ભગત, કહળસંગ (જ. 1843; અ. 21 જાન્યુઆરી 1894, સમઢિયાળા); ગંગાસતી (જ.?; અ. 15 માર્ચ 1894, સમઢિયાળા); પાનબાઈ (જ. ?; અ. 19 માર્ચ 1894, સમઢિયાળા) : જાતિ કે વર્ણના ભેદભાવ વગર જીવન જીવી અનન્ય ભક્તિથી પરમતત્વની અનુભૂતિ કરનાર, સૌરાષ્ટ્રની સંતત્રિપુટી. સંતભક્ત કવિ કહળસંગ, કવયિત્રી ગંગાસતી અને તેમનાં પરમ શિષ્યા પાનબાઈની જગ્યા અને સમાધિનું સ્થળ સમઢિયાળા(તા. ઉમરાળા, જિ. ભાવનગર)માં છે. કહળસંગના પિતા કલભા ઉર્ફે કલાજી ગોહિલ અને માતા વખતુબા. તેમના ઉછેરમાં ધર્મના સંસ્કારોનું સિંચન. શિક્ષણ ઘરઆંગણે. કહળસંગ શિકારના ભારે શોખીન હતા; પરંતુ અવધૂત યોગી રામેતવનના ઉપદેશથી પશુપંખીની હિંસા નહિ કરવાનું વ્રત લીધું. ભોજા ભગત અને ગંગાસતી યોગી રામેતવનનાં પ્રીતિપાત્ર હતાં. કહળસંગ ભગત હનુમાનજીની પૂજા માટે 22 કિમી.નો લાંબો પંથ પગપાળા કાપતા.

ભાઈબહેનોમાં ગંગાબા સૌથી મોટાં. પિતા ભાઈજીભી સરવૈયા અને માતા રૂપાળીબા. બાળપણથી ધર્માભિમુખ. અનુશ્રુતિ મુજબ તેમણે રોપેલો લીમડો આજે પણ તેમના વતન રાજપરા(તા. પાલિતાણા)માં હયાત છે. તેમનો સંબંધ કહળસંગ સાથે ધામધૂમથી જાહેર થયો.

પઢિયાર શાખાના હમીરભાઈ ખવાસનાં દીકરી પાનબાઈ અને ગંગાબા લગભગ સરખી ઉંમરનાં. ગંગાબાનું લગ્ન કહળસંગ સાથે 1864માં થયું ત્યારે પાનબાઈ વડારણ તરીકે તેમની સાથે ગયાં. પાનબાઈ બધો વખત ગંગાબાની સાથે રહેતાં હોવાથી તેઓ ગંગાસતીનાં પૂત્રવધૂ હોવાની ભ્રામક માન્યતા ફેલાઈ છે, પરંતુ ગંગાબાને તો કેવળ બે પુત્રીઓ જ હતી :  રાજબા (જ. 1866) અને હરિબા (જ. 1868).

ગંગાબા પતિને પરમેશ્વર માનતાં અને તેમનું ચરણામૃત લીધા પછી જળ કે અન્ન ગ્રહણ કરતાં. તેમનો પહેરવેશ સાદો રહેતો. પાનબાઈ રોજબરોજના પ્રત્યેક કાર્યમાં તેમની મદદમાં રહેતાં. ગંગાબા બધાંયને માટે રસોઈ કરતાં. તેમને ત્યાં સાધુસંતોની અવરજવર રહેતી અને તેથી સત્સંગનું વાતાવરણ હરહંમેશ રહેતું.

કહળસંગ ભગતબાપુ તરીકે ઓળખાવા લાગ્યા. રાજપરામાં પાટિયામાં રંધાઈ રહેલા સસલાને બદલે ભગતબાપુના પરચાથી ચોખા નીકળ્યા હતા તેવી લોકમાન્યતા છે. ગંગાબાના હાથે વાવવામાં આવેલ લીમડીના મૂળમાં હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. રાણપરડાના અમરાજીએ ભગત કહળસંગ અને ગંગાબાને બોલાવીને સત્કાર કરેલો અને બંનેનાં ચરણકમળની છાપ મેળવેલી જે જળવાઈ છે. તેમને ત્યાં ભગતબાપુને હાથે પ્રસાદીરૂપે મળેલી રૂપાની કુંડળીવાળી સીસમની છડી તથા એક માળા પણ સચવાયેલી છે.

ગંગાબાની માન્યતા હતી કે ઉચ્ચ ભૂમિકાની પ્રાપ્તિ સાથે આવતી આનુષંગિક સિદ્ધિ કે શક્તિની જાહેરાત જેટલી ગુપ્ત રહે તેટલું સારું. તે જાહેર થાય તો લક્ષ્યને પહોંચવામાં રુકાવટ ઊભી થાય છે. ભગતબાપુ કહળસંગ સમઢિયાળા ગામની બહાર વાડીમાં ઝૂંપડી બનાવી રહેવા લાગ્યા. સાથે ગંગાબા અને પાનબાઈ હતાં. જોકે ભગતબાપુનાં માસીબાએ ભાવનગરથી બાર ઓરડા થાય તેટલો કાટમાળ ગાડાં ભરાવી સમઢિયાળા મોકલેલ. સંતત્રિપુટીએ શેષ જીવન આ ઓરડામાં રહીને અલખની આરાધનામાં વ્યતીત કરેલ. આ ઓરડાઓ તથા રામજીમંદિર હાલ હયાત નથી.

ભગતબાપુ, ગંગામા અને પાનબાઈનાં ભજનો જાળવી રાખવામાં તથા તેના પ્રચાર અને પ્રસારમાં પીપરાળી ગામના હરિજન સાધુ ભૂદરદાસ તથા તેમના વારસોનો ફાળો મહત્વનો છે. તેઓ વાડીના સાધુ તરીકે ઓળખાતા. 1948માં હરિજનવાસ પૂરમાં ડૂબી જતાં ભજનસંગ્રહ પણ નાશ પામ્યો હોવાનું મનાય છે.

ઈશ્વરે આપેલ સિદ્ધિનો ઉપયોગ અહંભાવના એક અંશને પોષતો લાગતાં તેના પ્રાયશ્ચિત્ત રૂપે ત્રણ દિવસ એકાંત સેવી ભગત કહળસંગે સમાધિ લેવાનો નિશ્ચય કર્યો. તેમણે ગંગાસતી ને પાનબાઈ પૂર્ણતાની અવસ્થાએ પહોંચે તે બાદ જ સમાધિ લેવાનું વેણ કહ્યું. પાનબાઈએ આ બધું સાંભળ્યું અને કહ્યું કે બાઈજીના ચીંધ્યા માર્ગે ચાલવામાં પોતે પુરુષાર્થ, સંયમ અને ત્યાગની કોઈ કમી નહિ રાખે.

ભગતબાપુએ પોતે સમાધિ લેવાના છે તેવો સંદેશો સૌને પાઠવ્યો. પૂજા, અર્ચના, જપ, સાધના, રોજબરોજના નિયમ, વ્રત, ધ્યાન પૂર્ણ સ્વસ્થતાથી આટોપ્યાં. તેમણે વાડીમાં પ્રસન્નચિત્તે પદ્માસન વાળીને સમાધિ લીધી. કહે છે કે અગ્નિસંસ્કાર વખતે ભગતબાપુની જમણી ભુજા ઊછળીને ચિતા બહાર પડી હતી. તેને સમાધિસ્થાને મૂકવામાં આવી. એવી પણ માન્યતા છે કે સમાધિ બાદ તેમણે પોતાનાં મોટાં દીકરી રાજબાને અને કોઈ કોઈ ભક્તોને સદેહે દર્શન દીધાં હતાં.

ભગતબાપુએ સમાધિ લીધા બાદ તેના વળતા દિવસથી જ ગંગાસતી દરરોજ પ્રભાતે એક ભજન રચતાં અને તેનો મર્મ પાનબાઈને પૂરી રીતે સમજાવતાં. સતત 52 દિવસ સુધી 52 ભજનો રચ્યાં. તે ભજનોને ‘ગ્રામ ઉપનિષદ’ કહે છે. તેમાં યોગ, જ્ઞાન અને ભક્તિનાં ગહનતમ રહસ્યોની સમજણ છે. તે રહસ્યો પામવા પુરુષાર્થ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, નિરભિમાનીપણું, અભય, ગુરુમુખતા, જાગૃતિ, અભ્યાસ વગેરેની વિગતથી અને ઊંડાણથી ગંગાસતી પાનબાઈ આગળ છણાવટ કરે છે અને તેમને સિદ્ધિઓ મળે ત્યારે તેમાં કદાપિ અટવાઈ ન જવાય તે માટે પૂરી તકેદારી રાખવાનું સૂચવે છે.

આળસ કે પ્રમાદ વગર પાનબાઈ સર્વોચ્ચ ભૂમિકાએ પહોંચી ગયાં છે તેની ખાતરી થતાં ગંગાસતીએ તેમને ખોળામાં બેસાડી મસ્તક પર હાથ મૂકી ત્રિભુવનનાથનાં દર્શન કરાવ્યાં. આ કાર્ય પૂર્ણ થતાં ગંગાસતીએ સમાધિ લેવાનો નિશ્ચય જાહેર કર્યો. પાનબાઈ પૂર્ણતાએ પહોંચી ગયેલાં તેથી તેમને કોઈ અલગ આદેશ આપ્યો નહિ. નિશ્ચિત મુહૂર્તે સૌની વિદાય માગી, પદ્માસન વાળી તેઓ બેઠાં અને સમાધિસ્થ થયાં.

સંતત્રિપુટીનાં ભજનોમાં જ્ઞાન, ભક્તિ અને યોગનો ત્રિવેણીસંગમ છે. ગંગાસતીએ સમાધિ લીધા બાદ ત્રણ દિવસમાં ત્રણ ભજનની રચના કરી અને ત્યારપછી ભગતબાપુની વાડીમાં દીર્ઘ શ્વાસ લઈ, શ્વાસનિરોધ કરી, ચિત્ત સંકોરી, સમાધિપૂર્વક પાનબાઈએ દેહત્યાગ કર્યો. તેમની કોઈ અલગ સમાધિ નથી બંધાઈ, પરંતુ કહળસંગની જગ્યાના નામમાં તેમનો સમાવેશ થતાં આ જગ્યા સંયુક્ત રીતે સંતભક્ત કહળસંગ, ગંગાસતી અને પાનબાઈની જગ્યા તરીકે ઓળખાય છે.

વિ. પ્ર. ત્રિવેદી