બ્લૉક, એલેકસાંદર એલેકસાંદ્રોવિચ (જ. 28 નવેમ્બર 1880, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 7 ઑગસ્ટ 1921, સેંટ પીટર્સબર્ગ) : રશિયન કવિ અને નાટ્યકાર. પ્રતીકવાદના પ્રમુખ પુરસ્કર્તા.
યુરોપની આ ચળવળને રશિયન બીબામાં ઢાળનાર, ઉમરાવ કુટુંબના નબીરા. જોકે એમના અંતરાત્માના અવાજને અનુસરી આ ગ્રંથિમાંથી તેઓ વહેલા મુક્ત થઈ ગયા હતા. પિતા કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક અને સેંટ પીટર્સબર્ગ યુનિવર્સિટીના રેક્ટર. કલારસિક માતા આદર્શવાદી હતાં, છતાં પરસ્પર મનમેળ ન રહેવાને લીધે સ્વેચ્છાએ બંને છૂટાં પડી ગયાં હતાં. 1903માં બ્લૉકનું લગ્ન રસાયણશાસ્ત્રીની પુત્રી લ્યુબૉ મેન્દેલેયેવા સાથે થયું. બંનેને સૌંદર્યશાસ્ત્ર અને ધાર્મિક ચિંતનમાં રસ. કહે છે કે બ્લૉકે પાંચ વર્ષની વયથી કલમ પર હાથ ચલાવેલો. પુશ્કિન અને વ્લાદિમિર સોલોવયોવની વિચારધારાને પોતાની કવિતામાં મઢી હતી. ધ્વનિ અને સંગીત તેમની બાનીમાં સતત નીતરે છે.
પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્તિખિ ઓ પ્રેક્રાસ્નોય દામ’(વર્સિઝ અબાઉટ ધ બ્યૂટીફૂલ લેડી)(1904)માં પ્લેટૉનિક પ્રેમનો મહિમા કરવામાં આવ્યો છે. આ કાવ્યો પાછળથી તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયેલ મેન્દેલેયવાને ઉદ્દેશીને લખાયાં છે. એક અજાણી અને સુંદર સ્ત્રી તરીકે તેમની કવિતામાં તે વારંવાર દેખા દે છે, જેનું છેલ્લું સ્વરૂપ માતૃભૂમિ મૉસ્કોમાં રૂપાંતર પામે છે. ‘ગૉરોડ’ (ધ સિટી) (1904–8) અને ‘સ્નેઝનાયા માસ્કા’ (માસ્ક ઑવ્ સ્નો) (1907) ધર્મચિંતનનું નિરૂપણ કરતાં કાવ્યો છે. બૉલ્શેવિક ક્રાંતિ નવનિર્માણ લાવશે તેવી એમની આશા ઠગારી નીવડી. કવિનો ભ્રમ ભાંગીને ભૂકો થઈ ગયો. એમના મિત્રો અને બૉલ્શેવિકો એમને છોડીને ચાલ્યા ગયા. કવિ હવે એકલા પડી ગયા. ભરયુવાનીમાં એકતાલીસમા વર્ષે થયેલા તેમના અકાળ મૃત્યુનું કારણ આ તો નહિ હોય ? ‘રિટાલિયેશન’ (1910) તેમનું દીર્ઘ કાવ્ય છે. અહીં રશિયાની ઝારશાહીના પતનની પશ્ચાદભૂમિમાં કવિ અને એમના પિતાના સ્વાનુભવની વાત ચિંતન તરીકે પ્રગટે છે. એમની સર્વોતમ કૃતિ ‘ધ ટ્વેલ્વ’ (1918) છે. આ બાર જણ રાત્રીએ આગળ વધતા વૅંગાર્ડ્ઝ – સૈનિકો છે. ક્રાંતિના ઉન્માદની આ હિંસક કૂચ છે. તેઓ જે કોઈ હડફેટમાં આવ્યા તે બુઝર્વાની કતલ કરે છે અને તેમની પત્નીઓ અને પુત્રીઓનાં શિયળ લૂંટે છે. જોકે અંતે ઈશુ તેમને સાચો રાહ ચીંધે છે. આ કાવ્યની ખૂબી તેના ચિંતન કરતાં પણ વિશેષ તેના પ્રાસાનુપ્રાસવાળા છંદોલયને લીધે છે. ‘વૉઝમેઝદિયે’ (1910–21) એટલે કે વેરની વસૂલાત કાવ્ય પૂરું ન થયું તે ન જ થયું. પોતાની પેઢી માટે આવનાર સર્વનાશની તેમાં એંધાણી છે. ‘રોડિના’ (હોમલૅંડ) (1907–16) અને ‘સ્કિફાય’ (સિથિયન્સ) (1918) નવી દુનિયાની વ્યવસ્થા માટેના ભાવિ તારણહારનો મહિમા ગાય છે. નાટ્યકવિતા(dramatic verse)નાં તે ઉત્તમ ર્દષ્ટાંતો છે. ‘સિથિયન્સ’માં એશિયા અને યુરોપની બે તદ્દન વિભિન્ન સંસ્કૃતિઓની રજૂઆત છે. ગુજરાતી ખંડકાવ્યની જેમ અહીં ભાવ પ્રમાણે છંદ બદલાય છે. બૉલ્શેવિક ક્રાંતિ પછીના સાહિત્ય માટે સૌને મંત્રમુગ્ધ કરનાર આ કૃતિઓ છે. ‘ધ પપેટ શો’ (1907) પદ્યનાટક છે. સુંદર સ્ત્રીની પાછળ ભમતા કવિના આંતરમન પરત્વે અહીં માર્મિક કટાક્ષ છે. ‘ધ રોઝ ઍન્ડ ધ ક્રૉસ’ (1913) રોમૅન્ટિક શૈલીનું પદ્યનાટક છે.
વિ. પ્ર. ત્રિવેદી