ભક્તિભાવના : જગતના તમામ ધર્મોમાં ઇષ્ટદેવ પ્રત્યે સેવાતો ભક્તિભાવ. પૂજા, પ્રાર્થના, ભજન, કીર્તન અને જુદાં જુદાં વ્રતો તેમજ ઉત્સવો દ્વારા આ ભક્તિભાવને અભિવ્યક્ત કરવામાં આવે છે.

દરેક ધર્મમાં પોતપોતાના ઇષ્ટદેવ કે ઈશ્વરને દિવ્ય અને અલૌકિક તત્વ માનવામાં આવે છે. આ દિવ્ય અને અલૌકિક તત્વ આ જગતમાં પ્રત્યક્ષ રીતે દૃષ્ટિગોચર થતું નહિ હોવાથી તેની પ્રત્યક્ષ પૂજા-ઉપાસના કરવી હોય તો આ જગતના એક યા બીજા પદાર્થને ઇષ્ટદેવનું પ્રતીક માનીને એ પદાર્થની ઉપાસના કરવાનું આવશ્યક બને છે. આ રીતે ધર્મમાં મૂર્તિપૂજાને સ્થાન મળે છે. જગતના મોટા ભાગના ધર્મો ઇષ્ટદેવની મૂર્તિના વિધિસરના પૂજનનો મહિમા સ્વીકારે છે. જે ધર્મો મૂર્તિપૂજાનો વિરોધ કરે છે તેમાં પણ એક યા બીજા પ્રતીકનું અવલંબધ લેવામાં આવે જ છે. પંડિત સુખલાલજીએ યોગ્ય જ કહ્યું છે કે, ‘પરમાત્મ તત્વ એ તો ખરી રીતે વાણી અને મનને અગોચર જ છે, પણ આપણા જેવા અપૂર્ણ અધિકારીને માટે તે માર્ગ આગળ વધવાને, તેનું સ્મરણ પુષ્ટ કરવાને અનેક પ્રતીકો છે પછી ભલે તે પ્રતીકો કાષ્ટ, પાષાણ કે ધાતુનાં મૂર્ત રૂપ હોય અગર કલ્પના કે જયસ્વરૂપ માનસિક ને અમૂર્ત હોય, આખરે તો એ બધાં મૂર્ત-અમૂર્ત પ્રતીકો જ છે.’ વળી ડૉ. રાધાકૃષ્ણન્ કહે છે તેમ, ‘જુદાં જુદાં પ્રતીકો ઈશ્વરના સાચા સ્વરૂપથી ભલે ગમે તેટલાં દૂર છતાં, માણસના અંતરમાં ઊંચી કોટિના આધ્યાત્મિક ભાવો ભરે છે ને એ ભાવે પોષે છે.’ આથી જગતના તમામ ધર્મોમાં કોઈ ને કોઈ પ્રતીકના અવલંબન વડે પરમતત્વની ભક્તિ કરીને એ તત્વને પામવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અખાનું કથન છે કે ‘સુતર આવે ત્યમ તું રહે જેમ તેમ કહીને હરિને લહે.’

આમ, જુદા જુદા સાધકોની રુચિ અને સંયોગોને અનુલક્ષીને જુદા જુદા ધર્મોમાં જુદી જુદી રીતે ઇષ્ટદેવની ભક્તિ કરવામાં આવે છે; પણ ગમે તે રીતે ‘હરીને લહી’ શકાય એ જ બધા ધર્મોનો આશય હોય છે.

પ્રવીણચંદ્ર પરીખ