપાવી. વિદેશી ફિલ્મોની નકલ કરવાનો આરોપ અવારનવાર તેમના ઉપર કરવામાં આવે છે. તેમની પુત્રી પૂજા ભટ્ટ સાથેનાં તેમનાં વક્તવ્યો ચોંકાવી દે તેવાં છે. ટેલિવિઝન માટે તેમણે ‘જનમ’, ‘સ્વયં’ અને ‘ફિર તેરી કહાની યાદ આઈ’ ફિલ્મો બનાવી.

તેમની ફિલ્મોની સૂચિ : (1973) ‘મંઝીલે ઔર ભી હૈ’, (1976) ‘વિશ્વાસઘાત’, (1978) ‘નયા દૌર’, (1979) ‘લહુ કે દો રંગ’, (1980) ‘અભિમન્યુ’, (1982) ‘અર્થ’, ‘(1984) ‘સારાંશ’, (1985) ‘જનમ’, (1986) ‘આશિયાના’, (1986) ‘નામ’, (1987) ‘કાશ’, (1987) ‘ઠિકાના’, (1987) ‘આજ’, (1988) ‘કબ્જા’, (1989) ‘ડેડી’, (1989) ‘ઝમીન’, (1990) ‘આવારગી’, (1990) ‘જુર્મ’, (1990) ‘આશિકી’, (1991) ‘દિલ હૈ કી માનતા નહીં’, (1991) ‘સ્વયમ્’, (1991) ‘સાથી’, (1991) ‘સડક’, (1992) ‘સાતવાં આસમાન’, (1992) ‘જુનૂન’, (1992) ‘તડિપાર’, (1993) ‘ગુમરાહ’, (1993) ‘ગુનાહ’, (1993) ‘સર’, (1993) ‘ફિર તેરી કહાની યાદ આઈ’, (1993) ‘હમ હેં રાહી પ્યાર કે’, (1994) ‘મિલન’, (1994) ‘નારાઝ’, (1994) ‘જેન્ટલમૅન’, (1994) ‘ક્રિમિનલ’, (1995) ‘નાજાયઝ’, (1996) ‘ચાહત’, (1996) ‘દસ્તક’, (1996) ‘ધુન’, (1996) ‘પાપા કહતેં હૈ’, (1996) ‘તમન્ના’ (1998) ‘અંગારે’, (1998) ‘ડુપ્લીકેટ’, (1998) ‘યે હૈ મુંબઈ મેરી જાન’, (1998) ‘ઝખ્મ’ અને (1999) કારતૂસ.

પીયૂષ વ્યાસ