ભગવતી આરાધના : પ્રાચીન ભારતમાં જૈન ધર્મના દિગમ્બર સંપ્રદાયનો પ્રાચીન ગ્રંથ. તેનાં ‘આરાધના’ અથવા ‘મૂલારાધના’ એવાં પણ નામો છે. તેના કર્તા શિવાર્ય કે શિવકોટિ છે. તેમણે પૂર્વાચાર્યોની રચનાના આધારે આ ગ્રંથની રચના કરી છે. તેનો સમય નિશ્ચિત નથી, પરંતુ તેના વિષય-વર્ણનના આધારે તે શ્વેતામ્બર આગમ ગ્રંથો જેટલો જ પ્રાચીન જણાય છે. ‘આવશ્યકનિર્યુક્તિ’, ‘બૃહત્કલ્પભાષ્ય’ વગેરેમાં ‘ભગવતી આરાધના’ની ઘણી ગાથાઓ મળે છે, જે તેની પ્રાચીનતા સિદ્ધ કરે છે. જૈન-શૌરસેની ભાષામાં નિબદ્ધ ભગવતી આરાધનાની 2,166 ગાથા 40 અધિકારોમાં વિભક્ત છે.
‘ભગવતી આરાધના’ના વર્ણ્ય વિષય સમ્યગ્ દર્શન સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ ચરિત્ર અને સમ્યક્ તપ–એ ચાર આરાધનાઓ છે. ખાસ કરીને તેમાં મુનિ-ધર્મને મહત્વ અપાયું છે. સાથે સાથે આર્યિકાઓ માટેના નિયમોનું પ્રતિપાદન પણ છે. આરંભમાં 17 પ્રકારનાં મરણ દર્શાવ્યાં છે, જેમાં પંડિત–પંડિત મરણ, પંડિતમરણ, અને બાલપંડિતમરણ શ્રેષ્ઠ છે. લિંગ અધિકારમાં આચેલક્ય, લોચ, દેહમમત્વનો ત્યાગ અને પ્રતિલેખન – એ ચારને નિર્ગ્રન્થ-ચિહ્ન તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યાં છે. ‘અનિયતવિહાર અધિકાર’માં ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વિહાર કરવા માટે વિવિધ દેશની ભાષા, રીતરિવાજ વગેરેમાં કુશળતા પ્રાપ્ત કરવાનું વિધાન છે. ‘સંલેખના અધિકાર’માં સંલેખનાના નિરૂપણની સાથે બાહ્ય અને આભ્યન્તર તપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સાધુઓને રહેવા યોગ્ય વસ્તીનાં લક્ષણો, ભોજનશુદ્ધિનું વિસ્તૃત વર્ણન, તે અંગેના દોષોનું નિવારણ વગેરેનું વિધાન તેમજ કષાયોના ત્યાગનો ઉપદેશ અહીં આપવામાં આવેલ છે.
‘અનુવિશિષ્ટ શિક્ષા અધિકાર’માં વૈયાવૃત્ય વિશે તેમજ આર્યિકાની અને પાર્શ્વસ્થની સંગતિથી દૂર રહેવાનો ઉપદેશ સુંદર ઉપમાઓ અને ર્દષ્ટાંતો દ્વારા આપવામાં આવ્યો છે.
‘માર્ગણા અધિકાર’માં આચારાંગસૂત્ર, જિતસૂત્ર અને કલ્પસૂત્રનો ઉલ્લેખ છે. સુસ્થિત અધિકારમાં આચેલક્ય, અનૌદ્દેશિક વગેરે 10 પ્રકારનો શ્રમણાચાર વર્ણવાયો છે. આલોચના અધિકારમાં આલોચનાના ગુણ-દોષનું આલેખન છે.
‘અનુશિષ્ટ અધિકાર’માં પંચનમસ્કારમંત્રનું માહાત્મ્ય દર્શાવાયું છે. અહિંસા આદિ પાંચ વ્રતની પ્રરૂપણા કરતી વખતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તેનું પાલન ર્દઢતાથી કરવા વિશે જણાવ્યું છે. ‘ધ્યાન અધિકાર’માં ચાર પ્રકારનાં ધ્યાન, ‘લેશ્યા અધિકાર’માં છ લેશ્યા અને ‘ભાવના અધિકાર’માં બાર પ્રકારની ભાવનાનું નિરૂપણ છે. અહીં સુકોસલ, ગજસુકુમાર, અન્નિકાપુત્ર, ભદ્રબાહુ, ધર્મઘોષ, અભયઘોષ, વિદ્યુચ્ચર, ચિલાતપુત્ર વગેરેની પરંપરાગત કથાઓ ઉદાહરણરૂપે આપવામાં આવી છે. ‘વિજહન’ નામના ચાલીસમા અધિકારમાં મુનિના શબના સંસ્કારનું વિસ્તૃત વર્ણન છે. અહીં મુખ્યત્વે મુનિધર્મના આચાર-વિચારનું નિરૂપણ હોવા છતાં કેટલીક વિગતો દિગમ્બર મુનિના આચાર-વિચારથી વિરુદ્ધ છે; જેમ કે, માંદા મુનિઓ માટે અન્ય મુનિ ગોચરી લાવે વગેરે.
‘ભગવતી આરાધના’ પર અનેકાનેક સંસ્કૃત-પ્રાકૃત ટીકાઓ લખાઈ છે. જેમાં અપરાજિતસૂરિરચિત ‘વિજયોદયા અપરનામ આરાધના’ ટીકા, પંડિત આશાધરકૃત ‘મૂલારાધનાદર્પણ’, અજ્ઞાતકર્તૃક ‘આરાધનાપંજિકા’ ટીકા તેમજ ‘ભાવાર્થદીપિકા’નો સમાવેશ થાય છે. માથુરસંઘીય અમિતગતિએ ‘ભગવતી આરાધના’નો સંસ્કૃત પદ્યાનુવાદ કર્યો છે. પંડિત સદાસુખ કાશલીવાલકૃત ‘ભાષા વચનિકા’ નામની ટીકા પણ મળે છે. આ સિવાય બીજી ટીકાઓ પણ છે.
સલોની નટવરલાલ જોશી