ભગત, કૃત્તિકા કેશવલાલ

January, 2001

ભગત, કૃત્તિકા કેશવલાલ (જ. 3 સપ્ટેમ્બર 1983, સૂરત, ગુજરાત) : ગુજરાતનાં તરણસ્પર્ધક. ગાંધીનગર ખાતે સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ઉચ્ચ અભ્યાસ. 8 વર્ષની નાની વયથી જ સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત તરફથી તેમને તાલીમ-માર્ગદર્શન મળેલ.

1997માં ચેન્નાઈ ખાતે યોજાયેલ 22મી રાષ્ટ્રીય મહિલા તરણસ્પર્ધા 4 × 100 ફ્રીસ્ટાઇલ રિલે અને 4 × 100 મિડલે રિલેમાં વિજેતા બની 2 કાંસ્યચંદ્રક મેળવ્યા અને રાજ્ય તરફથી જુનિયર ઍવૉર્ડનાં વિજેતા બન્યાં.

ચોરવાડથી વેરાવળ સુધી 24 કિમી.ના અંતર માટે 1998માં યોજાયેલ અખિલ ભારત સમુદ્ર તરણસ્પર્ધામાં તેમણે સતત 4 કલાક, 34 મિનિટ અને 24 સેકંડમાં તે અંતર કાપીને તૃતીય સ્થાન મેળવી કાંસ્યચંદ્રક પ્રાપ્ત કરેલ. રાષ્ટ્રીય કક્ષાની 200 મીટર અને 800 મીટરની મુંબઈ, લુધિયાણા અને બરેલી ખાતે ખુલ્લા વિભાગની 2000ના વર્ષની આવી જ સ્પર્ધામાં વિજેતા બનીને તેમણે રૌપ્યચંદ્રક મેળવ્યો છે. એ રીતે તરણસ્પર્ધામાં તથા રાજ્યની જુનિયર વિભાગની 100 મીટર, 200 મીટર અને 400 મીટર ફ્રીસ્ટાઇલ રિલેમાં નવો આંક સ્થાપ્યો છે.

કૃત્તિકા કેશવલાલ ભગત

તેમની ખાસ સિદ્ધિઓમાં (1) ગુજરાત સ્ટેટ ઍક્વેટિક્સ– ચૅમ્પિયનશિપમાં (1996–98) બીજો ક્રમ; (2) ઑલ ઇન્ડિયા વીર સાવરકર સમુદ્ર તરણસ્પર્ધામાં (1997–98) ત્રીજો ક્રમ; (3) 22મા નૅશનલ સ્પૉટર્સ ફેસ્ટિવલ ફૉર વિમેન, ચેન્નાઈ(1997–98)માં 2 કાંસ્યચંદ્રક અને (4) નૅશનલ સ્કૂલ ઍક્વેટિક્સ ચૅમ્પિયનશિપ, નાસિક(1998–99)માં કાંસ્યચંદ્રક ઉલ્લેખનીય છે.

તેમને કુલ 51 સુવર્ણચંદ્રક, 69 રૌપ્યચંદ્રક અને 36 કાંસ્યચંદ્રકો મળ્યા છે. નાની વયે હાંસલ કરેલ આ સિદ્ધિઓ ધ્યાનમાં લઈને તેમને ગુજરાત રાજ્ય તરફથી 1999ના વર્ષનો રૂ. 20,000નો ‘જયદીપસિંહજી ઍવૉર્ડ’ આપવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા