ભક્તિબા (જ. 16 ઑગસ્ટ, 1899 લીંબડી; અ. 14 માર્ચ 1994, વસો) : આઝાદીના આંદોલનમાં તેમજ સામાજિક અન્યાય અને ગરીબી દૂર કરવાની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કાર્ય કરનાર અગ્રણી રાષ્ટ્રસેવિકા. લીંબડીના દીવાન શ્રી ઝવેરભાઈ અમીનનાં પુત્રી હોવા છતાં સાદાઈ અને સ્વાવલંબી જીવન વિતાવ્યું. એમનાં માતા શ્રી દિવાળીબા પાસેથી એમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો સાંપડ્યા હતા. ઈ. સ. 1913માં વસોના દરબાર ગોપાળદાસની સાથે એમનાં લગ્ન થયાં. તેઓ દરબારસાહેબને અનુકૂળ થઈને જ રહેતાં. દરબારસાહેબની નીતિ લોકમાનસને સમજી તેમના પ્રશ્ર્નોમાં રસ લઈ તેનો ઉકેલ લાવવાની હતી. તેમાં ભક્તિબા ખૂબ મદદગાર રહ્યાં. પાટીદાર કોમમાં ઘણા કુરિવાજો સામે ઝઝૂમ્યાં. સમાજસુધારણાના ક્ષેત્રે પ્રારંભ પોતાનાથી જ કરવાની રીત એમણે અજમાવી હતી. ભક્તિબાએ ધીરજ, કુશળતા અને અત્યંત પ્રેમથી દરબાર સાહેબને દારૂનું વ્યસન છોડાવ્યું. કવિ ન્હાનાલાલ ચોપાટ રમવા આવતા ત્યારે તેમને ટકોર કરી કે આટલા કલાક કોઈ સારી કથાવાર્તા, ઉપયોગી કાવ્યો ગાવામાં કે ઇતિહાસની સારી વાતો કહેવામાં પસાર કરો તો શું ખોટું ? આમ ભક્તિબા શાંતિ અને ધીરજથી કામ લેતાં.

દરબાર ગોપાળદાસની સાથે આઝાદીની લડતમાં ખભેખભા મિલાવીને કામ કર્યું. આણંદ, બોરસદ અને નડિયાદની સત્યાગ્રહની છાવણીમાં રહ્યાં. નાગપુર ઝંડા સત્યાગ્રહ, મીઠાના સત્યાગ્રહ, હૈડિયાવેરાની લડત, બારડોલી કરયુદ્ધ જેવી પ્રવૃત્તિમાં દરબારસાહેબ અને ભક્તિબા મોખરે જ હોય. મહાત્મા ગાંધીજીની વિચારધારામાં દૃઢ શ્રદ્ધા રાખીને રાષ્ટ્રસેવાનું ઉદાહરણીય દૃષ્ટાંત પ્રજા સમક્ષ મૂક્યું. 1942ની આઝાદીની લડત પછી જેલવાસ બાદ દરબારદંપતી સૌરાષ્ટ્રમાં આપ્યાં અને રાજકોટને પોતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવીને પ્રજા સાથે વાત્સલ્ય અને પ્રેમથી સમરસ બની ગયાં.

રાજકોટનું શ્રી પૂતળીબા ઉદ્યોગમંદિર, વલ્લભ કન્યા કેળવણી મંડળ તથા નડિયાદનું વિઠ્ઠલ કન્યા વિદ્યાલય ભક્તિબાના માર્ગદર્શનથી તૈયાર થયું. રાજકીય ક્ષેત્ર ઉપરાંત સામાજિક, શૈક્ષણિક, આર્થિક વગેરે પ્રશ્નોમાં સક્રિય કામગીરી બજાવી અને ખેડા જિલ્લા સ્કૂલ બૉર્ડના અધ્યક્ષ તરીકે આગવી પ્રતિભા ઉપસાવી. એમના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યકરોએ શિક્ષણને વ્યાપક બનાવ્યું અને સાથોસાથ રાષ્ટ્રપ્રેમ અને ઉચ્ચ મૂલ્યોનો આગ્રહ સેવ્યો. 1951માં દરબારસાહેબના મૃત્યુ પછી પણ જે સંસ્થાઓમાં સેવા અર્પણ કરી તેની પોતાનાથી બને તેટલી તન, મન, ધનથી સેવા કરવાનો તેમનો સંકલ્પ તેમણે ટકાવી રાખ્યો. 1954માં આફ્રિકામાં સાતેક મહિનાનો પ્રવાસ કરીને સાડાત્રણ લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું. ભક્તિબાનો જીવનમંત્ર માનવસેવાનો હતો એથી લોકો પાસેથી શિક્ષણના કાર્ય માટે દાન માગવાનું એક ધર્મકાર્ય છે એમ માનતાં.

રાજકોટના નિવાસ દરમિયાન ભક્તિબા મોટેભાગે સૌરાષ્ટ્રના નવા રાજકીય વાતાવરણમાં પ્રેરણામૂર્તિ બની બધા કાર્યકરોને આવકારી, ભાવથી સ્વાગત કરી, સહાનુભૂતિ અને રાષ્ટ્રપ્રેમની હૂંફ પ્રગટાવી પોતાના આતિથ્યનો લાભ આપતાં રહ્યાં. રાજકોટનાં સૅનેટૉરિયમમાં ભક્તિબા સહુનાં બા બનીને બધો વ્યવહાર ચલાવતાં. ઢેબરભાઈ પોતાને દરબારસાહેબના છઠ્ઠા પુત્ર તરીકે ઓળખાતા હતા.

1954ના નવેમ્બરમાં શ્રી ઢેબરભાઈ કૉંગ્રેસના પ્રમુખ બન્યા એટલે તેમનું મથક દિલ્હી થયું. ભક્તિબા પણ તેમની સંભાળ લેવા દિલ્હી ગયાં. ‘આપણે લાખોને મદદરૂપ થઈ શકીએ એવી આપણી સ્થિતિ નથી. પરંતુ લાખોને માટે કામ કરનાર વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ તો લાખોને સાચવ્યા બરાબર છે’. આ એમનું ભક્તિસૂત્ર હતું. એમનું જીવન અનેકને માટે હૂંફ અને પ્રેરણાનું સ્થાન બની રહ્યું હતું. જીવનભર હોદ્દો, સ્થાન કે માનનો વિચાર કર્યા વિના સર્વ ક્ષેત્રોમાં નિષ્કામ કર્મયોગી ભક્તિબાએ રાષ્ટ્રસેવા કરી.

પ્રીતિ શાહ