બ્લૉક, કૉન્રાડ (Bloch, Konrad) [જ. 21 જાન્યુઆરી, 1912, નિસે (Neisse), જર્મની (હાલ પોલૅન્ડ)] : ઈ. સ. 1964માં ફિયોદૉકર લિનેન સાથેના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના વિજેતા.

કૉન્રાડ બ્લૉક

ઈ. સ. 1934માં મ્યુનિખમાંથી એન્જિનિયરિંગની પદવી હાંસલ કરીને તેઓ પ્રથમ સ્વિટ્ઝર્લૅન્ડ અને પછી યુ.એસ. ગયા. ત્યાં કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પીએચ.ડી. થયા અને હાર્વર્ડ ખાતે જૈવરરસાયણવિદ્યાના પ્રાધ્યાપક નિમાયા. તેમણે અસંતૃપ્ત મેદામ્લો (unsaturated fatty acids) પર અભ્યાસ કરીને ડેવિડ રિટેન્બર્ગ સાથે એસેટિક ઍસિડનું કોલેસ્ટેરૉલના સંશ્લેષણમાંનું મહત્વ શોધી કાઢ્યું. તેમણે લિનેન સાથે પ્રયોગો અને અભ્યાસ કરીને એસેટિક ઍસિડના અણુઓનાં સંયોજનોથી પ્રથમ નાના અને પછી મોટા એકમોની બનાવટ શોધી, જેમાંથી કોલેસ્ટેરૉલ બને છે. કોલેસ્ટેરૉલની ક્રિયાપ્રવિધિ અને નિયમન તથા મેદામ્લોના ચયાપચય પરનાં તેમનાં  સંશોધનોએ તેમને આ સન્માન અપાવ્યું.

શિલીન નં. શુક્લ